યે ભી એક દુઆ હૈ ખુદા સે કિસી કા દિલ ન દુખે હમારી વજહ સે

02 December, 2019 01:46 PM IST  |  Mumbai | Pravin Solanki

યે ભી એક દુઆ હૈ ખુદા સે કિસી કા દિલ ન દુખે હમારી વજહ સે

પ્રતિકાત્મક તસવીર

આપણા લીધે કોઈને ખુશી મળે એના જેવો આનંદ બીજો કોઈ નથી. આપણે કોઈના સ્મિતનું કારણ બની જઈએ, કોઈના દુ:ખનું મારણ બની જઈએ કે કોઈના આંગણાનું ખુશનુમા વાતાવરણ બની જઈએ ત્યારે હૈયામાં જે ટાઢક વળે છે એનું વર્ણન શબ્દોમાં થઈ શકે નહીં.
આપણે વારંવાર દાંડી પીટતા હોઈએ છીએ, અવારનવાર છાજિયાં લેતા હોઈએ છીએ કે દુનિયા આખી સ્વાર્થી થઈ ગઈ છે. કોઈ કોઈનું નથી, માણસમાત્ર મતલબી થઈ ગયો છે. વહેતાં ઝરણાં સુકાઈ ગયાં છે. ખાબોચિયાંઓ ટકી રહ્યાં છે. સૌ પોતપોતાના દાયરામાં કેદ છે. જોવું હોય એટલું જ જુએ છે, સાંભળવું હોય એ જ સાંભ‍ળે છે, સૂંઘવું ગમે એ જ સૂંઘે છે. સ્વાર્થની કામળી ઓઢીને ફરતા માણસને ઓળખવો એટલો જ મુશ્કેલ છે જેટલો ઈશ્વરને ઓળખવો સહેલો છે. ઈશ્વર પથ્થરનો ઘડ્યો હોવા છતાં એમાં પ્રાણ પૂરી શકાય પણ માણસમાં પ્રાણ પુરાયા હોવા છતાં તે પથ્થરનો જ રહ્યો છે. માણસ એકલો આવ્યો છે ને એકલો જવાનો છે.
આ સાચું નથી. માણસ બે વ્યક્તિના સહવાસ અને પ્રેમને કારણે પૃથ્વી પર આવે છે અને જાય છે ત્યારે કોઈ ચાર વ્યક્તિ તેનો બોજ ઊંચકે છે. સંસારમાં એવી કેટલીક વ્યક્તિઓ પણ છે જે આ સત્ય બરાબર સમજે છે. તે જાણે છે કે મર્યા પછી જો કોઈ ચાર જણ આપણો બોજ ઉપાડવાના છે તો આપણી ફરજ છે કે જીવતે જીવ આપણે કોઈ ચાર વ્યક્તિનો બોજ ઉપાડવો જોઈએ. તકલીફ એ છે કે આવું પણ વિચારવાવાળા છે એની જાણ બહુ ઓછા લોકોને હોય છે. સંસાર આવા દુન્યવી લોકોના પુણ્યપ્રતાપે જ ટકી રહ્યો છે.
એક વિચારકે લખ્યું છે કે દુનિયામાં બે પ્રકારના માણસો છે. પહેલા પ્રકારના લોકો મૂંગા-મૂંગા કામ કરે છે, બીજા પ્રકારના લોકો બોલે છે બહુ પણ કામ કંઈ જ કરતા નથી. પણ દુનિયામાં બીજા પ્રકારના લોકોની જ બોલબાલા રહી છે. આવા લોકો પ્રસિદ્ધિ, માનસન્માન, પુરસ્કાર આપે છે જ્યારે પહેલા પ્રકારના લોકો ગુમનામ રહે છે.
આપણી નબળાઈ કઈ છે? આપણને એક ચોક્કસ ઘરેડમાં જ જીવવાની ટેવ પડી ગઈ છે. આપણને ગોઠવેલા ચોકઠામાંથી બહાર આવવાનું સૂઝતું જ નથી. રોજ સવારના ખૂનખરાબા, બળાત્કાર, અપહરણ, ચોરી, લૂંટફાટ, મારધાડના સમાચારો વાંચવા કે સાંભળવાની આદત પડી ગઈ છે. રાજકારણના કપટી ખેલ કે ખૂની ભભકાના સમાચારો આપણો ટાઇમપાસ બની ગયા છે. હીરો-હિરોઇનનાં લગ્નના સમાચારે આપણું દિલ દાંડિયા રમવા માંડે છે. કોઈ ક્રિકેટર ચોકા-છક્કા મારે તો ઘરમાં આપણે ઊછળીએ છીએ. ‘મારે મોગલ ને હરખે પિંઢારા’ની કથની આપણાં ઘરમાં એટલીબધી છવાઈ ગઈ છે કે હવે એ આપણને સહજ લાગે છે. આપણને રાવણનાં પૂતળાં બાળવામાં હિંસક આનંદ આવે છે પણ જટાયુએ સત્કર્મ માટે જીવ ખોયો એને ભાગ્યે જ યાદ કરીએ છીએ. આપણે પોતે સત્કર્મો કરવાં જોઈએ એ વાત તો દૂર રહી, સત્કર્મો કરનારને સન્માનતા પણ નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં માણેલાં બે દૃશ્યો યાદ આવે છે. પહેલું દૃશ્ય છે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે આવેલી ભૂંડી ભવાઈનું અને બીજું છે ‘કૌન બનેગા કરોડપતિ’ના કાર્યક્રમમાં આવતા ‘કર્મવીર’ની શ્રેણીનું. પહેલું દૃશ્ય દેશમાં લોકશાહી છે કે નહીં એવો અવિશ્વાસ પેદા કરે છે જ્યારે બીજું દૃશ્ય દુનિયામાંથી હજી માનવતા મરી પરવારી નથી એવો વિશ્વાસ પેદા કરાવે છે. પહેલા દૃશ્યમાં લોકશાહીરૂપી દ્રૌપદીના વસ્ત્રહરણ કરનારા દુ:શાસનો જ્યારે બીજું દૃશ્ય છે ગરીબીરૂપી અનાથ અસહાય દ્રૌપદીનાં ચીર પૂરાં પાડનારા કૃષ્ણોનું.
‘કૌન બનેગા કરોડપતિ’માં આવતા-આવેલા કર્મવીરોની કહાણી સાંભળી અભિભૂત થઈ જવાયું. કેવા-કેવા માણસો કેવું-કેવું કામ કરી રહ્યા છે. કોઈ આદિવાસી બાળકોને શિક્ષણ આપે છે તો કોઈ કુષ્ટરોગીઓની સેવા કરે છે. કોઈ કૅન્સરગ્રસ્ત લાચાર માણસોનો આધાર બન્યા છે તો કોઈ કુપોષણથી પીડાતાં બાળકોના અન્નદાતા બન્યા છે. કોઈ દિવ્યાંગ લોકોનો ટેકો બની રહ્યા છે તો કોઈ નિરાધાર, લાચાર, ઘર વગરના ફુટપાથિયા લોકોનો સહારો બની રહ્યા છે. એ પણ કોઈ જાતની પ્રસિદ્ધિ કે પ્રશંસાના મોહતાજ બન્યા વગર.
તપાસ કરતાં ખબર પડી કે દેશને ખૂણે-ખૂણે આવી વ્યક્તિઓ અને સંસ્થાઓ છે, જે નિ:સ્વાર્થ ભાવે, ફોટો પડાવ્યા વગર સેવા કરી રહી છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની કર્મવીર શ્રેણીમાં આવતી આવી વ્યક્તિઓની વાતો સાંભળી અસંખ્ય લોકોએ એમાંથી પ્રેરણા મેળવી છે. મને પોતાને પણ અનુભવ થયો છે. ઘણા લોકોએ મને પૂછ્યું છે કે આવી વ્યક્તિઓને તન, મન કે ધનથી સહાય કરવી હોય તો શું કરવું? કોને મળવું? ક્યાં જવું? અમારે પણ આવી પ્રવૃત્તિ ચાલુ કરવી હોય તો કરી શકીએ? એમાં ક્યાંય ‘કાયદો’ વચ્ચે આવે? તમે સહકાર આપશો? વગેરે-વગેરે. પણ એ લોકોના ઉત્સાહ અને ઉત્કંઠા જોઈ હું પ્રભાવિત જરૂર થયો.
પાપના ભારથી પૃથ્વી રસાતા‍ળ જાય છે ને પુણ્યના પ્રભાવથી પૃથ્વી ટકી રહે છે. આવી શાસ્ત્રોક્તિ છે. પૃથ્વી ટકી રહી છે એ બતાવે છે કે પુણ્યોના પ્રભાવનું પલ્લું નમેલું છે. ક્યારેક ઊંડાણથી વિચાર કરશો તો સમજાશે કે દુનિયામાં શુભ તત્ત્વો વધારે છે, અશુભ તત્ત્વોનો પ્રચાર અને પ્રસાર વધારે છે. વિચાર કરો, દુનિયામાં, દુનિયા જવા દો, આપણા દેશમાં ગુંડા, મવાલી, અસામાજિક, ગુનાહિત માનસ ધરાવતા કહેવાતા પાપીઓની સંખ્યા કેટલી હશે? પાપ છાપરે ચડીને પોકારે છે એટલે એ વધારે પ્રચલિત બને છે. પુણ્ય કર્મ છાને ખૂણે થાય છે એટલે લોકોની નજરમાં નથી આવતું.
ટૂંકમાં માણસ પહેલાં જન્મે છે પછી ઘડાય છે. માણસનું ઘડતર કુટુંબ, સમાજ અને સ્કૂલ દ્વારા થાય છે. કેટલાં કુટુંબો સમાજ કે શાળા બાળકને ચોરી કરવાના કે પાપ કરવાના સંસ્કાર આપે છે? માણસનો મૂળભૂત સ્વભાવ સારાં કામો કરવાનો અને સારાં કામોમાં સાથ આપવાનો જ છે, કારણ કે મૂળભૂત રીતે તે સ્વભા‍વથી ડરપોક છે. તેને બચપણથી જ ધર્મના ઓથાર નીચે શિક્ષણ કે સંસ્કાર મળતા હોય છે. સૌથી પહેલાં તે શીખે છે કે ફલાણું પાપ છે ને ઢીંકણું પુણ્ય, ફલાણો ધર્મ છે ને ઢીંકણો અધર્મ. એ પછી જ તે શીખે છે કે આ સારું છે ને પેલું ખરાબ!
દુર્યોધન ધર્મ જાણતો હતો, પણ આચરી નહોતો શકતો એમ ઘણા માણસોને સારું કરવાની ભાવના હોય છે પણ કરી નથી શકતા. એક મુરબ્બીએ મને પૂછ્યું કે ‘કર્મવીર’ની શ્રેણી ‘કૌન બનેગા કરોડપતિ’માં આવરી લઈને સમાજની ઉત્તમ સેવા કરી છે એવું તમને નથી લાગતું? મેં કહ્યું ‘જરૂર લાગે છે.’ મારો હકારમાં જવાબ સાંભળી તેમનો ઉત્સાહ વધ્યો. બોલ્યા, ‘તમને નથી લાગતું કે આવી શ્રેણી કોઈ અખબાર કે મૅગેઝિનમાં શરૂ કરવી જોઈએ?’ થોડી વાર હું ચૂપ રહ્યો. પછી વિચારીને જવાબ આપ્યો કે સાચું કહું તો મારી દૃષ્ટિએ તમારું સૂચન સારું છે, પણ વ્યવહારુ નથી. તે ચમક્યા. થોડા નારાજ થઈ બોલ્યા કે એવું કેમ કહો છો? મેં કહ્યું, ટીવી પર આવતા કાર્યક્રમો ખુરશી પર કે સોફા પર બેસી જમતાં-જમતાં, વાંચતાં-વાંચતાં, કોઈ પ્રવૃત્તિ કરતાં-કરતાં પણ જોઈ શકાય છે. અખબાર કે મૅગેઝિનમાં લેખ ખાસ વાંચવા પડે. મુરબ્બી ઉશ્કેરાઈ ગયા. લેખ પણ જમતાં જમતાં, કામ કરતાં-કરતાં નથી વંચાતા?
વડીલને મારે વિસ્તારથી સમજાવવા પડ્યા. પ્રિન્ટ મીડિયા અને ટીવી માધ્યમના લાભાલાભ બતાવવા પડ્યા. ‘કરોડપતિ’ કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય છે ને ‘કર્મવીર’ શ્રેણી એનો ભાગ હોવાનો એને લાભ મ‍ળ્યો. વધુમાં ટીવી ચૅનલે એને વધુ રસપ્રદ બનાવવા કોઈ સેલિબ્રિટીને પણ સાથે રાખ્યા. ટૂંકમાં વડીલને મેં કહ્યું કે ટીવીમાં કર્મવીરના કાર્યક્રમને જે આવકાર મળ્યો એવો આવકાર અખબારની કૉલમને ન મળે એવી મને દહેશત છે. બાકી આવી શ્રેણી શરૂ થાય તો સમાજને ચોક્કસ પ્રેરણારૂપ બને એ નિ:શંક છે.
અજ્ઞાત કર્મવીરની સંખ્યા સંસારમાં અપાર છે જે ફક્ત પોતાના માટે જ જીવતા નથી. ને જે પોતાને માટે જીવતા નથી તે કદી મરતા નથી. પોતાનાં કાર્યોથી સદા-સર્વદા જીવતા રહે છે. વ્યંજના એ જ છે કે આપણે આપણા પગ કોણ ખેંચે છે એ જ જાણીએ છીએ, આપણા માટે પ્રાર્થના કોણ કરે છે એ જાણતા નથી કે જાણવાની દરકાર કરતા નથી. ઈશ્વરે દુનિયામાં ફક્ત સારપ જ ભરી છે. એને બગાડવાનું કે વધારવાનું કામ માણસ જ કરે છે. વધારાનારા મૂંગા-મૂંગા વધારે છે. બગાડનારા ચીસો પાડી-પાડીને બગાડે છે.
છેલ્લે...
સ્વર્ગમાં એક જગ્યા ખાલી પડી. ભગવાન વિષ્ણુએ તેમના બન્ને દ્વારપા‍ળ જય-વિજયને કહ્યું કે પૃથ્વી પર જાઓ ને એક માણસ એવો શોધી લાવો જેણે અપ્રતિમ પરમાર્થનું કામ કર્યું હોય. જય- વિજયે પૃથ્વી પર આવી શોધ ચાલુ કરી. ગામ-ગામ, શહેર-શહેર, ખૂણે-ખૂણે તપાસ કરી પણ જોઈતો હતો એવો માણસ ક્યાંય ન મળ્યો.
જય-વિજય નિરાશ થઈ એક રાત્રે ઘનધોર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમને એક વ્યક્તિની મુલાકાત થઈ અને જય-વિજયને જે જોઈતું હતું એ મળી ગયું. બન્ને વિષ્ણુજી પાસે આવ્યા. વિષ્ણુજીએ ધારી-ધારીને માણસને જોયો. તે દૃષ્ટિહીન હતો. ચક્ષુહીન માણસને જોઈ વિષ્ણુ બોલ્યા કે આ માણસ તમને યોગ્ય કેમ લાગ્યો? જયે કહ્યું, ‘પ્રભુ, અમે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. દિશા સૂઝતી નહોતી. ત્યાં દૂર-દૂરથી અમને એક દીવો ટમટમતો દેખાયો. એ પ્રકાશને આધારે અમે ત્યાં પહોંચ્યા. જોયું તો આ સુરદાસ હાથના સહારે દીવો ઓલવાઈ ન જાય એવો પ્રયત્ન કરી રહ્યો હતો. અમને નવાઈ લાગી. પૂછ્યું કે ભાઈ, તમે તો દૃષ્ટિહીન છો, જોઈ શકતા નથી. પછી તમારે દીવાનું શું કામ છે? તેણે કહ્યું, ‘રાતના દીવો હું મારે માટે નથી પ્રગટાવતો. બીજા મુસાફરોને દિશા મળે એ માટે પ્રગટાવું છું. મારા પ્રગટાવેલા દીવાથી બીજા કોઈને મંઝિલ મળી રહે એનાથી બીજું રૂડું શું?’
તેને સ્વર્ગમાં સ્થાન મળી ગયું.

સમાપન

જેના હૃદયમાં કોઈનું સારું કરવાનો ભાવ હોય છે, ઈશ્વર તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેવા દેતો!

columnists gujarati mid-day