સાગર સરહદીનું ‘બાઝાર’ શાંત થઈ ગયું

27 March, 2021 03:31 PM IST  |  Mumbai | Rajani Mehta

સરહદીએ ‘બાઝાર’ની કહાની નજીકના લોકોને સંભળાવી, તો લોકોએ ફેંસલો આપી દીધો કે આવી ફિલ્મ એક દિવસ પણ નહીં ચાલે. શરૂઆતમાં થયું પણ એવું - ફિલ્મ વેચાતી જ નહોતી - આગળ જઈને આ ફિલ્મે સફળતાના એવા નવા ઝંડા રોપ્યા કે આખી જિંદગી સાગર સરહદીને પાળતી રહી

‘બાઝાર’નું દ્રશ્ય

ગયા સોમવારે ૮૮ વર્ષની ઉંમરે અવસાન પામેલા સાગર સરહદી વ્યાવસાયિક હિન્દી ફિલ્મોના જીવ નહોતા. મજબૂરીમાં તેઓ કમર્શિયલ ફિલ્મોમાં આવેલા. એટલા માટે જ લેખક-સંવાદલેખક તરીકે તેમના નામે આંગળીના વેઢે ગણાય એટલી (૧૫) ફિલ્મો બોલે છે. મૂળ ઉર્દૂ સાહિત્યના માણસ અને પ્રગતિશીલ લેખકમંડળના રંગે રંગાયેલા એટલે સામાજિક નિસબત તેમની પહેલી પ્રાથમિકતા હતી. મૂળ નામ ગંગા સાગર તલવાર. પાકિસ્તાનના સરહદી વિસ્તાર ઍબટાબાદ (જ્યાં ઓસામા બિન લાદેનનો સંહાર થયો હતો) પાસે બાફ્ફામાં તેઓ જન્મ્યા હતા. એની યાદમાં તેમણે ‘સરહદી’ તખલ્લુસ રાખ્યું હતું. વિભાજનમાં પરિવાર પહેલાં શ્રીનગર અને પછી દિલ્હીમાં સ્થાયી થયો હતો.

તેમના મોટા ભાઈએ મુંબઈમાં કપડાંની દુકાન નાખી હતી એટલે દસમું પાસ કરીને સાગર મુંબઈ ભણવા આવી ગયા. ખાલસા કૉલેજમાં તેઓ ગુલઝારને મળ્યા હતા. તેમને ગુલઝારના ઉર્દૂની ઈર્ષ્યા આવી એટલે ઉર્દૂ અને અંગ્રેજી મજબૂત કરવા માટે બીજા વર્ષે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાઈ ગયા. એમાંથી તેઓ ગ્રાન્ટ રોડ પ્રગતિશીલ લેખક મંડળના અડ્ડા રેડ ફ્લૅગ હૉલના સંપર્કમાં આવ્યા, જેમાં ધુરંધર ઉર્દૂ લેખકો રાજિન્દર સિંહ બેદી, ઇસ્મત ચુઘતાઈ, કે. એ. અબ્બાસ, સરદાર જાફરી, કૈફી આઝમી વગેરે રહેતા હતા.

ત્યાંથી ગાડી થોડી પાટે ચડી, પણ ઉર્દૂ લેખક તરીકે કંઈ કમાવા નહીં મળે એવું ભાન થતાં તેમણે નાટકો અને ફિલ્મોમાં હાથ અજમાવાનું શરૂ કર્યું. એમાં તેજપાલ હૉલમાં તેમનું એક નાટક ‘મિર્ઝા સાહેબાન’ જોવા યશ ચોપડા આવ્યા હતા. યશજીને સરહદીમાં હીર દેખાયું અને કહ્યું કે મારા માટે ફિલ્મ લખશો? એમાંથી બ્લૉકબસ્ટર ‘કભી કભી’ ફિલ્મ આવી. પછી તો તેમણે યશજી માટે ‘નૂરી’, ‘સિલસિલા’ અને ‘ચાંદની‍’ લખી હતી.

‘કભી કભી’ પછી તો રાતોરાત તેમને બહુ ઑફર આવી હતી, પણ તેમને જરૂરિયાત જેટલા જ રૂપિયા કમાવા હતા. તેમને ધંધાદારી લેખક બનવું નહોતું. તેમનો મૂળ રસ તો વધુ ને વધુ વાંચવાનો અને લખવાનો હતો. એક ઇન્ટરવ્યુમાં સરહદીએ કહ્યું હતું કે ‘પૈસા કમાવા હોય તો મોટા બજેટની ફિલ્મો લખવી પડે, અને મોટા બજેટની ફિલ્મો લખો તો પૂરી ટૅલન્ટ એમાં વપરાઈ જાય. બદ્નસીબે હું સ્ટાર સિસ્ટમનો વિરોધી છું. હું એને એવું મૂડીવાદી ફૉર્મ માનું છું જેમાં શ્વાસ ન લઈ શકાય.’

સાગર સરહદીની આ ટૂંકી કહાની કહેવા પાછળનું મૂળ કારણ ૧૯૮૨માં આવેલી ‘બાઝાર’ ફિલ્મ છે. તેમણે નિર્દેશિત કરેલી આ એકમાત્ર બહેતરીન ફિલ્મ છે અને હિન્દી સિનેમામાં આજે પણ સીમાચિહ્‍નરૂપ છે. સરહદી કેવા બૅકગ્રાઉન્ડમાંથી આવતા હતા એ સમજાય, એ પછી તેમણે કેવા સંજોગોમાં અને કેમ ‘બાઝાર’ બનાવી હતી એ સમજાય.

એ વખતના પ્રગતિશીલ લેખકો ચુસ્ત નારીવાદી અને આધુનિક વિચારસરણીવાળા હતા. સરહદી હિન્દી ફિલ્મોની ગુણવત્તાથી બહુ ખુશ નહોતા એટલે તેમણે તેમની કલમ પર અંકુશ મૂકી રાખ્યો હતો. એવામાં તેમણે સમાચારપત્રમાં એક લેખ વાંચ્યો, જેમાં હૈદરાબાદમાં ગરીબ પરિવારના લોકો પૈસાની લાલચમાં તેમની દીકરીઓને કેવી રીતે પૈસાવાળા આરબોને પરણાવી દે છે એની વિગતો હતી.

સરહદીનો સામ્યવાદી જીવ કકળી ઊઠ્યો. તેમને આ ‘નકલી લગ્ન’માં રસ પડ્યો અને હૈદરાબાદ પહોંચ્યા. ત્યાં પત્રકારોની મદદ લઈને તેમણે લગ્નનું આ બજાર સમજવાની કોશિશ કરી. તેમણે હૈદરાબાદમાં આવાં એક લગ્નમાં મહેમાન બનીને ભાગ પણ લીધો હતો. એમાંથી ‘બાઝાર’ ફિલ્મ આવી હતી. આ ફિલ્મ હૈદરાબાદના મુસ્લિમ પરિવારોમાં ધાર્મિક-સામાજિક ‘મુત્તાહ’ રિવાજ (ટૂંકા ગાળાનાં લગ્નો)ના નામે નાની-માસૂમ છોકરીઓની તસ્કરીના કૌભાંડને ઉજાગર કરતી હતી. નાની છોકરીઓને દુલ્હન તરીકે ખરીદી લઈને અમુક વર્ષો (અને અમુક બચ્ચાં) પછી તેમને પાછી મોકલી દેવામાં આવે એ વિષય જ ફિલ્મ માટે કેટલો સાહસિક કહેવાય! સરહદીએ એ સાહસ કર્યું અને એક સુંદર ફિલ્મ બનાવી, જે આજે પણ ભારતના અમુક પ્રદેશોમાં પ્રાસંગિક છે.

ફિલ્મમાં એવી માસૂમ છોકરી શબનમની ભૂમિકા સુપ્રિયા પાઠકે કરી હતી, જે ગરીબ સરજુ (ફારુક શેખ)ના પ્રેમમાં છે, પણ તેનાં માતા-પિતા દુબઈના પૈસાદાર બુઢ્ઢા ખુસટ સાથે તેનાં લગ્ન નક્કી કરી નાખે છે. આ સોદો અખ્તર હુસેન (ભરત કપૂર) નામનો માણસ કરાવે છે, જેને બદલામાં પૈસા ઉપરાંત નજ્મા (સ્મિતા પાટીલ) પણ મળવાની હોય છે. નજ્‍મા પણ શાયર સલીમ (નસીરુદ્દીન શાહ)ને ચાહે છે, પરંતુ ગરીબીને કારણે તેનોય પૈસા લઈને લગ્નનો ‘ઘાટ’ ઘડાઈ ગયો હોય છે, અને તે અખ્તર સાથે લિવ-ઇન રિલેશનશિપની તરફેણમાં ઘર છોડીને ભાગી જાય છે.

અખ્તરે તેને ખાતરી આપી હોય છે કે તે ઘર ચલાવવા જેટલા પૈસા ભેગા કરીને તેની સાથે લગ્ન કરશે અને તેની કોશિશમાં તે શબનમનો સોદો ગોઠવે છે. નજ્‍માને ખબર નથી કે શબનમ સરજુના પ્રેમમાં છે, જે નજ્માનો ધર્મનો ભાઈ છે. મતલબ કે નજ્મા એક એવા ષડ્યંત્રમાં સહભાગી થાય છે‍ જેમાં તેની ભાવિ ભાભીને વેચવાનો સોદો થાય છે. નજ્‍માને તેની ભૂલ સમજાય છે, પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હોય છે.

સરહદીએ ‘બાઝાર’ની કહાની નજીકના લોકોને સંભળાવી, તો ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર અસોસિએશન)ના લોકોએ પણ ફેંસલો આપી દીધો કે આવી ફિલ્મ એક દિવસ પણ નહીં ચાલે અને તમારો ફ્લૅટ પણ વેચાઈ જશે. શરૂઆતમાં થયું પણ એવું. ફિલ્મ વેચાતી નહોતી. લોકો આવે, ફિલ્મ જુએ અને હૅન્ડ-શેક કરીને જતા રહે. આગળ જઈને ફિલ્મે સફળતાના એવા નવા ઝંડા રોપ્યા કે એ ફિલ્મ આખી જિંદગી સાગર સરહદીને પાળતી રહી (આવું જ ‘કભી કભી’માં થયેલું. નિર્માતા ગુલશન રાયે ભવિષ્ય ભાખેલું કે આ ફિલ્મ બે દિવસ પણ નહીં ચાલે અને યશ ચોપડાને સલાહ આપી હતી કે બધા ડાયલૉગ કાઢી નાખો અને જાવેદ અખ્તર પાસે નવેસરથી લખાવો).

‘બાઝાર’ અત્યંત સફળ રહી એનું એક કારણ તો એની જબરદસ્ત સ્ટારકાસ્ટ અને બીજું એનું કર્ણપ્રિય સંગીત. નસીર, સ્મિતા અને ફારુક શેખ ત્યારે મોટાં સ્ટાર હતાં અને નિર્દેશક તરીકે સરહદીની આ પહેલી જ ફિલ્મ હતી. પહેલા ૮ દિવસના શૂટિંગ દરમ્યાન સ્મિતાને ખાસ મજા આવી નહોતી અને સરહદીને ખાતરી થઈ ગયેલી કે બાકીના હૈદરાબાદના શૂટિંગમાં સ્મિતા નહીં આવે, પણ તેમની રાહત વચ્ચે સ્મિતાએ કહ્યું, ‘તમે બહુ સારા નિર્દેશક છો.’ ફારુક શેખે પણ સરહદી જે રીતે દૃશ્યો શૂટ કરતા હતા એનાં વખાણ કરેલાં (‘માશાલ્લા... માશાલ્લા’).

એક સીધીસાદી હૈદરાબાદી છોકરીની ભૂમિકા માટે સુપ્રિયા પાઠકનું નામ નસીરુદ્દીને સૂચવ્યું હતું. સરહદીએ એને યાદ કરીને કહ્યું હતું, ‘સુપ્રિયા ગોલમટોલ સી લડકી થી. મુઝે ઐસી હી ચાહિએ થી.’ તેમણે સુપ્રિયાને કહ્યું હતું કે મારી પાસે ફક્ત ૫૦૦ રૂપિયા છે અને એનાથી હું હૈદરાબાદમાં શૂટિંગ કરવાનો છું. તું તારા પૈસાથી વિમાનમાં ઊડીને આવજે. ફિલ્મ હિટ ગઈ, પછી સરહદીએ ફી તરીકેના સુપ્રિયાને ૧૧,૦૦૦ અને સ્મિતાને ૪૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. સ્મિતા પાટીલે ફિલ્મ જોઈને સુપ્રિયાને કહેલું, ‘આ ફિલ્મમાં તો તું છવાઈ ગઈ છે.’ સુપ્રિયાને એને માટે સહાયક શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.

‘બાઝાર’ આજે પણ એના શાનદાર સંગીત માટે લોકપ્રિય છે. સંગીતકાર ખૈયામની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. બધાં ગીતો ગઝલ સ્વરૂપનાં હતાં; જગજિત કૌરના અવાજમાં મિર્ઝા શૌકની ‘દેખ લો આજ હમ કો જી ભર કે,’ પામેલા ચોપડાના અવાજમાં જગજિત કૌરની ‘ચલે આઓ સૈયાં,’ લતા મંગેશકર અને તલત અઝીઝના અવાજમાં મખદુમ મોયુદ્દીનની ‘ફિર છીડી રાત,’ ભૂપિન્દર સિંહના અવાજમાં બશર નવાઝની ‘કરોગે યાદ તો’ અને લતા મંગેશકરના અવાજમાં મીર તકી મીરની ‘દિખાઈ દિયે યું’ ઉર્દૂ કવિતાનું અપ્રતિમ સર્જન છે.

સાગર સરહદી કેટલી પ્રામાણિક ફિલ્મ બનાવવા માગતા હતા એની સાબિતી એ હકીકત પરથી મળે છે કે ‘દેખ લો આજ હમકો જી ભર કે’ ગઝલ તેમણે લખનઉના શાયર મિર્ઝા શૌકના ૨૦૦ વર્ષ જૂના ગઝલસંગ્રહ ‘ઝહર-એ-ઇશ્ક’માંથી ખોળી કાઢી હતી. ‘દિખાઈ દિયે યું’ના રચયિતા મીર તકી મીર ૧૮મી સદીમાં મોઘલ સામ્રાજ્યના શાયર હતા. ‘ફિર છીડી રાત’ના સર્જક હૈદરાબાદના મખદુમ મોયુદ્દીન પ્રગતિશીલ લેખક મંડળના માર્ક્સવાદી શાયર હતા.

ખૈયામે આ ગઝલોને અત્યંત પ્યારથી સંગીતબદ્ધ કરી હતી. ‘બાઝાર’ શરૂઆતમાં તો દર્શકોના ધ્યાનમાં નહોતી આવી, પણ ધીમે-ધીમે એની ખ્યાતિ વધવા લાગી. ૧૮મા અઠવાડિયામાં સરહદી હૈદરાબાદના એક થિયેટરમાં એ ફિલ્મ જોવા ગયા હતા. સરહદીએ એને યાદ કરીને કહ્યું હતું, ‘દેખ લો આજ હમકો જી ભર કે’ ગીત પડદા પર આવ્યું, તો સ્પેશ્યલ વિભાગમાં બેઠેલી મહિલાઓ ડૂસકાં ભરવા લાગી.’ એ વખતે સરહદી સિનેમા હૉલની બહાર નીકળી ગયા.

જાણ્યું-અજાણ્યું...

૨૦૧૮માં સાગર સરહદીએ ‘ચૌસર’ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. નવાઝુદ્દીન સિદ્દીકીની એ પહેલી ફિલ્મ છે, પણ એ રિલીઝ થઈ શકી નહોતી.

‘બાઝાર’ ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે યશ ચોપડાએ તૈયારી બતાવી હતી, પરંતુ ફિલ્મમાં કોઈ પણ વ્યાવસાયિક સમાધાન કરવું ન પડે એટલે સરહદીએ યશજીને ના પાડી દીધી હતી

શશી કપૂરે ‘બાઝાર’ના શૂટિંગ માટે સાધનની વ્યવસ્થા કરી આપી હતી. ‘લે જાઓ, લે જાઓ. પૈસા હો તો દે દેના, ન હો તો કોઈ બાત નહીં, એવું શશીએ કહ્યું હતું.

યશ ચોપડાએ ફિલ્મની કાચી નેગેટિવ્સની વ્યવસ્થા કરી આપી હતી.

સરહદીએ ૫૦૦ રૂપિયામાં શૂટિંગ શરૂ કર્યું હતું અને ફિલ્મની કમાણી થઈ એ પછી કલાકારોને પૈસા આપ્યા હતા.

ઍક્ટ્રેસ તબુની એ ફિલ્મમાં નાનકડી ભૂમિકા હતી, પણ ક્રેડિટમાં ક્યાંય તેનું નામ નહોતું.

સાગર સરહદી સાથે અલપ-ઝલપ...

‘બાઝાર 2’ આવશે?

પ્રેમમાં પૈસા વચ્ચે આવે એટલે સ્થિતિ બદલાઈ જાય. પૈસા આજે પણ પ્રેમને ખરીદવા માટે સક્ષમ છે. ‘બાઝાર 2’ની વાર્તા આવા જ તાણાવાણાથી રચી રહ્યો છું. એ ફિલ્મ બનશે. રવિ શર્મા એનું નિર્દેશન કરશે. એ પ્રેમકહાની છે અને એમાં હૈદરાબાદમાં દુલ્હનોને વેચવાના દૂષણની વાત પણ છે. લૉકડાઉન ખૂલે એની અમે રાહ જોઈ રહ્યા છીએ.

 

‘ચૌસર’ કેમ?

હું માર્ક્સવાદી છું અને હું એવું શીખ્યો છું કે જીવવા માટે દુનિયા સારી ન હોય, એને સારી બનાવવી પડે. જાહેર જીવનમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે મેં ૨૦૦૪માં ‘ચૌસર’ બનાવી હતી. એ વેચાય તો ‘બાઝાર 2’ પર પૈસા લગાવીશ.

રોમૅન્ટિક ફિલ્મો લખવાનું ખાસ કોઈ કારણ?

મેં ૨૦ વખત પ્રેમ કર્યો છે, એટલે કે લગ્ન ન કરી શક્યો. ૨૦ વખતના પ્રેમની વાતોથી લોકોને મજા આવશે, પણ પ્રેમ કરતી વ્યક્તિ બીજી વ્યક્તિને છોડીને જાય તો શું હાલત થાય એ નહીં સમજાય. મેં જે પ્રેમ અને દર્દની વાતો ફિલ્મોમાં કરી છે એ મેં ખુદ અનુભવી છે.

કોઈ અફસોસ?

ફિલ્મોએ મને નામ અને દામ આપ્યાં. મને આખી દુનિયામાં ફરવાનું મળ્યું, પણ તેણે મારી અંદરનો ઉર્દૂ લેખક મારી નાખ્યો. નહીં તો મારા નામે ૧૦-૨૦ પુસ્તકો બોલતાં હોત.

અંતિમ વર્ષોમાં આપેલા ઇન્ટરવ્યુઝમાંથી

columnists raj goswami