ગીત ગાયા પત્થરોને...

27 November, 2022 12:56 PM IST  |  Ahmedabad | Alpa Nirmal

તો ચાલો આજે ઊપડીએ ઉત્તર ગુજરાતની આ વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ પર

રાણકી વાવ

તાજેતરમાં ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટ ભરાઈ ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડના પ્રોમિનન્ટ લીડર્સ માટે વિવિધ ભેટ-સોગાદ લઈને ગયા હતા. એમાં ઇટાલિયન પ્રાઇમ મિનિસ્ટર જ્યૉર્જિયા મેલોનીને તેમણે રાણકી વાવના ચિત્રનો વણાટ કરેલો પાટણ પટોળાનો દુપટ્ટો ગિફ્ટ કર્યો હતો. તો ચાલો આજે ઊપડીએ ઉત્તર ગુજરાતની આ વર્લ્ડ હેરિટેજ સાઇટ પર

આજનો ટ્રાવેલ આર્ટિકલ વાંચતાં પહેલાં તમારે એક કામ કરવાનું છે. ગજવામાંથી કે પાકીટમાંથી પર્પલ કલરની નવી ૧૦૦ રૂપિયાની નોટ કાઢવાની છે અને એની પાછળની બાજુ જોવાની છે. કયું ચિત્ર દેખાય છે? રાણકી વાવનું? હા, આજે આપણી સવારી ઊપડવાની છે પાટણની આ પ્રભુતા સમીપે જેને આપણે ગુજરાતીઓ ‘રાણકી વાવ’ તરીકે જાણીએ છીએ.

પાટણના આઉટસ્કર્ટમાં જ, એટલે ફક્ત ત્રણ કિલોમીટરના ડિસ્ટન્સે આવેલી આ વાવ ૧૦મી સદીનું નજરાણું છે. આમ તો ઉત્તર ગુજરાતના પાટણ શહેરથી મોટા ભાગના ગુજરાતીઓ પરિચિત છે છતાં કહી દઈએ કે અમદાવાદથી પાટણ ફક્ત ૧૩૦ કિલોમીટરના અંતરે છે. આપણે સૌ જાણીએ છીએ કે વાવ એટલે પગથિયાંવાળો કૂવો. ચાલુક્ય વંશના રાજા ભીમદેવ પ્રથમનાં પત્ની ઉદયમતીએ પોતાના પતિની યાદમાં પ્રજા માટે સગવડ રહે એ માટે આ વાવ બનાવડાવી હતી એટલે જ એને ‘રાણકી વાવ’ કે ‘રાની કી વાવ’ કહે છે. ઈ. સ. ૧૦૬૦ની આસપાસ આનું નિર્માણ શરૂ થયું જે ઑલમોસ્ટ અડધી સદી ચાલ્યું. ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી આ વાવને પાણીનું સંગ્રહસ્થાન કહેવાને બદલે નકશીદાર મંદિર કહેવું વધુ ઉચિત રહેશે. ૭ મંજિલ ઊંડી આ વાવડીની દીવાલો, મંડપના પિલર ઉપર એકથી એક ચડે એવી કોતરણી અને કારીગરી છે. સાઇડની દીવાલો પર લગભગ ૧૦૦૦ જેટલાં સ્થાપત્ય શિલ્પો છે, જેમાં વિષ્ણુના ૧૦ અવતાર છે, તો બલરામ, મહિષાસુર મર્દની, લક્ષ્મી, ગણેશ, કુબેર, હનુમાન, ગૌતમ બુદ્ધ, પરશુરામ, કાલ ભૈરવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંકર-પાર્વતી, ગણેશ, કાર્તિકેય, વિષકન્યા, મેનકા-વિશ્વામિત્ર, સૂર્ય ભગવાનનાં શિલ્પો સહિત વિષ્ણુનાં ૨૪ સ્વરૂપો અને શૃંગારિક ૨૯૯ અપ્સરાઓ કંડારાયેલી છે. અહીંનાં દરેક સ્થાપત્યો, શિલ્પોની પોતાની કહાની છે. સૅન્ડ સ્ટોનની આ પ્રતિમાઓ ભારતની ધરોહર બયાન કરે છે.

એક રીતે વાવ પાણીસંગ્રહનું કામ કરે છે, પરંતુ ઑલરેડી એ સમયમાં કૂવા, કુંડ, સરોવરો, તળાવ તો હતાં જ, જેમાં પાણીનો સંગ્રહ થતો તો પછી વાવ બનાવવાનું શું કારણ? એ વિશે સ્થાપત્યકારો કહે છે, ‘તળાવ અને કુંડની ઊંડાઈ લિમિટેડ રહેતી. હા, વરસાદનું પાણી એમાં જમા થાય, પરંતુ ચોમાસું પૂર્ણ થતાં ગરમી શરૂ થાય એ પહેલાં એ સુકાઈ જતાં. એનું કારણ એનો પહોળો ઘેરાવ, ઓછી ટેપ્થ અને જળ શોષી લેતી જમીન હતી. કૂવામાં ચરખાથી પાણી ખેંચવું પડતું. ગામમાં કૂવાની સંખ્યા ઓછી હોય, વળી એની ઉપર પાણી ખેંચવા માટેની બે-ચાર ગરેડી બાંધી હોય, આથી બહેનોને પાણી ભરવા બહુ સમય લાગતો. ત્યારે રાજા-મહારાજાઓએ આ પ્રૉબ્લેમનું સોલ્યુશન લાવવાનું નક્કી કર્યું અને વાસ્તુકારોએ વિચારવિમર્શ કરી જેમાં સ્ટેપ વેલનો આઇડિયા ક્લિક થયો અને ઇન્વેન્ટ થઈ ઇન્વર્ટેડ આર્કિટેક્ચર પદ્ધતિ. રેગ્યુલર ધોરણે બિલ્ડિંગ જમીનની ઉપર હોય, પણ ઇન્વર્ટેડ બિલ્ડિંગ જમીનની નીચે હોય. નીચેથી પહોળું મકાન વધુ ઊંચાઈએ પહોંચતાં સાકડું થતું જાય એ રીતે ઇન્વર્ટેડ આર્કિટેક્ચરમાં ભૂસ્તરથી બ્રૉડ અને ઊંડે જતાં-જતાં સાંકડી થતી જતી. અન્ય મકાનોની જેમ આવી ઇમારતોની બ્રાઉન્ડરી-વૉલ પથ્થર જેવી મજબૂત હોય, જેથી એ પાણી પણ ન શોષે. આ પદ્ધતિથી બનાવવામાં આવતી વાવમાં પાણીનો સંગ્રહ થાય જ. નદી કે તળાવની નજીક બનાવાય જેથી વરસાદી પાણી જમા કરી શકાય. 

હવે, આવી ઇમારતોના ઊંડાણમાંથી પાણી લાવવા એની આજુબાજુની દીવાલો પર સીડીઓ બની અને આ રીતે આપણને મળી વાવ કે પગથિયાંવાળો કૂવો. પ્રાચીન કાળમાં પર્ટિક્યુલર ઓછા પાણીવાળા પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આવી ઘણી વાવ હતી, જે મોટા ભાગે રાજા-રાણીઓનાં સ્મારક સ્વરૂપે બનાવાઈ છે. આમ, વાવ જે-તે રાજવીઓનું સ્મૃતિસ્થળ તો બનતી, સાથે લોકકલ્યાણનું માધ્યમ પણ બનતી. આમ તો વાવ સ્થાપત્ય હડપ્પાકાલીન છે. એ સમયમાં પણ પાણીસંચય માટે આવી સંરચના થતી હતી, જે એના અવશેષો પરથી ખ્યાલ આવે છે, પરંતુ કાળક્રમે એ નગરો નષ્ટ થયાં અને ફરી એકડે એકથી મનુષ્યએ એ જીવનશૈલીનો આવિષ્કાર કરવો પડ્યો. ખેર, પાંચમી સદીની આસપાસ દક્ષિણ ભારતમાં કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં વાવ બનાવવાનું ચલણ શરૂ થયું અને અન્ય પ્રદેશના રાજાઓ જ્યારે અહીં ચડાઈ કરતા ત્યારે તેમને વાવ વિશે જાણવા મળ્યું. આમ એ ધીમે-ધીમે ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ. રાજસ્થાનના જયપુર પાસે ચાંદ વાવ બની. એ પછી તો એ પ્રદેશમાં અને પાડોશી રાજ્ય ગુજરાતમાં પણ વાવકળા શરૂ થઈ ગઈ અને એમાં જ્યારે કોઈ રાજા-મહારાજાના સ્મૃતિમંદિર સ્વરૂપે એનું નિર્માણ થવા લાગ્યું એટલે આ સિમ્પલ જળસંગ્રાહકને ઑર્નામેન્ટ સ્થાપત્યનું રૂપ મળ્યું. રાણકી વાવ આવું જ સમૃદ્ધ, અલંકારિક સ્થાપત્ય છે. સૌરાષ્ટ્રના ‘રા, ખેંગારની પુત્રી અને ભીમદેવ પ્રથમનાં પત્ની રાણી ઉદયમતીએ ભારતવર્ષને શાનદાર ભેટ આપી, જે સરસ્વતી નદીની નજીક નિર્માણ પામી હતી. 

પરંતુ ૧૩મી સદીમાં આ વિસ્તારમાં પૂર આવ્યાં અને જેમ સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ એમ આ વાવ પણ નદીના કાદવ-કીચડમાં દફન થઈ ગઈ. આમ ને આમ અનેક સદીઓ વીતી ગઈ. ૧૮મી સદીના અંતમાં આ વિસ્તારમાં ફરતાં-ફરતાં અંગ્રેજ પુરાતત્ત્વવિદોને અહીં કાર્વિંગ કરેલા અવશેષ મળ્યા અને ઇતિહાસ ખંખોળતાં રાણકી વાવની કહાણી ઉજાગર થઈ. ઈ.સ. ૧૯૪૦માં ફરી આજુબાજુના ખેડૂતોને પાણી માટે જમીન ખોદતાં-ખોદતાં સ્થાપત્યના નમૂના મળ્યા અને આઝાદી બાદ સરકારે અહીં રીસ્ટોરેશનનું કામ આદર્યું. ૩૦ વર્ષ, હા, પૂરાં ૩૦ વર્ષ અહીં કાદવ ઉલેચવાનું કામ ચાલ્યું. જેસીબી મશીનનું કાર્ય તો હતું નહીં. સભાનતાપૂર્વક, કાળજીથી કોઈ સ્થાપત્યોને નુકસાન ન થાય, ખંડિત ન થાય એને ધ્યાનમાં રાખી ખેડાણ કરવાનું હતું અને જેમ-જેમ કામ આગળ વધતું ગયું એમ ગુજરાતનું ગૌરવ ઉજાગર થતું ગયું.

આપણે કોઈ મંદિર જોઈએ, જેમાં એન્ટ્રીમાં પહોળો ચોક હોય, ત્યાર બાદ અનેક સ્તંભયુક્ત  થોડો સાંકડો રંગમંડપ અને એનાથી નેરો એનું ગર્ભગૃહ હોય અને આ ગર્ભગૃહની બરાબર ઉપર ત્રિકોણાકારે ઊંચું શિખર હોય. બસ, આ જ મંદિરને જમીનની અંદર ભૂર્ગભમાં ઊંધું બનાવાય તો જમીનને સમતોલ પગથિયાં, પછી નીચે ઊતરતા જતા મોટા ચોક, એનાથી હજી નીચે ઊતરી આગળ વધતાં રંગમંડપ અને એનાથી નીચે ઊતરી આગળની બાજુએ ગર્ભગૃહ. રાણકી વાવડી આ જ શૈલીમાં બની છે, જેના કુલ ૭ સ્તર છે, જે સ્વર્ગલોક, પૃથ્વીલોક, પાતાળલોકને રિપ્રેઝન્ટ કરે છે. આગળ કહ્યું એમ, એના મંડપના દરેક સ્તંભ પર તો કારીગરી છે જ, સાથે દીવાલો પર સનાતન ધર્મની ગાથાઓ કંડારાઈ છે. એ જોતાં એમ જ લાગે કે અહીં તો પથ્થરો ગીત ગાય છે.

શિલ્પોની નીચેના ભાગમાં જ્યોમૅટ્રિકલ ડિઝાઇનોના ચોરસ, લંબચોરસ પીસ છે, જે પટોળા આર્ટથી પ્રભાવિત છે. ૨૦૧૪માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ ઘોષિત કરેલી આ વાવ મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીથી નિર્માણ કરાઈ છે. આ જ સ્થાપત્ય શૈલી આબુના વિમલશાહ જૈન દેરા અને મોઢેંરા સૂર્યમંદિરમાં જોવા મળે છે. નંદી સ્ટાઇલની આ વાવ એટલે જ્યાંથી અંદર પ્રવેશાય ત્યાંથી જ બહાર નીકળાય. હાલમાં તો પાણીના કૂવા સુધી તો ડાયરેક્ટ જવાતું નથી. જળસંગ્રાહક જોવા ઉપરની બાજુથી વાવની પાછળ તરફ જવું પડે છે. સાડાઅગિયાર એકરમાં વિસ્તરેલું આ આખું કૅમ્પસ ટ્રીમ્ડ ગ્રીન લોનથી શોભે છે. અહીંનું લાંબું-પહોળું ગાર્ડન આખા પાટણની પ્રજા માટે વિરામસ્થળ છે.

અમુક વર્ગ ગુજરાતની પાછળ પડી ગયો છે

ગુજરાત રાજ્યની પ્રગતિ, વિકાસથી ઈર્ષ્યા અનુભવતા લોકો વારતહેવારે ગુજરાત વિશે ઝેર ઓકતા રહે છે. એવી જ એક મૂવમેન્ટ રાણકી વાવ વિશે ચાલી રહી છે કે આ ઇન્વર્ટેડ ટેમ્પલ નેગેટિવ ટેમ્પલ છે. અમેરિકા રહેતા મૂળ દક્ષિણ ભારતના પ્રવીણ મોહન પ્રાચીન મંદિરો, સ્થાપત્યોના બહુ મોટા અભ્યાસુના કહેવા પ્રમાણે કોઈ મંદિરો, જૂનાં સ્થાપત્યોની મુલાકાત લેતાં તેમને શાંતિ અને પૉઝિટિવ ઊર્જા અનુભવાય, પણ અહીં આવતાં, નીચે ઊતરતાં જતાં દુઃખ, શોક, ગુસ્સાની લાગણીઓ મનમાં જન્મે છે. પણ ભાઈ પ્રવીણ, માત્ર તમારા કહેવાથી કે તમારા વિડિયોને થોડા હજાર વ્યુઝ મળી જવાથી સદીઓથી સુંદર રહેલાં આ સ્થાપત્યો નેગેટિવ નથી થઈ જવાનાં કે નથી એની લોકચાહના ઓછી થઈ જવાની. રહી વાત આ બંધાવનારા શાસકોનાં નામ અને પૂતળાં મૂકવાની તો એનો જવાબ છે સૃષ્ટિના રચયિતાએ પણ કયાંય સહી નથી કરી.

સમ યુઝ ફુલ પૉઇન્ટ્સ 

આ નયનરમ્ય સ્થળનો ઇતિહાસ જાણવા અને સ્થાપત્યોની સ્ટોરી સમજાવવા અહીં ગાઇડ હોય છે, જેઓ સાચી-ખોટી કથા કહે છે. એમ છતાં તેને રાખી લેવો, કારણ કે તમે સમજ્યા વગર અહીં આંટા મારશો તો એકાદ કલાકમાં આ સ્થળ ઘૂમી વળશો, પરંતુ જો એ એરાની ગાથા સાંભળશો તો  અડધો દિવસ અહીં ઓછો પડશે.  

૪૦ રૂપિયાની એન્ટ્રી ટિકિટ લઈને કૅમ્પસમાં પ્રવેશો એટલે વિશાળ બગીચાની વચ્ચે આ વાવમાં ઢેરસારાં પગથિયાં ઊતરવાનાં છે એટલે કમ્ફર્ટેબલ પગરખાં રાઇટ ચૉઇસ બની રહેશે.

 નજીકમાં પાટણ શહેરમાં રહેવા માટે અનેક હોટેલ્સ, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓ છે. 

સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લી રહેતી આ વાવનું સૌંદર્ય દરેક સીઝનમાં આહ્‍લાદક રહે છે. શિયાળામાં આછી-આછી ધુમ્મસ હોય છે તો ચોમાસામાં એ નીલવર્ણી દેખાય છે. ઉનાળામાં બહાર ભલે દાહક તપારો હોય, પણ વાવની અંદર શાતાદાયક ઠંડક હોય છે.

રાણકી વાવ સહિત પાટણનું પટોળા હેરિટેજ મ્યુઝિયમ પણ લાજવાબ છે, ડોન્ટ મિસ. એ જ રીતે પંચાસરા પાર્શ્વનાથ ભગવાનનું જિનમંદિર અદ્ભુત છે. એ ઉપરાંત પાટણમાં ખાન સરોવર, સહસ્રલિંગ તળાવ, પંચમુખી હનુમાન મંદિર પણ જોવાલાયક છે. અહીંના હાથસાળના પટોળા જે આપણા વડા પ્રધાને ઇટલી પહોંચાડ્યા છે એ તો જગવિખ્યાત છે જ, સાથે દેવડા (નાના સાટા) મીઠાઈ મનલુભાવન છે.

columnists gujarat alpa nirmal