જો વહાલી વ્યક્તિને હેરાન થતી રોકવી હોય તો કેટલીક વાત સ્વીકારો

09 August, 2022 07:32 PM IST  |  Mumbai | Manoj Joshi

આપણે સમજવું પડશે કે દિમાગને પણ પ્રૉબ્લેમ થાય અને દિમાગને પણ રેસ્ટ જોઈએ અને દિમાગને એ રેસ્ટ આપવા માટે સહજ રીતે આપણે મેડિસિન પણ લેવી પડે, પણ એ બધું કરવા માટે આપણે સૌથી પહેલાં તો જો મન મનાવવાનું હોય તો એ બાબતમાં કે ડિપ્રેશન હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

ડિપ્રેશનના મુદ્દે આ અંતિમ મણકો છે એવું કહીએ તો ચાલે, પણ જીવનમાં આ અંતિમ તબક્કો ન હોય એ જ આપણો હેતુ છે. લાઇફમાં અનેક વખત, અનેક તબક્કે અને અનેક રીતે મન થાકતું હોય એવું બની શકે, પણ થાકતા મન પાસે જો તમે એ પછી પણ કામ લો તો નૅચરલી થાકેલી હાલતમાં એ શું કરી લેવાનું. સાઇકોલૉજીમાં પુરવાર થયું છે કે સામાન્ય બૌદ્ધિકતા ધરાવતું દિમાગ પણ ૬ પ્રૉબ્લેમ પર એકસાથે કામ કરી શકે, પણ જો એ ૬ પ્રૉબ્લેમ પછી સાતમો પ્રૉબ્લેમ આવે તો બ્રેઇન ઑટોમૅટિકલી રી-સ્ટાર્ટ થઈ જાય અને એવું બને એટલે બધા પ્રૉબ્લેમ રાક્ષસ જેવા મહાકાય લાગવાનું શરૂ થઈ જાય. 
આપણે સામાન્ય બૌદ્ધિકતા ધરાવતા લોકોની વાત કરી. હવે વાત કરીએ જિનીયસની. જિનીયસ બ્રેઇન પણ એકસાથે આઠ પ્રૉબ્લેમનાં સૉલ્યુશન શોધી શકે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન એકસાથે ૮ ઇક્વેશન પર સાથે કામ કરતા, પણ સૌથી મહત્ત્વનો પ્રશ્ન જો કોઈ હોય તો એ કે આપણે આઇન્સ્ટાઇન નથી કે ન તો આપણે સામાન્ય બૌદ્ધિકતા ધરાવતી વ્યક્તિ છીએ. આપણે સામાન્ય વ્યક્તિ છીએ અને જો આપણે સામાન્ય વ્યક્તિ હોઈએ તો નૅચરલી આપણે ચારથી વધુ પ્રશ્ન એકસાથે હલ ન કરી શકીએ અને જો એવું બનતું હોય તો સ્વાભાવિક રીતે આપણું બ્રેઇન તો પાંચમા પ્રશ્ન પર જ રી-સ્ટાર્ટ થઈ જતું હોય. રી-સ્ટાર્ટ થઈ જતા દિમાગ માટે આપણે એવું ન કહી શકીએ કે એ ડિપ્રેશનનો અનુભવ કરી રહ્યું છે, પણ હા, રી-સ્ટાર્ટ થતું દિમાગ નવેસરથી સ્ટાર્ટ ન થાય તો આપણે એ વાત કહેવી જ પડે અને સ્વીકારવી પણ પડે.
આપણે સમજવું પડશે કે દિમાગને પણ પ્રૉબ્લેમ થાય અને દિમાગને પણ રેસ્ટ જોઈએ અને દિમાગને એ રેસ્ટ આપવા માટે સહજ રીતે આપણે મેડિસિન પણ લેવી પડે, પણ એ બધું કરવા માટે આપણે સૌથી પહેલાં તો જો મન મનાવવાનું હોય તો એ બાબતમાં કે ડિપ્રેશન હોઈ શકે છે અને મનને પણ બીમાર પડવાની, થાકવાની અને એને પણ આરામ કરવાની ઇચ્છા હોઈ શકે છે.
ડિપ્રેશનને સાવ ફાલતુ રીતે લેવાની જરૂર નથી. આ વાત જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલી જ ઇમ્પોર્ટન્ટ એ વાત પણ છે કે ડિપ્રેશન આવી પણ શકે છે અને એ આવે એ સર્વસામાન્ય હકીકત છે માટે એને શરમજનક અવસ્થા પણ ગણવી નહીં. આપણે ત્યાં અનેક ફિલ્મસ્ટાર એ વાત સ્વીકારી ચૂક્યા છે કે તેમને ડિપ્રેશન હતું અને તેમણે એને માટે દવા લીધી પણ છે. દીપિકા પાદુકોણથી માંડીને ગુજરાતીઓનો જાણીતો ચહેરો એવી આરજે દેવકીએ પણ સહર્ષ સ્વીકાર્યું છે કે તેણે ડિપ્રેશનનો અનુભવ કર્યો છે અને એ સમયે મેડિસિન અને ફૅમિલીએ જ બેસ્ટ રોલ ભજવ્યો છે. જો આ સ્તરની સેલિબ્રિટી આ વાત કહી શકતી હોય તો સાહેબ, શું કામ આપણે શરમમાં રહીએ?
બહુ સહજ એવી આ વાત છે, પણ આપણે એ સહજ કહેવાય એવી વાતને સ્વીકારવા તૈયાર નથી. ડિપ્રેશનની સીધી અને સરળ વ્યાખ્યા સમજો અને એ પણ સમજો કે એ એક પ્રકારના રી-સ્ટાર્ટ થતા મગજની પ્રોસેસ માત્ર છે, નહીં એનાથી વધારે કે નહીં એનાથી ઓછું. બસ, આટલું જ અને તો પછી એને સ્વીકારો અને વહાલી વ્યક્તિને હેરાન થતી રોકો.

columnists manoj joshi