ચાણક્ય, ચતુરાઈ અને ચેતના

18 December, 2021 01:56 PM IST  |  Mumbai | Raj Goswami

૮૦ના દાયકામાં દૂરદર્શને ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ‘ચાણક્ય’ની સિરિયલને એવું કહીને નકારી કાઢી કે વિષયવસ્તુની દૂરદર્શનની નીતિમાં એ બંધ બેસતી નથી.

ચાણક્ય, ચતુરાઈ અને ચેતના

૮૦ના દાયકામાં દૂરદર્શને ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ‘ચાણક્ય’ની સિરિયલને એવું કહીને નકારી કાઢી કે વિષયવસ્તુની દૂરદર્શનની નીતિમાં એ બંધ બેસતી નથી. તેમને ના સાંભળવી નહોતી એટલે તેમણે દૂરદર્શનને શુદ્ધ હિન્દીમાં ૨૦ પાનાંનો પત્ર લખ્યો અને મુદ્દાસર જવાબ આપ્યા કે કેમ આ સિરિયલ દૂરદર્શન પર પ્રકશિત થવી જોઈએ. એ મહેનત રંગ લાવી અને છેવટે તેમને મંજૂરી મળી

પૃથ્વીરાજ (અક્ષયકુમાર), આદિપુરુષ (પ્રભાસ), રામ સેતુ (અક્ષયકુમાર), રામાયણ (નિતેશ તિવારી), દ્રૌપદી (દીપિકા પાદુકોણ), સીતા (કંગના રનોટ), અશ્વત્થામા (વિકી કૌશલ), બ્રહ્માસ્ત્ર (રણબીર કપૂર)... આ કેટલીક આગામી હિન્દી ફિલ્મોનાં નામો છે જે ઇતિહાસ કે દંતકથાઓ પર આધારિત છે. હિન્દી સિનેમામાં ઐતિહાસિક અથવા માઇથોલૉજિકલ વિષયો સદાબહાર રહ્યા છે. ફિલ્મોની શરૂઆત થઈ ત્યારથી આવા વિષયવસ્તુઓ પર જુદી-જુદી રીતે ફિલ્મો બની રહી છે અને હવે નવા જમાનાના ફિલ્મસર્જકોએ એવી અનેક ફિલ્મોની જાહેરાત કરી છે. 
નવા જમાનાની એવી જ તર્જ પર તેજસ્વી યુવા નિર્દેશક નીરજ પાન્ડેએ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના રાજકીય-આર્થિક સલાહકાર ચાણક્ય પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આમ તો એની જાહેરાત ગયા વર્ષે થઈ હતી, પરંતુ લૉકડાઉનના કારણે એનું કામ ઠેલાતું હતું. પરંતુ હવે સમાચાર છે કે ફિલ્મનું નવા વર્ષે શૂટિંગ શરૂ થશે. અ વેનસ્ડે, સ્પેશ્યલ છબ્બીસ, બેબી, એમ. એસ. ધોની જેવી ફિલ્મો અને સ્પેશ્યલ ઑપ જેવી વેબ-સિરીઝ બનાવનાર નીરજ પાન્ડે કદાચ પહેલા નિર્દેશક છે જે ચાણક્યને મોટા પડદે લાવશે. 
ભારતીય જનમાનસમાં ચાણક્ય એટલું વણાયેલું નામ છે કે તેમના પરથી અત્યાર સુધી કોઈ ફિલ્મ નથી બની એ આશ્ચર્યની વાત છે. ત્રીજી-ચોથી સદીમાં લખાયેલું તેમનું અર્થશાસ્ત્ર અને ચાણક્યનીતિ આજે પણ અભ્યાસ અને પુસ્તકોનો વિષય છે. મૌર્ય વંશના પહેલા સામ્રાજ્યની સ્થાપનામાં ચાણક્યની ભૂમિકાને આજે પણ ઇતિહાસ યાદ કરે છે. 
પરંપરાગત રીતે કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે ઓળખાતા ચાણક્યના જીવનને લગતા અધિકૃત દસ્તાવેજી પુરાવાઓ લગભગ અપ્રાપ્ય છે. પૌરાણિક ભારત પર સંશોધન કરનારા અમેરિકાના ઇતિહાસકાર થૉમસ ટ્રાઉટમાને કહ્યું હતું કે ચાણક્યની કથા શ્રીલંકાના બૌદ્ધ ઇતિહાસમાં, હેમચંદ્રના જૈન મહાકાવ્યમાં, કાશ્મીરની કથાસરિતસાગર દંતકથાઓમાં અને વિશાખાદત્તના સંસ્કૃત નાટક મુદ્રારાક્ષસમાં સચવાઈ છે. આ ચારે કથાઓ એકબીજાથી ભિન્ન છે. 
ચાણક્યનો જન્મ ઈસુ પૂર્વે ૩૭૦મી સદીમાં અને મૃત્યુ ઈસુ પૂર્વે ૨૮૩માં થયાનું મનાય છે. ઇતિહાસમાં તેમનું નામ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી તરીકે દર્જ છે. તેમનું ગોત્ર કુટિલ હતું એટલે તેમને કૌટિલ્ય પણ કહેવાય છે. તેમના પિતાનું નામ ‘ચણક’ હતું એટલે તેમને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેમના ગુરુનું નામ ઋષિ ચાણક્ય હતું એટલે શિષ્ય હોવાના નાતે તેમનું નામ ચાણક્ય પડ્યું હતું. 
અમુક સંદર્ભો મુજબ ગ્રીક સમ્રાટ ઍલેક્ઝાન્ડર (સિકંદર) જ્યારે ભારત પર ચડાઈ કરવા આવ્યો હતો ત્યારે તક્ષશિલા પ્રદેશમાં યુવા ચાણક્યનો ભેટો થયો હતો. ઍલેક્ઝાન્ડરના આક્રમણમાં ભારતનાં નાનાં-નાનાં રાજ્યો પરાજિત થયાં હતાં. એનાથી વ્યથિત થઈને ચાણક્યએ રાજનીતિમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી ભારતને એક અખંડ રાષ્ટ્રના રૂપમાં જોઈ શકાય.
એના માટે તેમણે આર્થિક અને રાજનૈતિક ફિલોસૉફીની રચના કરી હતી. પૌરાણિક ભારતમાં આ બે વિષયો પર વૈજ્ઞાનિક અથવા તર્કબદ્ધ રીતે વિચાર કરવાવાળા ચાણક્ય પહેલા હતા. એની ખ્યાતિ એટલી છે કે આજે પણ દેશ-વિદેશમાં એને ભણાવવામાં આવે છે.  
૧૯૮૦માં બી. આર. ચોપડાએ ચાણક્ય પર ફિલ્મની ઘોષણા કરી હતી. એમાં દિલીપકુમાર ચાણક્યની અને ધર્મેન્દ્ર ચંદ્રગુપ્ત મૌર્યની ભૂમિકામાં હતા. તેમની સાથે શમ્મી કપૂર, હેમા માલિની અને પરવીન બાબી પણ એમાં કામ કરવાનાં હતાં. ફિલ્મનું નામ હતું ‘ચાણક્ય ચંદ્રગુપ્ત.’ ચોપડા સાહેબે ધૂમધામથી એની જાહેરાત કરીને કામ ચાલુ કરી દીધું હતું. 
નીરજ પાન્ડેની ફિલ્મમાં તો કમ્પ્યુટર ટેક્નૉલૉજીની મદદથી અજય દેવગનનું માથું સફાચટ કરવામાં આવશે, પરંતુ એ દિવસોમાં એવી સુવિધા નહોતી એટલે એ વખતના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ પંઢરી જુકરને લંડન મોકલીને દિલીપકુમાર માટે એક વિશેષ બૉલ્ડ કૅપ બનાવવામાં આવી હતી જેથી તેમણે માથા પરના વાળ સફાચટ કરવા ન પડે. એ જમાનામાં આવી વિગના લાખો રૂપિયા ખર્ચવા પડતા હતા. એને પહેરતાં દિલીપકુમારને ત્રણ કલાક લાગતા હતા. 
ઉલ્લેખનીય છે કે ચાણક્ય બ્રાહ્મણ હતા. તેમના માથે વાળ નહોતા, ખાલી એક ચોટલી હતી. કહેવાય છે કે મગધમાં નંદ સામ્રાજ્યના દરબારમાં યુવાન ચાણક્યની ચોટલી પકડીને અપમાન કરવામાં આવ્યું હતું. એનાથી રોષે ભરાયેલા ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી હતી કે ‘જ્યાં સુધી હું નંદ સામ્રાજ્યને ઉખાડીને ધર્મનું શાસન નહીં સ્થાપું ત્યાં સુધી ચોટલી નહીં બાંધું. જે ચોટલીની તમે મજાક ઉડાવી છે એ તમને સાપની જેમ દંશ દેવા આવશે.’
ધર્મેન્દ્રની આ ડ્રીમ-ફિલ્મ હતી, કારણ કે દિલીપકુમારને પડદા પર જોઈને જ હિન્દી ફિલ્મોમાં આવ્યો હતો અને તેણે દિલીપકુમારને ગુરુ બનાવ્યા હતા. આ ફિલ્મમાં તેને તેના ગુરુ સાથે કામ કરવાનો મોકો મળવાનો હતો. જોકે આર્થિક કારણોસર આ ફિલ્મ આગળ વધી ન શકી અને યોજના પડી ભાંગી. ચોપડાએ એ જ વાર્તાને સિરિયલમાં ફેરવી નાખીને દૂરદર્શનને પ્રસ્તાવ મોકલ્યો પણ એને મંજૂરી ન મળી, કારણ કે એ જ અરસામાં ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી નામના નવોદિત નિર્દેશકને ચાણક્ય પર સિરિયલની મંજૂરી મળી હતી. બહુ પાછળથી અમિતાભ બચ્ચન પાસે ચાણક્યનો પ્રસ્તાવ આવ્યો હતો પણ એમાંય વાત આગળ ન વધી. 
૧૯૯૧-’૯૨માં ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ટીવીને પડદે ચાણક્યને પેશ કરીને ધૂમ મચાવી દીધી હતી. દૂરદર્શનના લોકપ્રિય માધ્યમ વડે દર્શકોને પહેલી વાર ચાણક્યનો એ રીતે પરિચય થયો હતો. ૪૨ હપ્તાની ‘ચાણકય’ સિરિયલ તેમણે જ લખી હતી, પ્રોડ્યુસ કરી હતી, નિર્દેશન કર્યું હતું અને ચાણકયની ભૂમિકા પણ તેમણે જ કરી હતી. ૨૦૨૦માં લૉકડાઉનના સમયે તેને ફરીથી બતાવવામાં આવી હતી.
વ્યવસાયે ડૉક્ટર એવા દ્વિવેદીને ભારતીય સાહિત્યમાં ઊંડો રસ હતો અને તેઓ નાટકોમાં કામ કરતા હતા. તેમને ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી અને ચાણક્ય પાછળનો મૂળ ઉદ્દેશ્ય ફિલ્મોમાં એન્ટ્રી લેવાનો હતો. તેમના ઘરમાં ટીવી પણ નહોતું. તેઓ ચાણક્યના હપ્તા એટલા માટે બનાવતા હતા કે ફિલ્મી દુનિયામાં કોઈની નજર તેમના પર પડે.
એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘મારા શોને અનેક અડચણો આવી હતી. બહુ બધા લોકોએ એને રાજકીય અને ધાર્મિક રંગ આપીને ટીકા કરી હતી. એ તો સારું થયું કે દેશમાં ભણેલા-ગણેલા લોકો પણ છે, નહીં તો ચાણક્ય ટીવી પરથી ઊતરી ગઈ હોત.’
પહેલી અડચણ ખુદ દૂરદર્શન તરફથી આવી હતી. ’૮૦ના દાયકામાં ચંદ્રપ્રકાશે દૂરદર્શનને ‘ચાણક્ય’ સિરિયલની યોજના આપી હતી તો તેમણે એવું કહીને સિરિયલ નકારી કાઢી કે વિષયવસ્તુની દૂરદર્શનની નીતિમાં એ બંધ બેસતી નથી. તેમને ના સાંભળવી નહોતી એટલે તેમણે દૂરદર્શનને શુદ્ધ હિન્દીમાં ૨૦ પાનાંનો પત્ર લખ્યો અને મુદ્દાસર જવાબ આપ્યા કે કેમ આ સિરિયલ દૂરદર્શન પર પ્રકશિત થવી જોઈએ. એ મહેનત રંગ લાવી અને છેવટે તેમને મંજૂરી મળી. 
દ્વિવેદી એને યાદ કરીને કહે છે, ‘હું નવોસવો હતો, પણ તેમણે મને તક આપી હતી. ૧૯૮૮માં મેં પાઇલટ શો બનાવ્યો અને એને મંજૂરી મળી. પાછળથી દૂરદર્શનના અધિકારીઓ મેં લખેલા પત્રોની મજાક ઉડાવતા હતા ત્યારે હું કહેતો હતો કે મેં લાંબા-લાંબા પત્રો ન લખ્યા હોત તો તેમણે મારી વાત પર ધ્યાન પણ આપ્યું ન હોત.’
તેમણે લગભગ નવ વર્ષ સુધી અનેક પુસ્તકો વાંચીને ચાણક્યના જીવન અને કામનો આભ્યાસ કર્યો હતો. દ્વિવેદી ચાણક્યને ભારતની રાષ્ટ્રીય ચેતનાના પહેલા પુરુષ તરીકે જુએ છે. તે કહે છે, ‘મને માત્ર વર્તમાનમાં રસ નહોતો. મારે અતીતમાં ડૂબકી મારીને એને વર્તમાન સાથે જોડવો હતો, બહુ બધો વિચાર કર્યા પછી મને લાગ્યું કે ચાણક્ય કહે છે એમ રાજનીતિ તમામ વિદ્યાઓની જડ છે. આજે ભલે લોકોને રાષ્ટ્રીય ચેતનાની વાતમાં અકળામણ થતી હોય, પણ ચાણક્યએ પહેલી વાર રાષ્ટ્રની વ્યાખ્યા કરી હતી અને એની સ્થાપના કરી હતી.’

  ઍલેક્ઝાન્ડરના આક્રમણમાં ભારતનાં નાનાં-રાજ્યો પરાજિત થયાં હતાં. એનાથી વ્યથિત થઈને ચાણક્યએ રાજનીતિમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી ભારતને એક અખંડ રાષ્ટ્રના રૂપમાં જોઈ શકાય.

 ચાણક્યની કથા શ્રીલંકાના બૌદ્ધ ઇતિહાસમાં, હેમચંદ્રના જૈન મહાકાવ્યમાં, કાશ્મીરની કથાસરિતસાગર દંતકથાઓમાં અને વિશાખાદત્તના સંસ્કૃત નાટક મુદ્રારાક્ષસમાં સચવાઈ છે. આ ચારે કથાઓ  એકમેકથી ભિન્ન છે. 

નીરજ પાન્ડે સાથે અલપઝલપ...

નંદ રાજકુમારોના હાથે તેમનું અપમાન થયું હતું અને ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન સ્થાપવામાં તેમની ભૂમિકા હતી એ સિવાય આ કિંગમેકર વિશે બહુ જાણકારી નથી. હું ચાણક્ય કેવી રીતે બનાવીશ એને શબ્દોમાં બયાન કરવું અઘરું છે. અમારી એક ટીમ બે વર્ષથી એના પર કામ કરી રહી છે. અમે જે સાહસ કરી રહ્યા છીએ એને પડદા પર જોયા પછી જ ખ્યાલ આવશે. થોડા સમય પછી એનું શૂટ ચાલુ થશે. અજય (દેવગન) આ ભૂમિકામાં સહજ રીતે જ ફિટ થાય છે. એ પાત્રોમાં એવી ઉત્કટતા લાવે જે આ ભૂમિકામાં જરૂરી છે. બીજું, અમારે એક એવા ઍક્ટરની જરૂર હતી જેના બોલવામાં ઉતાર-ચડાવ હોય અને ક્વૉલિટી હોય.
મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાંથી

columnists raj goswami