તમારો મહામહેનતે કમાયેલો પૈસો ક્યાંક હિંસક પ્રવૃત્તિઓ પાછળ તો નથી રોકાતોને?

17 April, 2024 11:47 AM IST  |  Mumbai | Rupali Shah

અનેક રોકાણકારો એવા છે જેઓ પોતાનું મૂડીરોકાણ એવા મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં નથી કરવા માગતા જે માનવજાતને, પશુ-પંખી કે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.

અતુલ દોશી

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અતુલ દોશી અને બીજા સાતેક જણના ગ્રુપે શરૂ કરેલી અહિંસા ઇન્વેસ્ટમેન્ટ મૂવમેન્ટ (AIM)નું એક જ લક્ષ્ય છે કે તમારું મૂડીરોકાણ પ્રાણીમાત્ર અને પ્રકૃતિને સાચવનારું બની રહે

જીવન સારી રીતે જીવવા માટે પૈસો બધાને જોઈતો હોય છે. પૈસો કમાવાના એક સોર્સ તરીકે સામાન્ય રીતે આપણે શૅરબજારમાં પણ રોકાણ કરતા હોઈએ છીએ. જોકે કોઈ પણ કંપનીમાં રોકાણ કરતી વખતે એ પૈસો અબોલ કે અન્ય જીવો કે પ્રકૃતિને હાનિ પહોંચાડવામાં આડકતરી રીતે મદદ તો નથી કરી રહ્યો ને એવી અવેરનેસ આપણે રાખીએ છીએ ખરા? અનેક રોકાણકારો એવા છે જેઓ પોતાનું મૂડીરોકાણ એવા મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં નથી કરવા માગતા જે માનવજાતને, પશુ-પંખી કે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. અમુક બિઝનેસને રોકાણનાં ધોરણોમાં નથી ગણવામાં આવતા એટલે મૂડીરોકાણ કરતી વખતે આવા રોકાણકારો આલ્કોહૉલ, સિગારેટ, માંસ, ડેરી પ્રોડક્ટ્સ, લેધર જેવી પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી કંપનીઓથી દૂર રહેવાની કોશિશ કરે છે. 

અનોખું અભિયાન
કાંદિવલીના અતુલ દોશી અને બીજા સાતેક જણના ગ્રુપે આ માટે ‘અહિંસા ઇન્વેસ્ટમેન્ટ મૂવમેન્ટ’ (AIM) નામે એક અભિયાન શરૂ કર્યું છે. અતુલભાઈ કહે છે, ‘આ અભિયાનનો ઉદ્દેશ ધર્મનો દૃષ્ટિકોણ, વ્યક્તિગત લાભ કે કોઈ કમર્શિયલ ગેઇન મેળવવાનો બિલકુલ નથી. ફક્ત એક સજાગ રોકાણકારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતી વખતે માનવતાની, જીવની અને પ્રકૃતિની સાચવણીની દૃષ્ટિ કેળવવાની જરૂર છે. અમારો હેતુ સ્પષ્ટપણે એટલો જ છે કે લોકો જ્યારે કોઈ કંપનીમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે તેમનો પૈસો સાચા રસ્તે રોકાઈ રહ્યો છે કે નહીં એ વિશેની સજાગતા કેળવવાનો છે. સોશ્યલ મીડિયા સહિત બીજાં માધ્યમોથી શક્ય એટલી ઇન્વેસ્ટમેન્ટ બાબતની આ અવેરનેસ ભારતભરમાં ફેલાય એવું અમે ઇચ્છીએ છીએ.’ 

અહિંસક નીતિને અનુસરવાનો પ્રયાસ
પ્રોફેશનથી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અતુલભાઈ અગાઉ પચીસ વર્ષ સુધી જાણીતી સ્ટૉકબ્રોકિંગ કંપની સાથે જોડાયેલા હતા. અત્યારે તેઓ ઑનલાઇન એજ્યુકેશન કંપનીના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર તરીકે કાર્યરત છે. દસેક વર્ષથી તેઓ અબોલ જીવોને હાનિ ન પહોંચે એ માટેની પ્રવૃત્તિઓ સહિત સામાજિક કાર્યો માટે પણ સક્રિય છે. વ્યક્તિગત રીતે અતુલભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી આ અહિંસક નીતિવિષયક થીમ પર આધારિત યોજનાઓને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવાની બાબતે જાગૃતિઝુંબેશ ચલાવે છે. અતુલભાઈ કહે છે, ‘થોડાં વર્ષો પહેલાં બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી ઇન્સ્ટિટ્યૂટ એક ઇન્વેસ્ટમેન્ટ-ગાઇડ પબ્લિશ કરતી હતી. પ્રૉપર રિસર્ચ સાથે તૈયાર થયેલી આ ગાઇડને મેં ઘણાં વર્ષો સુધી ફૉલો કરી. એમાં પશુપંખી કે જીવોને નુકસાન થતું હોય એવી કંપનીઓને લાલ, પરોક્ષ નુકસાન પહોંચાડનારી કંપનીઓને રાખોડી, શંકાશીલ કંપનીઓને કેસરી અને નુકસાન ન પહોંચાડતી કંપનીઓને લીલી કૅટેગરીમાં મૂકાય છે. અનેક બ્રોકરો સાથે પણ આ મુદ્દે મેં ચર્ચાઓ કરી. જોકે કોરોનાકાળમાં અમારી આ પ્રવૃત્તિને બ્રેક લાગી ગઈ. ત્રણેક મહિના પહેલાં મેં અને લાઇકમાઇન્ડેડ પાંચ-સાત જણે સાથે મળીને અહિંસા ઇન્વેસ્ટમેન્ટ મૂવમેન્ટ ફરી એક વાર શરૂ કરી.’ 

જાગૃતિઝુંબેશ આવશ્યક
અતુલભાઈ દૃઢપણે માને છે કે કૂવામાં પાણી હોય તો જ એ હવાડામાં આવે. એમ કોઈ પણ ઇકૉનૉમિક ઍક્ટિવિટી માટે કૅપિટલ ફ્લો હોવો જરૂરી છે અને જો એ ફ્લો જ બંધ કરી દેવામાં આવે તો એનો ગ્રોથ અટકવાનો જ છે. લોકો તરફથી આ પ્રમાણેનો પ્રતિભાવ મળે તો સ્વાભાવિક રીતે જ કૅપિટલ ફ્લો બંધ થતાં એ બિઝનેસનો વિકાસ અટકવાનો જ છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં જ એક IPO (ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ) આવ્યો હતો જેમાં માછલીઓને નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિ હોવાથી એનો ગુજરાતના અમુક બ્રોકરોએ બૉયકૉટ કર્યો હતો. ઇસ્લામમાં માનતા લોકો દારૂ, સિગારેટ, લેધર વગેરે કંપનીઓમાં રોકાણ નથી કરતા. 

એવી રીતે અહિંસાને ટેકો આપવાનું રોકાણ પણ થઈ શકે. અતુલભાઈ કહે છે, ‘અનેક લોકો આ કન્સેપ્ટને માને છે. લોકો જાગૃત હોય યા થવા માગતા હોય તો યોગ્ય માર્ગદર્શન માટે અમે આવા સ્ટૉક્સ આઇડેન્ટિફાય કરીએ છીએ. ભારતમાં આ નવી પ્રગતિશીલ રોકાણથીમના એક હિસ્સો બનવા અને તેમના પોર્ટફોલિયોને ફરીથી અહિંસા ઇન્વેસ્ટમેન્ટ મૂવમેન્ટના લેન્સથી તપાસવા અમે અનુરોધ કરીએ છીએ. અહિંસાના સિદ્ધાંતોને માનતા ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ પછી અતુલભાઈને એ સિદ્ધાંતોને અનુરૂપ ભવિષ્યમાં ફાઇનૅન્સ કંપની અથવા અહિંસા બૅન્ક શરૂ કરવાના પ્રયાસ કરવા છે. અહિંસા ઇનવેસ્ટમેન્ટ મૂવમેન્ટ (AIM) વિશે વધુ જાણકારી મેળવવા આ વૉટ્સઍપ ગ્રુપમાં જોડાઈ શકાય.

અહિંસક કંપનીઓ કે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ
અહિંસા ગ્રુપને લોકોનો હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. અતુલભાઈ કહે છે, ‘અનેક લોકો એવા છે જેમને આલ્કોહૉલ, સિગારેટ, ડેરી પ્રોડક્ટ, લેધર જેવી કંપનીઓમાં થતી હિંસાથી બચવું હોય છે. ભારતમાં ઘણા લોકો સિગારેટ કે દારૂ નથી પીતા અથવા લેધર પ્રોડક્ટ નથી વાપરતા હોતા. આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળે અને તેમનું ધ્યાન દોરવામાં આવે તો તેઓ અહિંસા આધારિત કંપનીઓમાં રોકાણ ન જ કરે. શૅરબજારમાં આશરે ૫૦૦માંથી ૩૭૦ કંપનીઓ એવી છે જેમાં રોકાણ કરી શકાય છે. એટલે કે ૭૦ ટકા જેટલી કંપનીઓમાં રોકાણ કરી શકાય છે. રોકાણ માટે ૧૩૦ કંપનીઓ ઓછી થવાથી ગુમાવવાનું કશું નથી. આ ઉપરાંત અમે આ માટે જુદા-જુદા મ્યુચ્યુઅલ ફન્ડના મૅનેજરોને પણ મળીએ છીએ. જોકે બૅન્કોમાં રોકાણ માટેની ફ્લેક્સિબિલિટી અમે રાખી છે. સ્મૉલ કેસ પ્લૅટફૉર્મ થકી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ અને PMS (પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસિસ)ની પ્રોડક્ટ લૉન્ચ કરી શકાય છે.’

columnists life and style finance news kandivli