શોક પાળવો, શોક ઉતારવો

06 November, 2022 12:19 PM IST  |  Mumbai | Kana Bantwa

માણસનું મન દુર્ઘટનાઓ, આઘાતો વગેરેને ભૂલીને, એનાથી પર થઈને આગળ વધી જવા માટે ઘડાઈ ગયું છે. મન પીડાદાયક યાદો છોડીને આગળ નીકળી જઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

ફ્રૉઇડ અને તેમના પછીના માનસશાસ્ત્રીઓએ દુર્ઘટનાઓ, દુર્વ્યવહારો, આઘાતો વગેરેની મન પરની, અર્ધચેતન મન પરની, અચેતન મન પરની અસરો બાબતે એટલું બધું કહ્યું છે કે એનાથી ઊલટું વિચારીને નાતબહાર મુકાવાનું જોખમ બહુ જ ઓછા લોકો લે. 

સ્મશાન-વૈરાગ્ય.

દિલોદિમાગને હચમચાવી નાખનાર કોઈ ઘટના સમયે શોકના મહાસાગરમાં ડૂબકાં ખાનાર માણસ થોડા સમય પછી સ્વસ્થ થઈને ફરીથી જગતની રંગત અને રમતમાં રંગરેલિયાં મનાવવા માંડે એવું સંભવ કઈ રીતે બને છે? મન એવું તે શું કરે છે કે એ સમયે ઊપજેલો શોક, ક્લેશ, સંતાપ, ખિન્નતા, ખેદ, પીડા, નિરાશા, આઘાત વિસરાઈ જાય છે અને માણસ ફરીથી પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે? સ્મશાન-વૈરાગ્ય કેમ તરત જ વરાળ થઈને ઊડી જાય છે? ગયા રવિવારે જ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ભયાનક ઘટના ઘટી. વિશ્વભરના ગુજરાતીઓ દ્રવી ઊઠ્યા, શોકમાં ડૂબી ગયા. જોકે ઘટનાના ત્રણ દિવસ પછી સત્તાવાર રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો ત્યારે શોક જેવું કશું દેખાયું નહીં. સિવાય કે અડધી કાઠીએ ફરકતા રાષ્ટ્રધ્વજ અને સંસ્થાઓ દ્વારા યોજાયેલી શ્રદ્ધાંજલિ સભાઓ – જેમાં સામાન્ય નાગરિકો શોધ્યા જડે એમ નહોતા. પ્રશ્ન મોરબીની ઘટનાનો નથી. આપણે ચર્ચા કરવી છે માનવમનની, જે અદભુત સિસ્ટમ પોતાની અંદર છુપાવીને બેઠું છે. એ માણસને ગમે એવા શોક કે ધક્કા કે આઘાતમાંથી બહાર પણ કાઢી લે છે અને એ જ દુર્ઘટનાની અસર તે માણસના વ્યવહારમાં અને વર્તનમાં દાયકાઓ પછી રિફ્લેક્ટ પણ કરે છે.

માણસનું મન દુર્ઘટનાઓ અને આઘાતો વગેરેને ભૂલીને, એનાથી પર થઈને આગળ વધી જવા માટે ઘડાઈ ગયું છે. મન પીડાદાયક યાદો છોડીને આગળ નીકળી જઈ શકે છે. એટલે માણસ આટલો વિકસી શક્યો છે. દરેક વ્યક્તિ બાળપણથી જ ન ગમતી ઘટનાઓ, અણગમતા પ્રસંગો વગેરેમાંથી પસાર થતી જ હોય છે. એ તમામ ઘટનાઓ તેના મનમાં ધરબાયેલી રહે, તાજી જ રહે તો તેનો માનસિક વિકાસ સંભવ નથી. આવી ઘટનાઓની વિસ્મૃતિ નથી થતી, પણ મન એને બાજુએ મૂકી દે છે. ઉદાહરણ તરીકે કોઈનું સ્વજન મૃત્યુ પામે એ બાબત જિંદગીભર યાદ તો રહે જ છે, એની વિસ્મૃતિ થતી નથી; પણ સમય જતાં તે વ્યક્તિનું મન સ્વસ્થ થવા માંડે છે, અન્યત્ર પરોવાવા માંડે છે, તેને ફરીથી દુનિયાની બાબતોમાં રુચિ પડવા માંડે છે, તે ફરીથી આનંદમય પ્રવૃત્તિઓમાં સામેલ થવા માંડે છે. 

આપણે ત્યાં શોક પાળવો અને શોક ઉતારવો એવી બે વિધિ છે. કોઈ સ્ત્રીનો પુત્ર કે પતિ કે ખૂબ નજીકનું સ્વજન મૃત્યુ પામે તો તે સ્ત્રી રંગીન કપડાં નથી પહેરતી. અગાઉના જમાનામાં તો આજીવન રંગીન કપડાં નહોતાં પહેરી શકાતાં. હવે થોડા સમય પછી પહેરી શકાય છે. કોઈ પુરુષે સ્વજન ગુમાવ્યું હોય તો પણ થોડા સમય માટે રંગીન કપડાં નથી પહેરતો. માત્ર કપડાં જ નહીં, સ્વજન ગુમાવનાર મીઠાઈ ખાતા નથી કે મનોરંજન માટે નાટક કે ફિલ્મ કે એવું કશું જોતા નથી. તેમના ઘરમાં આનંદદાયક કોઈ પ્રસંગો યોજાતા નથી. આને શોક પાળ્યો કહેવાય છે. અગાઉના જમાના જ્યારે રેડિયો જ એકમાત્ર મનોરંજનનું સાધન હતું ત્યારે શોક્ગ્રસ્ત પરિવારોમાં રેડિયો પણ વગાડવામાં આવતો નહોતો. તકલીફ તો ત્યારે થતી જ્યારે કોઈ નેતા મૃત્યુ પામે ત્યારે રાષ્ટ્રીય શોક પાળવામાં આવતો અને શોકના એ દિવસો દરમિયાન રેડિયો પરથી મનોરંજનના તમામ કાર્યક્રમો દૂર કરી નાખવામાં આવતા અને કરુણ રાગ જ વગાડવામાં આવતા. માણસો રેડિયો ઑન કરતાં ડરે એવા એ રાગ વાગતા રહેતા.

 કોઈ વ્યક્તિ શોકસંતપ્ત રહે, શોકમાં રહે એ યોગ્ય ન કહેવાય. તે ફરીથી આનંદમાં રહેતી, જીવનના રસને માણનાર થઈ જવી જોઈએ એટલે તેનો શોક ઉતારવાની વિધિ હતી. ઘટનાના અમુક સમય પછી શોક ઉતારવા માટે રંગીન કપડાં પહેરાવાતાં, મીઠાઈ ખવડાવવામાં આવતી, બધું પૂર્વવત્ થઈ ગયું છે એ દર્શાવવામાં આવતું. શોક ઉતાર્યા પછી ઘરમાં સારા પ્રસંગો યોજી શકાય - જેમાં શોક પાળવો પડે એવી ઘટના આકસ્મિક બને છે, પણ શોક ઉતારવાની ઘટના આયોજિત હોય છે. વ્યક્તિ એ દુખદ બનાવને ભૂલીને આગળ વધી જાય, તે ભવિષ્યનું જીવન દુઃખમાં પસાર ન કરે, આનંદને પણ તેના જીવનમાં સ્થાન મળે એ માટે આ જરૂરી હતું. મોટા ભાગે તો માણસ શોકની સ્થિતિમાંથી પોતાની મેળે જ બહાર નીકળી જાય એવી વ્યવસ્થા મનમાં બનેલી હોય જ છે. મન જ માણસને શોકમાંથી કાઢીને પૂર્વવત્ કરી દે છે. અમુક એવા હોય જેમને લાગેલો આઘાત વધુ પડતો મોટો હોય અથવા તેમનું મન એટલું સજ્જ ન હોય તેમને એ આઘાતમાંથી, શોકમાંથી બહાર કાઢવા બાહ્ય ઉપાયની જરૂર પડે અને એ માટે શોક ઉતારવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ ઉપરાંત સામાજિક કારણોસર પણ આ વ્યવસ્થા જરૂરી હતી. વ્યક્તિ શોકમાંથી બહાર નીકળી ગઈ હોય, પણ સમાજની સામે તેણે શોક્યુક્ત રહેવું પડતું હોય. આથી આવી સ્થિતિમાં તેને સતાવાર રીતે, સામાજિક રીતે શોકમુક્ત કરવા આ વિધિ જરૂરી હતી.  મૉડર્ન સાઇકૉલૉજી સિગ્મન્ડ ફ્રૉઇડથી એટલી બધી પ્રભાવિત છે કે તેમણે આપેલા નિયમોથી અલગ વિચારવાની હિંમત બહુ ઓછા કરે છે. ફ્રૉઇડ અને તેમના પછીના માનસશાસ્ત્રીઓએ દુર્ઘટનાઓ, દુર્વ્યવહારો, આઘાતો વગેરેની મન પરની, અર્ધચેતન મન પરની, અચેતન મન પરની અસરો બાબતે એટલું બધું કહ્યું છે કે એનાથી ઊલટું હોય એવું વિચારીને નાતબહાર મુકાવાનું જોખમ બહુ જ ઓછા લોકો લે. હમણાં અમેરિકાની નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના માનસશાસ્ત્રીઓએ એવું સંશોધન કર્યું કે માણસનું મન અણગમતી, અપ્રિય ઘટનાઓ અને દુર્ઘટનાઓ ભૂલી જવાની વ્યવસ્થા ધરાવતું હોય છે. સ્ટેટ ડિપેન્ડન્ટ લર્નિંગ નામે ઓળખાતી આ પ્રક્રિયાના ભાગરૂપે મન અમુક ઘટનાઓને દબાવી દે છે. એની સ્મૃતિ જ્યારે મન ઘટના સમયની સ્થિતિ કરતાં અલગ સ્થિતિમાં હોય ત્યારે ખાસ રહેતી નથી. જો મન જે-તે ઘટના જેવી સ્થિતિ આવે તો એ સ્મૃતિ ફરીથી જાગૃત થાય છે. અર્થાત્ પીડાની સ્થિતિની યાદો આનંદની સ્થિતિમાં દૂર રહે છે, આનંદની સ્થિતિની યાદો પીડાની સ્થિતિમાં યાદ આવતી નથી. તેમનું કહેવું એવું છે કે મન જે સ્થિતિમાં હોય એવી સ્મૃતિઓને મહત્ત્વ આપે છે. એનાથી વિપરીત સ્થિતિની યાદોને એ દબાવી રાખે છે. લાગણીઓને નિયંત્રિત કરવાનું કામ મગજમાંનાં કેમિકલ રિસેપ્ટર્સ કરે છે. રિસેપ્ટર્સની કામ કરવા માટેની એક સિસ્ટમ છે જે સામાન્ય રીતે બૅલૅન્સ રહે છે. એનું સંતુલન ખોરવાતું નથી. જોકે અમુક રિસેપ્ટર્સ એવાં હોય છે જે આ સિસ્ટમની બહાર રહે છે, પોતાની મેળે કામ કરે છે. આ રિસેપ્ટર્સ મનને યોગ્ય સ્થિતિમાં લાવવા માટે કામ કરે છે. માણસ વધુ પડતો આનંદમાં કે પીડામાં હોય તો તેને સામાન્ય સ્થિતિ સુધી લાવવાનું કામ આ છૂટક રિસેપ્ટર્સ કરે છે. આ રિસેપ્ટર્સ દુર્ઘટના કે અણગમતી યાદોને દબાવી દેવા માટે જવાબદાર છે. મગજમાં થતી આ પ્રક્રિયા મનને એ યાદોથી દૂર રાખે છે.

ટૂંકમાં, માણસનું મન માનસશાસ્ત્રીઓ જાણે છે એના કરતાં વધુ ગહન, વધુ જટિલ અને વધુ શક્તિશાળી છે. એ પોતાનું રિપેરિંગ કરવા સક્ષમ છે, જો મજબૂત હોય તો. સમસ્યા અત્યારે એ છે કે માનવીનું મન સાબૂત નથી રહી શકતું. એને નબળું પાડવા માટે એટલાં બધાં પરિબળો વધી ગયાં છે કે લડી-લડીને એ થાકી જતું હોય એવું લાગે છે. વાસ્તવમાં મન લડીને થાકતું નથી, તે લડતાં-લડતાં સમસ્યાને અનુકૂળ થઈ જાય છે. મનનો સ્વભાવ અનુકૂલન સાધી લેવાનો, શીખી લેવાનો અને પરિસ્થિતિ મુજબ ઢળી જવાનો છે. મન પર પ્રભાવ પાડનારાં પરિબળો અત્યારે એટલાં બધાં છે જેટલાં ક્યારેય નહોતાં અને આ પરિબળોની સંખ્યા વધતી જ જવાની છે. આપણે મન મજબૂત રાખવું.

columnists kana bantwa