ગોલ્ડન વર્ડ્‍સ : અપેક્ષાઓ રાખતાં પહેલાં એક વખત જાતને ચકાસી લેવી અનિવાર્ય અને આવશ્યક છે

16 March, 2023 04:34 PM IST  |  Mumbai | Manoj Joshi

બાળકોમાં પણ આ વાત સમજવાની જરૂર છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અચાનક જ વૉટ્સઍપ પર એક મેસેજ આવ્યો અને એ મેસેજ વાંચતાં જ આંખોમાં ચમક આવી ગઈ. વાત આગળ વધારતાં પહેલાં એ મેસેજ વાંચી લો.

ટેન્થ અને ટ્વેલ્થમાં સંતાન પાસેથી તોતિંગ ટકાવારીની અપેક્ષા રાખતાં પહેલાં એક વખત કબાટમાંથી આપણી માર્કશીટ કાઢીને ચકાસી લેવી.

કેટલી સાચી વાત, કેટલી સરસ વાત. આપણે ત્યાં એક ગુજરાતી કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. જો માબાપનાં રિઝલ્ટ નબળાં હોય, બાપે બે ટ્રાયલે ટ્વેલ્થ પૂરું કર્યું હોય અને મમ્મીએ કૉલેજનો દરવાજો ન જોયો હોય પણ તેમની અપેક્ષા એવી હોય કે દીકરો કે દીકરી નેવું પર્સન્ટાઇલથી એક પણ પર્સન્ટાઇલ ઓછો ન લાવે તો એ અકુદરતી માગ છે. બિલાડી ઝાડ પર ચડી શકે અને એવી અપેક્ષા બિલાડી પાસે રાખીએ તો એ ખોટી નથી, પણ જો તમે માછલીનું બાઉલ લઈને ઝાડ પાસે ઊભા રહો અને માછલીને ઝાડ ચડવાનું આહ્‍વાન આપો તો એ ગેરવાજબી છે. બાળકોમાં પણ આ વાત સમજવાની જરૂર છે. તેમની જે ક્ષમતા છે એ ક્ષમતા તમારા જીન્સમાંથી જ આવી છે અને તમારા ડીએનએમાં જે ક્ષમતા હશે એ જ તે લાવી શકશે.

આ પણ વાંચો: ટૅક્સ બચાવવાની વાતને જે રાષ્ટ્રમાં કળા માનવામાં આવે એ દેશ ક્યાંથી આગળ વધવાનો?

વાત આગળ વધારતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા પણ કરી લઈએ. જરૂરી નથી કે દરેક વખતે તમે ચોક્કસ પરિણામ જ પામો અને આપણે એવા દાખલાઓ જોઈએ પણ છીએ જ. રિક્ષા ચલાવનારાના ઘરે બોર્ડમાં પ્રથમ ક્રમાંક લાવનારી દીકરી હોય છે અને શાકભાજી વેચનારાને ત્યાં બોર્ડમાં ટૉપ પર રહેનારો દીકરો હોય છે; પણ એક્સેપ્શન છે અને એટલે જ એના ન્યુઝ બને છે, એ હેડલાઇન બને છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે આવું જવલ્લે જ બને અને એ જવલ્લે જ બને છે એટલે જ એની ચર્ચા થાય છે. એવું માનવું કે ધારવું ગેરવાજબી છે કે એવું તમારી સાથે પણ બની શકે છે અને ધારો કે એ બનવાનું હોય તો તમને પુત્રનાં (કે પુત્રીનાં) લક્ષણ પારણેથી દેખાઈ આવ્યાં હોત અને તો તમારે એના પર કોઈ જાતની કચકચ સુધ્ધાં ન કરવી પડતી હોત.

કહેવાનો ભાવાર્થ એટલો કે અપેક્ષા રાખતાં પહેલાં એક વખત જાતનું હીર ચકાસી લેવું અને એ હીર ચકાસ્યા પછી જ સંતાનો પાસેથી અપેક્ષા રાખવી. પપ્પા પાસેથી પણ આ જ અપેક્ષા છે અને મમ્મી પાસેથી પણ આ જ અપેક્ષા છે. બહેતર છે કે અપેક્ષાઓને ક્યાંક અને ક્યાંક રોક મૂકવાનું શરૂ કરો, જેથી સંતાનો પર વગરકારણનો ભાર આવીને ઊભો ન રહે અને એ અપેક્ષા પૂરી કરવાની અસમર્થતા તેમને માનસિક તનાવનો ભોગ ન બનાવે. એક્ઝામ છે આ, એક્ઝામને એના જ રૂપમાં રહેવા દો અને તે આગળ વધે એ પ્રકારનું ઘડતર કરવું એ પણ માબાપની ફરજ છે અને જ્યારે માબાપ આ ફરજ ચૂકે છે ત્યારે તેના પક્ષે ભયાનક પસ્તાવો કરવાનો સમય આવી શકે છે. આપણે પસ્તાવું નથી, આપણે હેરાન થવું નથી અને સાથોસાથ એ પણ એટલું જ સાચું કે આપણે કોઈને હેરાનગતિનો કાળ જોવો પડે એવી અવસ્થા પણ લાવવી નથી.

ધૅટ્સ ઑલ.

columnists manoj joshi