મોંએથી શ્વાસ લેવાની ટેવ કઈ રીતે છૂટે?

28 January, 2022 06:42 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

હું તેને ચેક-અપ પણ કરાવતી આવી છું. તેના નાકમાં કોઈ તકલીફ નથી. તેની આ આદત કઈ રીતે બદલું? 

મિડ-ડે લોગો

મારા દસ વર્ષના દીકરાને રાત્રે મોઢું ખુલ્લું રાખીને સૂવાની આદત છે. તે નાનો હતો ત્યારે તેને ખૂબ શરદી રહેતી હતી એટલે મને લાગતું કે તેને આવી તકલીફ રહે છે, પરંતુ હવે તો જાણે તેને આદત જ બની ગઈ છે. તે બેઠો હોય ત્યારે પણ તેનું મોઢું ખુલ્લું હોય છે. હું ટોકું ત્યારે તે બંધ કરે છે. હું તેને ચેક-અપ પણ કરાવતી આવી છું. તેના નાકમાં કોઈ તકલીફ નથી. તેની આ આદત કઈ રીતે બદલું? 

શ્વાસ નાકથી નહીં, મોઢાથી લેવાની આદત ઘણાં બાળકોની હોય છે, કારણ કે નાનપણમાં જો તેમને ખૂબ ધારડી રહેતી હોય કે ઍલર્જી રહેતી હોય તો તેઓ નાકથી શ્વાસ લઈ જ શકતા નથી એટલે ધીમે-ધીમે મોઢાથી શ્વાસની આદત પડી જાય છે, જે આદત બદલવી ખૂબ જરૂરી છે. જ્યારે આપણે નાકથી શ્વાસ લઈએ છીએ ત્યારે એ હવા નાકમાં રહેલા વાળ દ્વારા ગળાઈને અંદર જાય છે, જેને લીધે આપણે ઘણા ઇન્ફેક્શનથી બચી જતા હોઈએ છીએ. મોઢાથી શ્વાસ લેવામાં આવે ત્યારે આ સુવિધા મળતી નથી અને બાળક સતત માંદું પડતું રહે છે. બીજું એ કે જ્યારે આપણે નાકથી શ્વાસ લઈએ છીએ ત્યારે શરીર નાઇટ્રિક ઑક્સાઇડ બનાવે છે, જે બાળકની ઇમ્યુનિટી વધારવા માટે ઉપયોગી હોય છે. એક ઇઝરાયલી વૈજ્ઞાનિકે કોવિડ-19 સામે લડવા માટે એક નેઝલ સ્પ્રે બનાવ્યું છે જેમાં નાઇટ્રિક ઑક્સાઇડનો સમાવેશ તેણે કર્યો છે. જે બાળકો મોઢાથી શ્વાસ લેતા હોય છે એમનું મોઢું લાંબું થઈ જાય છે અને તેમનો ચહેરો રોતલ લાગે છે. એટલું જ નહીં, તેમના નવા આવતા દાંત વાંકા-ચૂકા આવે છે. એ સારું છે કે તમારા બાળકને નાકના ફોર્મેશનમાં કોઈ તકલીફ નથી, એ તમે ચેક કરાવી લીધું. તેની આદત બદલવા માટે એક સાધન આવે છે જે રાત્રે તમે તેને પહેરાવીને સૂવડાવી શકો છો જેને લીધે તે રાત્રે મોઢું નહીં ખોલે, જે તમે તમારા ડેન્ટિસ્ટની સલાહ મુજબ તેને અપાવડાવો. રાતની તકલીફ તો આ રીતે સરળતાથી દૂર કરી શકાય છે. જે બાળકોમાં રાત્રે મોઢાથી શ્વાસ લેવાનું બંધ થાય છે તે ધીમે-ધીમે દિવસે પણ તેની પ્રક્રિયા ઓછી કરી દે છે. આ માટે તમારે પણ થોડું ધ્યાન આપવું જરૂરી છે. દિવસના તેને મોઢું ખુલ્લું ન રાખવા દો. જ્યારે જુઓ ત્યારે તેને મોઢું બંધ કરવાનું કહો. ધીમે-ધીમે આદત છૂટી જશે. 

columnists health tips