કોરોના અને કાચિંડો: માત્ર વાઇરસ નહીં, આ તો બુદ્ધિશાળી વાઇરસ હોય એવું વર્તે છે

09 April, 2021 10:34 AM IST  |  Mumbai | Manoj Joshi

જે કોરોના શરદી-ઊધરસ, કળતર અને તાવ જેવાં લક્ષણો દેખાડતો હતો એ જ કોરોના હવે પેટમાં દુખાવાથી માંડીને વૉમિટ અને ડાયેરિયા જેવા ગુણો દેખાડે છે

પ્રતીકાત્મક તસવીર

હા, સાચે જ. જુઓ તમે. પહેલાં જે કોવિડ-19નાં લક્ષણો હતાં એ લક્ષણોની સાથોસાથ હવે કોરોના વાઇરસે નવાં લક્ષણો દેખાડવાનાં શરૂ કર્યાં છે. સ્વભાવ બદલવો, વર્તન બદલવું અને રૂપ બદલવું એ તો કાચિંડાનો ગુણ, હવે આ ગુણ પણ કોરોનાએ મેળવી લીધો છે. ખબર નથી પડતી કે આવું થવાનું કારણ શું હશે?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનથી માંડીને જગતભરના સાયન્ટિસ્ટ્સ અત્યારે હેબતાયેલા છે. આ સેકન્ડ વેવમાં કોરોના પોતાના મૂળભૂત સ્વભાવ કરતાં સાવ જુદાં જ લક્ષણો દેખાડી રહ્યો છે. જે કોરોના શરદી-ઊધરસ, કળતર અને તાવ જેવાં લક્ષણો દેખાડતો હતો એ જ કોરોના હવે પેટમાં દુખાવાથી માંડીને વૉમિટ અને ડાયેરિયા જેવા ગુણો દેખાડે છે. ઉનાળાના દિવસોની આ સામાન્ય બીમારી છે અને આ બીમારી સામે લગભગ સૌકોઈ આંખ આડા કાન કરતું હોય કે પછી ઘરગથ્થુ ઇલાજ શોધતા હોય. વાત અહીં એટલે જ કરીએ છીએ કે ધારો કે એવી કોઈ તકલીફ દેખાતી હોય તો પ્લીઝ, આંખ આડા કાન નહીં કરતા. નહીં બેદરકારી દાખવતા અને જો ભૂલથી પણ આવાં કોઈ લક્ષણ દેખાય તો સીધા ડૉક્ટરને કન્સલ્ટ કરજો.

કોરોનાનાં બદલાયેલાં લક્ષણો વધુ એક વાર પુરવાર કરે છે કે આ કુદરત નિર્મિત વાઇરસ નથી, આ મૅન મેડ વાઇરસ છે અને ચાઇના જ એનું જનક છે. આજે જુઓ તમે દુનિયા આખી. દુનિયાનો કોઈ દેશ એવો નથી જ્યાં કોવિડની સેકન્ડ વેવ જોવા ન મળી હોય, પણ એકમાત્ર ચાઇના એવો છે જ્યાં આજે કોવિડના નામે કોઈ ફફડાટ નથી, કોઈ બીક નથી, કારણ કે કોઈ પેશન્ટ્સ નથી. રોકડા આઠ-દસ પેશન્ટ્સ સાથે વુહાન અત્યારે રાબેતા મુજબ દોડી રહ્યું છે. કોવિડ બાયોવેપનની દિશાનું પહેલું ટ્રેલર હતું એવું કહીએ તો ખોટું નહીં કહેવાય. એ પણ ખોટું નહીં કહેવાય કે ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ હથિયાર વિનાં આ જ રીતે લાશો પાડતું હશે અને એમાં આ જ પ્રકારના બાયોવેપનનો ઉપયોગ થતો હશે. અત્યારે ધારો કે એવા જ વેપનનો ઉપયોગ થતો હોય તો આપણે સમજી જઈએ અને આપણે સલામતી સાથે કેવી રીતે રહેવું એના પર ધ્યાન આપીએ.

જાન હૈ તો જહાન હૈ.

સીધી અને સરળ નીતિ છે આ અને આ જ નીતિને હવે ફૉલો કરવાની છે. પરિવારમાં જે એક સભ્યને કામ કરવા જવાનું છે એ જ બહાર નીકળે અને એ સિવાયના સૌકોઈ એવું જ ધારે કે અત્યારે લૉકડાઉન ચાલે છે અને તેમણે લૉકડાઉન વચ્ચે ઘરમાં જ રહેવાનું છે. નાના પરિવારમાં એક ઘરની બહાર જતું હોય, પણ તેની પાછળ બીજા જે બહાર નીકળે છે એને લીધે આ સેકન્ડ વેવમાં નવી તાકાત ઉમેરાય રહી છે. આ તાકાત ઉમેરવાનું કામ આપણે બંધ કરીએ અને સાથોસાથ આપણે કોરોનાની તાકાતને પણ તોડીએ. બે દિવસ પહેલાં જ બહુ જાણીતા સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે ‘લોકો મનથી અપસેટ થઈ રહ્યા છે. અપસેટનેસ વધે નહીં એ દિશામાં અત્યારથી જ કામ શરૂ કરી દઈએ, જેથી નવી ઉપાધિઓ જોવાનો વારો ન આવે.’ આ વિષય પર કરીએ આવતી કાલે વાત.

columnists manoj joshi