અમેરિકન યુવતીના પ્રેમમાં છું, પણ કદી મળ્યો નથી તો શું તે મારા માટે કે-૧ ફિયાન્સ વિઝાની પિટિશન દાખલ કરી શકે?

24 February, 2023 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કે-૧ વિઝાની પિટિશન અમેરિકન સિટિઝન તેમના માટે જ કરી શકે જેમને તેઓ ગયાં બે વર્ષમાં ઓછામાં ઓછું એક વાર રૂબરૂમાં મળ્યા હોય.

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

સવાલ : ઇન્ટરનેટ પર ચૅટિંગ કરતાં-કરતાં હું એક અમેરિકન સિટિઝન યુવતીના પ્રેમમાં પડી ગયો છું. આજથી પચીસ વર્ષ પહેલાં તેના પિતા સ્પેનમાંથી અમેરિકા ગયા હતા અને ત્યાં એ યુવતી એલિઝાબેથનો જન્મ થયો હતો. ગુચ્છેદાર વાંકડિયા વાળ ધરાવતી અત્યંત ગોરી તેમ જ નાજુક અને નમણી એલિઝાબેથની આંખો બ્રાઉન કલરની છે. હસે છે ત્યારે તેના ગાલમાં ખંજન પડે છે. હું તો પ્રથમ વાર જ, જ્યારે મેં તેનો ફોટો ફેસબુક ઉપર જોયો ત્યારે જ તેના પ્રેમમાં પડી ગયો હતો. એ પણ હવે મને ચાહવા લાગી છે. અમે બન્ને એકબીજા જોડે લગ્ન કરવા ઇચ્છીએ છીએ.

 એલિઝાબેથ જ્યાં જૉબ કરે છે ત્યાંથી તેને ઇન્ડિયા આવવા માટે લાંબી રજા મળી શકે એમ નથી. એ મારા માટે કે-૧ ફિયાન્સ વિઝાની પિટિશન દાખલ કરવા ઇચ્છે છે જેથી હું એ વિઝા મેળવીને અમેરિકા ત્યાં તેની જોડે લગ્ન કરું અને પછી એ મારા માટે ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરે અને હું તેની જોડે અમેરિકામાં જ રહું. તો મારે શરૂઆત કેવી રીતે કરવી જોઈએ?

જવાબ : એલિઝાબેથ તમારા માટે 

નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના કે-૧ સંજ્ઞા ધરાવતા ફિયાન્સ વિઝાની પિટિશન દાખલ કરી ન શકે. 

કે-૧ વિઝાની પિટિશન અમેરિકન સિટિઝન તેમના માટે જ કરી શકે જેમને તેઓ ગયાં બે વર્ષમાં ઓછામાં ઓછું એક વાર રૂબરૂમાં મળ્યા હોય. એલિઝાબેથ જો લગ્ન માટે ઇન્ડિયા આવી ન શકે તો તમે બન્ને બેચાર દિવસ માટે યુરોપના કોઈ શહેરમાં એકબીજાને મળો જેથી એ તમારા લાભ માટે ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરી શકે. તમે જો યુરોપના કોઈ પણ શહેરમાં જઈને એલિઝાબેથ જોડે લગ્ન કરો તો પણ એલિઝાબેથ ત્યાર બાદ તમારા લાભ માટે ઇમિજિએટ રિલેટિવ કૅટેગરી હેઠળ ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરી શકશે. એને પણ પ્રોસેસ થઈને અપ્રૂવ થતાં કે-૧ વિઝા માટેની પિટિશન જેટલો જ સમય લાગશે.

તમારી જેમ જ મુંબઈનો એક યુવક અમેરિકાની યુવતી જોડે આમ જ ચૅટિંગ કરતાં-કરતાં પ્રેમમાં પડ્યો હતો. તેને જાણ થઈ કે અમેરિકન સિટિઝન કે-૧ વિઝાની પિટિશન ત્યારે જ દાખલ કરી શકે જ્યારે લગ્ન કરવા ઇચ્છનાર બન્ને વ્યક્તિઓ એકબીજાને છેલ્લાં બે વર્ષમાં ઓછામાં ઓછું એક વાર રૂબરૂ મળી હોય. એ યુવકે એ અમેરિકન યુવતી પાસે ખોટું જણાવીને કે તેઓ એકબીજાને દુબઈમાં મળ્યાં હતાં કે-૧ની પિટિશન દાખલ કરાવી. તેઓ બન્ને દુબઈ ગયાં હતાં પણ ત્યાં એકબીજાને મળ્યાં નહોતાં. પિટિશન તો અપ્રૂવ થઈ ગઈ પણ જ્યારે એ યુવક કે-૧ વિઝા મેળવવા મુંબઈ કૉન્સ્યુલેટમાં ગયો ત્યારે તેનું જૂઠાણું પકડાઈ ગયું. પછી તો છેતરપિંડીના આરોપસર તેની ઉપર અમેરિકામાં પ્રવેશવા માટે કાયમની પાબંદી 
લાગી ગઈ. 

તમે એલિઝાબેથ જોડે લગ્ન કરવા કે-૧ વિઝા મેળવવા આવું કંઈ પણ ખોટું કરતા નહીં. તમે બન્ને એકબીજાને વિશ્વમાં કશે પણ મળો અથવા એલિઝાબેથને કહો કે બેચાર દિવસની રજા લઈને ઇન્ડિયા આવે. તમે બન્ને અહીં લગ્ન કરો. પછી એ તમારા માટે ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરી શકશે અથવા તમે બી-૧/બી-૨ વિઝા પર અમેરિકા જાઓ અને ત્યાં એલિઝાબેથને પરણો. પછી એ તમારા લાભ માટે ગ્રીન કાર્ડની પિટિશન ઇમિજિએટ રિલેટિવ કૅટેગરી હેઠળ દાખલ કરી શકશે અને તમે અમેરિકા રહી શકશો. એ પિટિશન અપ્રૂવ થાય એટલે તમારું સ્ટેટસ ઍડ્જસ્ટ કરીને ગ્રીન કાર્ડ મેળવી શકશો.

જો એલિઝાબેથ લગ્ન બાદ તમારા લાભ માટે ગ્રીન કાર્ડની પિટિશન ઇમિજિએટ રિલેટિવ કૅટેગરી હેઠળ કરશે તો તમે તેની સાથે જ અમેરિકામાં પતિપત્ની તરીકે રહી શકશો. 
એ દરમિયાન કામ પણ કરી શકશો. પિટિશન અપ્રૂવ થાય એટલે સ્ટેટસ ઍડ્જસ્ટ કરીને ગ્રીન કાર્ડ પણ મેળવી શકશો. ત્યાર બાદ ત્રણ વર્ષ પછી અમેરિકન સિટિઝન પણ બની શકશો.

columnists life and style united states of america