ભૂલતા નહીં:ગુજરાતી નહીં બોલો તો ચાલશે, પણ એ ન બોલવાનું કારણ શરમ તો ન જ હોવી જોઈએ

11 May, 2022 10:45 AM IST  |  Mumbai | Manoj Joshi

મા માટે શરમ નથી આવતી તો પછી માતૃભાષા માટે શરમ શાની આવે અને આવવી પણ શું કામ જોઈએ? અંગ્રેજી એક ભાષા છે એવી જ રીતે ગુજરાતી પણ એક ભાષા છે.

મિડ-ડે લોગો

ગુજરાતીનું પ્રમાણ ઘટ્યું છે; માન્યું અને સ્વીકાર્ય પણ ખરું, પણ એ સ્વીકાર્ય ત્યારે જ ગણાશે જ્યારે ગુજરાતી નહીં બોલવા પાછળનું કારણ એને માટેની શરમ ન હોય. એ હોવી પણ ન જોઈએ. અંગ્રેજી ન આવડવામાં જો તમને શરમ ન નડતી હોય તો પછી ગુજરાતી આવડે છે એ વાતમાં શરમ શાની અને શું કામ? ગુજરાતી માતૃભાષા છે અને માતૃભાષા માટે માન હોવું જ જોઈએ. તમને તમારી મા માટે શરમ આવે છે ખરી? જો આવતી હોય તો ખરેખર તમારે ડૂબી મરવું જોઈએ, પણ એવું જવલ્લે જ બને કે કોઈને પોતાની મા માટે શરમ આવતી હોય. મા માટે શરમ નથી આવતી તો પછી માતૃભાષા માટે શરમ શાની આવે અને આવવી પણ શું કામ જોઈએ? અંગ્રેજી એક ભાષા છે એવી જ રીતે ગુજરાતી પણ એક ભાષા છે.
જર્મન, જપાન, અરબી અને એવી અનેક ભાષાઓ છે જે ભાષા માટે સ્થાનિક લોકોને માન છે. તમે કલ્પના કરી શકો ખરા કે ચીનમાં ૯૦ ટકા લોકો એવા છે જેમને અંગ્રેજી નથી આવડતું અને એમાં નાનપ પણ કોઈને નથી. ચીન, જર્મની, રશિયા જેવા દેશોને ધ્યાનમાં રાખીને અઢળક સૉફ્ટવેર એવાં બન્યાં છે જે માત્ર અને માત્ર એ દેશની સ્થાનિક ભાષા પર કામ કરતાં હોય, જેથી ત્યાંની પ્રજા એ વાપરી શકે. આ તેમનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ છે અને આ જ પ્રેમને લીધે અંગ્રેજીના જનકે પણ તેમની સામે ઝૂકવું પડ્યું છે. અંગ્રેજીનો વિરોધ નથી અને એવું કરવું પણ ન જોઈએ. 
અંગ્રેજી આજે ઇન્ટરનૅશનલ લૅન્ગ્વેજ તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે. જો દુનિયા સાથે અને જમાના સાથે તમારે તાલ મિલાવવો હશે તો એને અવગણી નહીં શકાય. અંગ્રેજી વિના નહીં ચાલે, પણ એના વિના ચાલશે જ નહીં એવું પણ નથી. જો તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હો, જો તમે ગુજરાતી મીડિયમનું એજ્યુકેશન લીધું હોય અને અંગ્રેજીમાં પણ હોશિયાર હો તો પણ કંઈ ખોટું નથી, પરંતુ અંગ્રેજીમાં તમારી કોઈ આવડત નથી, એમાં તમે ક્યાંય પારંગત નથી બન્યા અને માત્ર ને માત્ર ગુજરાતી શરમને લીધે તમે અવગણી રહ્યા છો તો એ બહુ ખોટું છે, ખરાબ છે, શરમજનક છે.
ભાષા તમને સપનાં આપે છે. ભાષા તમને સમૃદ્ધિ આપે છે અને ભાષા તમને વાચા આપે છે. વાત કહેવાની વાચા અને લાગણી વ્યક્ત કરવાની વાચા. આ વાચાને તમે ક્યારેય અવગણતા નથી. એક વખત વિચારજો કે સ્વરપેટીમાંથી સ્વર ચાલ્યો જાય તો એ તમે સ્વીકારી શકો ખરા? નહીંને, ગુજરાતી તમારી સ્વરપેટીનો સ્વર છે અને એ સ્વર તમે ગુમાવી રહ્યા છો. માની હૂંફ છોડીને ગર્લફ્રેન્ડની બાહોપાશમાં જનારો ક્યારેય સુખી નથી થતો. સુખી થવું હોય તો માની હૂંફ જ મલમનું કામ કરી શકે. ગુજરાતી ભાષા એ માની હૂંફ છે અને એનો ઉપયોગ કરવો એ માના માતૃત્વને બિરદાવ્યા સમાન છે. આ હૂંફનો આ માતૃત્વનો આદર કરજો, અનાદર નહીં. કારણ કે આજે મોટા ભાગના લોકો અનાદરના સ્તરે આવી ગયા છે અને અનાદરનું આ સ્તર શરમજનક રીતે વધી રહ્યું છે.

columnists manoj joshi