Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાઇલન્સ પ્લીઝ

સાઇલન્સ પ્લીઝ

02 January, 2019 01:54 PM IST |
સેજલ પોન્દા

સાઇલન્સ પ્લીઝ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ  

સાઇલન્સ પ્લીઝ - આ શબ્દ સાંભળવાની શરૂઆત સૌથી પહેલાં ઘરથી થાય છે. નાના હોઈએ અને બોલ-બોલ કરવાની આદત હોય, સવાલો પૂછવાની આદત હોય તો પેરન્ટ્સ એક ટાઇમ પછી કંટાળીને ચૂપ બેસવા કહેતા હોય છે. એ પછી ક્લાસમાં ટીચર ભણાવતા હોય અને જો આપણે સિંગ-ચણા કે એક્સ્ટ્રા સ્ટ્રૉન્ગ પીપરની કે પછી પેન્સિલ-સંચા કે રબરની આપ-લે કરી હોય અને જરાક ગણગણાટ થયો હોય તો ટીચર તરત કહે કે સાઇલન્સ પ્લીઝ.



કૉલેજની લાઇબ્રેરીમાં વાંચતી વખતે પુસ્તકમાં ગુલાબની પાંદડીઓ જોઈને કોઈક ગમતાની યાદ આવી હોય અને એ ગમતી વ્યક્તિ સામે આવીને બેસે ત્યારે નજર મળે અને શબ્દો ભળે અને આજુબાજુમાંથી હોશિયાર સ્ટુડન્ટ સાઇલન્સ પ્લીઝ કહીને મોઢા પર આંગળી મૂકવાનો ઇશારો કરે.


નાટક જોતી વખતે બિન્દાસ ફોન પર વાત કરતા કોઈક મહાન માણસને તરત ચૂપ રહેવાની તાકીદ કરવામાં આવે. જ્યાં આપણે સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય અને આપણું ધ્યાન જરાક અમથું ભટકે ત્યારે આસપાસની વ્યક્તિઓ આપણને ફરી ધ્યાન કેન્દ્રિત કરવા કહેતી હોય છે.

જિંદગીમાં સાઇલન્સ પ્લીઝ સાંભળવાના ઘણા પ્રસંગો બનતા હોય છે. મનની ભીતર હોય કે મનની બહાર એકાગ્રતા કેળવવા માટે સાઇલન્ટ થઈ જવું કે ચૂપ થઈ જવું, નિ:શબ્દ થઈ જવું ખૂબ જરૂરી છે.


ચંચળ મન વિચારો આવતાં જ વગર ટિકિટનો માઇલોનો પ્રવાસ કરી શકે છે. એટલે જ મન પ્રવાસી કહેવાય છે. આપણી ભીતર વસતું મન અને મનની ભીતર વસતા અનેક-અનેક વિચારો, લાગણીઓ, સુખ-દુ:ખની ભાવના આપણને મૌન રહેતાં અટકાવે છે.

ક્યારે બોલવું, ક્યારે ઘોંઘાટ કરવો એની આપણને ખબર હોય છે; પણ ક્યારે ચૂપ રહેવું, ક્યારે મૌન રહેવું, ક્યારે નિ:શબ્દ બની જવું એની સમજણમાં આપણે ક્યાંક પાછા પડીએ છીએ.

આગ્યુર્મેન્ટ થતી હોય અને બેમાંથી એક પણ ચૂપ રહેવા તૈયાર ન હોય ત્યારે એ આગ્યુર્મેન્ટ કકળાટમાં પરિણમે છે. દિવાળીના દિવસે કકળાટ કાઢવા જઈએ એના કરતાં મનને ટપારીએ કે દરેક વાતનું સૉલ્યુશન બોલીને નથી આવતું. ક્યારેક ચૂપ થઈ જવાથી ઘણા પ્રૉબ્લેમ્સ આપોઆપ સૉલ્વ થઈ જતા હોય છે.

નિ:શબ્દ થવાની અવસ્થા આપણને માનસિક શાંતિ આપે છે. જ્યારે આપણે આપણા વિશે વધુ વિચારીએ ત્યારે મનની ભીતર સંવાદ ચાલતો રહે છે અને આપણે ચૂપ રહી શકતા નથી અને જ્યારે આપણે આપણા વિશે વધુ વિચારવાનું છોડી દઈએ છીએ ત્યારે સાઇલન્સ શક્ય બને છે.

જ્યારે આપણે બીજી વ્યક્તિ વિશે વધારે વિચારીએ ત્યારે ભીતરના સંવાદની સાથે-સાથે એ વ્યક્તિ માટે અપેક્ષા જન્મ લે છે. તેણે આમ ન કર્યું, ફલાણું ન કર્યું, ઢીકણું ના કર્યું. અરે! ના કર્યું તો ના કર્યું. છોડોને. આપણી ખુશીનો આધાર વસ્તુ કે વ્યક્તિમાં બંધાઈને ન રહેવો જોઈએ. કોઈ આપણને ગમે એટલો પ્રેમ કરતા હોય એ આપણી બધી જ અપેક્ષાને પૂરી કરી શકે એ શક્ય જ નથી.

કોઈક કંઈક સંભળાવી ગયું હોય ત્યારે ફરી આપણી અંદર શબ્દોનું ઘોડાપૂર ઊભરાય. સમય આવશે ત્યારે તેને હું જવાબ આપી દઈશ, તેને સબક શીખવાડીશ જેવાં વાક્યો ખરેખર તો આપણને જ બેચેન કરી મૂકે છે, આપણી અંદરની શાંતિને હણી લે છે.

લાઇફમાં આવા નકામા વિચારો કરવા કરતાં એવું કેટલું બધું કરવા માટે છે જે આપણને નવી દિશા તરફ લઈ જાય છે. આપણે જે જિંદગી જીવીએ છીએ એમાં સતત ઉતાર-ચડાવ આવતા રહે છે. સંજોગો પ્રમાણે મનની અવસ્થા બદલાતી રહે છે. ત્યારે મનને ટપારવું બહુ જરૂરી છે, જાતને સાઇલન્સ પ્લીઝ કહેવું ખૂબ આવશ્યક છે.

જ્યારે આપણે જાતને બહુ મહાન સમજતા હોઈએ, સ્માર્ટ સમજતા હોઈએ ત્યારે આપણે સાઇલન્ટ નથી રહી શકતા. આપણો અહમ સતત આપણને એ રસ્તે લઈ જાય છે જ્યાં આપણે જાતને મહાન સાબિત કરવા મથતા રહીએ છીએ.

જો સાઇલન્ટ રહેવું હોય તો ઘણુંબધું છોડતા આવડવું જોઈએ. મૌન રહેવું, ચૂપ રહેવું, શાંત રહેવું એક એવી અવસ્થા છે જ્યાં મન બેપરવા બની જાય છે, મનમાં કોઈ માટે કોઈ ખરાબ ભાવ રહેતો નથી, જાત માટે કોઈ ચિંતા રહેતી નથી. ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને માત્ર એક જ વાક્ય મન બોલે છે કે મને કોઈ પરવા નથી. જિંદગીમાં સાઇલન્ટ રહેવાની આ વાત છે.

કોઈક મહત્વનું કામ કરતાં-કરતાં મન ભટકતું હોય તો જાતને પૂછી લેવાનું કે હું જે વિચારો કરું છું એનાથી મને શું ફાયદો થવાનો છે? શું પરિસ્થિતિ કે વ્યક્તિ બદલાઈ જવાની છે? જવાબ મળતાં જ મન આપોઆપ કામમાં લાગી જાય છે.

સાથે જીવતી વ્યક્તિઓ સાથે, સાથે કામ કરતી વ્યક્તિઓ સાથે અને જાત સાથે જીવતાં-જીવતાં મનની અંદર ચાલતા ઘોંઘાટને સાઇલન્સ પ્લીઝ કહેવાની આદત કેળવવી પડે છે.

આ પણ વાંચો : આટલા સંકલ્પ તો ખાસ લેવા જોઈએ દરેકેદરેક મુંબઈકરે

જ્યાં ફરજિયાત હોય ત્યાં ફોન સાઇલન્ટ પર મૂકવાની પ્રથા આપણે પાળીએ છીએ તો પછી મન માટે પણ ફરજિયાતપણે નિ:શબ્દ થવાની પ્રથા જો પાળીએ તો વ્યક્તિઓ પ્રત્યેના અને જાત માટેના અભિગમમાં ચોક્કસ બદલાવ આવે છે. એક વાર કહી જુઓ જાતને સાઇલન્સ પ્લીઝ.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2019 01:54 PM IST | | સેજલ પોન્દા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK