મૂછેં હો તો હમારે જૈસી, વરના ના હો

14 June, 2021 03:36 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પુરુષના ચહેરાને પ્રભાવશાળી બનાવતી તેમ જ તેની આન, બાન અને શાન સાથે જોડાયેલી મૂછની ખાસ સ્ટાઇલ રાખવા પાછળનું રહસ્ય અને એની સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ જાણવા કેટલાક મરદમુછાળા સાથે મુલાકાત કરીએ

યશ સાવલા

‘શરાબી’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તેમનાથી અડધી હાઇટ ધરાવતા કૉમેડિયન મુકરીની મૂછને પંપાળતા ‘મૂછેં હો તો નત્થુલાલ જૈસી, વરના ના હો’ ડાયલૉગ બોલે છે ત્યારે આ ટિંગુ અભિનેતાની છાતી ગજ-ગજ ફૂલી જાય છે. થોડા વખત પહેલાં રિલીઝ થયેલી અક્ષયકુમારની ‘કેસરી’ ફિલ્મના તેના લુકમાં મૂછનો આગવો રોલ હતો. રણવીર સિંહની મૂછ પણ તેના ચાહકોમાં ખાસ્સી લોકપ્રિય છે. પાકિસ્તાનનું એફ-૧૬ ફાઇટર પ્લેન તોડી પાડનાર જાંબાઝ આર્મી ઑફિસર અભિનંદન જ્યારે વાઘા બૉર્ડર પરથી પાછા ફર્યા ત્યારે આખા દેશની જનતા તેમની ટટ્ટાર ચાલ અને મૂછ પર ફિદા થઈ ગઈ હતી. આપણા કાઠિયાવાડી બાપુ ખાટલો ઢાળી હુક્કો પીતાં-પીતાં મૂછને વળ આપતા હોય એવું ઘણી વાર જોયું હશે. લાંબી, વાંકી, ભરાવદાર, પાતળી અને મજબૂત મૂછના અનેક વર્લ્ડ રેકૉર્ડ નોંધાયા છે તો એને શરતમાં દાવ પર મૂકી દેનારા પુરુષોનો પણ તોટો નથી. પુરુષની પર્સનાલિટીમાં જેનો આવો વટ છે એ મૂછની ખાસ સ્ટાઇલ રાખવા પાછળનું રહસ્ય અને એની સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ જાણવા કેટલાક મરદમુછાળા સાથે મુલાકાત કરીએ.
રાઉડી રાઠોડ જેવી પર્સનાલિટી | 
ગોરેગામમાં આવેલી એક કમ્પ્યુટર અને લૅપટૉપની શૉપમાં ફોનની ઘંટડી વાગે એટલે સામેથી કસ્ટમરનો અવાજ આવે, ‘રાઉડી રાઠોડ જૈસી મૂછ રખતા હૈ ના, વહ બંદે કો ફોન દેના.’ યશ સાવલા હસતાં-હસતાં કહે છે, ‘કસ્ટમરો આ જ રીતે મને ઓળખે છે. ઘણા ફ્રેન્ડ્લી કસ્ટમરોને તો વટથી કહું કે સર, ઝ્યાદા સોચિએ મત, કુછ ભી હુઆ તો આ કે મેરી મૂછ ખીંચ લેના. મૂછના કારણે આવો પ્રભાવ પડે છે. કેટલાક મને બાજીરાવ કહીને બોલાવે છે તો મરાઠી કસ્ટમરોએ શિવાજી મહારાજ જેવી મૂછ છે એમ પણ કહ્યું છે. જોકે હું તેમને હાથ જોડીને કહું કે શિવાજી મહારાજ સાથે આપણી તુલના ન થાય, ફિલ્મી કલાકાર સાથે સરખામણી કરશો તો ચાલશે. મૂછનો શેપ એવો છે કે ઘણા માનવા જ તૈયાર નથી કે હું ગુજરાતી છું. ઉપરથી આછી બિઅર્ડ પણ રાખું છું. એક વાર અમ્રિતસર ગયો હતો તો બધાએ પંજાબી ધારી લીધો હતો. વાસ્તવમાં મૂછ રાખવાનો મારો કોઈ પ્લાન નહોતો. ૨૦૧૫માં ફાઇનલ યરની એક્ઝામ વખતે બિઅર્ડ રાખી હતી. મૂછને વળ આપવાની ટેવમાં આવો શેપ બની ગયો. એ જ વર્ષે ભાઈનાં લગ્નમાં નવો મૅચ્યૉર્ડ લુક જોઈને બધાએ કૉમ્પ્લિમેન્ટ્સ આપ્યાં ત્યારથી મૂછ અને બિઅર્ડ રાખ્યાં છે. મારી વાઇફને પણ આ લુક ખૂબ પસંદ છે. તેણે તો ધમકી આપી છે કે ક્લીન શેવ કરશો તો પિયર ચાલી જઈશ. એટલે જ શેપને મેઇન્ટેઇન કરવા હેરડ્રેસર પણ ફિક્સ રાખ્યો છે.’
લાઇફટાઇમ જૅકી શ્રોફ |  છ ફુટની ઊંચાઈ અને બ્રૉડ શોલ્ડર ધરાવતો પડછંદ પુરુષ જાહેર સ્થળોએ મૂછને વળ આપતો ઊભો હોય ત્યારે રિક્ષા કે ટૅક્સીવાળાની હિંમત નથી કે બેસાડવાની ના પાડે. લાઇફટાઇમ જૅકી શ્રોફ જેવી મૂછ રાખનારા વસઈ (વેસ્ટ)ના મનોજ પુરોહિત આવો જ એક કિસ્સો સંભળાવતાં કહે છે, ‘અંધેરી સ્ટેશનની બહારથી રિક્ષા મળવી બહુ મુશ્કેલ છે એવી ફરિયાદ અનેક લોકોના મોઢે સાંભળી હશે, પરંતુ આજ સુધી મને કોઈએ ના નથી પાડી. મૂછવાળો પ્રભાવશાળી ચહેરો જોઈને રિક્ષાચાલકોએ પોલીસ સમજીને હા પાડી દીધી હોય એવું પણ ઘણી વાર બન્યું છે. આ બાબતે મિત્રો સાથે ચૅલેન્જ પણ લગાવી છે. મૂછ હોવાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો છે. જોકે ક્યારેય સ્ટાઇલ ચેન્જ નથી કરી, કારણ કે મને લાગે છે કે મારા પર બીજી કોઈ સ્ટાઇલ સારી નહીં લાગે. ફૅમિલીમાં પણ બધાને આ જ લુક ગમે છે. કિશોરાવસ્થામાં મૂછનો પહેલો દોરો ફૂટ્યો ત્યારે ‘હીરો’ ફિલ્મ રજૂ થઈ હતી. પિક્ચર જોવાનો ગાંડો શોખ એટલે આપણને તો નવોદિત કલાકારની મૂછ ગમી ગઈ અને નક્કી કરી લીધું કે જીવનભર આ અભિનેતા જેવી જાડી અને ભરાવદાર મૂછ રાખવી છે. વાળ શાઇન કરે અને થિકનેસ બની રહે એ માટે નાળિયેરનું તેલ લગાવવાનું તેમ જ કાતર અને રેઝર વડે જાતે જ ટ્રિમ કરી લેવાની. હજી સુધી હેરડ્રેસરને પણ હાથ લગાવવા નથી દીધો. બસ, હવે જૅકીભાઈને મળીને કહેવું છે કે સરજી, આપકી વજહ સે હમને યે મૂછેં રખ્ખી હૈ.’

કચ્છના દરબારો જેવી રુઆબદાર મૂછ ગમે

મુકેશ મહેતા, બોરીવલી
ઍન્ટિ-કરપ્શન બ્યુરો - મહારાષ્ટ્ર સ્ટેટ, બીએમસી, ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ જેવા સરકારી વિભાગો અને બોરીવલી વેપારી અસોસિએશન સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા બોરીવલીના મુકેશ મહેતા તેમની મૂછના કારણે જ ઓળખાય છે. પંદરેક વર્ષમાં તેમણે ત્રણથી ચાર વાર સ્ટાઇલ ચેન્જ કરી છે, પણ ક્યારેય ફિલ્મી કલાકારથી પ્રભાવિત થયા નથી. તેઓ કહે છે, ‘હું વતનની માટી સાથે જોડાયેલો માણસ છું. કચ્છના વાગડો, દરબારો, ક્ષત્રિયો, ગઢવીઓ, રાજસ્થાનના ચૌધરી સમાજના પુરુષોની લાંબી અને મરોડદાર મૂછનું જબરું આકર્ષણ છે. આવા રુઆબદાર લોકોની છબિ નજર સમક્ષ રાખીને મૂછની સ્ટાઇલ ચેન્જ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. એક વાર તો લોકસાહિત્યકાર અને કવિ ઝવેરચંદ મેઘાણી જેવી મૂછ પણ રાખી હતી. સરકારી વિભાગો સાથે કામ પડતું હોવાથી ઇમેજ બની ગઈ છે. મૂછના કારણે કામ પાર પડી ગયા હોય એવા અનેક કિસ્સાઓ છે. ઘણી વાર મારી સાથે વાત કરતી વખતે લોકો ગભરાય પણ છે. એવા સમયે અવાજમાં નરમાશ રાખીને શાંતિથી વાત કરવી પડે. વાસ્તવમાં મૂછના કારણે મારી ધાક પડે છે અને એના કારણે જ વિનમ્રતાનો ગુણ વિકસ્યો છે. મૂછ પ્રત્યે લગાવ હોવાથી કાળજી પણ એટલી જ લઉં. વાળને સ્મૂધ રાખવા તેલ લગાવું છું. હવે ધોળા વાળ આવી ગયા છે તો કલર પણ કરું છું. જોકે સતત માસ્ક પહેરી રાખવાને કારણે મૂછના શેપને ખાસ્સી અસર થઈ છે. સૅલોં બંધ હોવાથી શેપ જાળવી રાખવા ઘરમાં જ ટ્રિમ કરવી પડે છે. હા, બહાર મૂછને તાવ દેનારા પુરુષોની મૂછ વાઇફ સામે નીચી થઈ જાય અને રાખવી પડે.’

 મારી વાઇફને પણ આ લુક ખૂબ પસંદ છે. તેણે તો ધમકી આપી છે કે ક્લીન શેવ કરશો તો પિયર ચાલી જઈશ. એટલે જ શેપને મેઇન્ટેઇન કરવા હેરડ્રેસર પણ ફિક્સ રાખ્યો છે.
યશ સાવલા

columnists Varsha Chitaliya