કહો જોઈએ : સ્ટ્રેસથી દૂર થવું હોય તો આ ટ્રિક્સ અપનાવજો, લાભ થશે એ નક્કી

17 September, 2021 09:09 AM IST  |  Mumbai | Manoj Joshi

એવા મજબૂત મનના બની જઈએ કે અવળા સંજોગો આપણા મનોબળને કારણે સવળા થઈને ચાલવા માંડે. 

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલની જ વાતના અનુસંધાનમાં એક વાચકમિત્રએ પૂછ્યું છે કે તમે સમસ્યા તો કહી દીધી, પણ સમાધાન તો આપો. સંજોગો સ્ટ્રેસ નથી આપતા, પણ સંજોગોને ટેકલ કરવાની આપણી રીત, આપણો દૃષ્ટિકોણ સ્ટ્રેસ આપે છે એ વાત પર આપણે હતા. આપણે જો ભાવ ન આપીએ તો સ્ટ્રેસનું પોતાનું એકલપંડું કોઈ ગજું નથી એ વાત આપણે કરી. બધું મેળવવાની આપણી દોટ અને કુદરત સાથેનું અનુસંધાન તૂટ્યું છે, જેણે આપણા ફાઉન્ડેશનને હલાવી દીધું છે અને એટલે જ સ્ટ્રેસને જલસા પડી ગયા છે. જોકે એક વાત તો હકીકત છે કે સંજોગો તો નહીં બદલાય, બની શકે આજે છે એના કરતાં વધુ વિપરીત સંજોગો આવીને ઊભા રહે. બની શકે આજની તકલીફોમાં આવતી કાલે સરવાળાને બદલે ગુણાકાર થઈ જાય. બની શકે પરિસ્થિતિ આજે છે એના કરતાં વધુ વિકટ લાગવા માંડે. તમને ડરાવવાનો કોઈ આશય નથી, પણ આ હકીકત તો છે જ. સંજોગો દર વખતે આપણી આળપંપાળ કરનારા જ હોય એ જરૂરી નથી. એ આજે છે એના કરતાં સુધરી શકે આવતી કાલે અને બગડી પણ શકે છે. તો પછી આપણા પક્ષે જરૂરી શું છે? એ જ કે બદલાતા સંજોગો આપણી અંદરની દુનિયાને ન બદલી શકે એવું સ્ટ્રૉન્ગ રક્ષાકવચ જાતને પહેરાવીએ. જરૂરી છે કે એવી માનસિક ક્ષમતા કેળવીએ કે બહારના બદલાવો અંદરની દુનિયાને તસુભર પણ હચમચાવી ન શકે. એવા મજબૂત મનના બની જઈએ કે અવળા સંજોગો આપણા મનોબળને કારણે સવળા થઈને ચાલવા માંડે. 
સાહેબ, જરાય એવું ન ધારતા કે આ શક્ય નથી. આ બધું જ શક્ય છે અને આ બધાથી પાર ઊતરનારા લોકોને હું જાણું છું. આપણું આંતરવિશ્વ જો સ્ટ્રૉન્ગ હશે તો બહારની દુનિયાની એકેય હલચલ તમને સ્ટ્રેસ નહીં આપી શકે. હવે મૂળ મુદ્દા પર આવીએ કે જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે તેને કઈ રીતે હૅન્ડલ કરવો. એક વાત સમજી લેજો કે આખો ખેલ મનનો છે. બહારના સંજોગોને પલટવાની તાકાત પણ તમારા મનની સ્વસ્થતા પર છે. ધારો કે આર્થિક મુશ્કેલીનો સમય છે એમાં વળી મેડિકલના કે અન્ય કોઈ નવા ખર્ચ સતત આવી જ રહ્યા છે. એ સમયે તમારું મન તમને સતત એ જ સંજોગોની દયનીયતા તરફ ખેંચી જશે. અહીં તમારા મનની સ્વસ્થતાને કામે લગાડવાની છે. જે ખરાબ છે એના પર જ વિચાર કર્યા કરવાથી એ સુધરી નથી જવાનું, પરંતુ એમાં સુધારો લાવવા માટે તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું કરી શકો એ દિશામાં મનને પરોવશો તો સૉલ્યુશન મળશે. હવે એ દિશામાં કેવી રીતે મનને સક્રિય કરવું એમાં મને ફળેલી એક મેથડ છે ‘આનાપાન ધ્યાન.’ વિપશ્યનાની બહુ જ સરળ પદ્ધતિ આનાપાન ધ્યાનમાં તમારે માત્ર શ્વસન પર ધ્યાન આપવાનું છે. માત્ર શ્વાસની ગતિ, એના દ્વારા થતાં સંવેદનો અને એના સ્પર્શની અનુભૂતિ પર મન ચોંટતું જશે એમ મન પર ઘેરાયેલાં ચિંતાનાં વાદળો વિખેરાતાં જશે. મન સ્થિર થશે એટલે સ્વસ્થ મનમાંથી ચિંતા હટીને ચિંતન શરૂ થઈ જશે જે તમારું ધ્યાન સૉલ્યુશન તરફ લઈ જશે. 
આ જ દિશામાં આવતી કાલે વધુ વાતો કરીશું.

columnists manoj joshi