વારંવાર ભૂલ કરનારને માફ કરવો?

24 April, 2022 11:26 AM IST  |  Mumbai | Kana Bantwa

કોઈ વ્યક્તિને માફ કર્યા પછી તે સતત નવી-નવી ભૂલો કરતી રહે અને સૉરી કહીને છૂટી જતી હોય તો તે તમારી નબળાઈનો ફાયદો ઉઠાવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

‘એક વ્યક્તિ એક જ ભૂલ વારંવાર કરે અથવા સતત નવી-નવી ભૂલો કરતી રહે અને દર વખતે સૉરી કહી દે તો તેને માફ કરી દેવી જોઈએ?’ ગયા અઠવાડિયાનો માફ કરવામાં વધુ તાકાતની જરૂર પડે એ મતલબનો લેખ ‘જતું કરવાની, માફ કરવાની હિંમત છે?’ વાંચીને એક બહેને આ પ્રશ્ન કર્યો છે. પ્રશ્નનો ઉત્તર ઈ-મેઇલના રિપ્લાય તરીકે આપી 
શકાયો હોત; પણ આ પ્રશ્ન માત્ર તે બહેનનો જ નથી, લગભગ તમામ માનવીના મનમાં ઊઠતો પ્રશ્ન છે એટલે એની ચર્ચા અહીં કરવી આવશ્યક છે. પહેલાં તો એક જોક અને એક વાર્તા વાંચો. પછી ઉત્તર.

બીજો ગાલ ધરવો

એક પાદરી રસ્તે જઈ રહ્યા હતા. એક બદમાશે આવીને પાદરીને પૂછ્યું, ‘ફાધર, જીઝસ કહી ગયા છે કે કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમારે બીજો ગાલ ધરવો. જીઝસની આ વાત સાચી અને માનવાયોગ્ય છે?’ 

પાદરીએ તરત જ કહ્યું, ‘માય સન, જીઝસ પોતે કહી ગયા એટલે એ સત્ય જ છે. એના પર શંકા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.’ 

પાદરીને આખું જીવન એ જ શીખવવામાં આવ્યું હતું કે કોઈ એક ગાલ ધરે તો બીજો ગાલ ધરવો એ જીઝસનું ફરમાન છે. તેમણે જેવો જવાબ આપ્યો કે તરત જ પેલા બદમાશે કચકચાવીને પાદરીના ગાલ પર લાફો ઝીંકી દીધો. પાદરીના કાનમાં તમરાં બોલી ગયાં. આંખે અંધારાં આવી ગયાં. મન પરનો કાબૂ જેમ-તેમ જાળવીને પાદરીએ જીઝસના ધર્મવચન પ્રમાણે બીજો ગાલ ધર્યો. પેલો બદમાશ કંઈ ધાર્મિક નહોતો. તેણે તો ધર્મની મજાક ઉડાવવા જ પાદરીને પકડ્યો હતો એટલે બીજો ગાલ ધરતાં જ તેણે બમણા જોરથી પાદરીના બીજા ગાલ પર ફડાકો ઠોક્યો. બીજા ગાલે તમાચો પડતાં જ પાદરી પેલા બદમાશ પર તૂટી પડ્યો અને લાત-મુક્કાથી તેને ધોઈ નાખ્યો. મારી-મારીને અધમૂવો કરી નાખ્યો તે બદમાશને. પેલો માર ખાતાં-ખાતાં કહેતો રહ્યો કે ‘ફાધર, તમે જ તો કહ્યું હતું કે બીજો ગાલ ધરવો એવું જીઝસ કહી ગયા છે. તમે કેમ મને મારો છો?’ 

પાદરીએ કશો જવાબ આપ્યા વગર પહેલાં તો બદમાશને બરાબર મેથીપાક આપ્યો અને પછી માર માર્યાનો બરાબર ધરવ  થઈ ગયા પછી હાથ ખંખેરતાં ઉત્તર આપ્યો, ‘માય સન, બીજો ગાલ ધર્યા પછી એના પર તમાચો પડે તો શું કરવું એ જીઝસ કહી ગયા નથી.’ આના પરથી ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મમાં એક આખો સીન છે.

સ્વભાવ કેમ છોડાય?

હવે મને બહુ જ ગમતી વાર્તા. બહુ  જાણીતી છે એટલે વાર્તા ટૂંકમાં જ : એક સાધુ એક નદી પાર કરી રહ્યા હતા. તેમણે જોયું કે એક વીંછી નદીના પ્રવાહમાં તણાઈ રહ્યો હતો. સાધુને દયા આવી કે આ જંતુ મરી જશે એટલે તેમણે હાથથી વીંછીને પાણીની બહાર કાઢ્યો. વીંછીએ પોતાની પ્રકૃતિ મુજબ સાધુને ડંખ માર્યો. વીંછી હાથમાંથી પડી ગયો. સાધુએ તરત જ હાથ લંબાવીને વીંછીને બહાર કાઢ્યો. ફરી વીંછીએ ડંખ માર્યો. ફરી પાણીમાં પડી ગયો. ફરી કાઢ્યો. ફરી ડંખ માર્યો. કાંઠા પર ઊભા રહીને આ જોઈ રહેલા એક માણસે બૂમ મારીને કહ્યું, ‘મહારાજ, એ વીંછી છે. એનો સ્વભાવ ડંખ મારવાનો છે. એ ડંખ મારતો જ રહેશે. એને છોડી દો.’ 

સાધુએ જે જવાબ આપ્યો એ બહુ પ્યારો છે : એક તુચ્છ જંતુ જો પોતાનો સ્વભાવ ન છોડતું  હોય તો હું સાધુ થઈને મારો સ્વભાવ કેમ છોડી શકું?

ક્ષમા કોને આપવી?

એકની એક ભૂલ બીજી વખત થાય ત્યારે એ ભૂલ રહેતી નથી, એ જાણી જોઈને કરેલું કૃત્ય બની જાય છે અને જો વારંવાર એ જ ભૂલ દોહરાવવામાં આવે તો એ તમને નબળા સમજીને કરવામાં આવતું કૃત્ય છે. કોઈ વ્યક્તિને માફ કર્યા પછી તે સતત નવી-નવી ભૂલો કરતી રહે અને સૉરી કહીને છૂટી જતી હોય તો તે તમારી નબળાઈનો ફાયદો ઉઠાવી રહી છે, તમારી સારપ તમારી નબળાઈ બની ગઈ છે. ક્ષમા કોને આપવી એ વ્યક્તિ પર નિર્ભર છે. તમને ગમતી વ્યક્તિ ભૂલ કરે તો એ ભૂલ લાગતી નથી. એવું જ કૃત્ય કોઈ ન ગમતી વ્યક્તિ કરે તો એ પસંદ પડતું નથી. પોતાની મમ્મી જરા કડવી વાત કરે તો કોઈ યુવતી તેના દિલ પર લઈ લે એવું ભાગ્યે જ બને છે, પણ સાસુ જો આ જ વાત કહે તો એ વાત આઘાત આપે છે. તમે જેને પ્રેમ કરતા હો તે ગમે તેવું wwવર્તન કરે તો પણ એ તમને ખરાબ ન લાગે એવું બને, પણ જેના પ્રત્યે સ્નેહ નથી એ વ્યક્તિને માફ કરવાનું તમને મન નહીં થાય. માફ કરવા પાછળ સ્થિતિ અને સંજોગો પણ મહત્ત્વનાં છે. આસક્તિને કારણે, પ્રેમને કારણે, અવલંબનને કારણે, મજબૂરીને લીધે કોઈને માફ કરવામાં આવે તો એ સૂક્ષ્મ રીતે તો નબળાઈ જ છે.

ભૂલનો આશય

ભૂલ પાછળનો ઉદ્દેશ સમજવો આવશ્યક છે. ધારો કે તમારી કોઈ તરુણ વયની નાની બહેન છે કે તમારો નાનો ભાઈ છે અથવા તમારું નાનું સંતાન છે તે ભૂલ કરે ત્યારે તેની ભૂલથી તમને વ્યથા પહોંચે એ હકીકત હોવા છતાં તમે તેને માફ કરો છો, કારણ કે તેનો ઉદ્દેશ તમને નુકસાન પહોંચાડવાનો હોતો નથી. તે ભૂલને વારંવાર દોહરાવે તો પણ તે પણ પોતાના અબુધપણાને કારણે જ દોહરાવે છે. તેને વારંવાર માફ કરવો એ તમારી ગરવાઈ છે. જેનો ઉદ્દેશ ખરાબ નથી તેની ભૂલોને ભૂલી જવામાં કોઈ વાંધો નથી; અને જેનો ઉદેશ જ તમને પીડા આપવાનો, તમને હાનિ પહોંચાડવાનો હોય તેનાથી તો બને એટલું વહેલું મુક્ત થઈ જવું જ બહેતર છે. જોકે દરેક કિસ્સામાં મુક્ત થઈ જવું સંભવ પણ હોતું નથી. સમાજ, નિર્ભરતા, સંતાનો, સ્વજનો વગેરેને કારણે ઘણી વાર મુક્ત થવાતું નથી. આવી સ્થિતિમાં માણસે પોતે મજબૂત થવું પડે, સક્ષમ થવું પડે, કોઈ તમને પીડા આપી જાય નહીં એટલા સમર્થ બનવું પડે. પોતાને એટલા સક્ષમ બનાવો કે કોઈની હિંમત ન થાય વારંવાર ભૂલ કરીને તમને પીડા આપવાની. પોતાની નબળાઈમાંથી છુટકારો મેળવો. એમાંથી બહાર નીકળો. થોડી અગવડ પડશે, થોડી તકલીફ પડશે; પણ તમે માથું ઊંચું કરીને ઊભા રહી શકશો. યાદ રાખો, ક્ષમા માત્ર વીરનું જ ભૂષણ છે, નબળાનું નહીં. ફગાવી દો તમારી નબળાઈની બેડીઓ અને ઊભા થાઓ. જગત આખા સામે લડવાની તાકાત તમારામાં છે. કોઈ માનવી અહીં ઓશિયાળો નથી, બિચારો નથી. દરેક સમર્થ છે, પણ પોતાની તાકાતની પિછાણ નથી તે નબળા રહી જાય છે.

માફ કરવા ન કરવાનો થમ્બ રૂલ 

માફ કરવા કે ન કરવા એનો નિર્ણય કરવાનો જ હોય તો એક સામાન્ય થમ્બ રૂલ સમજી લો. ક્ષમા કરીને ભૂલી જવાથી જે ઘટનાનો બોજ તમારા મન પરથી ઊતરી જવાનો હોય, તમે એનાથી મુક્ત થઈ જવાના હો, તમને એ ઘટના કે અનુભવ ફરી પીડવાનો ન હોય એટલા મુક્ત થઈ જવાના હો તો કરી જ દો. જતું કરવાથી તમે મૂવ ઑન કરી શકશો. થેલામાંના સડેલા બટાટા ફેંકી દઈને તમે એના વજન અને ગંધથી છુટકારો મેળવી શકો એ સૌથી શ્રેષ્ઠ. પણ કોઈને ક્ષમા આપવાથી તમને જો માફ કર્યાનો ભાર લાગવાનો હોય, મેં આને માફ કર્યો એ ખોટું જ થયું એ વિચાર જો તમને સતત પીડવાનો હોય, તમે તેને કંઈ ન કર્યું અથવા કરી ન શક્યા એની પીડા જો રોજ પીડવાની હોય, તે તમારા મન પરનો કાયમી બોજ બની જાય એમ હોય તો એ ન કરો. મૂળ મુદ્દો ક્ષમા આપવી કે નહીં એ નથી. મૂળ મુદ્દો તમે મુક્ત, હળવા કેમ રહી શકો એ છે.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

columnists kana bantwa