એક હતી શ્રદ્ધા : જો માબાપ સાથે વાતો થશે, માબાપ સમય ફાળવશે તો ઘણી દુર્ઘટના ટળશે

22 November, 2022 05:22 PM IST  |  Mumbai | Manoj Joshi

બાળક તો તેમની પાસેથી પ્રેમની જ આશા રાખીને જીવતું રહે, પણ ઉપેક્ષા અને એની ચરમસીમા જ બાળકને દૂર કરવાનું કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આપણે વાત કરીએ છીએ શ્રદ્ધા, આફતાબ અને તેમના રિલેશનની. ગઈ કાલે કહ્યું એમ, પારિવારિક ઉપેક્ષા દીકરીઓ માટે સૌથી વધારે જોખમી અને હાનિકર્તા છે. જો તમે ધ્યાનથી શ્રદ્ધા વિશે વાંચ્યું હોય તો તમને ખબર હશે કે શ્રદ્ધાને વર્ષોથી તેના પિતા સાથે સંબંધ નહોતા. તે માત્ર અને માત્ર તેની મમ્મીના કૉન્ટૅક્ટમાં હતી અને મમ્મીના ફોન પણ તે ત્યારે જ ઉપાડતી જ્યારે તેને મન થતું. આ જ તો કારણ હતું કે મમ્મી પણ મહિનાઓ સુધી અંધારામાં રહી અને એવું જ ધારતી રહી કે દીકરી વાત કરવા નથી માગતી.

એક વાત યાદ રાખજો કે ઉપેક્ષાની શરૂઆત હંમેશાં વડીલો તરફથી થતી હોય છે. બાળક તો તેમની પાસેથી પ્રેમની જ આશા રાખીને જીવતું રહે, પણ ઉપેક્ષા અને એની ચરમસીમા જ બાળકને દૂર કરવાનું કામ કરે છે. નહીં કરો ક્યારેય તમારાં સંતાનોની ઉપેક્ષા. તમે પૈસા પાછળ ભાગતાં હો તો પણ વીકમાં એક દિવસ એવો કાઢો જેમાં તમે બાળકો સાથે શાંત ચિત્તે બેસી શકો. આજનો તો સમય પણ કેટલો સરસ છે. બાળકો પણ કેટલાં ઇન્ટેલિજન્ટ છે કે તેઓ તમને શીખવી શકે. તમે તમારા ક્લાસ ચાલે છે એવું ધારીને પણ તેમની સાથે બેસો, તેમને પ્રોત્સાહન આપો. જો પ્રોત્સાહન આપી શકશો તો જ તે તમારી સામે ખૂલવાનું શરૂ કરશે અને તે ખૂલશે તો તેમને ખૂલવા માટે કોઈ અન્યની જરૂર નહીં પડે, ક્યારેય નહીં પડે.

ઉપેક્ષા જ એવી લાગણી છે જેને લીધે માણસ સારા-ખરાબનો ભેદભાવ ભૂલીને માત્ર અને માત્ર પોતાને મળતી ઇમ્પોર્ટન્સના ઇશારે આગળ વધી જાય છે. મળતી ઇમ્પોર્ટન્સ દરેક તબક્કે આફતાબ સ્તરની જ હોય છે એવું કહેવાનો ભાવાર્થ બિલકુલ નથી, પણ એવું કહેવાની ઇચ્છા તો છે જ કે આફતાબ જેવા સેંકડો છે, જે દીકરીઓ સાથે સહશયન કરવાના ભાવથી તેમની સાથે છેતરપિંડીનો રસ્તો વાપરે છે. આ રસ્તેથી દીકરીઓને બચાવવા માટે તમારે એટલે કે માબાપે સહજ થવાનું છે.

જો માબાપ સહજ હશે, જો માબાપ વાસ્તવિકતા સાથે જોડાયેલાં હશે અને માબાપને સંતાનો સાથે પ્રેમ હશે તો આફતાબ ખોટા રસ્તે જતાં અને શ્રદ્ધા જેવી માસૂમ દીકરી અયોગ્ય દિશામાં આગળ વધતી અટકશે. પરિવારમાં જેની પણ સાથે તેને બનતું હશે તેની સાથે તે વાત કરશે અને વાત કરશે તો વાજબી રીતે તેને સમજાશે કે પોતે અયોગ્ય દિશામાં છે. બહુ જરૂરી બની ગયું છે આ. આપણે આફતાબને ભાંડીએ છીએ, પણ આફતાબને ભાંડતી વખતે એ કેમ ભૂલી જઈએ છીએ કે તકાયેલી આંગળી પૈકીની ચાર આંગળીઓ આપણી તરફ છે. આપણે એ આંગળીઓનો દોષ દૂર કરવાનો છે અને એ દૂર કરવા માટે આત્મનિરીક્ષણ કરવાનું છે તો સાથોસાથ રિવર્સ મેકૅનિઝમ વાપરવાનું છે. જો એ વાપરી શકીશું તો જ શ્રદ્ધા જેવી ઘટના બનતી બંધ થશે. બંધ પણ થશે અને અનેક શ્રદ્ધાઓને જીવનનો સાચો માર્ગ પણ મળશે.

આ જ વિષય સાથે મળીશું આવતી કાલે, પણ આવતી કાલે યુવાનોનો કાન ખેંચવાનો છે એટલે ફરી આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં.
મળીએ કાલે.

columnists manoj joshi