પ્રજાસત્તાક દિન અમર રહો : કહો જોઈએ, કેટલા કાયદા આજે પણ તમે સતત તોડતા રહ્યા છો?

26 January, 2022 11:28 AM IST  |  Mumbai | Manoj Joshi

શું લૉકડાઉનના નિયમોનું પણ પાલન કર્યું હતું આપણે અને આજે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની બાબતમાં પણ જેકોઈ છટકબારી શોધી લેવામાં આવે છે એ આપણે શોધી નથી રહ્યા?

પ્રતીકાત્મક તસવીર

ખરેખર, આ સવાલ આજના દિવસે તો આપણે જાતને પૂછવો જ રહ્યો. આજના દિવસે, જે દિવસે આ દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું, બંધારણ પણ અને દેશના કાયદા-કાનૂન પણ. સમજવું જ રહ્યું કે આપણે ખરેખર હવે આ દેશની પ્રજા તરીકે લાયક બન્યા છીએ કે નહીં? 
માન્યું કે એ સમયે આપણે ગમાર હતા, આપણે ગરીબ હતા, કંગાળ હતા એટલે આપણે ક્યાંક ને ક્યાંક કાયદાનું પાલન કરવા ધારતા હતા તો પણ આપણાથી એ કામ નહોતું થઈ શકતું, પણ આજે, આજે તો એ અવસ્થા નથી તો પછી હવે આપણે કાયદાની બાબતમાં, કાનૂનના મુદ્દે, લૉના ક્ષેત્રમાં કેટલા જાગ્રત બન્યા છીએ? કોઈ ત્રાહિતને પૂછવા જવાની જરૂર નથી. જાતને જ પૂછી લેશો તો ચાલશે અને જાત જે જવાબ આપશે એ સવિશેષ સત્યની નજીક હશે એટલે જાતને જ પૂછો કે તમે કેટલા કાયદાઓનું ઉલ્લંઘન આજે પણ કરો છો, આજે પણ કાયદા તોડતા રહો છો અને એ પણ સાવ ફાલતુ કહેવાય એવા કારણસર. પૂછો તમારી જાતને અને માગો જાત પાસેથી જવાબ ઃ ‘શું કામ?’
લાઇસન્સ ન હોય તો પણ વાહન ચલાવવાની માનસિકતા રાખવી એ કેટલા અંશે વાજબી કહેવાય અને કૉર્પોરેશન કોઈ સ્ટેપ ન લે ત્યાં સુધી ટૅક્સ ભરવામાં આળસ કરવી એ પણ કઈ હદે વાજબી કહેવાય? કહો જોઈએ તમે કે સરકાર ગાઈવગાડીને સોશ્યલ ડિસ્ટન્સ પાળવાનું કહે અને એ પછી પણ એવા કોઈ નિયમોનું પાલન નહીં કરીને આપણે આ પ્રજાસત્તાક દિન ઊજવવાનું ગૌરવ લઈ શકીએ ખરા? પૂછો તમારી જાતને, માસ્કનો ઉલાળિયો કર્યા પછી આજની આ રાષ્ટ્રીય રજાનો આનંદ લેવાનો તમારો હક બરકરાર રહે છે ખરો?
પૂછો એક વાર જાતને, સેંકડો કાયદા એવા છે જેનું ઉલ્લંઘન તમે ચપટી વગાડતા કરતા રહો છો. પૂછશો તો ખબર પણ પડશે અને સમજાશે પણ ખરું કે આપણે ખરેખર આ પ્રજાસત્તાકને લાયક છીએ કે નહીં? ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)થી માંડીને સર્વિસ ટૅક્સ કેવી રીતે ન ભરવો એની આવડત આપણામાં ઘર કરી ગઈ છે એવા સમયે આપણને એ આવડત પર નાઝ થાય છે પણ ક્યારેય રાષ્ટ્રીય સ્તરે વિચાર કર્યો છે ખરો, વિચાર્યું છે કે જે વૅક્સિન આપણા બાવડામાં લાગી છે એને માટે સરકારી તિજોરીમાં આપણા હિસ્સામાં આવતો ટૅક્સ જમા કરાવી દેવો જોઈએ? કબૂલ, છેલ્લા થોડા સમયથી દુનિયાઆખી ઉપાધિ વચ્ચે જીવે છે અને એ ઉપાધિમાંથી મોટા ભાગની ઉપાધિ આર્થિક સંકડામણની છે, પણ એક વખત પૂછો તમારી જાતને, એ ઉપાધિને લગતા નિયમોનું પાલન કરવામાં પણ ક્યાંય આપણને તકલીફ નથી પડી? શું લૉકડાઉનના નિયમોનું પણ પાલન કર્યું હતું આપણે અને આજે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની બાબતમાં પણ જેકોઈ છટકબારી શોધી લેવામાં આવે છે એ આપણે શોધી નથી રહ્યા? પૂછોને એક વાર જાતને, જવાબ મળશે. જવાબ પણ મળશે અને જવાબની સાથોસાથ એ સમજણ પણ મળશે કે આપણે ખરેખર પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લાયક તો આજે પણ નથી થયા. આજે પણ આપણે એ જ રીતે જીવી રહ્યા છીએ જાણે આ દેશ પારકો હોય અને આ દેશમાં રહીને આપણે દેશ પર ઉપકાર કરતા હોઈએ.
વધુ નહીં, એક વાર, એક વાર પૂછો જાતને કે શું ખરેખર આપણે દેશની પ્રજા કહેવાની લાયકાત હવે મેળવી છે કે નહીં?

columnists manoj joshi republic day