કલ્પના પણ મુક્તપણે કરવી અસંભવ છે?

28 March, 2021 07:48 AM IST  |  Mumbai | Kana Bantwa

લાખો વર્ષોથી માણસે અનુભવ અને પ્રયોગ દ્વારા જે જ્ઞાન એકઠું કર્યું છે એ જ્ઞાને જ મનુષ્યને બાંધી દીધો છે. સાવ નવો જ આઇડિયા પેદા થાય એ માટે માનવજાતને એના લાખો વર્ષના જ્ઞાનથી મુક્ત કરવી પડે

હાથી

ઋષ્યશ્રુંગ નામના એક ઋષિપુત્રની મજાની વાર્તા છે. પિતા વિભાંડક મુનિએ પોતાના પુત્ર ઋષ્યશ્રુંગને સ્ત્રીઓથી દૂર રાખ્યો હતો. કોઈ સ્ત્રી તેની નજરે ન પડે એની ખાસ તકેદારી વિભાંડક ઋષિએ રાખી હતી એટલે યુવાન થયો ત્યાં સુધી ઋષ્યશ્રુંગે કોઈ સ્ત્રીને જોઈ જ નહોતી. તેઓ જે અંગ દેશમાં રહેતા હતા ત્યાં એક વાર દુકાળ પડ્યો અને રાજા રોમપાદને કોઈકે સૂચવ્યું કે ઋષ્યશ્રુંગ ઋષિને જો રાજધાનીમાં લઈ આવી શકાય તો વરસાદ પડે. રાજાએ એક ગણિકાને કામ સોંપ્યું. વિભાંડક ઋષિ આશ્રમમાં નહોતા ત્યારે ગણિકા ઋષ્યશ્રુંગ પાસે પહોંચી. ઋષ્યશ્રુંગે ક્યારેય કોઈ સ્ત્રીને જોઈ નહોતી એટલે તેને લાગ્યું કે આ પણ મારા જેવો કોઈ ઋષિકુમાર છે. સ્ત્રી અને પુરુષ અલગ હોય એવો તેને ખ્યાલ જ નહોતો. ગણિકાના સુંદર હાવભાવ તેને ગમ્યા. તેની વાણી ગમી. તેનું રૂપ ગમ્યું. જતાં-જતાં ગણિકાએ આલિંગન અને ચુંબન આપ્યાં એનાથી તો તે હોશ ગુમાવી બેઠો. પિતા પાછા આવ્યા ત્યારે સૂનમૂન બેઠેલા પુત્રને કારણ પૂછ્યું. ઋષ્યશ્રુંગે જવાબ આપ્યો કે આજે એક ઋષિકુમાર આવ્યો હતો, તેનું રૂપ મારા કરતાં બહુ સુંદર હતું. તેને છાતી પણ બે દડા જેવી ઊપસી આવેલી હતી. તે ગયો પછી મને ચેન નથી પડતું. વાર્તા આગળ ચાલે છે, પણ આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એમાં એનો બહુ ઉપયોગ નથી. માણસ પોતાની સમજણ અને માહિતીના ચોકઠાથી બહાર કલ્પના પણ નથી કરી શકતો. હકીકતમાં તો માણસજાત આખી એક નિશ્ચિત ચોકઠાથી બહાર વિચારી જ નથી શકતી.
  માર્ક ટ્વેઇન એવું માનતા કે નવા વિચાર, નવા આઇડિયા જેવું કશું જ નથી. બધું પહેલાં ક્યાંક, ક્યારેક, કોઈ દ્વારા વિચારી લેવાયેલું છે, કરી લેવાયેલું છે. ટ્વેઇન કેલિડોસ્કોપનું ઉદાહરણ આપતા. આપણા વિચાર કેલિડોસ્કોપમાં રચાતી આકૃતિઓ જેવા છે. દર વખતે કેલિડોસ્કોપને થોડો ફેરવો એટલે નવી આકૃતિ રચાય. આ નવી આકૃતિ અગાઉની આકૃતિ કરતાં તદ્દન ભિન્ન હોય છે. પણ એ આકૃતિ બનાવનાર કાચના રંગબેરંગી ટુકડાઓ એકના એક જ હોય છે. દર વખતે એ ટુકડાઓનું કૉમ્બિનેશન બદલાય, જગ્યા બદલાય એટલે યુનિક આકૃતિ પેદા થાય. તમે કેલિડોસ્કોપને ફેરવતા રહો અને નવી-નવી આકૃતિ રચાતી રહે. ટ્વેઇને પોતાની આત્મકથામાં લખ્યું છે, ‘સદીઓથી એકના એક કાચના ટુકડાઓથી માનવ નવી-નવી આકૃતિ બનાવીને રમતો આવ્યો છે.’ પશ્ચિમની ફિલોસૉફી હજી બાલ્યકાળમાં હતી ત્યારે આ પ્રકારની થિયરીઓની ભરમાર હતી. એ સમયે ચિંતકોનો એક મોટો વર્ગ માનતો હતો કે વિચારવા યોગ્ય બધું જ વિચારાઈ ચૂકયું છે, કહેવા યોગ્ય કહેવાઈ ગયું છે, લખવા યોગ્ય લખાઈ ગયું છે, હવે જે આવે છે એ આ જૂનાના જ પડઘા છે. દરેક નવી વાત અગાઉ કહેવાઈ ગયેલી વાતનું નવું રૂપ જ છે. 
  માર્ક ટ્વેઇન સહિતના વિચારકોની જે માન્યતા હતી કે વિશ્વમાં બધું અગાઉ વિચારાઈ ગયું છે એમાં તેઓ સાચા નહોતા, પણ તેમણે જે નહોતું કહ્યું એ સત્ય એવું છે કે વિશ્શ્વમાં જે નવી કલ્પનાઓ કરવામાં આવે છે એ પણ એક ઘરેડમાં જ બંધાયેલી હોય છે. એવું નથી કે સાવ નવતર આઇડિયા નથી આવતા. દરેક ક્ષેત્રમાં સાવ જ નવા આઇડિયા વિચારાઈ જ રહ્યા છે અને સમાજને આ આઇડિયા બદલી પણ રહ્યા છે છતાં એક બાબત સ્પષ્ટ છે કે આ આઇડિયા અને વિચારો પણ એક મર્યાદામાં બંધાયેલા છે. ચોકઠામાં કેદ છે. જવલ્લે જ, ક્યારેક જ, કોઈક જ આ ચોકઠાને તોડીને સાવ નવું જ, સાવ અલગ જ કશુંક નીપજાવી શકવા સમર્થ બને છે.
  એક અદૃશ્ય પીંજરામાં કેદ છે માનવજાત. આ પીંજરું લાખો વર્ષમાં માણસે જ બનાવ્યું છે. માણસ વિચારતાં શીખ્યો ત્યારથી આ પીંજરું બનતું રહ્યું છે. પોતાની આસપાસનું કેદખાનું ખુદ માણસે જ બનાવ્યું છે. એક પછી એક ઇંટ માણસ મૂકતો ગયો અને પોતે જ એમાં પુરાતો ગયો. વિચારથી થિયરી જન્મે છે અને થિયરી મર્યાદા બાંધે છે. માણસે પોતાના વિશે, પ્રકૃતિ વિશે, ઘટનાઓ વિશે વિચારીને એને સમજવાની કોશિશ કરી, આ કોશિશમાંથી ધારણાઓ, સમજણ અને નિયમો પેદા થયા. માણસને જે સમજાતું ગયું એને સત્ય કહ્યું. એમાં નિર્ભેળ સત્યોની સાથે ગૃહિતો, માન્યતાઓ અને ધારણાઓની ભેળસેળ થઈ ગઈ. માણસને જે સમજાયું એના આધારે જે સમજણ, જ્ઞાન બન્યું એના પરથી જ આગળ વધુ વિચારવાનું શરૂ થયું. માણસ પાસે નવી કલ્પના નથી એનું કારણ તેની ચોકઠામાં બંધાઈ ગયેલી વિચારપ્રક્રિયા છે. લાખો વર્ષોથી માણસે અનુભવો અને પ્રયોગો દ્વારા જે જ્ઞાન એકઠું કર્યું છે એ જ્ઞાને જ મનુષ્યને બાંધી દીધો છે. એ સમજણ, એ જ્ઞાન, એ નિયમો, એ ધારણાઓથી બહાર નીકળવું અસંભવ બની ગયું. માણસને જન્મથી જ જે શીખવવામાં આવે છે એ બધું તેને સમજણ, ડહાપણ અને જ્ઞાન તો આપે છે, પણ સાથે જ તેને મર્યાદામાં બાંધી દે છે. દરેક બાળક અગાઉથી બંધાયેલા વાતાવરણમાં, વિચારપ્રક્રિયાના એક સેટમાં જન્મે છે. નાના બાળકને દરેક બાબતે કુતૂહલ હોય છે અને એને મળતા તમામ જવાબ બંધિયાર હોય છે. એને જે જવાબ મળે છે એનાથી આગળ વિચારવાનું એ પછી મુશ્કેલ બની જાય છે. બાળક પૂછે છે કે આ જગત કોણે બનાવ્યું? જે માતા-પિતા ઈશ્વર પર આસ્થા રાખતા હશે તે કહેશે કે જગત ભગવાને બનાવ્યું. બાળક પૂછશે કે ભગવાન કોણ છે? તો જવાબ મળશે કે ભગવાન સર્વશક્તિમાન છે. એટલે બાળકના મનમાં ઈશ્વર વિશે અને જગત વિશેની ધારણા બંધાઈ જશે અને કલ્પના થોડી કુંઠિત થઈ જશે. બાળકની આ ધારણા શાળામાં થોડી બદલાઈ શકે, પણ મૂળ બાબત યથાવત્ રહેશે. બાળક જો પૂછશે કે ઈશ્વરને કોણે બનાવ્યો તો જવાબ મળશે કે ઈશ્વર હયાત જ હોય, એને કોઈ બનાવે નહીં. વધુ બુદ્ધિશાળી બાળક હશે તો પૂછશે કે હયાત ક્યારથી છે? એ અસ્તિત્વમાં કઈ રીતે આવ્યો? આ પ્રશ્નોના સાચા કે ખોટા ઉત્તર તેને મળશે એનાથી તેની વિચારશક્તિ કન્ડિશન્ડ થતી જશે. તેને જેટલું શીખવવામાં આવશે એ બધું જ તેનું પોતાનું એક ચોકઠું, એક પીંજરું બનાવશે. પછી એ કલ્પના પણ આ ચોકઠામાં જ કરશે. માનવની કલ્પનાને કુંઠિત કરવાનું માત્ર શિક્ષણ દ્વારા જ નથી થતું; જીવનના તમામ પ્રસંગો,પાસાંઓ, અનુભવો, અનુભૂતિઓ, તાલીમ વગેરે દ્વારા જેટલા ઇન્પુટ માણસના મનને મળે છે એ બધા તેની સમજણને વિસ્તારે છે, પણ સાથે જ મર્યાદા પણ બાંધે છે. 
માનવજાત સમાન વિચારે છે. તમે સમુદ્ર જુઓ તો આહ્‍લાદક વાતાવરણથી તમારું મન પ્રફુલ્લિત થશે, તમને કોઈ કવિતા યાદ આવશે, સમુદ્રની ગહેરાઈનો ખ્યાલ મનમાં આવતાં અભિભૂત થશો. આવું જ અમેરિકાના દરિયાકાંઠે બેઠેલો માણસ પણ વિચારશે. સમુદ્રકાંઠે બેસવાથી આનંદ થાય, ખુશ થઈ જવાય એ પણ આપણામાં અગાઉથી રોપવામાં આવેલો વિચાર છે. શહેરના જીવનમાં ગૂંગળામણ થાય એ પણ અગાઉથી મનમાં ઘુસાડાયેલો વિચાર છે. ગામડામાંથી આવેલા માણસને શહેર આશ્ચર્યચકિત કરી દે એટલું સુંદર લાગતું હોય એવું પણ બની શકે. ગામડું એટલે શાંતિ, ગામડું એટલે સુખ, ગામડું એટલે નિષ્ઠા, ગામડું એટલે નિર્દોષતા એવી વાતો આપણા મનમાં આરોપિત કરી દેવામાં આવી છે. એટલે જ્યારે આપણે ગામડાનો ખ્યાલ કરીએ ત્યારે આ જ કન્ડિશન્ડ થઈ ગયેલી મનોસ્થિતિ સાથે વિચારીએ છીએ.
  સાવ નવા જ આઇડિયા જગતમાં આવી જ શકે એમ નથી? ના. એને માટે માનવજાતને તેના લાખો વર્ષના જ્ઞાનથી મુક્ત કરવી પડે. જે સંભવ નથી. 

kana bantwa columnists weekend guide