‘બ્રહ્માસ્ત્ર’નું એ, બી, સી : નામ અને કામ બન્નેને સમજ્યા વિના આગળ વધવું એ મહાપાપ છે

18 September, 2022 10:55 AM IST  |  Mumbai | Manoj Joshi

આ ફિલ્મને પોતાના ટાઇટલ સાથે નાહવા કે નિચોવવાનો કોઈ સંબંધ નથી

પ્રતીકાત્મક તસવીર

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ નામ સાંભળીને તમને આ ફિલ્મ વિશે શું મનમાં આવે? આ ફિલ્મની સ્ટોરી વિશે તમે શું ધારણા મૂકો? તમને શું લાગે છે, આ ફિલ્મ જોવા તમે જશો તો તમને ત્યાં શું જોવા મળવાનું છે?

આ કે પછી આ પ્રકારના તમામ સવાલોને ‘બ્રહ્માસ્ત્ર’ સાથે કંઈ નિસબત નથી, કારણ કે આ ફિલ્મને પોતાના ટાઇટલ સાથે નાહવા કે નિચોવવાનો કોઈ સંબંધ નથી. યાદ રાખીને, વચ્ચે-વચ્ચે બ્રહ્માસ્ત્રનો ઉલ્લેખ કર્યા કરે છે જેથી લોકો ભૂલી ન જાય કે તે લવસ્ટોરી જોવા નહીં, પણ બ્રહ્મદેવના અસ્ત્રની વાર્તા સાંભળવા આવ્યા છે, પણ અફસોસની વાત એ છે કે ક્લાઇમૅક્સમાં તો બ્રહ્મદેવના આ અસ્ત્ર કરતાં પણ પારાવાર તાકાતવાન કોઈ અસ્ત્ર હોય તો એ પ્રેમ છે, એવું કહીને ડિરેક્ટર ઠંડું પાણી ફેરવી દે છે.

આ જે રમત છે એ ખરેખર તો ઑડિયન્સ સાથે કરવામાં આવેલી છેડતી માત્ર છે અને આવી છેડતી માટે કાયદેસરનાં પગલાં લેવાં જોઈએ, એવું કહેવામાં પણ જરાસરખો સંકોચ થતો નથી. તમે કોઈને મલ્લિકા શેરાવતનો ફોટો દેખાડી નિરૂપા રૉય પાસે બેસાડી ભજન સંભળાવો તો તે માણસ સૌથી પહેલાં તો હેબતાઈ જાય અને તે એ હેબકમાંથી બહાર આવે ત્યાં સુધીમાં તમે કમાણી કરીને રફુચક્કર થઈ જાઓ. આવું જ બન્યું છે ‘બ્રહ્માસ્ત્ર’ના કેસમાં. કહ્યું કંઈક, કર્યું કંઈક, લાવ્યા કંઈક અને દેખાડ્યું કંઈક અલગ.

ઑડિયન્સ સાથે કરવામાં આવતી આ કે આ પ્રકારની છેડતી ઑડિયન્સ ક્યારેય ભૂલતી નથી. ભલભલા ચમરબંધીઓને રાતે પાણીએ રોતા કરી દીધા હોય એવા દાખલા પણ આપણી બૉલીવુડમાં છે અને રાતોરાત ઘરે બેસાડી દીધા હોય એવાં ઉદાહરણ પણ બૉલીવુડની નજર સામે છે. ‘બ્રહ્માસ્ત્ર’નું કલેક્શન જે હોય એ, એનાથી બૉક્સ-ઑફિસ પર ઊભા રહીને તાબોટા પાડનારાઓને ફરક પડતો હશે. એ આંકડાઓથી ફિલ્મની ગુણવત્તામાં કોઈ ફરક નથી પડતો. ફિલ્મ ફાલતુ છે એ એટલું જ સાચું છે જેટલું સાચું એ છે કે ફિલ્મ સાથે ક્યાંય બંધ બેસતું ન હોય એવા ટાઇટલ સાથે ફિલ્મ રિલીઝ કરીને ઑડિયન્સ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ છેતરપિંડીનો બદલો પણ ઑડિયન્સ લેશે જ અને એ જ્યારે લેવાશે ત્યારે હાલત સૌકોઈની કફોડી થઈ જશે.

જો આ જ ફિલ્મનો સેકન્ડ પાર્ટ બનાવવામાં આવ્યો તો એ સેકન્ડ પાર્ટ માત્ર અને માત્ર કોઈ મોટા સ્ટારના નામે જ વેચવામાં આવશે, કારણ કે હવે સૌકોઈને ખબર પડી ગઈ છે કે ‘બ્રહ્માસ્ત્ર’માં સ્ટોરીના નામે તો બાબાજીનું ઠુલ્લુ પણ નીકળી શકે એટલે બહેતર છે કે આપણે આપણા સ્ટારને જોવો હોય તો જ ત્યાં જવું. બાકી, ઘરે બેસી રહેવું.

‘બ્રહ્માસ્ત્ર’ જેવું ડિસ્પૉઇન્ટમેન્ટ કદાચ છેલ્લાં ૧૦ વર્ષમાં કોઈ નહીં હોય, એવું કહેવું જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. કેટલાક તાબોટા-બાજ આ ફિલ્મના વીએફએક્સનાં વખાણ કરે છે, પણ એટલું બદતર વીએફએક્સ છે જેની કોઈ કલ્પના પણ ન થઈ શકે. વખાણ કરતાં પહેલાં જે-તે ક્ષેત્રમાં થયેલું શ્રેષ્ઠ કામ જોવાની દરકાર રાખવી જોઈએ અને એ જવાબદારી સભાનતાપૂર્વક નિભાવવી જોઈએ. આ માત્ર પ્રોફેશનલ જવાબદારી જ નહીં, માનવધર્મ પણ છે.

columnists manoj joshi