કૂતરો જ્યારે વાહનને પકડી લેશે ત્યારે એનું શું કરશે?

04 April, 2021 01:16 PM IST  |  Mumbai | Kana Bantwa

માણસનું મન વ્યર્થ બાબતો પાછળ વધુ સમય બગાડે છે અને પરાણે નિરર્થક કામો કરાવતું રહે છે, કારણ કે સાર્થક માટેની મહેનત એણે કરવી નથી

પ્રતીકાત્મક તસવીર

શહેરના મુખ્ય માર્ગ પર દુકાન ધરાવતા એક વેપારીએ એક કૂતરો પાળ્યો હતો. પાલતુ હોવા છતાં એને બાંધી રાખવો પડતો નહોતો, એ વેપારીને છોડીને ક્યાંય જતો નહીં. એ કૂતરાને એક વિચિત્ર ટેવ હતી. ઘણા કૂતરાઓને આવી ટેવ હોય છે. રસ્તા પર વાહન નીકળે એને પકડવા દોડે. વાહન જો બાઇક કે સ્કૂટર હોય તો ચાલક ગભરાઈને ઝડપથી દોડાવે, કાર કે મોટું વાહન હોય તો એ એની નિયત ગતિમાં આગળ વધી જાય. કૂતરો તમામ વાહનની પાછળ દોડે, દૂર સુધી જાય, વાહન ન પકડાય એટલે પાછો આવીને દુકાનની બહાર બેસી જાય. બીજું વાહન નીકળે એટલે ફરીથી દોટ મૂકે. ન પકડાય એટલે ફરીથી આવીને પોતાની જગ્યાએ બેસી જાય. એક દિવસ બાજુની દુકાનવાળા વેપારીએ પેલા વેપારીને પૂછ્યું કે હું રોજ આ કૂતરાને વાહન પકડવા માટે દોડતો જોઉં છું. રસ્તા પરથી નીકળતા દરેક વાહનની પાછળ એ દોડે છે. એને પકડવા મથે છે. આ કૂતરો વાહનને પકડવામાં સફળ થશે એવું તમને લાગે છે? પકડી શકશે એ કોઈ વાહનને? વેપારીએ જવાબ આપ્યો કે તમે તો વાહનને પકડવાની વાત કરો છો, હું રોજ વિચારું છું કે આ કૂતરો જો કોઈ વાહનને પકડી લેશે તો પણ એનું કરશે શું?

કૂતરાના મિથ્યા પ્રયાસ જેવા કેટલા પ્રયાસ માણસ કરતો રહે છે. વ્યર્થની પાછળ દોડતો રહે છે. વ્યર્થ મળી પણ જાય તો એને માટે એનો કોઈ ઉપયોગ નથી. નિરર્થક દોટમાં સાર્થક ચુકાઈ જાય છે. ક્યારેક જો કાગળ-પેન લઈને બેસીએ અથવા મોબાઇલમાં નોટ-પૅડ ખોલીને બેસીએ અને જો લિસ્ટ બનાવીએ તો એવી કેટલી બાબતો નીકળે જે નકામી છે છતાં આપણે એની પાછળ ભાગતા રહીએ છીએ. જે બાબત નકામી હોવા છતાં કામની લાગે એની પાછળ દોડવાનું તો જાણે સમજ્યા, પણ આપણે જાણતા હોઈએ છીએ કે આ નિરર્થક છે છતાં એને મેળવવા ઝાંવા નાખીએ એ વિટંબણા છે.

આળસુ મન

સર્વાન્ટિસની ઑલટાઇમ ગ્રેટ સેટાયર ડૉન કિહોટેમાં નાયક ડૉન કિહોટે પવનચક્કીને કોઈ રાક્ષસ માની બેસે છે અને પોતાની મરિયલ ઘોડી રોઝીનાન્ટ પર બેસીને, હાથમાં ભાલો લઈને પવનચક્કી સામે લડવા ધસી જાય છે. ચાકર સાન્કો પાન્જા તેમને સમજાવે છે કે નામદાર, આ કોઈ રાક્ષસ નથી, પવનચક્કી છે, પણ ડૉન કિહોટેના મગજમાં એ વાત ઊતરતી નથી અને પવનચક્કીના પાંખિયા સાથે અથડાઈને માર ખાય છે. દરેક માણસમાં આવો એક ડૉન કિહોટે પણ છુપાયેલો હોય છે, જે નિરર્થક વ્યાયામ કરતો રહે છે. કેમ આવું કરે છે માણસ? અથવા વધુ સાચી રીતે કહીએ તો કેમ આવું કરાવે છે માણસનું મન? એક માણસને ખબર છે કે તેનું ઉડાઉપણું નુકસાનકર્તા છે છતાં તે આ ટેવને છોડી શકતો નથી. તેને ખબર છે કે લાંબા ગાળાનું નાણાકીય આયોજન કરીને આવશ્યક ખર્ચ સિવાય પૈસા નહીં વાપરવાથી ભવિષ્યમાં સારી જિંદગી જીવી શકાશે, છતાં ઉડાઉપણા પર નિયંત્રણ શા માટે રાખી શકતો નથી? શા માટે આવું થાય છે? માણસનું મન આળસુ છે. એ મુશ્કેલ કામ હાથમાં લેવાનું પસંદ કરતું નથી. એટલે જ મન દરેક બાબતનું સરળીકરણ કરી નાખે છે અને મોટા ભાગના કાર્યને ટેવમાં બદલી નાખે છે.

જે કરો જાગૃતિ સાથે કરો

જે કામ તમે વારંવાર કરો છો એને મન ઑટોમૅટિક મોડમાં મૂકી દે છે, એ કામ તમે અજાગ્રત રહીને કરતા રહો છો. મન એ જ કામ કરવાનું પસંદ કરે છે જે એને આવડતું હોય, જેમાં શીખવાની જરૂર ન હોય. તમારા હાથમાં કટાર આપવામાં આવે તો તમે જે-તે વસ્તુ કાપ્યા કરશો, પછી એ કાપવા યોગ્ય હોય કે નહીં. તમારા હાથમાં પેન આવે એટલે તમે કંઈક લખશો, લીટોડા કરશો, ચિત્ર દોરશો. તમારા હાથમાં હથોડો આપવામાં આવે તો તમે બધે જ ફટકારતા રહેશો, ખીલી ન હોય એવી વસ્તુઓ પર પણ. મન નવું કરતાં અચકાય છે એવું કહીએ તો જરા ખચકાટ થાય માનવામાં, પણ એ હકીકત છે, ઝીણી નજરે જોઈએ તો સમજાય એવી. વાસ્તવમાં તો મન લગભગ બધું જ અભાનપણે કરાવે છે. ભગવાન બુદ્ધની એક સુંદર કથા છે. એક સાધુ બુદ્ધને મળવા આવ્યા. બન્ને ચાલતાં-ચાલતાં જ્ઞાનની વાતો કરી રહ્યા હતા. એક માખી આવીને બુદ્ધના માથા પર બેઠી. કોઈ પણ માણસના માથા પર માખી બેસે તો એ જે રીતે હાથ વીંઝીને માખીને ઉડાડી દે એ રીતે બુદ્ધે માથા પરથી માખી ઉડાડી દીધી. પછીની જ ક્ષણે બુદ્ધે ફરી વખત માથા પર હાથ વીંઝ્‍યો, જાણે માખી ઉડાડતા હોય એ જ રીતે. મળવા આવનાર સાધુએ પૂછ્યું કે ભગવાન માથા પર માખી તો હતી નહીં, તમે શા માટે બીજી વખત હાથ વીંઝીને માખી ઉડાડતા હો એવી ચેષ્ટા કરી? બુદ્ધે જવાબ આપ્યો, ‘પ્રથમ વખત જ્યારે મેં માખી ઉડાડી ત્યારે અભાનપણે જ, અજાગ્રત અવસ્થામાં જ મેં હાથ વીંઝીને એને ઉડાડી મૂકી હતી, પણ કોઈ પણ પરિસ્થિતિમાં અજાગ્રતપણે કોઈ જ કામ થવું જોઈએ નહીં એવું હું માનું છું એટલે એ જ કામ મેં જાગ્રત બનીને કર્યું.’     

સામાન્ય માણસ મોટા ભાગનાં કામ સચેત અવસ્થામાં કરતા જ નથી. માણસનું મન શૉર્ટ-કટ શોધવામાં અને શૉર્ટ ટર્મ ગેઇન મેળવવામાં માહેર હોય છે. લાંબા ગાળાના આયોજનમાં તેણે મહેનત કરવી પડે એ કરવા એ તૈયાર હોતું નથી. ઉડાઉપણું અટકાવીને લાંબા ગાળાનું આયોજન કરવું એ બુદ્ધિપૂર્વકનું વ્યૂહાત્મક કામ છે. મન એ નહીં કરે. એની સામે ટૂંકા ગાળાના આયોજનના ફાયદા સામે જ દેખાય છે.

લાંબા ગાળાની પસંદગી

માણસનું મન વ્યર્થ બાબતો પાછળ વધુ સમય બગાડે છે અને પરાણે આ નિરર્થક કામો કરાવતું રહે છે, કારણ કે સાર્થક માટેની મહેનત તેણે કરવી નથી. સાર્થક હંમેશાં મહેનત માગી લે છે, પરેશાન કરે છે, પરસેવો પડાવે છે અને તાત્કાલિક ફાયદો કરાવતું નથી. લાંબા ગાળે ફાયદો કરાવે છે ખરું, પણ એની એ ખાતરી તો નહીં જને? અત્યારે સામે ડિશમાં પડેલા ગરમાગરમ ગાંઠિયા ખાવા કે ભવિષ્યમાં હાર્ટ-અટૅક ન આવે એ માટે ગાંઠિયા જતા કરવા? મન કહેશે કે ખાઈ લે, હાર્ટ-અટૅક આવવાની ખાતરીબંધ સંભાવના તો છે નહીં અને આવશે તો જોઈ લેવાશે. આવું માત્ર ખાવાની બાબતમાં જ થાય છે એવું નથી, આપણા દરેક નિર્ણયમાં થાય છે, જેને આપણે જોઈ શકતા નથી. આપણું મન લાંબા ગાળાનું આયોજન કરતાં અચકાય છે. જેની અસર આપણી કારકિર્દી પર પડે છે. તમે માર્ક કર્યું હશે કે સફળ માણસો પાસે નકામી બાબતો માટે સમય હોતો નથી. એવું નથી કે તેઓ સફળ છે એટલે નિરર્થક બાબતમાં સમય બગાડતા નથી. હકીકત સાવ ઊલટી છે. તેઓ વ્યર્થ બાબતમાં અટવાયેલા નથી રહેતા એટલે સફળ થયા હોય છે.

જેકંઈ કરીએ છીએ એ બે ભાગમાં વહેંચી નાખવું - પ્રથમ, તમારા પોતાના મનોરંજન માટે, પોતાની ખુશી માટે, પોતાની સંતુષ્ટિ માટે કરીએ છીએ એ બધું અને બીજું કરીઅર માટે, વ્યવસાય માટે, સફળતા માટે કરીએ છીએ એ બધું. આ સિવાયનું તમામ નિરર્થક છે. આ જગતમાં શાંતિથી, સંતૃપ્તિથી રહેવું હશે તો કમાવું પડશે, સફળ થવું પડશે, પ્રતિષ્ઠા મેળવવી પડશે અને સાથે જ લાલચથી બચવું પણ પડશે. કમાવું અનિવાર્ય છે, જરૂરી છે, પણ પોતાની અને પરિવારની શાંતિના ભોગે નહીં જ. શાંતિ માટે પૈસા પણ જરૂરી છે અને સાર્થક ચીજો કરતા રહેવું પણ જરૂરી છે. એવું કેટલુંયે હશે જેને મેળવવા આપણે પેલા વેપારીના કૂતરાની જેમ દોડતા રહીશું, પણ જો ખરેખર એ મળી જાય તો એનું શું કરીશું એ જાણતા નથી અથવા મળી જાય એ આપણા માટે કોઈ ઉપયોગનું ન હોય. વેપારીનો કૂતરો કોઈ વાહનને જે દિવસે પકડી લેશે એ દિવસે એ વાહનનું એ કરશે શું?

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists kana bantwa