જો તાવની દવા લેવી અનિવાર્ય હોય તો મનની દવામાં શું પ્રૉબ્લેમ?

08 August, 2022 12:03 PM IST  |  Mumbai | Manoj Joshi

દેખાતી એ નિશાનીઓને ઓળખવી બહુ જરૂરી છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે જો કોઈને એવું લાગે કે આ વિષય પર અહીં ચર્ચા કરવાને બદલે આખા પેપરમાં બીજે ક્યાંય પણ એની ચર્ચા થઈ શકતી હતી તો એક નાનકડી સ્પષ્ટતા કરી દઉં.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ડિપ્રેશનનો ભોગ દરેક વ્યક્તિ લાઇફમાં ઓછામાં ઓછી એક વાર બનતી જ હોય છે અને આ સર્વસામાન્ય તારણ છે. માણસ જો વર્ષ દરમ્યાન એકાદ વાર વાઇરલ ઇન્ફેક્શનનો ભોગ બને તો ડૉક્ટર શું કહે છે, આ તો સારી સાઇન છે કે તમારું બૉડી નવી સીઝનને સ્વીકારી રહી છે, પણ આવું જ મન માટે શું કામ કહેવાતું નથી, શું કામ લોકો એવું નથી કહેતા કે આવેલું ડિપ્રેશન સારું છે, એ તો તમારી નવી અવસ્થા સ્વીકારવાની પ્રક્રિયા છે.
મેનોપૉઝ દરમ્યાન મોટા ભાગની મહિલાઓને ડિપ્રેશનનો અનુભવ થાય છે. ડિપ્રેશન એ ક્રાઇસિસની નિશાની છે અને જ્યારે નવી વાત કે પછી હૅપી હૉર્મોન્સની ક્રાઇસિસ ઊભી થાય ત્યારે એ ડિપ્રેશનના ભાગરૂપે દેખાવાની શરૂ થતી હોય છે. દેખાતી એ નિશાનીઓને ઓળખવી બહુ જરૂરી છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે જો કોઈને એવું લાગે કે આ વિષય પર અહીં ચર્ચા કરવાને બદલે આખા પેપરમાં બીજે ક્યાંય પણ એની ચર્ચા થઈ શકતી હતી તો એક નાનકડી સ્પષ્ટતા કરી દઉં. આ વિષય હવે સર્વવ્યાપી બની ગયો છે અને એની પાછળ જો કોઈ જવાબદારી હોય તો એ આપણા સૌની બેદરકારી છે.
જરા વિચાર તો કરો, સામાન્ય કહેવાય એવો તાવ આવે તો પણ આપણે તરત જ દવા લેવા માટે દોડીએ છીએ. શરદી થાય તો પણ ઇમિડિએટલી આપણે ઍ​​ન્ટિબાયોટિક લઈ લઈએ છીએ, પણ મન જેવા અગત્યના ઑર્ગનની બાબતમાં આપણે ભારોભાર દુર્લક્ષતા સેવીએ છીએ. સાહેબ, મન પણ બીમાર પડે અને મનને પણ થાક લાગે. મોટામાં મોટી તકલીફ ક્યાં છે એ જુઓ તમે. જો શરીર બીમાર પડે તો પણ મને એનો મેસેજ આપવાનો અને જો મન બીમાર પડે તો પણ મને જ એનો મેસેજ આપવાનો. બીમાર શરીરનો આપણે મેસેજ સ્વીકારવા રાજી છીએ, પણ મન જ જ્યારે બીમાર છે ત્યારે આપણે એ સ્વીકારવા રાજી નથી કે મનને હવે દવાની જરૂર છે.
આ જે માનસિકતા છે એને કાઢવાની તાતી જરૂર છે. મનથી થાક્યા હોઈએ એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે મનને અવગણવું. ના, જરા પણ નહીં. તમને ખબર જ છે કે મન સૌથી મહત્ત્વનું છે અને તમારે એને અવગણવું ન જ જોઈએ. જો મનને અવગણશો તો તમારા જીવનની ગાડી આગળ કઈ દિશામાં જશે એનો તમે વિચાર સુધ્ધાં નહીં કરી શકો. બહેતર છે કે અત્યારે આ ગાડી જ્યારે સામેથી સંદેશ આપી રહી છે ત્યારે જ એ સંદેશને ઓળખો, જાણો અને એની માટે જાગૃત થાઓ.
પહેલી વાત, ડિપ્રેશન એ બીમારી નથી. હું જ નહીં, દુનિયાના તમામ સાઇકિયાટ્રિસ્ટ સુધ્ધાં કહે છે કે એ એક પ્રકારની ડિમાન્ડ છે જે ઑઇલિંગ માગે છે અને સમય આવ્યે એ ઑઇલિંગ કરવું જ જોઈએ. આ ઑઇલિંગની આવશ્કયતા મોટા ભાગે એવી એજ પર પડે છે જ્યારે તમારા મન પાસે લડવાની કે પછી સોલ્યુશન શોધવાની તાકાત ઓસરતી હોય છે. બહેતર છે કે ઓસરતી એ તાકાતને રિસ્પેક્ટ આપો અને તમારા મનનું મહત્ત્વ સમજો. સામાન્ય કેમિકલ જો તમને ફરીથી એ જ રિધમ પર લાવી શકે એમ હોય તો બહેતર છે કે એ રિધમને પકડો અને શ્રેષ્ઠ જીવનની શરૂઆત નવેસરથી કરો.

columnists manoj joshi