ઈશ્વરોલૉજી - પ્રકરણ 2

22 April, 2019 01:59 PM IST  |  | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ 2


હવે આગળ...
€ € €
‘જુઓ બૉસ, આપણે ભગવાન હોઈએ અને એટલે આપણાથી બધું જ થઈ શકે... શું?


ભગવાનનું કોણ કશું બગાડી લેવાનું હતું? આમ આપણને ખબર જ હોય કે આપણે ધારીએ તો એક જ ક્ષણમાં આખી દુનિયા બનાવી પણ દઈશું અને મિટાવી પણ દઈશું... પછી ચિંતા શેની?... પછી છો ને ધરતી ઉપર અવતાર લઈએ ત્યારે આપણી પત્નીને કોઈ રાક્ષસ ઉઠાવી જાય કે પછી આપણો મામો ખૂબ ખરાબ હોય.. આપણને કંકોડા ફરક પડે?


માફ કરજો મારી લૅન્ગ્વેજ માટે પણ આ ફીલિંગ નથી, ફસ્ટ્રેશન છે અને આમેય તમારા ફોટાની સામે સાચું જ બોલવાનું એમ મારા બાપાએ શીખવાડ્યું હતું અને અત્યારે તો તમે સ્વયં મારી સામે છો એટલે જે મને સાચું લાગે છે એ કહું છું... ખૂબ બધાં પ્લાનિંગ કરીને સત્યુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં તમે જન્મ લો એમાં શું બહુ મોટી વાત છે?


તમે ખરા ભગવાન હો તો ચાલો મારી જોડે ધરતી ઉપર... સાહેબ રાવણ રાડ પાડી ઊઠે અને પેલા કંસને તો કૉમ્પ્લેક્સ થઈ જાય એવા રાક્ષસો મળશે આજકાલ... તમને તો ખબર જ હશે ને?.. કારણ કે મને એવું શીખવાડવામાં આવ્યું છે કે ભગવાન સઘળું જાણે છે.. એમને બધી ખબર હોય છે.


હું તમને નીચે ધરતી ઉપર આવવાનું કહી એમની સાથે લડવાનું કહેતો જ નથી, પણ ભગવાન આ તમારા નામે જે સત્ય, કરુણા, પરમાર્થ અને એવી બધી વાતો માર્કેટમાં ફરે છે એ સાબિત તો કરી આપો...


અને હા, આમ ઉપદેશ અને અઘરા અઘરા સંસ્કૃતના શ્લોકો સંભળાવીને નહીં, એકદમ પ્રૅક્ટિકલી પર્ફોર્મ કરીને... આજના આ કળિયુગમાં મારા જેવા એક સામાન્ય માણસ બનીને મારી જોડે જીવો... અને પ્રૅક્ટિકલી મને બતાવો કે માણસ કેમનો આજના આ જમાનામાં તમારા બનાવેલા સત્યના રસ્તા ઉપર ચાલી શકે...?
સાહેબ, ફેં પડી જાય છે ફેં... થોડું જુઓ તો ખરા... કે તમારી બનાવેલી દુનિયા હવે કેવી બની ગઈ છે.? અને આ ચક્ર બક્ર બધું મૂકીને જેમ અમે તમારી જેવી કોઈ શક્તિ બેઠી છે એવો વિશ્વાસ કરીને જીવીએ છીએ એમ જીવીને બતાવો કે તમારી ઉપર વિશ્વાસ કરીને કેવી રીતે જીવવું...


શું કહો છો, ચૅલેન્જ મંજૂર છે?’


આખાય વૈકુંઠમાં સન્નાટો થઈ ગયો... ઈશ્વરની સામે બકવાસ કરનારા આ માણસ ઉપર બધા જ ગુસ્સે ભરાયા.
આખી સભામાં ખાલી બે જ જણના ચહેરા ઉપર હાસ્ય હતું. એક ઈશ્વરને આમ ખુલ્લેઆમ ચૅલેન્જ આપનાર સંજય સંતુરામ જોશીના અને બીજા સ્વયં ઈશ્વરના...


હવે જ્યારે ખુદ ભગવાન શાંત
બેસીને હસી રહ્યા હોય ત્યારે તેમની પરવાનગી વગર આ માણસને દંડ પણ કેમનો અપાય? એમ હાજર રહેલા દરેકના મનમાં ચાલતું હતું...


થોડી ઘણી સ્વસ્થતા કેળવીને નારદમુનિએ વચ્ચે બોલવાનું શરૂ કર્યું કે ‘જો ભાઈ, તું જરા અધાર્મિક પ્રવૃતિનો લાગે છે અને તને ધર્મ વિશે કંઈ ખબર પણ નથી લાગતી... ભગવાને પોતે કહ્યું છે કે યદા યદા હી ધર્મસ્ય...’
ઓ પ્રભુ, તમને પહેલાં જ કહ્યું કે સંસ્કૃત આવડતું નથી...’ સંજયે ખૂબ જ ઠંડા કલેજે નારદજીની વાત વચ્ચે જ કાપી...
આમ પોતાની વાત અધવચ્ચે કોઈએ કાપી હોય એમ બન્યું નહોતું એટલે નારદજી થોડા સંકોચાયા... તેમણે ગુજરાતીમાં જ શ્લોકનો અર્થ સમજાવવાનુ શરૂ કર્યું, ‘જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા ભગવાન જન્મ લે છે... એમ તારા કહ્યે ભગવાન જન્મ ન લે. અને ભગવાને તો ઑલરેડી પોતાના આવનારા જન્મ વિશે કહી દીધું છે કે પોતે હજી પોતાનો કલ્કિ અવતાર લેવાના છે... એટલે તારી વાત અને એને કહેવાની રીત બન્ને ખોટી છે. ભગવાન એમ તારા કહ્યે કઈ રીતે આવી શકે?’


સંજય જોશીએ બે હાથ જોડીને કહ્યું કે ‘બૉસ, તમે થોડું ખોટું સમજ્યા છો... ભગવાનને અવતાર લેવાનું તો હું ક્યાં કહું જ છું. મને તો નાનપણથી એવું સમજાવવામાં આવ્યું છે કે પેલા તિરુપતિ બાલાજીના મંદિરથી લઈ મારા ઘરની દીવાલ ઉપર લટકેલા કૅલેન્ડરમાં જે ફોટો છે એ બધામાં આ ભગવાન રહે છે... તો તેમણે એમાંથી નીકળીને થોડા દિવસ મારી સાથે રહીને મને એ જ બતાડવાનું છે કે વેદો, ઉપનિષદ અને ગીતામાં જણાવ્યા મુજબનું જીવન મારે પ્રૅક્ટિકલી કઈ રીતે જીવવાનું.... એટલે એમાં જન્મ લઈને અવતાર લેવાની વાત જ નથી આવતી... અવતાર એમને જ્યારે લેવો હોય ત્યારે લે... અને રહી વાત તમારા બીજા પ્રશ્નની કે ભગવાન મારા કહ્યે કેમ આવે... તો ભગવાન આપણો બાપ છે અને આપણે એમના દીકરા... તો દીકરો પોતાના બાપને દિશા દેખાડવાનું ના કહે તો શું પાડોશીને જઈને કહે?’


નારદજી ખુલ્લા મોંએ આ માણસને જોવા માંડ્યા, કારણ કે તેમના જન્મથી આજ સુધી કોઈએ તેમને બોલતા બંધ નહોતા કર્યા.
નારદજીની કફોડી હાલત જોઈ ઇન્દ્રે વચ્ચે મધ્યસ્થી બનવાનો પ્રયત્ન કર્યો કે ‘જો ભાઈ, તું અમારી ભૂલને કારણે પૃથ્વી ઉપરથી અહીં આવી ગયો છે અને એટલે જ દુનિયાનો તું પહેલો

માણસ છે જેને ભગવાનને સદેહે વૈકુંઠમાં મળવાની તક પણ મળી છે. એનો મતલબ એમ
નથી કે તું એમને કંઈ પણ કહી શકે... માન્યું કે કદાચ કળિયુગના પ્રતાપે


તને બહુ પ્રૉબ્લેમ્સ હશે, તો તું તારું પ્રૉબ્લેમ્સનુ લિસ્ટ આપી દે અને અમે તારી જિંદગીના સઘળા પ્રૉબ્લેમ્સ દૂર કરીને, સ્પેશ્યલ કેસમાં વિધિ પાસે તારા નવા લેખ લખાવી આપીશું... પણ આમ ભગવાન સામે ચૅલેન્જ આપવાની ભૂલ ન કરાય ભાઈ...’


આ આખાય ડાયલૉગ દરમ્યાન એકીટશે ઇન્દ્રને જોઈ રહેલા સંજયે બે હાથ જોડીને કહેવાનું ચાલુ કયુર્‍ં કે... ‘જેવા સિરિયલોમાં બતાવે છે એવા જ છો તમે. વચ્ચેનો રસ્તો કાઢવામાં માસ્ટર... બરોબર ને?...’

આ પણ વાંચોઃ ઈશ્વરોલૉજી - પ્રકરણ - 1


‘ઇન્દ્રને લાગ્યું કે પોતાનો નાખેલો દાવ સફળ થયો... પણ અહીં તો સંજયે કંઈક બીજી જ વાત શરૂ કરી..
‘ભગવાન ઇન્દ્ર, નાનપણથી જ મને જે દિવસે ઈશ્વરમાં શ્રદ્ધાનાં લેસન્સ ભણાવવામાં આવ્યાં હતાં એ પહેલાં જ હું જાત ઉપર વિશ્વાસ રાખવાનાં લેસન ભણી ચૂક્યો હતો... તમને કદાચ એમ લાગશે કે હું કોઈ અધર્મી કે નાસ્તિક માણસ છું, પણ કદાચ મારા જેટલા આસ્તિક તમે પણ નહીં હોવ... સાહેબ મારે મારી નીડ એટલે કે જરૂરિયાતોને પૂરી કરવી છે, ગ્રીડને એટલે કે લાલચને નહીં... અને મારી જરૂરિયાતો પૂરી કરી શકવા જેટલો સક્ષમ તો આ ઈશ્વરે મને બનાવ્યો જ છે... મારો પ્રશ્ન જુદો છે...


તમે હજી સમજ્યા નથી... અને સમજી પણ નહીં શકો.’


ઇન્દ્રને થયું કે અત્યારે ને અત્યારે દધીચિ ઋષિનાં હાડકાંનું બનાવેલું પોતાનું વજ્ર આ મૂર્ખ માણસ ઉપર ચલાવે, પણ સામે કશું જ બોલ્યા વગર આ સઘળું સાંભળતાં સાંભળતાં હસી રહેલા ઈશ્વરને જોઈને પોતે રોકાઈ ગયા.
પણ ધર્મદેવ યમરાજથી આ ન સહન થયું અને તેમણે ગુસ્સામાં પોતાનો યમદંડ ઉગામ્યો અને ત્યાં જ....
(વધુ આવતા અંકે...)

columnists