ઍટલાન્ટાના દેરાસર પછી અમને એવું મંદિર બનાવવાની અનેક દેશોમાંથી ઑફર આવી

11 August, 2024 02:08 PM IST  |  Mumbai | Chandrakant Sompura

એવું કામ અમારે ફરી કરવું નથી એટલે મોટા ભાગે અમે ના જ પાડીએ છીએ

ઍટલાન્ટાના સૌપ્રથમ દેરાસરમાં જૈન સંઘે ચોવીસેચોવીસ તીર્થંકરની સ્થાપના કરી છે.

આપણે વાત કરીએ છીએ અમેરિકાના ઍટલાન્ટામાં બનેલા પહેલા જૈન દેરાસરની. તમને કહ્યું એમ એ દેરાસરનું RCC-કૉન્ક્ર‌ીટનું કામ અમેરિકામાં શરૂ થયું તો સાઇડ-બાય-સાઇડ અમે પથ્થરનું દેરાસર બનાવવાનું કામ મકરાણા માર્બલ સાથે રાજસ્થાનના મકરાણામાં શરૂ કર્યું અને ત્યાં બનાવવાનું હતું એ દેરાસર આખું અહીં આપણે ત્યાં ઊભું કર્યું, પણ પેલી જે જિગ્સૉ પઝલ આવે એ રીતે.

ઝીણામાં ઝીણી વાતનું ધ્યાન રાખીને ઍટલાન્ટાના દેરાસરને અમે વીસ હજારથી પણ વધારે ભાગમાં વહેંચી નાખ્યું અને તૈયાર થયેલા એ એકેક ટુકડાને નંબર આપ્યા. આ જે નંબર હોય એ સામાન્ય નંબરની જેમ ન હોય એ તમારી જાણ ખાતર. એ કોડવર્ડ સાથે હોય, જેથી ત્યાં રહેલા જૈન સંઘના કન્સલ્ટન્ટ પણ એ બધા ભાગોને જુદા તારવી શકે. તૈયાર થયેલા એ દેરાસરના પથ્થરોને અમે કન્ટેનર મારફત અમેરિકા રવાના કર્યા અને પછી ત્યાં કામ શરૂ થયું.

મકરાણામાં જે દેરાસરની આખી ડિઝાઇન અમે તૈયાર કરી હતી એ બધા પથ્થરો RCC-કૉન્ક્ર‌ીટની જે દીવાલો તૈયાર થઈ હતી એ દીવાલો પર લાગ્યા. ત્યાં એ પથ્થરો લગાડવાનું કામ આમ પ્રમાણમાં આસાન હતું. એક વાર નંબર મુજબ બધા પથ્થરો જુદા તારવી લેવામાં આવે એ પછી એ પથ્થરો જડવાનું કામ અઘરું નહોતું. અગેઇન, અહીં પણ પેલી પઝલની વાત જ આવે કે એક ટુકડો ખોટો લાગે એટલે તરત આગળના ટુકડાઓ લાગવાના બંધ થઈ જાય.

સિમેન્ટ-કૉન્ક્રીટનું માળખું ઊભું કરવામાં જેટલો સમય લાગ્યો હતો એના કરતાં પણ ઓછા સમયમાં આખું દેરાસર ઊભું થઈ ગયું. તૈયાર થયેલું એ દેરાસર અંદરથી જોતી વખતે કોઈ માણસ એવું ન કહી શકે કે એ પથ્થરનું દેરાસર નથી.

દેરાસરમાં પથ્થર લગાવવાનું કામ કરવા પણ અહીંથી એક પણ કારીગરને મોકલવામાં નહોતો આવ્યો. અમારા ડ્રૉઇંગ અને અમે આપેલા નંબરના આધારે ત્યાંના ધોળિયાઓએ જ કામ કર્યું અને આખું દેરાસર તૈયાર કર્યું. એ દેરાસર તૈયાર થયા પછી તો ઘણા દેશોમાંથી અમને એ પ્રકારે મંદિર કે દેરાસર બનાવવા માટે કહેવામાં આવ્યું, પણ અમે એ ઇરાદાપૂર્વક ટાળ્યું છે. એક તો આ રીતે મંદિર ઊભું કરી લેવામાં બને એવું કે પથ્થરનાં મંદિરોનું મૂલ્ય થોડું ઘટી જાય એટલે અમે એવું કરવા નથી માગતા તો બીજું કારણ થોડું અંગત છે.

ઍટલાન્ટાનું એ દેરાસર જેટલી સરળતાથી ઊભું થયું એટલી સરળતા અમારા પક્ષે નહોતી રહી. દેરાસરનાં ડ્રૉઇંગ્સ, એ ડ્રૉઇંગના એકેક ભાગની ડિઝાઇન અને એ ડિઝાઇન પછી એના ભાગ કરીને એ મુજબની ડિઝાઇન તૈયાર કરવાનું કામ બહુ અઘરું હતું. અમારા માટે એ ચૅલેન્જ હતી અને અમારે એ ચૅલેન્જ લેવી હતી એટલે અમે એ પ્રયોગ તરીકે એક વાર કામ હાથમાં લીધું, પણ હવે વધારે એવું કામ નથી કરવું.

બહુ મહેનત કરાવે આ પ્રકારનું કામ. નાનામાં નાની વાતનું ધ્યાન રાખવું પડે. સામાન્ય રીતે કૉલમ આખી હોય, પણ અમારે તો મંદિર એક્સપોર્ટ કરવાનું હતું એટલે કન્ટેનર પણ આંખ સામે રાખવાનાં. કન્ટેનરમાં કંઈ વીસ ફુટની કૉલમ જાય નહીં એટલે એના પણ ટુકડા કરવા પડે અને એ ટુકડા પણ એવી રીતે કરવાના કે નરી આંખે જોઈ શકાય એ રીતે ડિઝાઇનમાં ક્યાંય આવે નહીં. આ જે આખું દેરાસર બન્યું એ ટોટલી મેઇન્ટેનન્સ-ફ્રી છે. જુઓને, આજે આટલાં વર્ષો થઈ ગયાં પણ એમાંથી એક કાંકરી ખરી નથી.

columnists atlanta united states of america gujarati mid-day religious places jain community culture news