ઘરની આર્થિક જવાબદારી માત્ર પુરુષની જ છે?

24 January, 2022 12:38 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પોતાની કમાણીને એક્સ્ટ્રા ઇન્કમમાં ખપાવી દેવાની સ્ત્રીઓની વૃત્તિ સંદર્ભે પુરુષોના અભિપ્રાયો જાણીએ

ઘરની આર્થિક જવાબદારી માત્ર પુરુષની જ છે?

ઘરકામ અને સંતાનોના ઉછેરમાં પુરુષના સાથ-સહકારની અપેક્ષા રાખનારી મોટા ભાગની સ્ત્રીઓ ફાઇનૅન્શિયલ શૅરિંગની વાત નીકળે ત્યારે એવું માને છે કે ઘરના ખર્ચા પુરુષે એકલાએ જ ઉપાડવા જોઈએ. પોતાની કમાણીને એક્સ્ટ્રા ઇન્કમમાં ખપાવી દેવાની સ્ત્રીઓની વૃત્તિ સંદર્ભે પુરુષોના અભિપ્રાયો જાણીએ

વર્તમાન સમયમાં સ્ત્રીઓ આત્મનિર્ભર બની છે. ઘર અને ઑફિસ બન્ને મોરચે લડવા જતાં હાંફી જવાય તેથી મહિલાઓને ઘરકામ અને સંતાનોના ઉછેરમાં પુરુષનો સપોર્ટ મળવો જોઈએ એવી માગણી જોરશોરથી થઈ રહી છે. ઘર સંભાળવું એ બન્નેની સહિયારી જવાબદારી છે એવું હવે પુરુષો પણ સ્વીકારતા થયા છે. જોકે હસબન્ડ પાસેથી અનેક પ્રકારના સપોર્ટની અપેક્ષા રાખનારી મહિલાઓ પોતાની કમાણીમાંથી હિસ્સો આપવાની વાત આવે ત્યારે આનાકાની કરે છે એવા અનેક સર્વે સામે આવ્યા છે. ઘર ચલાવવાની જવાબદારી માત્ર પુરુષની છે એવી દલીલ તેઓ કરે છે. મારી કમાણી મારી અને તારી કમાણી આપણી, સ્ત્રીઓની આ માનસિકતા યોગ્ય છે? આર્થિક ભાગીદારીની બાબતમાં તેમનો અપ્રોચ કેવો હોય છે? આ સંદર્ભે પુરુષોના અભિપ્રાયો જાણીએ.
પરિપક્વતાનો અભાવ
આપણે વિમેન એમ્પાવરમેન્ટ અને ગર્લ એજ્યુકેશનની વાત ભલે કરીએ, પરંતુ આજે પણ સ્ત્રીઓ અમુક પ્રકારની માન્યતાઓમાંથી બહાર નથી આવી. પહેલાંના સમયમાં પુરુષોની જોહુકમીના લીધે કદાચ સ્ત્રીઓના મનમાં એવી ભાવના ઘર કરી ગઈ છે કે પોતાની કમાણી પર એના એકલાનો અધિકાર છે. મેડિટેશન ટ્રેઇનર તેમ જ કમ્પ્યુટર સૉફ્ટવેરનો બિઝનેસ ધરાવતા રાજેશ કોઠારી આ વિષય પર કહે છે, ‘પુરુષ અને સ્ત્રીના મગજની હાર્ડવાયરિંગ સિસ્ટમ જુદી હોય છે. પુરુષો લૉજિકલ ડિસિઝન લે છે જ્યારે સ્ત્રીનું મગજ અલગ દિશામાં વિચારે છે. એજ્યુકેટેડ સ્ત્રીઓ પણ એમાંથી બાકાત નથી. પર્સનલ ઇન્કમને સાઇડ પર રાખી મૂકવાની બાબતમાં હાર્ડવાયરિંગ સિસ્ટમ કામ કરે છે. મારું ઑબ્ઝર્વેશન કહે છે કે સામાન્ય રીતે વર્કિંગ વિમેન અંગત કમાણીનો મોટો હિસ્સો પોતાના પર જ ખર્ચે છે. પુરુષો આવું નથી કરી શકતા. વાસ્તવમાં ફાધર એટલે કે પુરુષ જ પોતાની ડૉટરને બગાડે છે. દીકરીની કમાણી નથી જોઈતી એ બરાબર છે પણ એને વેડફી નાખતી હોય તો અટકાવો જેથી લગ્ન બાદ એને જવાબદારીનું ભાન રહે અને પૈસાનું મહત્ત્વ સમજાય. સ્ત્રીઓ ઇન્ડિપેન્ડન્ટ બની ત્યારથી તેમના મગજમાં એવી રાઈ ભરાઈ ગઈ છે કે મારી પાસે પૈસા હશે તો કોઈની જરૂર નથી. અરે, દુનિયામાં તમે એકલા નથી રહેતા. પેરન્ટ્સ, ભાઈ-બહેન, હસબન્ડ, સાસરિયાં, સંતાનો બધાં જ તમારા જીવનનો હિસ્સો છે. આજની સ્ત્રીઓમાં પૈસા કમાવાની આવડત છે, પરંતુ એને વાપરવા કઈ રીતે એ પરિપક્વતા ક્યાંથી લાવવી? એક લેવલ સુધી પોતાના પર ખર્ચ કરો ત્યાં સુધી હસબન્ડને વાંધો નથી હોતો પણ તમે કમાઓ છો એટલે આડેધડ વાપરો, મોજશોખ કરો અને ઘરની આર્થિક જવાબદારી સંપૂર્ણપણે પુરુષના માથે થોપી દો એ યોગ્ય નથી. આજે એજ્યુકેશનથી લઈને તમામ ખર્ચા એટલા વધી ગયા છે કે સ્ત્રીઓએ સમજીને આર્થિક સહકાર આપવો જોઈએ.’ 
પોતાના ખર્ચા ઉપાડે તોય ઘણું
ઘરકામમાં સહાય માગતી સ્ત્રીઓએ આર્થિક સહકાર આપવો જોઈએ પરંતુ મોટા ભાગના કેસમાં ઘરખર્ચ, સંતાનોની સ્કૂલ ફીઝ, હાઉસિંગ લોન વગેરે ખર્ચા ઉપાડવાની જવાબદારી માત્ર પુરુષના માથે હોય છે. પુરુષને આર્થિક ખેંચ પડતી હોય તોય ગમે ત્યાંથી પૈસા લાવીને આપવા પડે છે. જ્યારે સ્ત્રીઓ પોતાની કમાણીને એક્સ્ટ્રા ઇન્કમમાં ખપાવી સાઇડમાં મૂકી રાખે છે. આજે સ્ત્રીઓ પોતાના માટે જેટલો ખર્ચ કરી શકે છે એટલો પુરુષો નથી કરી શકતા, કારણ કે તેમની આવક ઘરમાં ખર્ચાઈ જાય છે. કેમિકલ ટ્રેડિંગનો બિઝનેસ ધરાવતા જતીન શાહ આ ચર્ચામાં ભાગ લેતાં કહે છે, ‘સ્ત્રીઓ પોતાની ઇન્કમ સાઇડમાં રાખી મૂકે એમાં પુરુષોને વાંધો ન હોવો જોઈએ. દરેક પુરુષે આ બાબતને પૉઝિટિવલી લેવી જોઈએ. મારી વાઇફ ફૅશન-ડિઝાઇનર છે. કેટલું કમાય છે અને પૈસા ક્યાં વાપરે છે એ હું પૂછતો નથી, કારણ કે તેને આત્મનિર્ભર રહેવાની લિબર્ટી મેં જ આપી છે. વાઇફ ફાઇનૅન્શિયલી સપોર્ટ કરે છે કે નહીં એ સેકન્ડરી મૅટર છે. આજના જમાનામાં સ્ત્રી પગભર હોય એ પ્રાથમિક જરૂરિયાત છે. આજે ઘરના ખર્ચા ખૂબ વધી ગયાં છે. પુરુષોને બિઝનેસમાં ચડ-ઊતર થયા કરે. ક્યારેક આર્થિક તકલીફ આવે તોય ખર્ચા ઘટાડી શકાતા નથી. લૉકડાઉનમાં આપણે સૌ એમાંથી પસાર થયા છીએ. એવા સમયે સ્ત્રી પોતાનો અંગત ખર્ચો ઉપાડી લે તો પુરુષના માથા પરનો ભાર હળવો થઈ જાય. આ પણ એક પ્રકારનો આર્થિક ટેકો છે. જો કમાતી ન હોય તો એના ખર્ચા ઉપાડવા પડે કે નહીં? બીજું એ કે પુરુષ સ્વાભિમાની હોવાથી બને ત્યાં સુધી વાઇફના પૈસાનો સપોર્ટ લેવાનું ટાળે છે. જોકે અંદરખાને એને ખાતરી હોય છે કે ઘરમાં કોઈ ઇમર્જન્સી આવી તો વાઇફ સમય સાચવી લેશે.’
ફિફ્ટી-ફિફ્ટી કરવું જોઈએ

હસબન્ડ બધી જ સગવડ આપતો હોય તોય સ્ત્રીઓને આર્થિક સલામતી જોઈતી હોય છે. કટોકટી આવે તો કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે એવા હેતુથી તેઓ પોતાની કમાણીનો મોટો હિસ્સો બચતના રૂપમાં મૂકી રાખે છે. સામાન્ય રીતે પુરુષો આ વાત સમજતા હોય છે તેથી રોજબરોજના ખર્ચા માટે તેઓ પત્ની પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખવાનું ટાળે છે. ફાઇનૅન્સ મૅનેજર તરીકે કામ કરતા ઘનશ્યામ ઠક્કર આ સંદર્ભે પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘સેલ્ફ આઇડેન્ટિટી ઊભી કરવા સ્ત્રીઓ જૉબ કરે એ નવી વાત નથી રહી. ઇન્કમ હોવા છતાં ઘર ચલાવવાની જવાબદારી પુરુષની છે એવી વિચારસરણીમાં ખાસ પરિવર્તન નથી આવ્યું એ વાત સાચી છે, પરંતુ દરેક વર્કિંગ વુમનનો અપ્રોચ જુદો હોય છે. મારી કમાણી પર મારી એકલાનો અધિકાર છે અને હું મનફાવે એમ એને વાપરું એવું નથી હોતું. હાઇફાઇ સોસાયટીની અને મિડલ ક્લાસ ફૅમિલીની વિમેનના ઍટિટ્યુડમાં જમીન-આસમાનનું અંતર જોવા મળે છે. મધ્યમવર્ગના પરિવારની નોકરિયાત સ્ત્રીઓનો હેતુ બચત જ હોય છે. તેઓ ખોટા ખર્ચા કરતી નથી. અમારા ઘરમાં મારી વાઇફ અને ભાઈની વાઇફ પોતાની ઇન્કમ સાઇડમાં રાખે છે. અમારી વચ્ચે એવી અન્ડરસ્ટૅન્ડિંગ છે કે પુરુષો ઘર ચલાવે અને સ્ત્રીઓ પોતાની કમાણીને મેડિકલ ઇમર્જન્સી તેમ જ આર્થિક કટોકટી માટે બચાવીને રાખે. કોરોનાની શરૂઆતમાં ત્રણ-ચાર મહિના સૅલેરી નહોતી મળી ત્યારે બન્ને સ્ત્રીઓએ સ્વેચ્છાએ ઘરખર્ચ ઉપાડ્યો હતો. જોકે હવે બધાની લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ છે ત્યારે પતિ-પત્ની બન્ને ફિફ્ટી-ફિફ્ટી શૅરિંગ કરે એ આઇડિયલ કહેવાય. તમને ઘણીબધી સુખસગવડો જોઈતી હોય તો આર્થિક ભાગીદારી સ્વીકારવી પડે. ફૅમિલીનું સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ ઊંચું લાવવવું હોય તો આ હસબન્ડની ડ્યુટી છે એવો માઇન્ડસેટ ન રાખી શકો.’

 વાસ્તવમાં ફાધર જ પોતાની ડૉટરને બગાડે છે. દીકરીની કમાણી નથી જોઈતી એ બરાબર છે પણ એને વેડફી નાખતી હોય તો અટકાવો જેથી લગ્ન બાદ એને પૈસાનું મહત્ત્વ અને જવાબદારીનું ભાન રહે.
રાજેશ કોઠારી

columnists Varsha Chitaliya