મોહ વિદેશનો : એવું તો નથીને કે આ મોહ એ હકીકતમાં માબાપની પોતાની અંદરની ઇચ્છાનું પરિણામ હોય?

12 August, 2022 04:54 PM IST  |  Mumbai | Manoj Joshi

આજના સમયમાં જ્યારે દીકરીઓ કામ કરતી થઈ છે તો એની પાછળ જેમ માની અતૃપ્ત ઇચ્છાઓ કારણભૂત છે એવી જ રીતે વિદેશનો મોહ લઈને ભાગતા યંગસ્ટર્સમાં ક્યાંક ને ક્યાંક માબાપની મનમાં ધરબાયેલી ઇચ્છા વધારે કારણભૂત છે એ પણ એટલું જ સાચું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હા, અમુક અંશે એવું પણ છે. આજના સમયમાં જ્યારે દીકરીઓ કામ કરતી થઈ છે તો એની પાછળ જેમ માની અતૃપ્ત ઇચ્છાઓ કારણભૂત છે એવી જ રીતે વિદેશનો મોહ લઈને ભાગતા યંગસ્ટર્સમાં ક્યાંક ને ક્યાંક માબાપની મનમાં ધરબાયેલી ઇચ્છા વધારે કારણભૂત છે એ પણ એટલું જ સાચું છે. 

એક સમયે જે મા કે પછી બાપને (ખાસ તો પપ્પાને) ફૉરેન જઈને સેટલ થવાની ઇચ્છા હતી, પણ કોઈ કારણસર તેઓ ત્યાં જઈ નથી શક્યા એ પપ્પાઓની એ અતૃપ્ત ઇચ્છાઓ યંગસ્ટર્સના મનમાં નાનપણથી આવતી હોય છે અને એના જોરે તે આ સપનું એટલું મોટું કરી નાખે છે કે સાચું-ખોટું કે સારા-ખરાબની વાત પણ તે વીસરી જાય છે. વીસરાતી એ ભાવનાને કારણે જ દુઃસાહસની દુનિયા ખૂલે છે. તમે જો ઉત્તર ગુજરાત જાઓ તો એક વખત ત્યાં ફૉરેન પહોંચાડવાના ભાવ જાણશો તો ખબર પડશે કે કેવી તોતિંગ રકમ આ લોકો પાસેથી કઢાવવામાં આવે છે. હમણાં અમેરિકામાંથી પકડાયેલા ચારેચાર મહેસાણાના યુવક પાસેથી વ્યક્તિગત રીતે પચીસ લાખ રૂપિયાથી વધારેની રકમ કઢાવી છે. એ જે રકમ છે એ રકમમાં ક્યાંય ઑફિશ્યલ પેપર્સ નથી થતા. જરા તપાસ કરો ભાઈ, તમારી આ રકમમાં નાના દેશો તમને ઑફિશ્યલ આવકારવા તૈયાર છે; પણ ના, એવું કોઈને કરવું નથી. અમેરિકા. બસ, અમેરિકા.

અમેરિકાના આ મોહ પાછળ ગામમાંથી ત્યાં સેટલ થયેલા વડીલો પણ એટલા જ જવાબદાર છે એવું કહેવું પણ ખોટું નહીં કહેવાય. આ વડીલો જ્યારે પણ દેશમાં આવે છે ત્યારે તેમનો જે ઠાઠ હોય છે એ ઠાઠ આ બધા યંગસ્ટર્સને ફૉરેન તરફ ખેંચવાનું કામ કરે છે. ગામમાં તેઓ જે પ્રકારનાં ઘરો બનાવે છે એ ઘરો આ યંગસ્ટર્સને ફૉરેન તરફ તાણી જવાનું કામ કરે છે. પેલી ગુજરાતી ઉક્તિ છેને, ગધેડાને ગાજર દેખાડો તો એ દોડે, એની જેમ જ. હા, ડિટ્ટો એવી જ રીતે આપણા યંગસ્ટર્સ માટે પેલા વડીલોની જે શોહરત છે એ શોહરત ગાજર બનીને આપણાં બાળકોને દોડતાં કરી દે છે, પણ એ ગાજરને ઉગાડવામાં કેટલા વીસે સો થાય છે એની તેમને ખબર નથી.

દેશમાં આવતા વડીલોએ આ તમામ વાતો પણ આ યંગસ્ટર્સને કરવી જોઈએ અને એ વાતોમાં રહેલા સંઘર્ષની જ નહીં, પણ નીતિવિષયક વાતો પણ તેમને સમજાવવી જોઈએ. જો એ સમજાવી નહીં શકો તો આ પ્રકારનું વાતાવરણ અકબંધ રહેશે અને આવું વાતાવરણ અકબંધ રહેશે ત્યાં સુધી આ યુવાનો ન તો આપણને કામ આવે, ન તો ઘર કે પરિવારને કામ આવે કે ન તો રાષ્ટ્રના હિતમાં કામ કરે. અફકોર્સ, તે અહિત નહીં કરે, પણ તેના હાથે કશું કૉન્ક્રીટ પણ થશે નહીં અને એ થશે નહીં એટલે તેમનું ફ્રસ્ટ્રેશન પણ વધશે. 

ફૉરેન જવું ખરાબ નથી, પણ દેશને ફૉરેન જેવો બનાવવો એનાથી રૂડું બીજું કોઈ કામ નથી એ પણ મનમાં રહેવું જોઈએ. ડૉલર કંઈ એમ રેઢા નથી પડ્યા કે તમે જઈને ઊભા રહો એટલે તમારા પર વરસવા માંડે. ના ભાઈ ના. ડૉલર કમાવા, પાઉન્ડ કમાવા એ તો તમારા રૂપિયા કરતાં પણ અઘરા છે જે વાસ્તવિકતાને સમજવાની તાતી જરૂર છે.

columnists manoj joshi