‘સૂર્યવંશી’ ફિલ્મે મને જીવનના કયા અધ્યાયમાં લઈ જવાનું કામ કર્યું?

04 November, 2021 08:42 AM IST  |  Mumbai | JD Majethia

બેટા, ભવિષ્યમાં બહુ મોકાઓ આવશે સાથે કામ કરવાના એટલે એની ચિંતા નહીં કર પણ જો એ તને સૂર્યવંશીનું પાત્ર ઑફર કરતો હોય તો એ છોડતો નહીં - શૈલેશ દવેને મળ્યા પછી તેમણે કહેલા આ શબ્દો મને ક્યારેય ભુલાવાના નથી.

‘સૂર્યવંશી’ ફિલ્મે મને જીવનના કયા અધ્યાયમાં લઈ જવાનું કામ કર્યું?

મેં મારી લાઇફમાં કરેલા પહેલા કમર્શિયલ નાટકનું ટાઇટલ પણ ‘સૂર્યવંશી’ અને એ નાટક પણ મેં માત્ર એક જ વ્યક્તિને કારણે ગંભીરતાથી લીધું. એ વ્યક્તિ એટલે શૈલેશ દવે. શૈલેશભાઈએ મને કહ્યું હતું કે જો ‘સૂર્યવંશી’માં ભાનુપ્રતાપનો રોલ ઑફર થતો હોય તો મારું નાટક નહીં કરતો

સૂર્યવંશી. 
ફાઇનલી આ ફિલ્મ આ દિવાળીએ રિલીઝ થશે અને એ પણ બે વર્ષે. બે વર્ષથી ‘સૂર્યવંશી’ રિલીઝ થવાની હતી પણ કોવિડ દર વખતે એની માટે નડતરરૂપ બનતો અને એની રિલીઝ પાછળ ઠેલાતી ગઈ. વચ્ચે તો એવું પણ સંભળાતું હતું કે ‘સૂર્યવંશી’ ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે પણ એ અફવા જ હતી. તમને થશે કે આ જેડીભાઈ શું વળી ‘સૂર્યવંશી’ની વાત કરે છે, ફિલ્મ તો હજી કાલે રિલીઝ થવાની છે અને અત્યારે એ અક્ષયકુમારની આ ફિલ્મની ચર્ચા કરે છે. કોઈ કારણ વિના.
કારણ છે ભાઈ, કારણ છે.
‘સૂર્યવંશી’ સાથે મારી વર્ષો જૂની યાદો તાજી થાય છે. ફિલ્મ ‘સૂર્યવંશી’ની જ્યારે પણ વાતો આવે કે પછી ન્યુઝ સંભળાય ત્યારે મને મારું ‘સૂર્યવંશી’ યાદ આવી જાય. 
સૂર્યવંશી. મારું પહેલું પ્રૉપર કમર્શિયલ કહેવાય એવું નાટક એટલે ‘સૂર્યવંશી’. એ નાટકમાં મારો રોલ સૂર્યવંશીનો. જરા માંડીને વાત કહું તમને. સમય છે ૧૯૮૮ની આસપાસનો અને હું બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરતો હતો. ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં નાટક ‘કિટ્ટી-કિટ્ટી’માં હું લીડ રોલ કરું અને એ નાટકને બધી જ કૉમ્પિટિશનમાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. રંગભૂમિના જે બહુ એસ્ટાબ્લિશ્ડ અને માંધાતા કહેવાય એ કલાકારો પણ ઘણી વાર આ બધી કૉમ્પિટિશન જોવા આવે અને કલાકારોને બિરદાવે. એ વર્ષોમાં પણ મારી સાથે એ જ બન્યું હતું. માંધાતા કલાકારો નાટક જોઈને મને ખૂબ બિરદાવતા. નૅચરલી હું ખુશ થતો. મનમાં થતું કે ચાલો, ભવિષ્યમાં મને પણ નાના-મોટા રોલ મળશે અને હું પણ જૉબ કરતાં-કરતાં, જૉબની સાથે નાટક પણ કરી શકીશ. બસ, આ જ ઇરાદો આપણો અને આ જ ઇરાદા સાથે આપણે કામ કરતા હતા. ભણવાનું તો ચાલુ જ હતું પણ સાથે-સાથે નોકરીએ પણ જાઉં અને નાટકની આવી ઍક્ટિવિટીઓ પણ કરું.
એવામાં એક દિવસ હરીશ શાહે મને મળવા બોલાવ્યો. હરીશ શાહ એ સમયના બહુ મોટા પ્રોડ્યુસર અને કેટરિંગ ફીલ્ડમાં પણ ખરા. આજે પણ તેમનું ‘પૉપ્યુલર કેટરિંગ’ દુનિયાભરમાં જાણીતું છે. હરીશભાઈએ મને મળવા બોલાવ્યો. એ સમયે તે શૈલેશ દવે સાથે નાટક પ્રોડ્યુસ કરતા. મને યાદ છે અમે પાર્લા ઈસ્ટમાં શિવસાગર રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. હરીશ શાહે મને કહ્યું કે શૈલેશભાઈ એક નાટક રિવાઇવ કરે છે, એમાં તારા માટે બહુ સરસ રોલ છે. 
જે નાટક રિવાઇવ થતું હતું એનું નામ હતું ‘કેવડાના ડંખ’. 
એ નાટક વિશે મેં બહુ સાંભળ્યું હતું અને બીજી વાત, શૈલેશભાઈના નાટકમાં તમને જો મોકો મળતો હોય તો એનો મતલબ કે તમારી કરીઅર સેટ, તમે સુપરસ્ટાર. શૈલેશભાઈ બહુ જ સારા લેખક, ડિરેક્ટર, કલાકાર. તેમની પાસેથી બહુ બધું શીખવા મળે. ભવિષ્યમાં શૈલેશભાઈ વિશે વાત કરતો આપણે એક આખો આર્ટિકલ કરીશું, કારણ કે એક-બે લાઇન કે પૅરેગ્રાફમાં તમે તેમના વિશે વાત કરી જ ન શકો. બેચાર શું, ચાર-છ પૅરેગ્રાફમાં પણ એ સમાય નહીં એવું તેમનું વ્યક્તિત્વ, એવી તેમનામાં ટૅલન્ટ. તેમની માટે ચાર-પાંચ આર્ટિકલ લખું તો પણ ઓછા પડે. ગુજરાતી રંગભૂમિ પર બહુ મોટું નામ, બહુ મોટી ટૅલન્ટ. આ વાત કહેતી વખતે અફસોસ થાય છે કે એ સમયે ઇલેક્ટ્રૉનિક મીડિયાનો આવો વ્યાપ નહોતો અને એને લીધે કામનો સંગ્રહ નહોતો થતો જે અત્યારે શક્ય છે પણ એ સમયે નહોતો થતો, જેને લીધે આજે આપણે એ કલાકારોનું કામ જોઈ નથી શકતા. શૈલેશભાઈ, શફી ઇનામદાર, પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, અરવિંદ જોશી અને આવા કેટકેટલા દિગ્ગજ કલાકારોને સદેહ ગુમાવ્યા અને સાથોસાથ તેમનું કામ પણ આપણે મિસ કરી દીધું. 
ઍનીવેઝ, મૂળ વાત પર આવીએ.
‘શૈલેશભાઈના નાટકમાં તારા માટે બહુ સરસ રોલ છે. તું બિરલા ક્રીડા કેન્દ્રમાં જઈને તેમને મળી લે...’    
હરીશભાઈએ મને કહ્યું અને હું બીજા દિવસે સાંજે જ બિરલા ક્રીડા કેન્દ્ર પહોંચ્યો. હજી તો ત્યાં પહોંચ્યો ત્યાં મને નીચે કિરણ ભટ્ટ મળ્યા. કિરણ ભટ્ટ આજે બહુ જાણીતા પ્રોડ્યુસર છે પણ એ સમયે તે નિર્માણ નિયામક હતા. મને જોતાં સાથે જ તેમણે કહ્યું કે વાહ, સારું થયું તું આવી ગયો. હજી તને જ અમે યાદ કરતા હતા.
મને થયું કે આ કદાચ એક જ નાટકની વાત ચાલે છે. એટલે તેમણે પૂછ્યું કે શૈલેશભાઈ? એટલે મેં કહ્યું કે તેમણે મને મળવા બોલાવ્યો છે. એટલે કિરણ ભટ્ટે મને કહ્યું કે અમે તને બીજા નાટક માટે કન્સિડર કરીએ છીએ. નૅચરલી મારા માટે આ અવઢવવાળી વાત હતી એટલે મેં કહ્યું કે હું શૈલેશભાઈને મળીને આવું, પછી આપણે વાત કરીએ. 
શૈલેશભાઈ બિરલા ક્રીડા કેન્દ્રમાં પહેલા માળે એક ઑફિસમાં બેસીને લખતા. હું ત્યાં ગયો, શૈલેશભાઈને મળ્યો. તેમને વાત કરી. કિરણે મને કહ્યું હતું કે કયું નાટક છે અને કયો રોલ છે એટલે એ વાત મેં શૈલેશભાઈને પણ કરી કે આ રીતનું નાટક છે. તેમણે મને બહુ ઈમાનદારીથી એક વાત કરી. 
‘બેટા, મને જોઈએ છે કે તું આ નાટકમાં કામ કરે પણ એ નાટકમાં બે પાત્રો છે જેમાં એક મુખ્ય પાત્ર છે સૂર્યવંશી, જો એ મળે તો છોડતો નહીં.’ 
મેં તેમને કહ્યું કે મારે તમારી સાથે કામ કરવું છે એટલે શૈલેશભાઈએ પ્રામાણિકતા સાથે મને કહ્યું કે બેટા, ભવિષ્યમાં બહુ મોકાઓ આવશે સાથે કામ કરવાના એટલે એની ચિંતા નહીં કર પણ જો એ તને સૂર્યવંશીનું પાત્ર ઑફર કરતો હોય તો એ છોડતો નહીં.
શૈલેશભાઈએ મને ત્યાં સુધી કહ્યું કે મેં એ આખી સ્ક્રિપટ વાંચી છે, એ પાત્ર મને ઑફર થયું હતું. 
શૈલેશભાઈની વાત સાંભળીને હું જરા અચંબામાં પડી ગયો. જે પાત્ર શૈલેશ દવેને ઑફર થયું હોય એ પાત્ર હું કેવી રીતે ભજવી શકીશ? એવું તે શું હશે એ પાત્રમાં અને મને શું કામ એ ઑફર કરવામાં આવતું હશે? 
મેં શૈલેશભાઈને કહ્યું કે પણ મારે તમારી સાથે કામ કરવું છે. તેમણે મને કહ્યું કે તું એ નાટકની સ્ક્રિપ્ટ વાંચી લે અને હું તને મારા નાટક ‘કેવડાના ડંખ’નું પાત્ર પણ કહું. એ બન્ને જાણ્યા પછી જ તું નિર્ણય લે જે. તું મારી સાથે કામ કરીશ તો હું તો બહુ ખુશ થઈશ પણ રંગભૂમિના એક અનુભવી કલાકાર અને લેખક-દિગ્દર્શક તરીકે મારી ફરજ છે કે તને સાચી વાતથી વાકેફ કરું. તને જિંદગીમાં અફસોસ ન થવો જોઈએ કે તેં શું મિસ કર્યું. 
આ હતા શૈલેશભાઈ અને આવો હતો તેમનો સ્વભાવ. તેમણે મને તેમના નાટકના પાત્રની વાત કરી. હું તેમની પાસેથી નીકળીને નીચે આવ્યો. નીચે કિરણ ભટ્ટ હતો. એ સમયે કિરણ ભટ્ટ, રાજુ જોશી, તુષાર જોશી, પ્રકાશ કાપડિયા એ બધાનું ગ્રુપ હતું નવરત્ન આર્ટ્સ. નવ ફ્રેન્ડ્સે સાથે મળીને એ ગ્રુપ ચાલુ કર્યું હતું એટલે એનું નામ નવરત્ન હતું. આ નવરત્નમાં કુમાર પણ હતો, જનક જાની, દામાણી અંકલ, મ્યુઝિક ડિરેક્ટર પીયૂષ કનોજિયા પણ ખરો અને એકાદ મિત્ર મને ભુલાય છે એટલે એ નવમું રત્ન જે હતું એ મને માફ કરે. 
હું મળ્યો એટલે મને સ્ક્રિપ્ટ આપીને કહ્યું કે તું આ લઈ જા અને ભાનુપ્રતાપ ભગવંતરાય સૂર્યવંશીનો રોલ વાંચી લે. આપણે પછી વાત કરીશું...
અને આપણે પણ હવે પછી વાત કરીશું, આવતા ગુરુવારે.

columnists JD Majethia