હન્ડ્રેડ ડેઝ:કોવિડની નવી લહેરને પરિપક્વ થવામાં આટલા દિવસ લાગે, પણ આપણી સમજણને?

20 June, 2021 02:05 PM IST  |  Mumbai | Manoj Joshi

ત્રીજી લહેર ન આવે એવી આશા સાથે કહેવાનું તો એ જ કે એ આવી ગઈ તો એના દોષનું ઠીકરું આપણે બીજાના માથે ફોડી નથી શકવાના. 

મિડ-ડે લોગો

૧૦૦ દિવસમાં કોરોના નવી લહેરનો રંગ પકડે છે. પહેલી લહેર પૂરી થયા પછી બીજી લહેરને આવતાં આટલો સમય લાગ્યો હતો અને એ લહેરમાં વચ્ચે લોકો પકડાયા. ટ્રૅપ જેવું કરે છે આ કોરોના વાઇરસ. માણસ જેવો આશ્વત થયો હોય, જેવો નિશ્ફ‌િકર બનીને ફરતો થયો હોય ત્યાં એ આવીને તમને ઝપટમાં લઈ લે. બીજી લહેર ઑલમોસ્ટ પૂરી થવાની તૈયારીમાં છે. એ પૂરી થવાની સંભવિત તારીખ જો માંડીએ તો બની શકે કે એ જૂન-એન્ડમાં પૂરી થાય, પણ વાત અહીંથી જ શરૂ થાય છે. એ પૂરી થશે પછી ત્રીજી લહેરનો સમય આવશે અને ૧૦૦ દિવસના સમયગાળામાં એ પરિપક્વ થઈને ત્રાટકશે. મુદ્દો એ છે કે કોરોના પરિપક્વ થાય છે, પણ આપણે એ પરિપક્વતા હાંસલ કરવા રાજી નથી.
કોરોના પછીના આ અનલૉકમાં તમે જુઓ, કેવી રીતે માનવમહેરામણ ઊમટે છે બજારમાં. એ ચાહે મુંબઈનું બજાર હોય, દિલ્હીની માર્કેટ હોય, લખનઉની મંડી હોય કે પછી અમદાવાદની બજાર હોય. જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો. નિયમો બનાવવામાં આવ્યા છે, ગાઇડલાઇન આપવામાં આવી છે અને એ પછી પણ એનું પાલન થતું નથી. કોઈને એ દરકાર પણ નથી કે થોડા જ સમય પહેલાં કેવા ખરાબ દિવસ જોયા હતા. કોઈને એ બાબતની પણ ફિકર નથી કે વહાલસોયાના જીવ જોખમમાં મુકાઈ શકે છે અને કોઈને એ બાબતની પરવા નથી કે દર વખતે જીવનદાન નથી મળતું.
બહુ શૉર્ટ મેમરી હોય છે આપણી. આપણે ઇચ્છીએ છીએ કે બધું સારું ચાલે, પણ એ સારું ચાલતું રહે એને માટે આપણે ભૂલી જઈએ છીએ કે સુધારો આપણે પણ કરવાનો છે. ૧૦૦ દિવસનો સમયગાળો લઈને કોરોના પણ બદલાય છે, એ પણ પોતાનું રૂપ ચેન્જ કરે છે, પણ આપણે આપણા એક પણ રૂપમાં ફેરફાર લાવવા રાજી નથી. હતા એવા ને એવા જ, બેદરકાર અને બેજવાબદાર. 
જે પ્રકારે અત્યારે ભીડ દેખાય છે એ જોતાં ખરેખર એવું લાગે કે આપણી પ્રજાની આ જે બેદરકારી છે એને માટે સરકાર જવાબદાર કઈ રીતે હોઈ શકે? હોઈ જ ન શકે. સૉરી, પણ આ હકીકત છે. માસ્ક ફરીથી ગળામાં આવી ગયા છે. ફરીથી કપૂરની ગોટીઓ દૂર થઈ ગઈ છે. સૉલ્ટ શાવર ભૂતકાળ બની ગયો અને ઉકાળો હવે દૂર-દૂર સુધી યાદ નથી કરવાનો. કોવિડ ગયો જાણે કે દેશમાંથી. ખબર છે, જાણીએ છીએ કે કોવિડ હવે ક્યારેય જવાનો નથી ત્યારે પણ આ જ માનસિકતા મનમાં અકબંધ છે. મનમાં ઘર કરી ગયેલી આ માનસિકતાને લીધે જ મહામારી મોટી થતી હોય છે. અનિવાર્ય સંજોગોની સામે ટકવાની ક્ષમતા કેળવ્યા વ‌િના જ દોટ મૂકીએ છીએ જીવનની અને એ જીવનના દ્વારના છેડે યમરાજ બેઠો છે.
થોડા સમજદાર થઈએ હવે આપણે. થોડી જવાબદારી સાથે વર્તીએ. કોવિડની ત્રીજી લહેર માટે અત્યારથી જ સરકાર સજ્જ થવા માંડી છે, પણ ભૂલવાનું નથી કે પહેલી લહેર સમયે પણ સજ્જતા લાવવામાં આવી હતી, પણ એ સજ્જતા પણ સેકન્ડ લહેરમાં ટૂંકી પડી છે. ત્રીજી લહેર ન આવે એવી આશા સાથે કહેવાનું તો એ જ કે એ આવી ગઈ તો એના દોષનું ઠીકરું આપણે બીજાના માથે ફોડી નથી શકવાના. 

columnists manoj joshi