મહામૂલી સાડીનું જતન સાવ સહેલું

03 January, 2019 10:05 AM IST  |  | વર્ષા ચિતલિયા

મહામૂલી સાડીનું જતન સાવ સહેલું

કેવી રીતે જાળવશો સાડી?

લેડીઝ સ્પેશ્યલ  

સાડી ભારતીય સ્ત્રીઓની ઓળખ છે. આજના મૉડર્ન કલ્ચરમાં પણ સાડીએ પોતાનું સ્થાન ગૌરવભેર જાળવી રાખ્યું છે. શુભ પ્રસંગો અને તહેવારોમાં તો સાડી જ શોભે એવું તેમનું માનવું છે. સાડીમાં દરેક સ્ત્રી આકર્ષક અને સુંદર જ લાગે છે તેથી એની ફૅશન ક્યારેય આઉટડેટેડ થવાની નથી. સિલ્કની સાદી સાડીથી લઈને ડિઝાઇનર સાડીઓ તેમની નબળાઈ છે. આપણે મોંઘી સાડી ખરીદી લઈએ છીએ, પણ એને સાચવી શકતાં નથી. એકાદ પ્રસંગમાં પર્હેયા બાદ આપણે એને કબાટમાં મૂકી દઈએ છીએ. છ-બાર મહિના પછી ફરીથી પહેરવા કાઢીએ ત્યારે એની ચમક ઓછી થઈ ગઈ હોય છે. એવા ટાણે જીવ બળે કે હજી તો બે-ચાર વાર જ પહેરી છે અને પૈસા પણ વસૂલ થયા નથી. આવો અનુભવ આપણે બધાંએ કર્યો જ હશે. આજે આપણે એક્સપર્ટ પાસેથી મહામૂલી સાડીઓ અને ડિઝાઇનર વસ્ત્રોની સંભાળ રાખવાની સરળ રીત વિશે જાણીશું.

ભારે વસ્ત્રોના મટીરિયલ અને વર્કને નજરમાં રાખી એની કાળજી રાખવામાં આવે તો વર્ષોવર્ષ ખરાબ થતી નથી એમ જણાવતાં ગ્રાન્ટ રોડનાં ક્રીએટિવ આર્ટિસ્ટ સ્વાતિ મહેતા કહે છે, ‘સામાન્ય રીતે આપણે સાડી પહેરી લઈએ પછી એને વૉર્ડરોબના ખાનામાં એકની ઉપર એક ગોઠવી દઈએ છીએ. આ રીત સાવ જ ખોટી છે. ભારે વસ્ત્રો ખરાબ થવાનું મુખ્ય કારણ વજન છે. સિલ્કની હળવી સાડીની ઉપર ઑર્ગેન્ઝા અને કોરા મટીરિયલ સાડી મૂકવાથી વજનના કારણે નીચેની સાડી ડૅમેજ થઈ જાય છે. મોટા ભાગની બહેનો આ જ ભૂલ કરે છે, જેના કારણે સાડી ગડીમાંથી ઝરી જાય છે. સૌપ્રથમ તમારા કલેક્શનને ડિવાઇડ કરો. અમુક સાડીને હૅન્ગરમાં જ રખાય તો કેટલીક સાડીઓને પાથરીને રાખવી પડે. વર્કવાળી સાડીને તમે હૅન્ગરમાં રાખો તો વજનના કારણે લસર્યા કરે ને લબડી જાય. એને ડ્રૉઅરમાં પાથરીને કે રોલ કરીને રાખવી પડે. સાડી સાચવવાની આ સિમ્પલ ટ્રિક છે. આ ઉપરાંત સાડીની ગડીને પણ સમયાંતરે બદલતા રહો. હકીકતમાં પહેલાંના જમાનામાં સાડીને મલમલના વjામાં વીંટીને રાખવામાં આવતી હતી એ રીત જ સાચી છે. હવે આપણે મૉડર્ન થઈ ગયાં છીએ અને પ્લાસ્ટિકનાં કવર વાપરવા લાગ્યાં છીએ એ પણ ડૅમેજનું બીજું કારણ છે.’

 ભારે વસ્ત્રો ડ્રાયક્લીનિંગમાં આપવાથી એની આવરદા ઓછી થઈ જાય છે એવો મત વ્યક્ત કરતાં સ્વાતિબહેન કહે છે, ‘આપણે જ્યારે ભારે વસ્ત્રોનું શૉપિંગ કરીએ છીએ ત્યારે આપણા મનમાં એમ જ હોય છે કે આને ડ્રાયક્લીનિંગ માટે જ અપાય. વાસ્તવમાં એને ધોવાની જરૂર જ નથી હોતી. કેમિકલ પ્રોસેસના કારણે વસ્ત્રો ઝાંખાં પડી જાય છે. કોઈ પ્રસંગમાં ગયાં હોઈએ અને કદાચ ડાઘ પડે તો જે જગ્યાએ ડાઘ લાગ્યો હોય એની નીચે પેપર મૂકી ઍરોપ્લેનમાં વાપરવામાં આવે છે એ વાઇટ પેટ્રોલ વડે લૂછી લો. જરા અમથા ડાઘને કાઢવા આખી સાડીને ડ્રાયક્લીનિંગમાં આપવી એ મૂર્ખામી છે. મારાં લગ્નને ૨૩ વર્ષ થઈ ગયાં તો પણ એ વખતે સીવડાવેલાં ચણિયા-ચોળી અને સાડીઓ હજી નવાં જેવાં જ છે. મેં આજ સુધી એને ડ્રાયક્લીનિંગમાં આપ્યાં જ નથી. ભારે વસ્ત્રોનું ખરેખર જતન કરવું હોય તો મારી સલાહ છે કે એને ઇસ્ત્રી માટે પણ બહાર ન આપો.’ 

ભારે વસ્ત્રોને હંમેશા સુવડાવીને રાખવા જોઈએ એવી ભલામણ કરતાં વિલે પાર્લેના ડ્રેસ ડિઝાઇનર નીતા મહેતા કહે છે, ‘જો તમને ડિઝાઇનર અને મોંઘાં વસ્ત્રો વસાવવાનો શોખ હોય તો એની જાળવણી માટે થોડી મહેનત કરવી પડે. આપણે દુકાનમાંથી વસ્ત્રો ખરીદીએ છીએ ત્યારે બૉક્સમાં આપવામાં આવે છે. સૌથી પહેલાં તો બૉક્સને ઘરમાંથી રવાના કરો. જેમ પુરુષોના સૂટ માટે હૅન્ગરવાળાં ઊભાં કવર હોય છે એવી જ રીતે ભારે ડ્રેસ અથવા સાડીને લાંબા સુવડાવીને રાખી શકાય એવાં મોટાં કવર સીવડાવી લો. જો કવર ન વાપરવાં હોય તો જૂની સાડીને સુવડાવી એના પર નવી સાડી ગોઠવીને વૉર્ડરોબમાં મૂકો. એમ્બþૉઇડરીનું વર્ક હોય તો વસ્ત્રોને ઊંધાં કરી પાથરો. ભરેલાં વસ્ત્રોની ગડી કરવાથી વર્ક એકબીજામાં ભરાઈ જાય છે. અત્યારે બધાના ઘરમાં ર્વોડરોબ લાકડાંના હોય છે. એટલે વસ્ત્રોમાં જીવાત પડવાની શક્યા નકારી ન શકાય. જીવાત માટે સામાન્ય રીતે આપણે ડાબરની ગોળીનો જ ઉપયોગ કરીએ છીએ. હવે મહિનાઓ સુધી આપણે જે ડ્રેસ નથી પહેર્યો એમાં ગોળીની વાસ બેસી જ જવાની. મારી સલાહ છે કે ર્વોડરોબમાં સિલિકા જેલીની પોટલી મૂકવી જોઈએ. એનાથી વસ્ત્રોમાં જીવાત નહીં પડે અને વાસ પણ નહીં આવે.’

 ભારે વસ્ત્રોને ડ્રાયક્લીનિંગ માટે જ અપાય એવી આપણી સાઇકોલૉજી છે એમ જણાવતાં નીતાબહેન કહે છે, ‘લાખ રૂપિયાની સાડીને પણ બહાર ધોવા ન અપાય. મોંઘાં વસ્ત્રોને ડસ્ટ ન લાગે એ માટે જ કવર કરાવવાનાં છે. હવે તમે કહેશો કે પરસેવાની વાસ આવે એનું શું? એનો ઉપાય સાવ સહેલો છે. હવે માર્કેટમાં ડિસ્પોઝેબલ આમ્ર્સ પૅડ સરળતાથી ઉપલબ્ધ છે. ભારે વસ્ત્રો પહેરતાં પહેલાં હંમેશાં બગલમાં એને ચોંટાડી દેવાનાં. આમ કરવાથી પસીનો બ્લાઉઝ પર લાગશે નહીં અને ડાઘા પણ નહીં પડે. સાડી તો મેલી થતી જ થતી. વધીને ફૉલ મેલો થાય તો એ ક્યાં દેખાવાનો છે? બહેનોએ પોતાના પર્સમાં મેકઅપના સામાનની સાથે સાદો ટૅલ્કમ પાઉડર પણ રાખવો જોઈએ. લગ્નમાં ગયાં હોઈએ અને જમતી વખતે કંઈ ઢોળાયું તો તરત એ જગ્યા પર પાઉડર ભભરાવી ટિશ્યુ પેપર દાબી દો. આમ કરવાથી ડાઘ જતો રહેશે અને એટલા ભાગમાં કલર પણ ફેડ નહીં થાય.’

 સાડીની સંભાળ રાખવામાં આટલીબધી કડાકૂટ છે તો મોટા-મોટા શોરૂમવાળા કઈ રીતે સાચવતા હશે? હજારોની સંખ્યામાં સાડીઓ કંઈ રાતોરાત થોડી વેચાઈ જતી હશે એવો પ્રશ્ન સહેજે થાય. આ સંદર્ભે વાત કરતાં સાડીના વેપારી મનીષ શાહ કહે છે, ‘સાડી પાંચસોની હોય કે પાંચ લાખની, એને સાચવવાની રીત એક જ છે અને એ છે વેન્ટિલેટર. સાડીને હવા મળવી જોઈએ. શોરૂમમાં દરરોજ નવા ગ્રાહક આવે એટલે સાડી ખૂલ્યા કરતી હોય. લગભગ દરેક સાડીનો વારો અઠવાડિયે એક વાર તો આવી જ જાય. ઘરમાં તમે એક વાર કબાટમાં મૂક્યા બાદ એને પહેરવી હોય ત્યારે જ ખોલો છો એટલે ગડીમાંથી ફસકી જાય છે. બીજું એ કે સાડી મેલી થતી નથી. અમે ગ્રાહકને સાડી બતાડવા આખી ખોલી નાખીએ છીએ અને એના પર પગ મૂકીને ચાલીએ છીએ તો પણ મેલી નથી થતી. જોકે આ બાબતમાં અમને ફાવટ છે, તમે એવું ન કરતાં.’

આ પણ વાંચોઃ સાઇલન્સ પ્લીઝ

 સાડી ફસકી જવાનાં બીજાં પણ અનેક કારણો છે એમ જણાવતાં મનીષભાઈ કહે છે, ‘ભારે વર્કવાળી સાડીને ક્યારેક આખી સાડી ખોલીને જોજો. આપણાં દાદી-નાનીના જમાનાની સાડીમાં સાચી જરી આવતી. આજે પણ એના રૂપિયા ઊપજે છે. હવે જરીકામમાં છેતરપિંડી થાય છે.  તાંબા પર ગ્લેટ કરવામાં આવે છે. પ્લાસ્ટિકની જરી પણ આવે છે. આ જરી સમય જતાં કાળી પડી જાય છે. સાડીની ગુણવત્તાની સમજ હોય તો વર્ષોવર્ષ ખરાબ ન થાય. કાપડની વાત કરીએ તો રેશમની સાડી સૌથી બેસ્ટ કહેવાય. શૂટિંગ-શર્ટિંગના તાકા કેવા હોય? એવા બામ્બુમાં સાડીને વીંટાળીને કબાટમાં ઊભી રાખી દો તો કોઈ દિવસ ડૅમેજ નહીં થાય. અમારા ધંધાની ભાષામાં કલર રાજા કહેવાય. સાડીને હવા મળવી જોઈએ, પરંતુ તડકો ન લાગવો જોઈએ. પીકૉક, રામાગ્રીન અને પર્પલ જેવા કાચા રંગ તડકામાં ખરાબ થઈ જાય છે. બહેનોને મારે ખાસ કહેવાનું કે સાડીને કઈ રીતે સાચવવી જોઈએ એ પારસી બૈરાં પાસેથી શીખો. તેમના જેવી સંભાળ કોઈ ન લઈ શકે.’

columnists