જો એ પૈસા મારા હશે તો ક્યાંયથી પણ એ આવી જશે

20 January, 2022 10:19 AM IST  |  Mumbai | JD Majethia

આટલા સ્પષ્ટ વિચાર ધરાવતા એ કન્સલ્ટન્ટનો જવાબ સાંભળીને મેં નક્કી કર્યું કે જેની વાતમાં આટલી ક્લૅરિટી છે તેને માન આપીએ અને અત્યારે એ ઘરમાં જવાનું માંડી વાળીએ

જો એ પૈસા મારા હશે તો ક્યાંયથી પણ એ આવી જશે

આપણી વાત ચાલતી હતી વીંટીની અને એ પછી આપણો ટૉપિક શરૂ થયો વાસ્તુશાસ્ત્રનો. કેસર આવી ગઈ હતી અને મિશ્રીનો જન્મ થવાનો હતો એવા સમયે અમે નક્કી કર્યું ઘર ચેન્જ કરવાનું અને ૨૦૦૬માં અમે નવો ફ્લૅટ લીધો. મારા મિત્ર અને પાર્ટનર આતિશ કાપડિયાનો ફ્લૅટ ૧૪મા ફ્લોર પર અને અમારો ફ્લૅટ ૧૫મા ફ્લોર પર. આતિશે પોતાનો ફ્લૅટ જોવા માટે વાસ્તુશાસ્ત્રીને બોલાવ્યા અને એ વાસ્તુ-એક્સપર્ટે તેના ફ્લૅટમાં થોડાં ચેન્જિસ સૂચવ્યાં અને પછી મારા ફ્લૅટ વિશે જાણીને સહેજ વરવું રીઍક્શન આપ્યું, જે સાંભળીને મારી વાઇફ નીપા ગભરાઈ ગઈ અને તેના મનમાં વાત ઘૂસી ગઈ કે એ ફ્લૅટમાં ન રહેવાય. નીપાએ મને વાત કરી અને તેનું મન રાખવા હું વાસ્તુ-એક્સપર્ટને મળ્યો. સૂચન આવ્યું કે દીકરીની રૂમ ખોટી દિશામાં છે, તે બીમાર રહેશે. સેકન્ડ ઓપિનિયન અને એ પછી થર્ડ ઓપિનિયન. એક ઓપિનિયનમાં તો એવું પણ આવ્યું કે આખું બિલ્ડિંગ જ ખોટું છે, અહીં તો રહેવાય જ નહીં. હું આ બધામાં માનું નહીં એટલે મોટી મૂંઝવણ મારી હતી. હવે કરવું શું અને કહેવું કોને....
દિશા દશા બદલી નાખે એવું હોતું હશે, પણ દિશા અને દશા બદલવાનું કામ જે કરે છે એ ઠાકોરજીથી મોટું કોઈ હોય જ નહીં. તે જે ઇચ્છે એ જ થાય અને હું આ વાતમાં ભારોભાર શ્રદ્ધા ધરાવું, તો સાથોસાથ મને પ્રૅક્ટિકલી લાગે પણ અને એટલે જ મને થયું કે હું આ બધામાં શું કામ પડવા લાગ્યો છું? એક તો મુંબઈમાં ઘર લેવું અઘરું અને એવામાં સારા લોકેશનનું ઘર મળે છે તો પછી શું કામ એ બધામાં પડવાનું, ઘર લો અને એમાં રહીને મજા કરો. આગળ બધું ઠાકોરજી જોશે, પણ સાહેબ, જેમણે એ ફ્લૅટ વિશે અને બિલ્ડિંગ વિશે કહ્યું એ સાંભળ્યા પછી નૉર્મલી જે આપણા ઘરની વ્યક્તિ હોય તેના મનમાં શું ચાલે છે એનો પણ વિચાર કરવો રહ્યો. એમ છતાં મેં નીપાને શાંતિથી સમજાવી. 
મારી વાત સાંભળ્યા પછી નીપાએ મને કહ્યું કે આપણને જેમણે આવું બધું કહ્યું છે એ ન માનીએ તો પણ તું કેસર માટે ચાન્સ લેવા માગે છે?
વાત સંતાનોની આવે ત્યારે નૅચરલી મનમાં અવઢવ તો જન્મે જ અને એ અવઢવ વચ્ચે કામ થોડો વખત બંધ કરાવીને પાછો હું શૂટમાં પરોવાયો. આ જ વાત સાથે જોડાયેલો એક પ્રસંગ કહું જેણે મને એક નિર્ણય લેવામાં હેલ્પ કરી. મેં વાસ્તુ-કન્સલ્ટન્ટને ફીનું પૂછ્યું તો મને તેમના જવાબ પરથી એક બહુ જબરદસ્ત વાત શીખવા મળી. તેમણે ફી લેવાની ના પાડી અને ચોખવટ પણ કરી કે આમ તો હું પ્રતિ સેકન્ડનો ચાર્જ કરું છું, એટલે મેં તેમને આગ્રહ સાથે કહ્યું કે જસ્ટ ટોકન-ફી, તો તેમણે જવાબ આપ્યો, ‘ના, આ કામના પૈસા તેં એક વાર ચૂકવી દીધા છે તો બીજી વાર શા માટે ચૂકવવાના. આ જ ફીલ્ડમાં તેં એક વાર પૈસા આપી દીધા છે તો બીજી વાર એ જ કામનું પેમેન્ટ શું કામ કરવાનું?’ મેં ના પાડતાં તેમને કહ્યું કે મને લાગશે કે તમારું ઋણ રહી ગયું. 
‘જો એ પૈસા મારા હશે અને અત્યારે તારા અકાઉન્ટમાં પડ્યા છે તો ભવિષ્યમાં ક્યાંયથી પણ આવી જશે અને મારા નહીં હોય તો એ તારી પાસે જ છે, તારા જ છે.’ 
તેમના આ જવાબ પરથી મને શીખ મળી કે જો પૈસા તમારા જ નસીબના હોય તો સાચા સમયે એ તમારી પાસે યોગ્ય રીતે આવી જ જાય. તેમના આ સચોટ વિચારોને કારણે મને થયું કે માણસની વાતમાં ક્લૅરિટી છે, તેમના વિચારોને માન આપવું પડે. મેં થોડો પોરો ખાવાનું નક્કી કર્યું કે હમણાં આપણે એ ઘરમાં નથી જતા. 
થોડા સમય પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે એ જ બિલ્ડિંગમાં મોટું ઘર આવ્યું. ઈસ્ટ-વેસ્ટ ઓપન, એક બાજુ ગાર્ડન અને આનાથી પણ મોટું અને સરસ ઘર. ચાર બેડરૂમ, એક બાજુ પાણી અને બહુ સારો વ્યુ. મેં એ જ બિલ્ડિંગમાં ઘર લીધું અને નીપાને કહ્યું કે હવે આપણે કોઈને કહેવું નથી, પૂછવું નથી. આપણે આપણા વિશ્વાસે જ રહેવા જઈએ, સરસ ઘર છે. એ ઘરમાં સરસમજાનો સેવાનો રૂમ પણ હતો. ઘર લીધું, સુખેથી રહ્યાં, થોડો વખતમાં પ્રગતિ થઈ અને બીજા ઘરમાં આવ્યાં. કહેવાનો અર્થ એટલો કે હું દરેક શાસ્ત્રને રિસ્પેક્ટ આપું છું અને કર્મોના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવું છું. ઠાકોરજીએ જે વિચાર્યું હશે એ જ થાય અને એ સારું જ હોય. હું મારી વાત કહું છું, તમને જે યોગ્ય લાગે એ.
આપણે ફરી આવી જઈએ વીંટી પર. વીંટીથી વાત શરૂ કરી તો અંત પણ ત્યાં જ લાવવો પડેને?
અમેરિકામાં ‘થૅન્ક યુ કોકિલા’ની ટૂર અને એ ટૂરમાં પંકજ મન નામનો એક મિત્ર, જે લાઇટ્સ ઑપરેટ કરે. ટૂર દરમ્યાન અમે જે મોટેલમાં રહેતા હતા ત્યાં આ પંકજ સાથે અકસ્માત થયો અને તે દાદરા પરથી સ્લીપ થયો. પંકજના બન્ને હાથમાં ફ્રૅક્ચર આવ્યું. બે હાથથી તો તેણે લાઇટ ઑપરેટ કરવાની હોય અને એમાં હાથમાં ફ્રૅક્ચર, હવે? મોટેલવાળા ભાઈ પોતે ડૉક્ટર હતા. તેઓ તરત બીજા ડૉક્ટર પાસે લઈ ગયા અને એ ડૉક્ટરે ટેમ્પરરી કશુંક કર્યું અને પંકજભાઈએ રાતે શો સાચવી લીધો. હવે પંકજની બીજા દિવસની અપૉઇન્ટમેન્ટ હતી અને અમારા સૌના મનમાં જાતજાતની ગડમથલ ચાલે કે કરવું શું? પંકજને ઘરે પાછો મોકલવો જ હિતાવહ હતું, કારણ કે લાંબી ટૂર હતી અને ટ્રાવેલિંગ પુષ્કળ હતું, પણ આમ જ આવા હાથ સાથે મોકલી શકાય નહીં. ટ્રીટમેન્ટ પણ કરાવવાની જ હોય એટલે બીજા દિવસે હું તેને ડૉક્ટર પાસે લઈ ગયો. 
અહીં વીંટીની વાત પર આવીએ. પંકજભાઈએ હાથમાં વીંટી પહેરી હતી અને વીંટીવાળી આંગળીના ભાગ પર સોજો આવી ગયો હતો. વીંટી પંકજભાઈ માટે બહુ જ મહત્ત્વની, માનતાની વીંટી એટલે તેને એ વહાલી પણ ખરી. ડૉક્ટરે હાથનું નિદાન કરતાં-કરતાં જ કહ્યું કે વીંટી કાપવી પડશે. 
‘ના, એ તો બને જ નહીં.’
પંકજભાઈએ ચોખ્ખી ના પાડી દીધી એટલે ડૉક્ટરે તેને સમજાવ્યો કે ‘ભાઈ, વીંટી નહીં કાપીએ તો બેચાર દિવસ પછી આંગળી કાપવી પડશે.’ વીંટી પંકજભાઈ માટે મહત્ત્વની તો નૅચરલી આંગળી પણ તેને માટે મહત્ત્વની. માંડ તે માન્યો, પણ મને યાદ છે કે વીંટી કાપતી વખતે તેની આંખોમાં એવી પીડા હતી જાણે આંગળી કપાતી હોય. તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. કહેવાનો અર્થ એટલો કે આસ્થા અને શ્રદ્ધાનું આવું હોય છે.
ઍનીવેઝ, આ આર્ટિકલ કરતાં-કરતાં મને થાય છે કે મારા ઘરમાં મારી એક વીંટી પડી છે એ મારે શોધવી જોઈએ, શોધું અને એ પહેરું. કારણ એક સમયે જે વીંટીની વાતો મારી આસ્થાને નડતી હતી એ વીંટી હવે મને નૉસ્ટાલ્જિક ફીલ આપે છે, જૂની યાદોમાં લઈ જાય છે. તમારામાંથી પણ કોઈ મિત્રોને થતું હોય કે મને વીંટી મોકલવી છે તો મોકલી જ શકે છે, આમ પણ મારો બર્થ-ડે આવે જ છે. ભેટમાં મળેલી વીંટી સાથે મારો કોઈ બાધ નથી એટલે વિનાસંકોચ મોકલો, ‘મિડ-ડે’ની ઑફિસે. હું ત્યાંથી કલેક્ટ કરી લઈશ.
હા... હા... હા...

મજાક કરું છું એટલું તો તમે સહજ રીતે સમજી જ ગયા હશો. વીંટી-વાસ્તુપુરાણ પછી હવે મળીએ આવતા ગુરુવારે, નવા વિષય અને નવા અનુભવો સાથે. ત્યાં સુધી જાતને સંભાળજો અને તમારું તથા તમારા પરિવારનું ધ્યાન રાખજો.

 થોડા સમય પછી એ જ બિલ્ડિંગમાં મોટું ઘર આવ્યું. ઈસ્ટ-વેસ્ટ ઓપન. એક બાજુ ગાર્ડન અને આનાથી પણ મોટું અને સરસ ઘર. ચાર બેડરૂમ, એક બાજુ પાણી અને બહુ સારો વ્યુ. મેં એ જ બિલ્ડિંગમાં ઘર લીધું અને નીપાને કહ્યું કે હવે આપણે કોઈને કહેવું નથી, પૂછવું નથી. આપણે આપણા વિશ્વાસે જ રહેવા જઈએ.

columnists JD Majethia