વિશ્વને શીતયુદ્ધ તરફ દોરી જઈ રહી છે ભારત-ચીનની અશાંત સીમાઓ

28 June, 2020 09:23 PM IST  |  Mumbai | Raj Goswami

વિશ્વને શીતયુદ્ધ તરફ દોરી જઈ રહી છે ભારત-ચીનની અશાંત સીમાઓ

ધી ગ્રેટ ગેમ ઇન બુદ્ધિસ્ટ હિમાલયા’ નામનું પુસ્તક લખનાર ભૂતપૂર્વ ઍમ્બૅસૅડર ફુંગચોક સ્ટોબન કહે છે કે ભારત ઉત્તરોતર યુએસ તરફ ઝૂકી રહ્યું છે અને લાંબા ગાળે એ ભારતના ફાયદામાં નહીં હોય. ચીનમાં એક કહેવત છે કે બંદરને બિવડાવવા મરઘીને મારો. યુએસ તરફ નમેલી ભારત અને ઑસ્ટ્રેલિયા જેવી નાની સત્તાઓને એટલા માટે જ ચીનના તીખા તેવર જોવા મળી રહ્યા છે

ભારત-ચીનની અક્ષય ચીન સીમા પર ગલવાન ઘાટીમાં ચાઇનીઝ સૈનિકો હજારોની સંખ્યામાં ભારતના ઇલાકામાં ઘૂસી આવ્યા છે એવા ઑનલાઇન સ્વતંત્ર મીડિયામાં સમાચારો આવી રહ્યા હતા અને નરેન્દ્ર મોદીની સરકાર કેમ ચૂપ છે એવા સવાલ પૂછવાની શરૂઆત થઈ હતી ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ૨૮ મેએ વડા પ્રધાનના મનમાં શું ચાલી રહ્યું છે એનો આછો અંદાજ આપ્યો હતો. વાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘બહુ મોટો ઝઘડો છે. મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. ચીન સાથે જે થઈ રહ્યું છે એનાથી તેઓ સારા મૂડમાં નથી.’

બરાબર એક મહિના પછી ૨૬ જૂને સમાચાર આવ્યા કે અમેરિકાએ યુરોપમાંથી એની સેનાઓને ખસેડીને એશિયામાં તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકન વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું કે ચીન ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો માટે ખતરો ઊભો કરી રહ્યું છે એટલે અમેરિકા ‘સંભવિત પરિસ્થિતિ’ને પહોંચી વળવા માટે એની સેનાઓને અન્ય જગ્યાએ તહેનાત કરી રહ્યું છે. એની શરૂઆત જર્મનીથી થશે. પોમ્પિયોએ કહ્યું કે ચીનનો ‘વિસ્તારવાદ’ અમારા માટે સૌથી મોટો પડકાર છે અને અમે એવી તહેનાતી કરીશું જેથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો મુકાબલો થઈ શકે.

મે મહિનાના મધ્યમાં કોરોના વાઇરસ યુરોપ અને અમેરિકાને ધમરોળી રહ્યો હતો ત્યારે ‘હોમો સેપિયન્સ’ નામના બેસ્ટ સેલર પુસ્તકના લેખક અને ઇઝરાયલમાં ઇતિહાસના પ્રોફેસર યુવલ નોઆ હરારીએ લંડનના ‘ફાઇનૅન્શિયલ ટાઇમ્સ’ સમાચારપત્રમાં એક બહેતરીન લેખમાં લખ્યું હતું કે ‘માનવજાતિ અત્યારે વૈશ્વિક કટોકટીનો સામનો કરી રહી છે. આપણી અનેક પેઢીઓમાં આ કદાચ સૌથી મોટી કટોકટી છે. આગામી થોડાં સપ્તાહોમાં લોકો અને સરકાર કેવાં પગલાં ભરે છે એમાંથી આવનારાં ઘણાં વર્ષો સુધી દુનિયાનો આકાર નક્કી થશે. એ નિર્ણયોથી આપણી સ્વાસ્થ્ય-વ્યવસ્થા જ નહીં, પણ અર્થવ્યવસ્થા, રાજનીતિ અને સંસ્કૃતિનો આકાર પણ નક્કી થશે. આપણે જે પણ વિકલ્પો પસંદ કરીશું એની લાંબા ગાળાની અસરો હશે. કોરોનાનું તોફાન પસાર થઈ જશે અને માનવજાતિ બચી જશે, આપણામાંથી મોટા ભાગના લોકો જીવતા હશે, પણ આપણે જે દુનિયામાં રહેતા હોઈશું એ બદલાઈ ગઈ હશે.’

આજથી એક દાયક પછી હરારી જેવો કોઈ ઇતિહાસકાર કે રાજકીય પંડિત ‘કોરોના પૂર્વે’ અને ‘કોરોના પછી’ની દુનિયાનો તાગ લેશે ત્યારે તે ગલવાન ઘાટીનો ઉલ્લેખ જરૂર કરશે, કારણ કે આ જ એ જગ્યા છે જ્યાંથી ચીને ‘કોરોના પછી’ની દુનિયામાં અમેરિકાનું પ્રભુત્વ સમાપ્ત કરવા માટે અમેરિકાના સૌથી ઘનિષ્ઠ મિત્ર ભારતને લલકાર કર્યો હતો. ભારત-ચીન વચ્ચે સીમા-વિવાદ ૧૦૦ વર્ષ જૂનો છે અને ૫૦ વર્ષમાં ત્યાં લોહી નથી રેડાયું (૧૯૬૭માં સિક્કિમમાં ભારતના ૮૦ અને ચીનના ૪૦૦ સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે આઠ વર્ષ પછી એટલે કે ૧૯૭૫માં અરુણાચલમાં ચીનાઓએ આસામ રાઇફલ્સની પૅટ્રોલ ટીમના ચાર જવાનોને શહીદ કર્યા હતા).

ચીનના વુહાનમાંથી પૂરી દુનિયામાં ફેલાઈ ગયેલા કોરોના વાઇરસને લઈને ચીન એક તરફ વિશ્વની નારાજગીનું નિશાન બનેલું હોય (ટ્રમ્પે એને ‘ચાઇનીઝ વાઇરસ’ નામ આપ્યું હતું) ત્યારે બીજી તરફ એ ભારતની સીમા પર છાતી તાણે અને ભારતના ૨૦ જવાનોને શહીદ કરે એ અકસ્માત નહીં, આયોજન છે. એ આયોજન બદલાઈ રહેલા વિશ્વમાં અમેરિકા સામે શરૂ થનારા શીતયુદ્ધનો હિસ્સો છે.

‘ધી ગ્રેટ ગેમ ઇન બુદ્ધિસ્ટ હિમાલયા’ નામનું પુસ્તક લખનાર ભૂતપૂર્વ ઍમ્બૅસૅડર ફુંગચોક સ્ટોબન કહે છે કે ‘ભારત ઉત્તરોતર યુએસ તરફ ઝૂકી રહ્યું છે અને લાંબા ગાળે એ ભારતના ફાયદામાં નહીં હોય. ચીનમાં એક કહેવત છે કે બંદરને બિવડાવવા મરઘીને મારો. યુએસ તરફ નમેલી ભારત અને ઑસ્ટ્રેલિયા જેવી નાની સત્તાઓને એટલા માટે જ ચીનના તીખા તેવર જોવા મળી રહ્યા છે.’

અમેરિકા જોરશોરથી ભારત, જપાન, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, કોરિયા અને વિયેટનામનું ઇન્ડો-પૅસિફિક જૂથનું નેતૃત્વ કરે છે અને એમાં ભારત ઘણું સક્રિય થયું છે. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી ભારત આ જૂથની બેઠકોમાં સામેલ થતું આવ્યું છે. ચીન આ જૂથને ચાઇનીઝ બજારોના વિરોધી તરીકે જુએ છે. ભારતની ફરિયાદ એવી રહી છે કે ચીન ભારતીય કંપનીઓને આગળ નથી આવવા દેતું. ટૂંકમાં, ભારત અને ચીન વચ્ચે સીમાવિવાદ અને આર્થિક વિવાદનો એક જૂનો મુદ્દો છે.

અન્ય અનેક દેશોની માફક કોરોના મહામારીની અમેરિકા પર બહુ ખરાબ અસર પડી છે. ડોનલ્ડ ટ્રમ્પનો આત્મવિશ્વાસ કહો કે અણઆવડત કહો, અમેરિકા આટલી ખરાબ રીતે મહામારીનો ભોગ બનશે એનો કોઈને અંદાજ નહોતો, કારણ કે અમેરિકા પાસે દુનિયાની સૌથી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય-વ્યવસ્થા છે. નવેમ્બરમાં ટ્રમ્પ બીજી વાર પ્રમુખપદ જીતવા ઇચ્છે છે, અને તેમના કારભારમાં જે રીતે લોકોના જાન-માલનું નુકસાન થયું છે અને લાખો લોકોની નોકરીઓ ગઈ છે એને લઈને તેમની સામે ઘણા સવાલ ઊભા થયા છે.

સ્વાભાવિક રીતે જ ટ્રમ્પ ચીનને ખલનાયક ચીતરી રહ્યા છે. તેમણે તો કોરોના વાઇરસનું નામ પણ ‘ચાઇના વાઇરસ’ પાડ્યું હતું. ચીનતરફી મનાતા વિશ્વ આરોગ્ય સંગઠનને સહાય બંધ કરવાની પણ ટ્રમ્પે જાહેરાત કરી છે. ટ્રમ્પે વુહાનમાંથી કોરોનાની ઉત્પત્ત‌િ કેવી રીતે થઈ અને ચીને એવું માટે શું કર્યું એ માટે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસની પણ માગણી કરી છે.

મોટા ભાગના નિષ્ણાતો માને છે કે કોરોના પછીની દુનિયામાં અમેરિકા અને ચીન વચ્ચે એવું જ શીતયુદ્ધ શરૂ થશે જે બીજા વિશ્વયુદ્ધ પછી ૫૦ વર્ષ સુધી અમેરિકા અને સોવિયેટ સંઘ વચ્ચે ચાલ્યું હતું. ટ્રમ્પ બીજી વાર જીતીને આવશે તો તેમના એજન્ડા પર ચીનને પાઠ ભણાવવાનું સૌથી મોખરે હશે અને તાબડતોબ એની શરૂઆત થશે. ‘યુનાઇટેડ સ્ટેટ સ્ટ્રૅટેજિક અપ્રોચ ટુ ધ પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના’ શીર્ષક હેઠળ મે મહિનામાં જારી વિઝન ડૉક્યુમેન્ટમાં વાઇટ હાઉસે શીતયુદ્ધનો સંકેત આપ્યો છે.

એમાં કહેવામાં આવ્યું છે કે ‘૪૦ વર્ષ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આર્થિક અને રાજનૈતિક સુધારની આશાને ખતમ કરવાની ચીનની ભાવનાને અમેરિકા સમજી શક્યું નથી. પાછલા બે દાયકામાં ત્યાં સુધાર ધીમો અને ઊલટી દિશામાં થઈ રહ્યો છે. ચીનનો તેજ આર્થિક વિકાસ અને વિશ્વના અન્ય દેશો સાથેના એના સંબંધો નાગરિક-કેન્દ્રિત નથી, બલકે એણે મુક્ત અને નિયમો આધારિત વ્યવસ્થાનો દુરુપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને કમ્યુનિસ્ટ પીપલ્સ પાર્ટીનાં હિતો અને વિચારધારાને અનુકૂળ બનાવવાની કોશિશ કરી છે. ટ્રમ્પે પણ એવું વારંવાર કહ્યું છે કે કોરોના વાઇરસ ચીનથી જ ફેલાયો છે અને તેમનો દેશ એને હળવાશથી નહીં લે.

એ શીતયુદ્ધમાં એકમાત્ર ભારત જ (એના વિશાળ બજારને કારણે) અમેરિકાની તરફેણમાં પલડું નમાવી શકે એમ છે અને ભારત-અમેરિકા વચ્ચે તાજેતરનાં વર્ષોમાં (અને ખાસ તો કોરોનાની મહામારીમાં) એકબીજાના બુચ્ચા લેવામાં આવ્યા છે. એનો મતલબ ચીન સારી રીતે સમજે છે અને એટલે જ અમેરિકન બંદરને બિવડાવવા માટે ચીન ભારતની લદાખ સીમા પર સક્રિય છે, એટલું જ નહીં; પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાલમાં પોતે જ બુચ્ચા લેવાનું શરૂ કર્યું છે. નેપાલે એના નકશામાં સુધારો કરીને ભારતના હિસ્સા પર દાવો ઠોકી દીધો છે અને નેપાલ સીમાએ ‘પોલીસ લેવલની મારામારી’માં એક ભારતીયનું મોત થયું છે એ તો સળગતી સીમાઓનું એક અલગ જ પ્રકરણ છે.

લદાખ સરહદ પર બન્ને દેશો વચ્ચે સીમાવિવાદ તો કારણભૂત છે જ, પરંતુ અમેરિકા (અને અન્ય સાથીદેશો) તરફથી ‘કોરોના પછીના’ કાળમાં શરૂ થનારા શીતયુદ્ધને જીતવા માટે ચીને પહેલી શરૂઆત ગલવાન ખીણમાંથી કરી છે. એમાં તેણે એક તરફ ગલવાન પર માલિકી સ્થાપી છે અને બીજી તરફ સંભવિત ભાવિ વૈશ્વિક પરિસ્થિતિની કમાન પણ પોતાના હાથમાં રાખી છે. છેલ્લા ૮ દિવસમાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવેલી હેડલાઇન્સ તમને ઘણું સમજાવી શકશે:

 ૧. જપાનના વિવાદિત સેન્કાકુ આઇલૅન્ડ્સ પર ચીનનું આક્રમણ.

૨. તાઇવાનમાં ત્રીજી વાર ચીનનું અતિક્રમણ, તાઇવાનનાં જેટ વિમાનોએ ઘૂસણખોર ચીની લડાકુ વિમાનને મારી ભગાવ્યું.

૩. ભારત-ચીન સીમા પર દાયકાઓ પછી ભીષણ ટક્કર, ૨૦ ભારતીય સૈનિકોનાં મોત.

૪. સાઉથ ચાઇના મહાસાગરમાં ઇન્ડોનેશિયા અને મલેશિયા પર વધતું ચીનનું દબાણ.

લદાખ સીમા પર જારી તનાવ વચ્ચે ચીનના પ્રૉપગૅન્ડા, મૅગેઝિન ‘ગ્લોબલ ટાઇમ્સે’ ૧ જૂને ‘સલાહ’ આપી હતી કે ચીનના અમેરિકા સાથે ચાલતા વિવાદથી ભારતે દૂર રહેવું જોઈએ. ભારતમાં રાષ્ટ્રવાદી ભાવનાઓ તેજીથી વધી રહી છે, જે ચીન-અમેરિકા વચ્ચેના સંભવિત શીતયદ્ધનો ફાયદો ઉઠવવા માટે ઉશ્કેરી રહી છે, પણ ભારત જો એમાં પડશે તો કોરોનાની મહામારી વચ્ચે એનાં આર્થિક પરિણામો ભયાનક હશે. ‘ફાઇનૅન્શિયલ ટાઇમ્સ’ના કટારલેખક ગિડોન રેચમૅને તો એવું લખ્યું છે કે ભારતે આ નવા શીતયુદ્ધમાં એનો સાથી પસંદ કરી લીધો છે. ચીનની એ બેવકૂફી છે કે એ એના પ્રતિસ્પર્ધીને અમેરિકાની ઝોળીમાં નાખી રહ્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પત્રકાર-લેખક અને બીજેપીની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય શેષાદ્રિ ચારીએ એક લેખમાં લખ્યું છે કે ‘ભારતે માત્ર કોરોના વાઇરસ સાથે જ નહીં, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી વધેલા ખતરા સાથે પણ જીવવાની ટેવ પાડવી પડશે. એમાં ભારત એકલું નથી. મહામારી વચ્ચે ચીનનો વિચિત્ર દૃષ્ટિકોણ એના ‘શાંતિપૂર્ણ વિકાસ’ના દાવાઓને ખોટા પાડીને અન્ય દેશોનાં હિતોને પ્રભાવિત કરી રહ્યો છે.’

ચીનના વુહાનમાંથી પૂરી દુનિયામાં ફેલાઈ ગયેલા કોરોના વાઇરસને લઈને ચીન એક તરફ વિશ્વની નારાજગીનું નિશાન બનેલું હોય (ટ્રમ્પે એને ‘ચાઇનીઝ વાઇરસ’ નામ આપ્યું હતું) ત્યારે બીજી તરફ એ ભારતની સીમા પર છાતી તાણે અને ભારતના ૨૦ જવાનોને શહીદ કરે એ અકસ્માત નહીં, આયોજન છે. એ આયોજન બદલાઈ રહેલા વિશ્વમાં અમેરિકા સામે શરૂ થનારા શીતયુદ્ધનો હિસ્સો છે.

ભારત-ચીન સીમાવિવાદ શું છે?

ભારત-ચીન વચ્ચે ૧૯૬૨ના યુદ્ધનું મુખ્ય કારણ અક્ષય ચીન અને અરુણાચલ પ્રદેશનો સરહદી ઇલાકો હતો. અક્ષય ચીન કાશ્મીરનો હિસ્સો છે (જેમાંથી ગલવાન નદી વહે છે), પણ ચીન એને શીનજિયાંગ પ્રદેશનો ભાગ માને છે. ચીને એમાં એના તરફના તિબેટને જોડતી મહત્ત્વની સડક બનાવી હતી, જેના પગલે આ યુદ્ધનાં મંડાણ થયાં હતાં. ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાં ત્યારે ચાઇનીઝ અધિકારીઓએ અક્ષય ચીન પર ભારતનો અધિકાર છે એવા નેહરુના દાવાનો ન તો વિરોધ કર્યો હતો કે ન તો ટીકા કરી હતી. ૧૯૫૬માં ચીનના વડા પ્રધાન ચાઉ એનલાઇએ કહ્યું હતું કે ભારતીય તાબા હેઠળના ઇલાકા પર અમારો કોઈ દાવો નથી. પછીથી તેમણે કહ્યું કે ભારત-ચીન વચ્ચેની સીમા અંકિત થયેલી નથી અને ભારત સરકારે એકપક્ષીય દોરેલી અક્ષય ચીનની સીમા અમને મંજુર નથી.

સર્વે ઑફ ઇન્ડિયાના એક અધિકારી વિલિયમ જૉનસને ૧૮૬૫માં ‘જૉનસન લાઇન’ દોરીને અક્ષય ચીનને કાશ્મીરમાં બતાવ્યું હતું. ૧૮૯૩ સુધી ચીનને એ મંજૂર હતું કારણ કે શીનજિયાંગ ઇલાકા પર ચીનનું નિયંત્રણ નહોતું. ‘જૉનસન લાઇન’ કાશ્મીરના મહારાજાને આપવામાં આવેલી અને તેમણે એ ૧૮,૦૦૦ ચોરસ કિલોમીટર પર માલિકી સ્થાપી હતી.

રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ચીનના વરિષ્ઠ અધિકારી હુંગ તા-શેને શીનજિયાંગના કાશગર શહેરમાં બ્રિટિશ રાજદૂત જ્યૉર્જ મેકાર્ટનીને આ વિસ્તારના જે નકશા આપ્યા હતા એમાં આ સીમાની વિગતો પણ હતી. એ વખતે બ્રિટન અને રશિયા વિસ્તારવાદમાં એકબીજા સાથે રચ્યાપચ્યા હતા. રશિયાના ચઢાવાથી જ ચીનને ૧૮૯૬ સુધીમાં અક્ષય ચીનમાં રસ પડી ગયો હતો અને કાશગરમાં મેકાર્ટનીએ સૂચન કર્યું કે સીમાને ફરીથી દોરવામાં આવે અને ઉજ્જડ ઇલાકો છે એને વિકસાવવા માટે ચીનને આપવામાં આવે.

નવી સીમામાં અક્ષય ચીનને ચીનમાં મૂકવામાં આવ્યું. ૧૮૯૯માં ભારતના ગવર્નર જનરલ લૉર્ડ ઇરવિને આ સીમા પેકિંગ (આજના બીજિંગ)માં બ્રિટિશ રાજદૂત સર કલાઉડે મૅક્ડોનલ્ડની નોંધ સાથે ચીનના કિંગ વંશની સરકારને સુપરત કરી હતી (ત્યારથી એ સીમાને મેકાર્ટની-મૅક્ડોનલ્ડ લાઇન કહેવામાં આવે છે. ચીન અને પાકિસ્તાનના સીમાંકનનો આધાર પણ આ મેકાર્ટની-મૅક્ડોનલ્ડ સીમા જ છે). કિંગ સરકારે આ નવી સીમામાં રસ ન બતાવ્યો એટલે એવું કહેવાય છે કે બ્રિટિશરો પાછા ‘જૉનસન લાઇન’ પર જતા રહ્યા.

બ્રિટિશ ભારતના નકશાઓમાં આ બન્ને સીમાઓ સામેલ થતી રહી હતી. ૧૯૧૭થી ૧૯૩૩ સુધી પેકિંગમાં ચીનની સરકાર દ્વારા જારી ચીનના પોસ્ટલ ઍટલસમાં અક્ષય ચીનની સીમાને જૉનસન લાઇન’ પ્રમાણે બતાવાઈ હતી. ૧૯૨૫માં જારી પેકિંગ યુનિવર્સિટી ઍટલસમાં અક્ષય ચીનને ભારતમાં દર્શાવાયું હતું. ટૂંકમાં, ભારતની સ્વતંત્રતા સુધી બ્રિટિશરોએ લાઇનદોરીઓ સરખી ન કરી અને ઝઘડાનું ઘર ઘાલી આપ્યું.

છેલ્લા ૮ દિવસમાં ચીને ‘વિસ્તારવાદ’ના નામે કરેલાં કારનામાં

૧. જપાનના વિવાદિત સેન્કાકુ આઇલૅન્ડ્સ પર ચીનનું આક્રમણ.

૨. તાઇવાનમાં ત્રીજી વાર ચીનનું અતિક્રમણ, તાઇવાનનાં જેટ વિમાનોએ ઘૂસણખોર ચીની લડાકુ વિમાનને મારી ભગાવ્યું.

૩. ભારત-ચીન સીમા પર દાયકાઓ પછી ભીષણ ટક્કર, ૨૦ ભારતીય સૈનિકોનાં મોત.

૪. સાઉથ ચાઇના મહાસાગરમાં ઇન્ડોનેશિયા અને મલેશિયા પર વધતું ચીનનું દબાણ.

columnists raj goswami india china