17 May, 2025 01:11 PM IST | Mumbai | Ruchita Shah
ટર્કી અને અઝરબૈજાન Boycott
ભારત-પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ખુલ્લેઆમ પાકિસ્તાનના પડખે ઊભાં રહેલાં ટર્કી અને અઝરબૈજાનનો ભારતમાં પ્રખર વિરોધ થઈ રહ્યો છે. દુશ્મન દેશ સાથે ઊભા રહેનારા દેશોની આર્થિક ઉન્નતિમાં આપણે મદદ ન કરીએ એવા સૂર સાથે ટર્કી સાથેના તમામ વેપારી સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાની વાત પર મુંબઈના અગ્રણી વેપારીઓનો શું મત છે એ વિષય પર ચર્ચા કરીએ
ભારત-પાકિસ્તાનના યુદ્ધના હાહાકાર વચ્ચે પાકિસ્તાનને ખુલ્લો સપોર્ટ કરનારા, પાકિસ્તાનને હથિયાર સપ્લાય કરનારા દેશોમાં ટર્કી અને અઝરબૈજાન આ બે દેશો પ્રત્યે ભારતીયોમાં રોષનો માહોલ છે. ભારતના નવા શત્રુઓની જેમ જોવાઈ રહેલા આ દેશો પ્રત્યેનો રોષ એ સ્તરનો વધ્યો કે ભારતીય ટૂરિઝમ ક્ષેત્રે તાત્કાલિક એની ઇમ્પૅક્ટ દેખાઈ. લગભગ ૬૦ ટકા ટર્કીનાં બુકિંગ કૅન્સલ થઈ ગયાં. દેશના અગ્રણી વેપારી અસોસિએશનો દ્વારા આ દેશો સાથે વેપારમાં કાપ મૂકવાની જાહેરાતો થઈ. દેશના અબજોપતિ દ્વારા સોશ્યલ મીડિયા પર આ દેશમાં ફરવા ન જવાની ટહેલ મુકાઈ. ભૂતકાળમાં ચીન વિરુદ્ધ આપણે આ પ્રકારનો બહિષ્કાર જોઈ ચૂક્યા છીએ અને દેશદાઝની ભાવના સાથે જોડાયેલા આ સેન્ટિમેન્ટ સ્વાભાવિક પણ છે. પરંતુ શું ખરેખર આ વિરોધ કરવો સંભવ છે? મુંબઈનાં અગ્રણી વેપારી સંગઠનો, ટ્રાવેલ એજન્ટ સાથે આ સંદર્ભે થયેલી વાતચીતના અંશો પ્રસ્તુત છે. આખા મુદ્દાને વધુ ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીએ.
શંકર ઠક્કર, CAITના નૅશનલ સેક્રેટરી
જિતેન્દ્ર શાહ, FAMના પ્રમુખ
રાષ્ટ્ર સ્તરના સંબંધોનું શું?
લેટેસ્ટ સમાચાર પર ધ્યાન આપીએ તો ભારત સરકારે ટર્કીની કંપનીઓને આપેલા પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મૂકવાનું શરૂ કરી દીધું છે. દેશનાં નવ ઍરપોર્ટ સાથે સંકળાયેલી ટર્કીની કંપનીને તાત્કાલિક ધોરણે હટાવી દેવામાં આવી છે. ભારત અને ટર્કી વચ્ચે દાયકાઓથી ડિપ્લોમૅટિક સંબંધો રહ્યા છે જે રાષ્ટ્રીય સ્તરે પણ હલી ગયા હોવાનું સરકારની કેટલીક ઍક્શન પરથી પ્રતીત થઈ રહ્યું છે. બેશક, હજી ઑફિશ્યલી સરકારે ટર્કી સાથેના વ્યાપારિક અને રાજકીય સંબંધોને લઈને કોઈ જાહેરાત કરી નથી પરંતુ ટર્કીના વિરોધી દેશ જેમ કે ગ્રીસ, આર્મેનિયા, સાયપ્રસ સાથેના સંબંધો વધુ મજબૂત કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું પણ કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે. ટર્કી સાથેના ટ્રેડ રિલેશનમાં મુખ્યત્વે ભારત સરકાર કન્સ્ટ્રક્શન અને ટેક્નૉલૉજી સાથે સંકળાયેલા પ્રોજેક્ટ અગ્રિમ રહ્યા છે. આર્થિક વર્ષ ૨૦૨૪-’૨૫માં લગભગ ૮૩,૬૦૦ કરોડ રૂપિયાનો વ્યાપાર ટર્કી સાથે ભારતનો રહ્યો છે. આપણે ત્યાં મેટ્રો રેલ, ટનલ કન્સ્ટ્રક્શન અને એવિએશનના પ્રોજેક્ટમાં ટર્કિશ કંપનીઓ મોટા પાયે સંકળાયેલી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી જેવા રાજ્યમાં ટર્કિશ કંપનીઓ ભારત સરકારના પ્રોજેક્ટ માટે કામ કરી રહી છે. છેલ્લાં ચોવીસ વર્ષમાં ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ અંતર્ગત ટર્કીએ ભારતમાં ૨૦૦.૭૯ લાખ કરોડનું રોકાણ કર્યું છે અને બન્ને દેશો વેપારની દૃષ્ટિએ ગયા વર્ષ સુધી વિકસી રહ્યા હતા. ટૂરિઝમની દૃષ્ટિએ તો ટર્કીને ભારતીય ટૂરિસ્ટો થકી સારીએવી આવક હતી. ૨૦૨૪માં લગભગ ૨૭૦,૦૦૦ ભારતીય પ્રવાસીઓએ ટર્કીની મુલાકાત લીધી હતી જેનું પ્રમાણ ગયા વર્ષની તુલનાએ વીસ ટકા જેટલું વધ્યું હતું. હવે ટર્કીનું પ્રમોશન, ટર્કી માટેનું બુકિંગ લેવાનું ઘણા અગ્રણી ટ્રાવેલર્સે બંધ કર્યું છે. ટ્રાવેલિંગ ઉપરાંત માર્બલ, ઍપલ, મસાલા, ચોખા અને થોડાક અંશે ગાર્મેન્ટમાં ટર્કી સાથે વેપારી સંબંધો પર કાપ મૂકવા માટે વેપારી સંગઠનો આક્રમકતા સાથે આગળ વધી રહ્યાં છે અને રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપી રહ્યાં છે ત્યારે તેમનાં સંવેદનો પણ જાણીએ.
ભીમજી ભાનુશાલી, GROMAના પ્રમુખ
અમરીશ બારોટ, મુંબઈ મર્ચન્ટ ચેમ્બરના સભ્ય
કોઈ ફરક નથી પડતો
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના નૅશનલ સેક્રેટરી શંકર ઠક્કર ખૂબ જ આક્રમકતા સાથે કહે છે, ‘દેશથી ઉપર કંઈ નથી. સરહદ પર લડી ન શકીએ પરંતુ આર્થિક રીતે વેપારી સંગઠનો પાસે લડવાની અને શત્રુઓને જુદી રીતે કંગાળ કરવાની અજબ ક્ષમતા ભરેલી છે. અમારું સંગઠન એ ક્ષમતાનો જ ઉપયોગ કરીને રહેશે. પહેલું પગથિયું અમે બધાં જ ઈ-પોર્ટલ પ્લૅટફૉર્મ પરથી પાકિસ્તાની ઝંડાથી લઈને મેડ ઇન પાકિસ્તાન પ્રોડક્ટ્સ હટાવી છે. ચીને જ્યારે ગલવાન ઘાટીમાં હુમલો કર્યો ત્યારે ચીનનો વિરોધ કરીને વેપારીઓ એકજુટ થયા હતા અને એના પડઘા પડ્યા હતા. આજે સ્વદેશી જાગરણ મંચના પ્રતિનિધિઓ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને ચોવીસ રાજ્યના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલી અમારી રાષ્ટ્રીય બેઠકમાં નક્કી થઈ ગયું છે કે હવે ટર્કી અને અઝરબૈજાન સાથે આયાત કે નિકાસના તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. અમારા સંગઠનમાં ૩૬૫ પ્રકારના વેપાર સાથે સંકળાયેલા નવ કરોડ વેપારીઓ અને ૪૫ હજાર સંગઠનો હવે ટર્કી અને અઝરબૈજાન સાથે કોઈ વ્યાપારિક સંબંધો નહીં રાખે. ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ, માર્બલ, સ્ટીલના બિઝનેસમાં ટર્કી સાથેના સંબંધો આગળ નહીં વધારીએ. જે જૂનો માલ છે એનો નિકાલ કરવામાં આવશે પરંતુ નવેસરથી કોઈ વેપાર નહીં થાય.’
નુકસાનનો ડર નથી
દેશના જવાનો મર્યા છે એની સામે મારે જો વર્ષે દસ-બાર લાખનું નુકસાન વેઠવું પડે તો મને વાંધો નથી એવું સ્પષ્ટતા સાથે જણાવતાં ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ જિતેન્દ્ર શાહ કહે છે, ‘હું પોતે સ્ટેનલેસ સ્ટીલના બાર બનાવું છું અને મેં હવે ટર્કીનો કોઈ ઑર્ડર લેવો નહીં એવું નક્કી કરી લીધું છે. અમારી સંસ્થા હેઠળ ૭૫૦ અસોસિએશન આવે છે. લગભગ નવ લાખ વેપારીઓ મળીને નક્કી કરીએ છીએ કે હવે ટર્કી સાથે વેપારી સંબંધો કાપી નાખીએ. ૨૪ મેના એની ઑફિશ્યલ જાહેરાત પણ કરીશું. આપણને હકીકતમાં એટલો ફરક નહીં પડે જેટલો આપણા આ નિર્ણયથી ટર્કીને ફરક પડશે કારણ કે આપણા મૂળ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના બિઝનેસમાંથી માંડ પાંચથી સાત ટકાનો વેપાર ટર્કી સાથે છે, પરંતુ ટર્કીના પક્ષે ભારત સાથે થઈ રહેલા વેપારનો રેશિયો મોટો છે. ખાસ તો ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી ટર્કીના ઇકૉનૉમી બૂસ્ટમાં મોટો રોલ અદા કરી રહી છે.’
ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ ભીમજી ભાનુશાલીએ પણ ટર્કી સાથે તેમના અસોસિએશન અંતર્ગતના વેપારીઓ સ્વેચ્છાએ જ વેપારી સંબંધો કાપવાની દિશામાં આગળ વધારી રહ્યા હોવાનું કન્ફર્મ કર્યું હતું. ભીમજીભાઈ કહે છે, ‘અનાજમાં ખાસ આપણો ટર્કી સાથે વેપાર નથી. હા, મસાલાઓનો વેપાર થતો હોય છે. અત્યારના માહોલને જોતાં આ સ્ટૅન્ડ છે. અફકોર્સ એ કેટલો સમય ચાલશે એ કહેવું મુશ્કેલ છે. ઘણી વાર ચીનની પ્રોડક્ટનો વિરોધ કર્યા પછી પણ આપણે ફરી વેપારી સંબંધો રાખ્યા જ છે. બાસમતી ભારતમાંથી ટર્કીમાં એક્સપોર્ટ થાય છે. નવો વેપાર નહીં કરીએ એવી નીતિ અત્યારે તો રાખી છે. જોકે ટર્કી સાથે કુલ વેપારમાંથી માંડ બેથી પાંચ ટકા જેટલો વેપાર અમારી માર્કેટમાંથી થાય છે એટલે આપણા વેપારીઓને ખાસ ફરક પણ નહીં પડે.’
ભૂમિશ શાહ, ખસખસના અગ્રણી બ્રોકર
વિજય ભુતા, મુંબઈ ડ્રાયફ્રૂટ્સ ઍન્ડ ડેટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ
માર્બલ આપશે મોટો ઝટકો
ટર્કી ભારતની માર્બલ આયાતમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતીયો દ્વારા આરસ પથ્થરની લગભગ ૭૦ ટકા આયાત ટર્કીમાંથી થાય છે. દર વર્ષે ભારત ટર્કી પાસેથી ત્રણ હજાર કરોડના ખર્ચ સાથે અંદાજે ૧૪થી ૧૮ ટન માર્બલ ઇમ્પોર્ટ કરે છે. જોકે એક્સપોર્ટની દૃષ્ટિએ ભારતમાંથી ટર્કી જતા માર્બલનું પ્રમાણ નજીવું છે. એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન જ ભારતે લગભગ ૨૩,૭૪૨ કરોડ રૂપિયાની વસ્તુઓ ઇમ્પોર્ટ કરી છે જેમાં મેજર હિસ્સો માર્બલ એટલે કે આરસપહાણનો છે. માર્બલના માધ્યમે ભારત તરફથી ટર્કીને મળતી મોટી રકમ બંધ થશે, કારણ કે ભારતનું માર્બલ હબ ગણાતા અને ટર્કીના માર્બલ પર આધાર રાખતા ઉદયપુરના માર્બલ પ્રોસેસર્સ અસોસિએશને પણ ટર્કી સાથેના વેપાર પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લઈ લીધો છે. આ બહિષ્કારથી ટર્કીને તો મોટું નુકસાન થશે જ પણ સાથે ભારતમાં માર્બલની કિંમત પણ ઊંચકાશે. ભારત હવે ઇટલી સાથે માર્બલનો બિઝનેસ વધારી શકે છે.
મયૂર શાહ, આર. એમ. ટ્રાવેલ્સ
અલિશા અને ભાવિક સંઘવી
ઍપલમાં નુકસાન ભારતીય વેપારીનું
પુણેના ફળોના વેપારીઓએ ટર્કીના ઍપલનો બહિષ્કાર કર્યો છે. પુણેની ફ્રૂટ માર્કેટમાં ટર્કીનાં ઍપલની લગભગ હજારથી બારસો કરોડ રૂપિયાની હિસ્સેદારી હોય છે. અત્યારે જોકે પુણેની માર્કેટમાંથી આ ઍપલ ગાયબ છે. જોકે મુંબઈની માર્કેટના વેપારી ટર્કીનાં ઍપલ વિશે જુદી બાજુ વ્યક્ત કરે છે. ગ્રાહકો દ્વારા ટર્કીનાં સફરજનનો વિરોધ થઈ રહ્યો છે અને એનો માર ભારતીય વેપારીઓને ભોગવવો પડશે. આઇ. જી. ઇન્ટરનૅશનલ નામની પચાસ વર્ષ જૂની ફ્રેશ ફ્રૂટ્સનું ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરતી હોલસેલની કંપનીના માલિક સંજય અરોરા કહે છે, ‘ટર્કિશ ઍપલના વિરોધ પછી કોઈ પણ ફ્રૂટનો વેપારી નવેસરથી ઍપલના ઑર્ડર નહીં આપે અને એની અસર પણ દેખાશે. પરંતુ અત્યારે ઍપલની સીઝન નથી. સામાન્ય રીતે ઑક્ટોબર પછીના ત્રણ મહિના ટર્કીથી ઍપલ ભારતમાં આવતાં હોય અને પછી કોલ્ડ સ્ટોરેજમાં સચવાય અને વેચાતાં હોય. અત્યારે જે પણ ટર્કીનાં ઍપલ માર્કેટમાં દેખાઈ રહ્યાં છે એ પહેલાં જ આવી ગયેલાં છે અને ભારતીય વેપારીઓના પૈસા એમાં ઇન્વેસ્ટ થઈ ચૂક્યા છે. ટર્કીને પણ એના પૈસા મળી ગયા છે. આ ઍપલનો વિરોધ થાય અને લોકો ન ખરીદે અને સ્ટૉક પડ્યો રહે તો આ પૅરિશેબલ આઇટમ છે એટલે એની ખોટ ભારતીય વેપારીઓને જશે. ફ્રૂટ્સના વેપારીઓ અત્યારે ટર્કિશ ઍપલને લૉસ કરીને વેચવા તૈયાર થયા છે કારણ કે જો અત્યારે એનો સંપૂર્ણ વિરોધ થશે અને લોકો નહીં ખરીદે તો નુકસાન માત્ર અને માત્ર ભારતીય વેપારીનું છે.’
મસાલા અને ડ્રાયફ્રૂટ્સ નહીં
ભારત દ્વારા ટર્કીમાંથી ખસખસ અને કેટલાક ડ્રાયફ્રૂટ્સનો મોટા પ્રમાણમાં વેપાર થાય છે. નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના સભ્ય અને બૉમ્બે મૂડી બજાર કરિયાણા મર્ચન્ટ્સ અસોસિએશનના માજી પ્રમુખ અમરીશ બારોટ કહે છે, ‘વેપારીઓમાં ટર્કી સાથેના વેપાર પર કાપ મૂકવાની બાબત જડબેસલાક રીતે મગજમાં બેસી ગઈ છે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બન્ને સ્વેચ્છાએ બંધ કરવાનો નિર્ણય અમારી સંસ્થાનાં ઘણાં અસોસિએશને સ્વેચ્છાએ લીધો છે. એ એકદમ યોગ્ય નિર્ણય છે. પહલગામની ઘટના પછી પણ અમે નવી મુંબઈની માર્કેટમાં પ્રાર્થનાસભા રાખી હતી. આજે નવી મુંબઈની ફ્રૂટ માર્કેટમાં બંગલાદેશીઓનો પ્રભાવ વધી રહ્યો છે એની વચ્ચે પણ કેટલાક જૂના પ્લેયરે ટર્કી સાથે નવેસરથી ફ્રૂટની ઇમ્પોર્ટમાં નહીં પડવાનું નક્કી કર્યું છે.’
મસાલાઓમાં ટર્કીથી ખસખસની આયાત મોટા પ્રમાણમાં થતી હતી. જોકે છેલ્લાં બે વર્ષથી સરકારે જ પરમિટ આપવાનું બંધ કરી દીધું છે. ખસખસની આયાત માટે ખાસ નાર્કોટિક્સ વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે. આ સંદર્ભે ખસખસના અગ્રણી બ્રોકર ભૂમિશ શાહ કહે છે, ‘છેલ્લાં બે વર્ષથી સરકાર ખસખસની ઇમ્પોર્ટ માટે પરમિશન નથી આપતી. કારણ હવે સમજાય છે. ભારતમાં પણ ખસખસનું પ્રોડક્શન થાય છે પરંતુ ટર્કીમાંથી આવતી ક્વૉલિટી બહેતર અને કિંમત ઓછી હોય છે. આવનારા સમયમાં ધારો કે પરમિટ શરૂ થાય તો પણ ટર્કીના પાકિસ્તાન સાથેના વલણને જોતાં અમે વેપારીઓ એની સાથે વેપાર નહીં કરવાનું જ વિચારીએ છીએ. ચેક રિપબ્લિક અને ચીન પાસેથી પણ ખસખસ મળે છે. ભવિષ્યમાં ચેક રિપબ્લિકમાંથી માલ ખરીદીશું.’
ટર્કીથી ત્રણ મુખ્ય ડ્રાયફ્રૂટ્સની આયાત થાય છે. એ વિશે મુંબઈ APMCના ડિરેક્ટર અને સાડાત્રણ હજાર મેમ્બર્સ ધરાવતા મુંબઈ ડ્રાયફ્રૂટ્સ ઍન્ડ ડેટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ વિજય ભુતા કહે છે, ‘સત્તાવાર રીતે તો કોઈ જાહેરાત હજી નથી થઈ પરંતુ અમે બધા જ વેપારીઓએ સ્વેચ્છાએ ટર્કી સાથે વેપાર પર પાબંધી મૂકવાનું નક્કી કર્યું છે. ટર્કીથી ટર્કલ નામનું ત્યાંનું નેટિવ ડ્રાયફ્રૂટ પ્લસ હેઝલ નટ અને અંજીરની આયાત થતી હતી. હવે એ વસ્તુઓ બીજા દેશ પાસેથી મગાવીશું, પરંતુ દેશના ભોગે વેપાર નહીં કરીએ એ નક્કી છે.’
ટ્રાવેલ એજન્સીનું વલણ
મેકમાયટ્રિપ, ઈઝમાયટ્રિપ, ઇક્ઝિગો સહિત ઘણાં ટ્રાવેલ પોર્ટલે ટર્કીનાં હોટેલ-બુકિંગ બંધ કરી દીધાં. આગળ કહ્યું એમ ઘણા લોકોએ પોતાના ટર્કી અને અઝરબૈજાનના પ્લાનને પડતા મૂક્યા છે. આર. એમ. ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ કંપની ચલાવતા મયૂર શાહ કહે છે, ‘મારી પાસેથી બાકુની બે અને ટર્કીની બે ફૅમિલી-ટ્રિપ કૅન્સલ થઈ છે. અમુક ટ્રાવેલ કંપનીઓ દ્વારા પણ મારી પાસે બુકિંગ આવેલું જે કૅન્સલ થયું છે. ફ્લાઇટના કૅન્સલેશન ચાર્જ સિવાયના પૈસા મળી ગયા છે અને ટર્કીમાં હોટેલ-બુકિંગમાં ક્યાંકથી રીફન્ડ આવ્યું છે તો ક્યાંક પૈસા ક્રેડિટમાં રખાયા છે. અત્યારનો માહોલ જોતાં લોકો ટર્કી કે અઝરબૈજાન ફરવા જવા માટે ઉત્સુક નહીં થાય એવું લાગે છે. એમાં ખોટું પણ નથી. દેશના દુશ્મનોને આપણા પ્રવાસના પૈસાથી સમૃદ્ધ કરવાની શું જરૂર છે? ફરવા માટે સ્થળ ક્યાં ઓછાં છે?’
જોકે આ જ દિશામાં એક બીજો વર્ગ પણ છે. પચીસ વર્ષ પહેલાં ભારતમાં ટર્કીને ટૂરિસ્ટ પ્લેસ તરીકે લાવનારા અને ટર્કીમાં નિયમિત ગ્રુપ-ટૂર યોજતા ઑરોરા ટ્રાવેલ્સના ધવલ જાંગલા કહે છે, ‘આવનારા ત્રણ મહિનામાં ટર્કીની ૧૪ ટૂર્સ પ્લાન થઈ છે અને અત્યાર સુધી મારી પાસે એક પણ કૅન્સલેશન નથી આવ્યું. દેશમાં ટર્કી વિરુદ્ધ જે માહોલ જામ્યો છે એ દેશના નાગરિક તરીકે ભલભલામાં જોશ જગાડનારો છે. જોકે કેટલાક લોકો મને એવા પણ મળ્યા છે જેઓ ટર્કીએ પાકિસ્તાનને વેચેલાં ડ્રોન્સને ભારતવિરોધી વલણ નથી માનતા અને એટલે જ તેમણે ટર્કી જવાનો નિર્ણય અકબંધ રાખ્યો છે. હું એક બિઝનેસમૅન છું અને ટર્કીના પ્રેમમાં નથી. ધારો કે લોકો ટર્કીને બદલે બીજે ક્યાંય જવા માગતા હશે તો હું એની ટૂર પ્લાન કરીશ. મને ટર્કી માટે કોઈ મોહ નથી.’
અઝરબૈજાન પણ કંઈ ઓછું નથી
ટર્કીની જેમ અઝરબૈજાને પણ ખુલ્લેઆમ પહલગામ અટૅક પછી ભારતે લૉન્ચ કરેલા ઑપરેશન સિંદૂરનો વિરોધ કરીને પાકિસ્તાનપક્ષી મત જાહેર કર્યો હતો. અઝરબૈજાનના વિદેશમંત્રાલયે ભારતીય અટૅકનો વિરોધ કરીને પાકિસ્તાનના ટેરર કૅમ્પમાં માર્યા ગયેલા આતંકવાદીઓ માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. કાશ્મીરની સમસ્યાનું ડિપ્લોમૅટિક સમાધાન કરવાનું સૂચન કરનારો આ ટચૂકડો દેશ ભારતીય પ્રવાસીઓ થકી પણ ફૂલ્યોફાલ્યો છે એમ કહી શકાય. પાકિસ્તાન, અઝરબૈજાન અને ટર્કી જાણે ત્રણ સગા ભાઈઓ હોય એમ એકબીજાનો સપોર્ટ કરી રહ્યાં છે. આ જ કારણ છે કે ભારતીય ટૂરિસ્ટોનું છેલ્લા થોડાક સમયથી ફેવરિટ સ્થાન બનેલું અઝરબૈજાન અને એનાં ટૂરિસ્ટ સ્થળો બાકુ તથા ગબાલા નહીં જવાની ટહેલ નાખવામાં આવી છે. લગભગ ૬૦ ટકા બુકિંગ રદ થઈ ચૂક્યાં છે. ભારત મોટા પ્રમાણમાં અઝરબૈજાન પાસેથી ક્રૂડ ઑઇલની ખરીદી કરે છે જેના પર પણ પ્રભાવ પડશે એવું નિષ્ણાતો કહી રહ્યા છે. હવે થોડીક આંકડાકીય વાત કરીએ. ૨૦૨૪માં લગભગ અઢી લાખ ભારતીય ટૂરિસ્ટોએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી. ૨૦૨૨માં આ આંકડો ૬૦, ૭૩૧ પર હતો. જાન્યુઆરી અને એપ્રિલ ૨૦૨૫માં જ ૮૦ હજાર ભારતીય પ્રવાસીઓ અઝરબૈજાન પ્રવાસ કરી ચૂક્યા હતા. એ ત્યાં આવતા કુલ ટૂરિસ્ટમાંથી ૧૧ ટકા હિસ્સો ગણાય. અઝરબૈજાનમાં આવતા કુલ ટૂરિસ્ટોમાંથી ત્રીજા કે ચોથા ભાગના ટૂરિસ્ટો ભારતમાંથી આવે છે. ભારતીય ટૂરિસ્ટો લગભગ લાખથી સવા લાખ રૂપિયા અઝરબૈજાનમાં એક ટ્રિપ દરમ્યાન ખર્ચતા હોય છે, જેમાંથી ૫૪ ટકા ખર્ચ પ્રવાસમાં, ૧૯ ટકા અકોમોડેશનમાં અને ૧૬ ટકા ખર્ચ ફૂડમાં થતો હોય છે. કૉર્પોરેટ ઇવેન્ટથી લઈને ડેસ્ટિનેશન વેડિંગ પ્લેસ તરીકે પણ ભારતીયોમાં અઝરબૈજાન પૉપ્યુલર થઈ રહ્યું હતું. હવે ભારતીય ટૂરિસ્ટો જ્યૉર્જિયા, સર્બિયા, ગ્રીસ, થાઇલૅન્ડ અને વિયેટનામને અઝરબૈજાનના ઑલ્ટરનેટિવ તરીકે પસંદ કરશે. ટૂરિઝમ ઉપરાંત ભારતે અઝરબૈજાન પાસેથી ૧૧,૭૦૪ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.
ટર્કીનો વિરોધ ખરેખર વાજબી છે?
કેટલાક બુદ્ધિજીવીઓ એવી પણ દલીલ કરી રહ્યા છે કે ટર્કીનો વિરોધ માત્ર મીડિયાએ લોકોનાં સેન્ટિમેન્ટ્સને જોઈને ચગાવેલો મુદ્દો છે. ટર્કીએ પાકિસ્તાન સાથે બિઝનેસ કર્યો અને એને હથિયાર વેચ્યાં. એમ તો અમેરિકાએ પણ પાકિસ્તાનને હથિયાર વેચ્યાં જ છે અને ધારો કે એ હથિયારનો કાટમાળ બૉર્ડર કૉન્ફ્લિક્ટ વખતે પાકિસ્તાનમાંથી થયેલા વાર વખતે ભારતમાં મળે અને એના પર મેડ ઇન અમેરિકા લખ્યું હોય તો શું અમેરિકાનો પણ વિરોધ કરીશું? ચીનના વિરોધની વર્ષોથી વાત ચાલે છે પણ શું પ્રૅક્ટિકલી એ શક્ય બન્યું છે? ટર્કીનું પણ એવું જ થશે. ટર્કીએ કંઈ જ ખોટું નથી કર્યું. આપણને સફરજન વેચતા ટર્કીએ પાકિસ્તાનને ડ્રોન વેચ્યાં છે અને એ ડ્રોનથી પાકિસ્તાન લડ્યું છે એમાં ટર્કીએ શું ખોટું કર્યું? વેલ, પોતાનું નામ નહીં આપવાની શરતે આવી દલીલ કરનારા લોકો માટે ટર્કીનો આ વિરોધ શું કામ થઈ રહ્યો છે એ પાછળનાં કારણોને ફરી એક વાર જાણી લેવાં જોઈએ.
બાવીસ એપ્રિલે પહલગામમાં તદ્દન નિર્દોષ ટૂરિસ્ટોને તેમનો ધર્મ પૂછી-પૂછીને તેમના પ્રિયજનની સામે નિર્દયતા સાથે માથા પર ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા. કાશ્મીરમાં થયેલી આ કત્લેઆમ વિશે ટર્કી કંઈ જ ન બોલ્યું પરંતુ એના વળતા જવાબે ભારતે જ્યારે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના કૅમ્પનો ખાત્મો બોલાવ્યો ત્યારે ટર્કીએ ભારતીય સેનાની ઍક્શનની ખુલ્લેઆમ ટીકા કરી. ટર્કીના વિદેશમંત્રાલયે ભારતીય સેનાની ઍક્શનને ભડકાઉ ગણાવી અને એની વળતી ઍક્શન માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી દીધી. આવી વાત કરનારા ટર્કીએ પાકિસ્તાનને ૩૫૦ ડ્રોન્સ એના બુદ્ધિજીવીઓ દ્વારા કહેવાયેલા ‘સો કૉલ્ડ વેપાર’ અંતર્ગત સપ્લાય કર્યાં, જેનો ઉપયોગ પાકિસ્તાને ભારત સાથેના કૉન્ફ્લિક્ટમાં કર્યો અને એના કાટમાળના ફૉરેન્સિક રિપોર્ટમાં એ ટર્કિશ મેડ ડ્રોન છે એ પ્રૂવ પણ થયું. આ ડ્રોન સર્વેલન્સ સાથે સ્પેસિફિક ટાર્ગેટને નષ્ટ કરવા માટે કૅપેબલ હતાં. ભારતીય મિલિટરી ઍસેટને ટાર્ગેટ કરીને ખતમ કરવા માટે પાકિસ્તાને લૉન્ચ કરેલાં બીજા એક પ્રકારનાં ડ્રોન્સ પણ ટર્કીએ પાકિસ્તાનને સપ્લાય કર્યાં હતાં પેલા કહેવાતા ‘વેપાર’ અંતર્ગત. બીજું, ટર્કિશ મિલિટરી ઍડ્વાઇઝર્સ અને અધિકારીઓ પાકિસ્તાની આર્મીને ભારત વિરુદ્ધ યુદ્ધનીતિ ઘડવામાં અને ડ્રોન અટૅકમાં કો-ઑર્ડિનેટ કરવામાં મદદ કરી રહ્યા હતા. ભારતના ઑપરેશન સિંદૂર અંતર્ગત ટર્કીના બે મિલિટરી ઑપરેટિવ પણ મૃત્યુ પામ્યાનું બહાર આવ્યું હતું, જે દર્શાવે છે કે ટર્કીનું ઇન્વૉલ્વમેન્ટ એ ભારતીય સેના સામે ડાયરેક્ટ્લી પાકિસ્તાની સેના સાથે હતું. ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમને સમજવા અને એની વિરુદ્ધ રણનીતિ ઘડવામાં ટર્કિશ ઍડ્વાઇઝરોએ મહત્ત્વનો રોલ અદા કર્યો છે એ વાત પાકિસ્તાની મીડિયા સ્વીકારી ચૂક્યું છે. એ સિવાય C-130 નામનાં છ ટર્કિશ ઍરક્રાફન્ટ પાકિસ્તાની ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં જે પણ હથિયારોની લેવડ-દેવડનું કામ યુદ્ધના સમયે કરી રહ્યાં હતાં. કરાચી પોર્ટ પર ટર્કીનું મિલિટરી જહાજ જોવા મળ્યું હતું જે પણ પાકિસ્તાની સેનાને સપોર્ટ દર્શાવતું હતું. એટલે અહીં હથિયાર વેચીને બિઝનેસ પૂરો નથી કર્યો પરંતુ યુદ્ધના સમયે પાકિસ્તાની સેનાનો સંપૂર્ણ હાથ પકડીને એને બૅકઅપ સપોર્ટ ટર્કી મિલિટરી દ્વારા આપવામાં આવ્યો હતો. હવે ધારો કે કોઈ ટ્રાવેલ એજન્ટ કે ટર્કી સાથે વેપારી સંબંધો ધરાવતો વેપારી એમ માને કે યુદ્ધમાં શહીદ થઈ રહેલા આપણા જવાનોને મારવામાં જેણે પરોક્ષ જ નહીં પણ પ્રત્યક્ષ ભૂમિકા ભજવી હોય એનો વિરોધ બેબુનિયાદ છે અને એમાં કોઈ દેશભક્તિ નથી અથવા તો માત્ર મીડિયાએ ચગાવેલો મુદ્દો છે તો ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે અને તેઓ તાત્કાલિક ભારત છોડીને ટર્કી રહેવા ચાલ્યા જાય એવી જ પ્રાર્થના કરીએ.
આ કપલે નુકસાન વેઠીને કૅન્સલ કર્યો અઝરબૈજાન જવાનો પ્લાન
અઝરબૈજાનની ટૉપની હોટેલના બુકિંગમાં આપેલા ૮૫ હજાર રૂપિયા જતા કરીને જુહુમાં રહેતાં ભાવિક અને અલિશા સંઘવીએ પોતાની સાતમી વેડિંગ ઍનિવર્સરીના સેલિબ્રેશનનો પ્લાન ચેન્જ કરી દીધો. ઍસ્ટ્રોલૉજર અને ન્યુમરોલૉજિસ્ટ તરીકે સક્રિય ભાવિક કહે છે, ‘જૂન એન્ડમાં અમે અઝરબૈજાનની પાંચ દિવસની ટ્રિપ નક્કી કરી હતી. બધા જ પ્રકારનું બુકિંગ થઈ ગયું હતું પરંતુ હવે એ કૅન્સલ કરી દીધું છે. દેશના દુશ્મનો સામે આપણે સરહદ પર જઈને લડી તો નથી શકતા પરંતુ કમ સે કમ એનો બહિષ્કાર તો કરી શકીએ. અમે હવે યુકેમાં અમારી ઍનિવર્સરી મનાવીશું. આ ઉપરાંત અમે નેવું ટકા શૉપિંગ ઝારામાંથી કરતા હતા. હવે અમે ઝારા કે મેડ ઇન બંગલાદેશ કે ટર્કીની પ્રોડક્ટ પણ નહીં વાપરીએ એવું નક્કી કર્યું છે. રીસન્ટ્લી એક શર્ટ ઑનલાઇન ઑર્ડર કરેલું એના પર ‘મેડ ઇન બંગલાદેશ’નું લેબલ જોઈને એ મેં તરત જ રિટર્ન કરી દીધું હતું.’