આજે જેનો જન્મદિવસ છે તે વીર કવિ નર્મદને જણ્યો સુરતે, પણ જાણ્યો મુંબઈએ

24 August, 2024 11:41 AM IST  |  Mumbai | Deepak Mehta

નર્મદનું છેલ્લું પુસ્તક ‘ધર્મવિચાર’ ૧૮૬૬માં મુંબઈથી પ્રગટ થયું.

કવિ નર્મદ – ૧૮૬૦માં પોતાના કાવ્યસંગ્રહમાં છાપવા માટે ફોટો પરથી તૈયાર કરાવેલું એન્ગ્રેવિંગ, નર્મદનું સાપ્તાહિક ‘ડાંડિયો’નો પહેલો અંક, પહેલું પાનું ૧ સપ્ટેમ્બર, ૧૮૬૪ અને નર્મદે જ્યાં અભ્યાસ કરેલો એ એલ્ફિન્સ્ટન કૉલેજના પહેલા પ્રિન્સિપાલ હાર્કનેસ

ખેતર, મેદાનો, ને બાગ, શોભે છે ત્યાં જાગોજાગ,

અનેક ઝાડો, પંખી ઘણાં, રચનામાં હોયે શી મણા?

શ્રીમંતોની વાડી બહુ, ખુલ્લામાં ખૂલે તે સહુ,

ઝાડ-પાન, ફુવારા, હોજ, વળી બંગલા કેરી મોજ!

તળાવ મોટું, સુંદર, બહાર, ચાંદનીમાં શોભે સુખકાર

પવન લ્હેરથી પાણીમાંહ્ય, લ્હેર મનોહર રમતી થાય

માનશો? આ વર્ણન કોઈ ગામડાનું નહીં, આપણા મુંબઈ શહેરનું છે! લખાયું હતું ૧૮૬૩ના જૂન મહિનાની ૧૬ તારીખે. પરળ (પરેલ)ની એક ટેકરી પર ફરવા ગયેલા કવિએ લખ્યું હતું આ વર્ણન. એ કવિ તે નર્મદાશંકર લાલશંકર દવે. ન ઓળખ્યા? ઉર્ફે વીર કવિ, વીર સમાજસુધારક, વીર પત્રકાર અને બીજું ઘણુંબધું એવા વીર નર્મદ. કોણ જાણે કેમ, પણ તેને વિશે લખતાં-બોલતાં ‘તુંકારો’ જ વાપરવાનો આપણે ત્યાં ચાલ છે. એટલે અહીં પણ એમ જ. ૧૮૩૩ના ઑગસ્ટની ૨૪ તારીખે સુરતમાં જન્મ. આજે તેના જન્મને ૧૯૧ વરસ થયાં.

નર્મદ ભલે જન્મ્યો સુરતમાં; પણ તેને બોલાવ્યો, માપ્યો, જાણ્યો, નાણ્યો, પોષ્યો અને પ્રમાણ્યો એ તો મુંબઈએ. તેને જન્મભૂમિ સુરત માટે અપાર પ્રેમ. પણ કદાચ વધુ ગોઠે મુંબઈમાં. તેની કવિતામાં અને ગદ્ય લખાણોમાં એક નગરવાસીનું ‘સૉફિસ્ટિકેશન’ છે એ મુંબઈને પ્રતાપે.

૧૮૬૬માં પ્રગટ થયેલી આત્મકથા ‘મારી હકીકત’માં નર્મદ કહે છે કે જન્મ પછી દસેક મહિને, મા નવદુર્ગા અને માના કાકા દુર્લભરામ સાથે પોતે પહેલી વાર મુંબઈ આવ્યો. એ વખતે પિતા લાલશંકર કાલબાદેવીના ભગવાન કલાના માળામાં (ચાલમાં) રહેતા હતા. નર્મદ પાંચ વરસનો થયો ત્યારે ભુલેશ્વરની નાના મહેતાની નિશાળે બેસાડ્યો. પછી પાયધુની પરની બાળગોવિંદ મહેતાજીની નિશાળે ગયો. એ વિશે નર્મદ લખે છે : ‘મને ગુજરાતી અભ્યાસ કરાવ્યાનું માન બાળગોવિંદ મહેતાજીને જ છે. એને જ ત્યાંથી હું એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ જૉન હાર્કનેસની પાસે ગુજરાતીની પરીક્ષા આપવા ગયો હતો.’

એક જમાનામાં નેપિયન સી રોડથી રિજ રોડ સુધીના રસ્તા સાથે આ હાર્કનેસનું નામ જોડાયેલું હતું, કારણ કે તેમનો બંગલો એ રસ્તા પર આવેલો હતો. ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કૉલેજ શરૂ થઈ ત્યારે એના પહેલવહેલા પ્રિન્સિપાલ હતા આ હાર્કનેસ સાહેબ. વેઇટ અ મિનિટ. તો પછી નર્મદ તેમને એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે કેમ ઓળખાવે છે? કારણ જરા અટપટું છે. મૂળ સંસ્થા બૉમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી. એ સંસ્થા ‘અંગ્રેજી હાઈ સ્કૂલ’ ચલાવતી. ૧૮૩૫માં આ સોસાયટીના નેજા નીચે એલ્ફિન્સ્ટન કૉલેજની સ્થાપના થઈ ત્યારે એ પેલી સ્કૂલથી અલગ અને સ્વતંત્ર હતી. પણ પછી કોઈક કારણસર સ્કૂલ અને કૉલેજના શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચે ખટરાગ થયો. એટલે ૧૮૪૦માં કૉલેજને સ્કૂલ સાથે ભેળવી દીધી અને હાર્કનેસ બન્યા બન્નેના પ્રિન્સિપાલ. ૧૮૪૫માં નામ બદલાયું અને એ સંસ્થા બની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશન. પણ પછી ૧૮૫૬ના એપ્રિલની પહેલીથી સ્કૂલ અને કૉલેજ છૂટાં પડ્યાં અને અસ્તિત્વમાં આવી સ્વતંત્ર એલ્ફિન્સ્ટન કૉલેજ. એટલે ૧૮૪૫ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે નર્મદ દાખલ થયો ત્યારે એ સંસ્થાનું નામ હતું એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશન. અને ૧૮૫૦ના જૂનમાં દાખલ થયો તે એ જ સંસ્થાના કૉલેજના વર્ગમાં.

જોકે કેટલાંક કૌટુંબિક કારણોને લીધે નર્મદ ઝાઝો વખત કૉલેજમાં ભણી ન શક્યો. ૧૮૫૧ના ફેબ્રુઆરીમાં તેણે કૉલેજ છોડી. એ પહેલાં તેણે ‘જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ નામની સંસ્થા કેટલાક મિત્રો સાથે મળીને શરૂ કરી હતી. એમાં તેણે ‘મંડળી મળવાથી થતા લાભ’ એ વિષય પર ‘મોઢેથી બોલીને’ (એટલે કે લખેલું ભાષણ વાંચીને નહીં) ભાષણ કર્યું. આ તેનું પહેલું જાહેર વ્યાખ્યાન. એવી જ રીતે નર્મદનું પહેલું પુસ્તક પણ મુંબઈથી ૧૮૫૭ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયું હતું : ‘પિંગળ પ્રવેશ.’ નર્મદના પિતા લાલશંકર સરકારી શિક્ષણ ખાતામાં લહિયા તરીકે કામ કરતા હતા. તેમણે પોતાના અક્ષરમાં આખું પુસ્તક લખી આપ્યું હતું અને નર્મદે શિલા છાપ પદ્ધતિથી એની ૫૦૦ નકલ છપાવી હતી.

નર્મદનું છેલ્લું પુસ્તક ‘ધર્મવિચાર’ ૧૮૬૬માં મુંબઈથી પ્રગટ થયું. એ જ વરસે નર્મદનું અવસાન થયું. તેનાં પુસ્તકોની કુલ સંખ્યા એકસોને આંબવા જાય. એમાંનાં મોટા ભાગનાં મુંબઈમાં છપાયાં અને પ્રગટ થયાં હતાં.

નર્મદે મુંબઈમાં પહેલી નોકરી કરી એ ગોકુળદાસ તેજપાલ વિદ્યાલયમાં. પગાર મહિને ૨૮ રૂપિયા. ૧૮૫૭ના ફેબ્રુઆરીમાં એ નોકરી શરૂ કરી, પણ એ થોડા વખત માટે જ. એ નોકરી છોડીને ૮ ફેબ્રુઆરીએ નર્મદ સરકારી સેન્ટ્રલ સ્કૂલમાં અસિસ્ટન્ટ માસ્તર થયો. પગાર રૂપિયા ૪૦. પણ એ નોકરીમાંય તે ઝાઝું ટક્યો નહીં. કારણ? નર્મદ લખે છે : ‘મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. સાડાદસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય. નિશાળના કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વનાં જ નવેમ્બરની ૨૩મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.’ એ પછીની તેની વાત તો અત્યંત હૃદયસ્પર્શી છે એટલું જ નહીં, ખૂબ જાણીતી પણ છે. ‘મેં ઘેર આવી, કલમના સામું જોઈ, આંખમાં તેને ઝળઝળિયાં સાથે અરજ કરી કે ‘હવે હું તારે ખોળે છઉં.’ એટલે કે આજીવિકા માટે બધો આધાર લેખન પર રાખવાની પ્રતિજ્ઞા નર્મદે લીધી એ પણ મુંબઈમાં.

નર્મદે શરૂ કરેલા સાપ્તાહિક ‘ડાંડિયો’નું આયુષ્ય બહુ લાંબું નહીં પણ એ વખતના મુંબઈ અને ગુજરાતના જાહેર જીવનમાં એનો દબદબો અને દાબ ઘણો. એ શરૂ કર્યું મુંબઈથી, ૧૮૬૪ના સપ્ટેમ્બરમાં. કમનસીબે એના બધા અંકો ક્યાંય સચવાયા નથી. પણ જેટલા બચ્યા છે એમાંથી નર્મદની એક નીડર પત્રકારની છબી ઊપસે છે. ‘ડાંડિયો’ નામ પાડેલું નર્મદના મિત્ર અને ‘ગુલાબ’ નાટકના લેખક નગીનદાસ મારફતિયાએ અને ઘણો વખત એ છપાતું નર્મદના મિત્ર અને જાહેર જીવનના અગ્રણી નાનાભાઈ રુસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં. ૧૮૫૭માં શરૂ થયેલું આ પ્રેસ હજી આજે પણ ચાલુ છે.

નોકરી ન કરવાની ટેક નર્મદે મુંબઈમાં લીધેલી તો એ જ ટેક કમને પણ આર્થિક જરૂરિયાતને કારણે તોડીને નોકરી કરવી પડી એ પણ મુંબઈમાં. ૧૮૮૨માં ગોકુળદાસ તેજપાલ ધર્મ ખાતાના સેક્રેટરી બન્યા. ૧૮૮૫માં એ નોકરી છોડી અને ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે દેહ છોડ્યો એ પણ મુંબઈમાં. નર્મદ જન્મ્યો તાપી નદીને કિનારે આવેલા સુરતમાં. જન્મભૂમિ માટે છેવટ સુધી અપાર પ્રેમ, પણ તેના જીવન અને વ્યક્તિત્વનું ઘડતર અને ચણતર થયું એ તો મુંબઈમાં. અરબી સમુદ્રના કિનારા નજીક આવેલા સોનાપુરની સ્મશાનભૂમિમાં તેનો ક્ષર દેહ વિલીન થઈ ગયો ત્યારે હવામાં તેના શબ્દો ગુંજતા હશે :

‘હા ભૈયા, હું તો ચાલ્યો, શંખનાદ હજુ થાયે હો.’

નર્મદ એટલે ૧૯મી સદીના સાહિત્યનો, સમાજસુધારાની પ્રવૃત્તિનો, પત્રકારત્વનો, જાહેર જીવનનો વિજયી શંખનાદ. એ શંખનાદ ઉદ્ભવ્યો અને શમ્યો તે મુંબઈમાં.

columnists deepak mehta mumbai surat gujaratis of mumbai