સુદર્શન ક્રિયાથી શક્ય છે સ્ટ્રેસનો સફાયો?

18 May, 2022 11:35 AM IST  |  Mumbai | Ruchita Shah

આર્ટ ઑફ લિવિંગ દ્વારા શીખવવામાં આવતી આ પદ્ધતિની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તર પર થતી અસરો પર ૧૦૦થી વધુ સંશોધનો થયાં છે. શું છે આ મેથડ અને એના લાભ શું એ વિશે જાણીએ આજે

સુદર્શન ક્રિયાથી શક્ય છે સ્ટ્રેસનો સફાયો?

યોગ પુસ્તકોનું નહીં, પણ અનુભવયુક્ત જ્ઞાન છે. પ્રત્યેક વ્યક્તિના અનુભવ જુદા હોય અને દરેકની સાધનામાંથી કોઈક નવી ફલશ્રુતિ બહાર આવે. આવી જ એક સાધનાની ફલશ્રુતિ એટલે સુદર્શન ક્રિયા. ભારતમાં અત્યારે યોગની જાણીતી સંસ્થા આર્ટ ઑફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે પોતાની સાધનામાં આ પદ્ધતિનો અનુભવ કર્યો અને તેમના થકી એ આજે લોકો સુધી પહોંચી છે. 
કેવી રીતે શોધાઈ?
સુ એટલે સારું અથવા શ્રેષ્ઠ અથવા સત્ય અને દર્શન એટલે જોવું. સુદર્શન એટલે સત્યને જોવું અને ક્રિયા એટલે શુદ્ધીકરણની પદ્ધતિ. ૧૯૮૧ની ૧૭ સપ્ટેમ્બરે દસ દિવસના મૌન, ધ્યાન અને ઉપવાસની સાધનામાં કર્ણાટકની ભદ્રા નદીના કિનારે સુદર્શન ક્રિયાનું ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના ધ્યાનમાં અવતરણ થયું. તેઓ પોતાના એક લેક્ચરમાં આ અનુભવને શૅર કરતાં કહે છે, ‘યોગ અને ધ્યાનની પદ્ધતિને જનજન સુધી પહોંચાડવા માટે મારું વિશ્વભ્રમણ શરૂ થઈ ચૂક્યું હતું. લોકો આનંદપૂર્ણ કઈ રીતે જીવી શકે એ દિશામાં મારી શોધ ચાલુ હતી. એમાં કંઈક ખૂટતું હોય એવું પણ લાગતું હતું. આંતર મૌન અને જીવનની અભિવ્યક્તિ વચ્ચે સેતુ બને એવું કંઈક હોવું જોઈએ એમાં જ સુદર્શન ક્રિયાનું પ્રગટીકરણ થયાનું મેં અનુભવ્યું. ક્યારે શું આપવું એ પ્રકૃતિને શીખવવું નથી પડતું.’
કરવાનું શું હોય?
લગભગ પિસ્તાલીસ મિનિટનો અભ્યાસ છે જેમાં શરૂઆત પ્રાણાયામથી થાય. એ પછી ધીમા, મધ્યમ અને ઝડપી શ્વાસોચ્છ્વાસ લેવાના હોય છે. ત્રીસ મિનિટમાં જુદી-જુદી સ્પીડમાં લેવાતા શ્વાસમાં સોહમ શબ્દનો ઉપયોગ થતો હોય છે. તમારી સાથે રહેલા ટીચર જ્યારે સો બોલે ત્યારે શ્વાસ અંદર અને હમ બોલે ત્યારે શ્વાસ બહાર.  આ શબ્દોથી ત્રીસ મિનિટમાં શ્વાસોચ્છ્વાસથી જ શુદ્ધીકરણની પ્રોસેસ થાય અને છેલ્લે ધ્યાનનો અભ્યાસ હોય. છેલ્લાં પંદર વર્ષથી આર્ટ ઑફ લિવિંગ સાથે સંકળાયેલાં અને સુદર્શન ક્રિયાની પ્રૅક્ટિસ કરતાં અને કરાવતાં મમતા પંડ્યા કહે છે, ‘સુદર્શન ક્રિયા એક પ્રકારની રિધમૅટિક બ્રીધિંગ પ્રૅક્ટિસ છે. તમે જોશો તો ચારેય બાજુ રિધમ જ છે. કુદરત પણ એક રિધમથી ચાલે છે. આપણા શરીરની અંદર પણ બધાં કાર્યો રિધમૅટિક વે પર થતાં હોય છે. પરંતુ જ્યારે તમે તનાવમાં હો તો બ્રીધિંગ ધીમું પડે. તમે ગુસ્સામાં હો તો શ્વાસ ઝડપી બની જાય. તમે ડરી ગયા હો તો શ્વાસ અટકી જાય. જ્યારે તમે રિલૅક્સ હો ત્યારે તમારા શ્વાસ લયબદ્ધ અને મંદ ચાલતા હોય જાણે કે તમે કોઈ ગુલાબની સુગંધ લઈ રહ્યા હો. આપણા મનના વિચારો, આપણી ઇમોશનલ સ્ટેટ રિધમને બગાડવાનું કામ કરે છે. સુદર્શન ક્રિયા અંદરથી ક્લેન્ઝિંગનું કામ કરે છે. જોકે આ અભ્યાસ સંપૂર્ણપણે સર્ટિફાઇડ ટીચરની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ કરવાનો હોય છે. સુદર્શન ક્રિયામાં જુદી- જુદી બ્રીધિંગ સાઇકલનો ઉપયોગ કરીને સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી, ડર, ચિંતા અને દુઃખ જેવાં ઇમોશનને રિલીઝ થઈ જતા હોય છે. સુદર્શન ક્રિયા બૉડી અને માઇન્ડ વચ્ચે લયબદ્ધતા લાવે છે, જે હૅપીનેસનો અનુભવ કરાવે છે. એવા અઢળક કેસ છે જેમાં એક જ સેશનમાં લોકો હૅપી, રિલૅક્સ્ડ અને ઊર્જાવાન મહેસૂસ કરતા હોય છે.’
સંશોધનો શું કહે છે?
સુદર્શન ક્રિયાની શરીર અને મન પર શું અસર થાય છે એના પર લગભગ સોએક અભ્યાસો થયા છે. એનાં તારણો પર એક નજર કરીએ. સુદર્શન ક્રિયાની ડિપ્રેશન પર થતી અસરોને લગતા અભ્યાસમાં તારણ આવ્યું હતું કે ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓની તુલનાએ ચાર અઠવાડિયાં નિરંતર આ અભ્યાસ કરનારાઓમાં ડિપ્રેસિવ ડિસઑર્ડરનાં લક્ષણોમાં ૬૭ ટકાનો ઘટાડો થયો હતો. મુડ ઑફ રહેવો કે ડેઇલી રૂટીનમાં ડલ ફીલ કરતા હોય એવા લોકોનાં લક્ષણોમાં લગભગ ૩૪ ટકાનો ડેઇલી પ્રૅક્ટિસથી ઘટાડો નોંધાયો હતો. ક્લિનિકલ ઍન્ગ્ઝાયટીના દરદીઓને ચાર અઠવાડિયાંની પ્રૅક્ટિસથી ૪૧ ટકાનો લાભ દેખાયો હતો. સુદર્શન ક્રિયાના નિયમિત અભ્યાસથી શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હૉર્મોન્સનું પ્રમાણ પણ નોંધનીય રીતે ઘટ્યું હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. સુદર્શન ક્રિયાની રેગ્યુલર પ્રૅક્ટિસથી ઇમ્યુન સેલ્સના પ્રમાણમાં નોંધનીય વધારો થયો હતો. એ સિવાય સુદર્શન ક્રિયાના રેગ્યુલર અભ્યાસથી મેન્ટલ ફોકસ વધ્યું હોય, હાઈ બ્લડ-પ્રેશર નિયંત્રણમાં આવ્યું હોય, પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડરનાં લક્ષ‍ણોમાં સુધાર થયાનું, ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટ્યાનું, જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ આવ્યાનું અને જીવન માટેનું સૅટિસ્ફૅક્શન લેવલ પણ બહેતર બન્યાનું જુદાં-જુદાં સંશોધનોમાં સાબિત થઈ ચૂક્યું છે. 
કેવા લાભ થાય?
આજે મોટા ભાગના પ્રૉબ્લેમ્સ સાઇકોસમૅટિક છે અને સુદર્શન ક્રિયા તમને મેન્ટલી હેલ્ધી બનવા માટે બહુ મદદરૂપ થઈ શકે છે. ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, ઍડિક્શન વગેરેમાં વ્યક્તિ બહેતર ફીલ કરે છે. તેનો સેલ્ફ- એસ્ટીમ વધે છે. ફેફસાંની ક્ષમતા સુધરે, શ્વસન, ઊંઘ, રોગપ્રતિકારક શક્તિ બહેતર થાય, મેન્ટલ ફોકસ વધે જેવા અઢળક લાભો છે. પોતાનો પ્રત્યક્ષ અનુભવ શૅર કરતાં યોગશિક્ષિકા મમતા પંડ્યા કહે છે, ‘પંદર વર્ષમાં હું પોતે ઇમોશનલી જબરી સ્ટેબલ અને સ્ટ્રૉન્ગ થઈ ગઈ છું. બહુ યંગ એજમાં મેં પોતાનો બિઝનેસ શરૂ કરેલો. નૅચરલી જ્યારે તમે પોતે કોઈક કામ ઉપાડ્યું હોય તો એમાં અપ્સ ઍન્ડ ડાઉન ઘણા આવે. જોકે માનસિક રીતે તમે સ્ટ્રૉન્ગ હો તો ગમે તેવા ઉતારચડાવને હૅન્ડલ કરવાનું અને એમાંથી રસ્તાઓ કાઢવાનું શીખી જતા હો છો. હું પોતે વધુ જવાબદાર બની ગઈ. મારા અનુભવ પછી મારા પિતાએ જ્યારે એનો અભ્યાસ શરૂ કર્યો તો તેમની ક્રિટિકલ કહી શકાય એવી હેલ્થ કન્ડિશનમાંથી પણ તેઓ સમાસૂતરા બહાર નીકળ્યા. તેમને થોડાક સમય પહેલાં લંગ્સમાં ક્લૉટિંગ ડિટેક્ટ થયું હતું. હેલ્થ કન્ડિશન એવી હતી કે લંગ્સના અમુક હિસ્સા સુધી બ્લડ પહોંચતું જ નહોતું. તેમના રિપોર્ટ પ્રમાણે તેઓ બેહોશીની હાલતમાં ડૉક્ટર પાસે પહોંચવા જોઈતા હતા. એ સમયે તેઓ પોતે ચાલીને હૉસ્પિટલમાં પહોંચ્યા હતા અને ડૉક્ટરની સામે એકદમ સ્વસ્થ બેઠા હતા. તેમનું ઑક્સિજન લેવલ એ સમયે ૫૬થી નીચે હતું અને સામાન્ય રીતે ડૉક્ટરની ધારણા પ્રમાણે તેમની હેલ્થની જે સ્ટેટ હતી એમાં વ્યક્તિને હાર્ટ-અટૅક જ આવ્યો હોય પણ તેઓ પ્રમાણમાં ઘણા સ્વસ્થ હતા. આ અભ્યાસ તમારા આખા વ્યક્તિત્વમાં હકારાત્મક બદલાવ લાવે છે. આ એક હોલિસ્ટિક પ્રૅક્ટિસ છે અને હજારો લોકોએ એનો લાભ લીધો છે.’

 શરીરની અંદર બધાં કાર્યો રિધમૅટિક વે પર થતાં હોય છે પરંતુ આપણી ઇમોશનલ સ્ટેટ એ રિધમને બગાડવાનું કામ કરે છે. સુદર્શન ક્રિયા આ રિધમને ફરી લાવી ક્લેન્ઝિંગનું કામ કરે છે.
મમતા પંડ્યા, એક્સપર્ટ

columnists ruchita shah