કાશ: યાદેં, વાદેં, આવાજ દેતે ના કાશ

22 January, 2022 09:06 AM IST  |  Mumbai | Raj Goswami

જીવનના એ તબક્કે ડિમ્પલ તેના બે ધ્રૂજતા પગ પર ઊભા રહેવા મથી રહી હતી. તેના માથે સ્ટારડમનો બોજ હતો અને તેને આ પાપી દુનિયામાં જાતને સંભાળવાની હતી. ‘કાશ’ બનાવતી વખતે મેં જોયું હતું કે તે પોતાની જગ્યા બનાવવા માટે દૃઢનિશ્ચયી હતી: મહેશ ભટ્ટ

ફિલ્મનો સીન

અમુક વ્યક્તિઓનું જીવન જ એવું હોય છે કે તે સાહિત્ય કે સિનેમાનો વિષય ન બને તો જ નવાઈ. એવું એક વ્યક્તિત્વ રાજેશ ખન્નાનું છે. હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટારનું અંગત અને વ્યાવસાયિક જીવન એટલા નાટ્યાત્મક ઉતાર-ચડાવથી ભરેલું છે કે એમાં તમને ઘણાં બધાં જીવન એકસાથે જીવાતાં હોય એવું લાગે. એટલા માટે ખન્નાનું જીવન પુસ્તકનો વિષય તો બન્યું જ હતું, હવે તેને પૂરા કદની ફિલ્મમાં મઢવાની ઘોષણા થઈ છે.
સમાચાર છે કે ઍક્ટર-પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદી (માય નેમ ઇસ ઍન્થની ગોન્સાલ્વિસ, વીરે દી વેડિંગ, દબંગ-3)એ ગૌતમ ચિંતામણિએ લખેલી રાજેશ ખન્નાની લોકપ્રિય બાયોગ્રાફી ‘ડાર્ક સ્ટાર ઃ ધ લોન્લીનેસ ઑફ બીઇંગ રાજેશ ખન્ના’ પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. સમાચાર અનુસાર કોરિયોગ્રાફર-નિર્દેશક ફારાહ ખાન સ્ક્રિપ્ટ લખશે અને એનું નિર્દેશન પણ કરશે. કલાકારોની પસંદગી હજી બાકી છે. 
એવા પણ એક સમાચાર છે કે ફિલ્મસર્જક ખુશ્બૂ સિંહા અને સમીર કાર્તિક પણ ખન્નાની બાયોપિક પર કામ કરી રહ્યાં છે. તેમણે યાસર ઉસ્માનની બાયોગ્રાફી ‘રાજેશ ખન્ના ઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઇન્ડિયા’ઝ ફર્સ્ટ સુપરસ્ટાર’ના હક ખરીદ્યા છે. અત્યારે એનું સ્ક્રિપ્ટનું કામ ચાલે છે અને આ વર્ષના અંત સુધીમાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને ટેક્નિલ ટીમ નક્કી થઈ જશે. 
ગુરુ દત્તની જેમ રાજેશ ખન્નાના જીવનમાં ફિલ્મસર્જકોની આવનારી ઘણી પેઢીઓને રસ પડતો રહેશે, પણ એક ફિલ્મસર્જક એવા પણ છે જેમને ખન્નાની હયાતીમાં જ તેના જીવનમાં રસ પડ્યો હતો. ૧૯૮૭માં આવેલી મહેશ ભટ્ટની ‘કાશ’ એકમાત્ર ફિલ્મ છે, જેની પ્રેરણા રાજેશ ખન્નાના જીવન પરથી લેવામાં આવી હતી. ખન્ના એટલો વગદાર સ્ટાર હતો કે તેની હયાતીમાં કદાચ કોઈની એવી હિંમત ચાલી નહોતી, પણ મહેશ ભટ્ટને એવા વગદાર સ્ટાર્સની ક્યારેય જરૂર પડતી નહોતી અને બીજું એ કે અસલી જીવન પરથી ફિલ્મો બનાવવાની તેમની ફિતરત જૂની હતી. 
કારકિર્દીની શરૂઆતમાં જ વિનોદ ખન્નાને લઈને ‘લહૂ કે દો રંગ’ બનાવી ચૂકેલા મહેશ ભટ્ટે ‘કાશ’ માટે પણ વિનોદની પસંદગી એટલા માટે જ કરી હતી કે તેના નામમાં ખન્ના અટક હતી, પરંતુ ફિલ્મનાં સૂચિત દૃશ્યો સાંભળ્યા પછી વિનોદે રાજેશ ખન્ના પ્રત્યેના સન્માનભાવને કારણે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એ પછી એમાં જૅકી શ્રોફને કાસ્ટ કરવામાં આવ્યો હતો. 
વિનોદ ખન્નાને રાજેશની નારાજગી વહોરવાની બીક લાગી એનું એક કારણ ફિલ્મની હિરોઇન ડિમ્પલ કાપડિયા હતી. મહેશ ભટ્ટે સુપરસ્ટારની જિંદગી પરથી ફિલ્મની પ્રેરણા તો લીધી જ હતી, સુપરસ્ટારની પત્નીને પણ એમાં કાસ્ટ કરી હતી. ડિમ્પલની ત્યારે ફિલ્મોમાં બીજી ઇનિંગ્સ ચાલતી હતી. ખન્ના સાથે લગ્નનાં સંઘર્ષરત ૧૦ વર્ષ પછી તેણે ફિલ્મોમાં વાપસી કરી હતી અને તેને એક રૂપાળી ઍક્ટ્રેસથી પણ વધુ કંઈક હોવાનું પુરવાર કરવું હતું.
અર્થપૂર્ણ ફિલ્મો કરવાની ડિમ્પલની તમન્ના પૂરી કરવા માટે મહેશ ભટ્ટે તેને ‘કાશ’ ઑફર કરી હતી અને ડિમ્પલે એ તક ઝડપી લીધી હતી. ‘કાશ’ ભલે એક સુપરસ્ટારની નિષ્ફળતાની વાત કહેતી હોય, અસલમાં તે ઘર-પરિવાર ચલાવવા માટે પતિના પડછાયામાંથી બહાર નીકળીને વ્યાવસાયિક સ્ત્રી બનતી પત્નીની કહાની હતી. મહેશ ભટ્ટની ફિલ્મોની સ્ત્રીઓ મજબૂત અને સ્વતંત્ર હોય છે. ‘કાશ’માં ભટ્ટની સહાનુભૂતિ ફિલ્મની હિરોઇન તરફ છે. એક નાકામ અને દુખી લગ્નજીવનમાં ફસાઈ ગયેલી અને એમાંથી ઊગરવાનો પ્રયાસ કરતી પત્નીના રૂપમાં મહેશ ભટ્ટે ડિમ્પલ પાસેથી કાળજું વલોવાઈ જાય એવો અભિનય કરાવ્યો હતો. 
એક જગ્યાએ મહેશ ભટ્ટ લખે છે, ‘દર્શકોને (‘બૉબી’માં) એક પરીનો હજી પરિચય જ થયો હતો, ત્યાં તો તે રાજા (રાજેશ ખન્ના)ની જાગીરમાં અદૃશ્ય થઈ ગઈ. તેના દરવાજા રાજાએ જ ખોલ્યા હતા અને પછી એવી સખત રીતે બંધ કરી દીધા કે એક દાયકા સુધી એ પરી દુનિયાને જોવા જ ન મળી. ડિમ્પલ કચકડાની સ્મૃતિમાં રહી ગઈ હતી. એક દિવસ, એ કિલ્લાની તૂટેલી દીવાલમાંથી વેદનાની વાર્તાઓ બહાર ટપકવા લાગી. ખબર 
પડી કે પરી જખમ‌ી હતી. ડિમ્પલનું દિલ તૂટેલું હતું અને ભાવનાઓ લહીલુહાણ હતી.’
ભટ્ટ તેની વાપસીની પહેલી ફિલ્મ રમેશ સિપ્પીની ‘સાગર’ને ડિમ્પલની દૃષ્ટિએ નબળી ફિલ્મ માને છે. તેનામાંથી ‘બૉબી’નો જાદુ ગાયબ થઈ ગયો હતો. એ પછી ‘કાશ’ આવી. ભટ્ટ લખે છે, ‘જીવનના એ તબક્કે ડિમ્પલ તેના બે ધ્રૂજતા પગ પર ઊભા રહેવા મથી રહી હતી, કારણ કે તે લગ્નમાંથી બહાર આવી ગઈ હતી. તેના માથે સ્ટારડમનો બોજ હતો અને તેને આ પાપી દુનિયામાં જાતને સંભાળવાની હતી. ‘કાશ’ બનાવતી વખતે મેં જોયું હતું કે તે પોતાની જગ્યા બનાવવા માટે દૃઢનિશ્ચયી હતી.’
‘કાશ’ તેના ખુદના જીવનની ઘણી નજીક હતી. એમાં એક શરાબી સુપરસ્ટારના તૂટેલા ઘરના જખમોની વાત હતી. આ ફિલ્મનો આઇડિયા તેનો જ હતો. ભટ્ટ કહે છે, ‘તેણે જ નિર્માતાને તૈયાર કર્યા હતા અને નિર્માતાએ મારો સંપર્ક કર્યો હતો. શૂટિંગ દરમ્યાન મને અજીબ અહેસાસ થતો હતો કે ડિમ્પલને તેની ક્ષમતામાં ભરોસો નથી. ઊંડે-ઊંડે તેને લાગતું હતું કે આ ભૂમિકા માટે તેનામાં ટૅલન્ટ નથી. તે સ્મિતા પાટીલ કે શબાના આઝમી તો નહોતી, પણ ઘણી સંનિષ્ઠ હતી અને અમુક દૃશ્યોમાં તો હૃદયદ્રાવક હતી.’ 
ફિલ્મની વાર્તા આવી હતી ઃ લોકપ્રિય ફિલ્મ-ઍક્ટર રિતેશ (જૅકી શ્રોફ) તેની પત્ની પૂજા (ડિમ્પલ) અને ૭ વર્ષના દીકરા રોમી (માસ્ટર મકરંદ) સાથે રઈસ જેવું જીવન જીવે છે. અચાનક ફિલ્મોની ઉપરાછાપરી નિષ્ફળતાથી તેની કારકિર્દી ડગમગવા માંડે છે અને ખુદની બનાવેલી ફિલ્મો પણ ધોવાઈ જતાં તેણે સંપત્ત‌િ વેચવી પડે છે. 
નિષ્ફળતાનો આઘાત સહન ન થતાં રિતેશ જાતને શરાબમાં ડુબાડી દે છે. ઘર સંભાળવા માટે પૂજા નોકરી કરવા માંડે છે. રિતેશથી એ વાત સહન થતી નથી. નોકરીમાં એક માણસ પૂજાની સતામણી કરે છે, તો આલોક (અનુપમ ખેર) નામનો બિઝનેસમૅન તેને બચાવે છે. તે પૂજાને નોકરી આપે છે અને તેનો હમદર્દ બને છે. રિતેશ શંકા કરે છે કે પૂજાને આલોક સાથે સંબંધ છે અને ગુસ્સામાં આવી જઈને પૂજા પર હાથ ઉપાડે છે. 
પૂજા ઘર છોડી દે છે. તે રિતેશને કહે છે કે ‘મારે કોઈની પત્ની કે મમ્મી બનીને નથી રહેવું, મારે ખુદની આઇડેન્ટિટી જોઈએ છે.’ તે કહે છે કે ‘જે દિવસે હું દીકરાની સાર-સંભાળ રાખવા સક્ષમ થઈ જઈશ એ દિવસે હું તેની કસ્ટડી માટે કોર્ટમાં જઈશ.’ અહંકારી રિતેશ વધુ ને વધુ દારૂ પીવા માંડે છે, જુગાર રમે છે અને નાની-નાની વાતોમાં લડાઈ-ઝઘડા કરતો રહે છે. 
એક દુકાનદારને માર મારવા બદલ તેની ધરપકડ થાય છે. પૂજા રોમીની કસ્ટડી માટે કોર્ટે ચડે છે. કોર્ટ પૂછે છે એટલે રોમી પપ્પા સાથે રહેવાનું પસંદ કરે છે. કોર્ટ પૂજાને દર અઠવાડિયે રોમીને મળવાની છૂટ આપે છે. નસીબની બલિહારી એવી કે એ સમયે ખબર પડે છે કે જેની કસ્ટડી માટે તેઓ લડી-ઝઘડી રહ્યાં છે તે રોમીને મગજનું કૅન્સર છે અને તે ચાર જ મહિનાનો મહેમાન છે. અચાનક આવી પડેલા આ સંકટને પહોંચી વળવા રિતેશ અને પૂજા તેમના કકળાટને ભૂલીને રોમીને સુખી કરવા માટે ભેગાં થાય છે.  
મેલોડ્રામાના ઓવરડોઝને કારણે ‘કાશ’ દર્શકો પર યાદગાર છાપ છોડી ન શકી, બાકી ત્રણ સંવેદનશીલ બાબતોમાં આ ફિલ્મ ઘણી અર્થપૂર્ણ હતી; એક, એ એક સુપરસ્ટારના જીવનની ચકાચૌંધ પાછળની અસલિયતને ઉજાગર કરતી હતી. બે, એમાં એક સ્ત્રીના સશક્તીકરણનો તાકતવર સંદેશ હતો અને ત્રણ, એમાં બે તૂટેલાં જીવનને જોડવાનું કામ મૃત્યુ કરે છે એ વાત નવી હતી. 
હિન્દી સિનેમામાં ગણતરીની ફિલ્મોમાં મૃત્યુ જેવા સંવેદનશીલ વિષયને છેડવામાં આવ્યો છે. ખુદ રાજેશ ખન્નાએ હૃષીકેશ મુખરજીની ‘આનંદ’ ફિલ્મમાં એક એક એવો હીરો આપ્યો હતો જે ખુશી-ખુશી મૃત્યુનો સામનો કરવા તૈયાર છે. ખન્નાની જ ‘સફર’ ફિલ્મમાં પણ લાઇલાજ કૅન્સરની વાત હતી. હૃષીકેશ મુખરજીએ જયા-અમિતાભની ‘મિલી’માં પણ મૃત્યુની નિશ્ચિતતાનો વિષય છેડ્યો હતો.
આ બધી ફિલ્મોમાં વયસ્ક લોકોના સંઘર્ષની વાત હતી. મહેશ ભટ્ટે ‘કાશ’માં એક બાળકના જીવનની અનિવાર્ય સમાપ્તિના પરિપ્રેક્ષ્યથી વયસ્કોનાં જીવનને જોવાનો પ્રયાસ કર્યો હતો. ‘કાશ’માં લાંબું જીવનારા વયસ્ક લોકો બાળક જેવો વ્યવહાર કરે છે અને જેને વહેલા વિદાય લેવાની છે તે બાળક વયસ્ક હોવાની જવાબદારી નિભાવે છે. માસ્ટર માર્કંડે ફિલ્મમાં આત્મવિશ્વાસથી ભરપૂર અને વિવેકશીલ બાળકની ભૂમિકા બખૂબી નિભાવી હતી. ફિલ્મમાં જૅકી, ડિમ્પલ અને માર્કંડેએ દર્શકોનું કલેજું હાથમાં આવી જાય એવો અભિનય કર્યો હતો. 
‘કાશ’ કિશોરકુમારની છેલ્લી પૈકીની એક ફિલ્મ છે. ફિલ્મ રિલીઝ થયાના મહિનામાં કિશોરકુમારનું અવસાન થઈ ગયું હતું. એમાં બે ગીતો યાદગાર હતાં; ‘બાદ મુદ્દત કે’ અને ‘ઓ યારા તુ 
પ્યારોં સે પ્યારા.’ બીજું ગીત બાળક માટે હતું, જ્યારે પહેલા ગીતમાં બે વયસ્કોની કશમકશ હતી. રાજેશ રોશનના કર્ણપ્રિય સંગીતમાં ગીતકાર ફારુક કૈસરે એમાં જે શબ્દો લખ્યા હતા એ ‘કાશ’ પતિ-પત્ની વચ્ચેના કલેશને ઉચિત રીતે વ્યક્ત 
કરતા હતા. 
‘બાદ મુદ્દત કે હમ તુમ મિલે
મુડ કે દેખા તો હૈ ફાસલે
ચલતે ચલતે ઠોકર લગી
યાદેં, વાદેં, આવાજ દેતે ના કાશ...’

જાણ્યું-અજાણ્યું...

- એવું ગૉસિપ છે કે ‘કાશ’ બનતી હતી ત્યારે ડિમ્પલ અને જૅકી નજીક આવ્યાં હતાં.

- અનુપમ ખેરે મહેશ ભટ્ટની બહુ ટીકા કરી હતી, કારણ કે તેની ભૂમિકા સમકક્ષ હીરોની હતી, પણ તે કપાઈને મહેમાન કલાકાર જેવી રહી ગઈ હતી.

- દૃશ્યો સાચાં લાગે એ માટે મહેશ ભટ્ટે જૅકી શ્રોફને સાચે જ શરાબ પીવાનું કહ્યું હતું.

- ફિલ્મ માટે અગાઉ નસીરુદ્દીન શાહ અને સોની રાઝદાનનો વિચાર થયો હતો.

- કૉમેડિયન મેહમૂદના ભાઈ અનવર ખાને આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. 

નિખિલ દ્વિવેદી સાથે અલપઝલપ...

‘મેં ગૌતમ ચિંતામણિના પુસ્તકના હક ખરીદ્યા છે. ફિલ્મ બનાવવા માટે હું ફારાહ ખાન સાથે ચર્ચા કરી રહ્યો છું. અત્યારે તો આટલી જ વાત છે. રાજેશ ખન્નાની કહાનીને પડદા પર લાવવા માટે હું ખૂબ ઉત્સુક છું. સિનેમાની કદર કરવાનું હું ‘આનંદ’ ફિલ્મથી શીખ્યો હતો. ત્યારથી હું રાજેશ ખન્નાને ધ્યાનથી જોતો હતો. હું જ્યારે ઍક્ટર નહોતો ત્યારે હું તેમને તેમની રજવાડી ઑફિસમાં મળ્યો હતો. તમે ખન્નાને પસંદ કરો કે ન કરો, પણ તમે તેમની ઉપેક્ષા ન કરી શકો એવો તેમનો પ્રભાવ હતો.’

columnists raj goswami