જે હિરોઇનના ખૂબસૂરત ચહેરા પર વાંકડિયા વાળની લટો ઝુલ્ફો‍ની જેમ કપાળ પર રમતી હોય તે કોને ન ગમે?

14 December, 2025 05:24 PM IST  |  Mumbai | Rajani Mehta

આજે એવી એક અભિનેત્રીની વાત કરવી છે જેનું સૌંદર્ય કે નાક ક્લિઓપેટ્રા જેવું નહોતું અને તેમ છતાં દેશ-વિદેશના અનેક સીઝરો અને ઍન્ટોનિયો તેની પાછળ પાગલ થયા હતા. સૌંદર્ય દેવતાએ જે કૃપા ક્લિઓપેટ્રા પર કરી એવી અસીમ કૃપા તેના પર નહોતી કરી.

સાધના

સૌંદર્યની વાત આવે ત્યારે ચહેરા ઉપરાંત હોઠ અને નાકની વાત પણ થતી હોય છે. એમ કહેવાય છે કે ક્લિઓપેટ્રાનું નાક જરાક નાનું કે મોટું હોત  તો ઇતિહાસ કૈંક જુદો  જ હોત. ફોડ પાડીને કહીએ તો તેના ચંપાકળી જેવા નાકે જરા વાંકો રસ્તો લીધો હોત તો જુલિયસ સીઝર તેની પાછળ પાગલ ન થયો હોત. અને ત્યાર પછી જે અનર્થ થયો એ ન થયો હોત. 
આજે એવી એક અભિનેત્રીની વાત કરવી છે જેનું સૌંદર્ય કે નાક ક્લિઓપેટ્રા જેવું નહોતું અને તેમ છતાં દેશ-વિદેશના અનેક સીઝરો અને ઍન્ટોનિયો તેની પાછળ પાગલ થયા હતા. સૌંદર્ય દેવતાએ જે કૃપા ક્લિઓપેટ્રા પર કરી એવી અસીમ કૃપા તેના પર નહોતી કરી. તેમ છતાં આ અભિનેત્રીએ ભારતીય ખૂબસૂરતી સાથે ‘Girl Next Door’ ઇમેજ, પોતાની હેરસ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સથી દર્શકોને ઘેલા કર્યા હતા. એ હતી સિંધી યુવતી અંજલિ  શિવદાસાણી જેને દુનિયા સાધનાના નામે જાણે છે. 
સાધનાનો જન્મ ૧૯૪૧ની બીજી સપ્ટેમ્બરે કરાચીમાં જમીનદાર પરિવારમાં થયો. પિતા શિવરામ અને લાલી શિવદાસાણી બે પુત્રીઓ સરલા અને અંજલિ સાથે દેશના ભાગલા થયા ત્યારે માલમિલકત છોડી દિલ્હી આવ્યાં. પછી બનારસ ગયાં. થોડો સમય કલકત્તા રહ્યાં. અંતે રેફ્યુજી કૅમ્પની હાડમારી અને કંગાળ પરિસ્થિતિથી થાકીને તેમણે મુંબઈ જવાનું નક્કી કર્યું કારણ કે તેમના ભાઈ હરિ શિવદાસાણી ફિલ્મોમાં નાનાં-મોટાં કામ કરતા હતા. શિવરામે સાયનમાં ભાડાની રૂમ લીધી અને કરિયાણાની નાની દુકાન શરૂ કરી.
     રઝળપાટને કારણે અંજલિ સ્કૂલમાં નહોતી જતી. તે મમ્મી પાસે ઘરે રહીને જ તાલીમ લેતી. મુંબઈમાં મમ્મી લાલી વડાલાની એક સ્કૂલમાં ૮ વર્ષની અંજલિને દાખલ કરવા લઈ ગયાં ત્યારે પ્રિન્સિપાલે કહ્યું કે આટલી મોટી છોકરી પહેલા ધોરણમાં દાખલ થશે? મમ્મીએ કહ્યું, તેની પરીક્ષા લો. તે ખૂબ હોશિયાર છે. શિક્ષકે તેની પરીક્ષા લીધી અને સીધો પાંચમા ધોરણમાં પ્રવેશ આપ્યો. 
શિવદાસાણી પરિવાર ધીમે-ધીમે મુંબઈમાં સેટલ થતો હતો. અંજલિ સ્કૂલનાં નાટકો અને નૃત્યના કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લેતી. તેનું સપનું હતું કે એક દિવસ તેની ફેવરિટ અભિનેત્રી નૂતનની જેમ ફિલ્મોમાં કામ કરવું છે એટલું જ નહીં, પરિવારને આર્થિક રીતે સુખ આપવું છે. 
એક દિવસ સ્કૂલમાં રાજ કપૂરના યુનિટના સભ્યો આવ્યા. ‘શ્રી 420’ (૧૯૫૫)ના એક ગીત માટે તેમને યુવાન ડાન્સર્સ જોઈતા હતા. એમાં અંજલિ પસંદ થઈ. જે દિવસે શૂટિંગ હતું એ દિવસે અંજલિ સેટ પર ગઈ ત્યારે કાકા હરિ શિવદાસાણી ત્યાં જ હતા. તેમને લાગ્યું તે શૂટિંગ જોવા આવી છે પણ જોયું કે તે તો કૅમેરા સામે કામ કરે છે ત્યારે નવાઈ લાગી. આમ ૧૫ વર્ષની વયે પહેલી વાર અંજલિ રૂપેરી પડદા પર દેખાઈ. એ ગીત હતું ‘મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે’. જી હા, નાદિરાની સાથે બૅકગ્રાઉન્ડમાં જે ડાન્સર્સ  છે એમાંની એક છે સાધના. 
સાધનાના પિતા બંગાળી અભિનેત્રી સાધના બોઝના મોટા ચાહક હતા. તે વહાલથી અંજલિને સાધના કહેતા. અંજલિએ જય હિન્દ કૉલેજમાં BA કરવા ઍડ્મિશન લીધું પણ ફિલ્મોમાં કામ કરવાનું સપનું હજી જીવંત હતું. તે સ્કૂલમાં ટાઇપિંગ શીખી હતી એટલે સવારે ભણીને બપોરે પાર્ટટાઇમ જૉબ કરતી. અભિનયનો શોખ એટલે નાટકોમાં પણ કામ કરતી. એક દિવસ તેણે જાહેરાત જોઈ કે સિંધી ફિલ્મ ‘અબાના’ માટે નવા ચહેરાની તલાશ છે. અંજલિએ પોતાના ફોટો મોકલ્યા. તેનો ઇન્ટરવ્યુ લેવાયો અને તેને ફિલ્મની હિરોઇન શીલા રામાણીની નાની બહેનનો રોલ મળ્યો. પિતાએ એ દિવસે નક્કી કર્યું કે આજથી અંજલિ સાધના તરીકે ઓળખાશે. ફિલ્મમાં સાધનાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ. 
ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક દિવસ સાધનાએ શીલા રામાણીનો ઑટોગ્રાફ માગ્યો. તેણે કહ્યું, ‘આજે તું ભલે મારો ઑટોગ્રાફ માગે છે પણ મને ખાતરી છે કે એક દિવસ લોકો તારા ઑટોગ્રાફ માટે લાઇનમાં ઊભા હશે.’ ‘અબાના’ની સફ્ળતાએ સાધનામાં નવો આત્મવિશ્વાસ જગાડ્યો. ‘સ્ક્રીન’માં તેનો ફોટોગ્રાફ જોઈ શશધર મુખરજીએ સાધનાને સ્ટુડિયો પર બોલાવી. તેની સાથેની વાતચીતથી પ્રભાવિત થઈ તેને ફિલ્માલયમાં મહિનાના ૭૫૦ રૂપિયાના પગારે નોકરી આપી. આમ સાધનાની હિન્દી ફિલ્મની કારકિર્દી શરૂ થઈ ૧૯૬૦માં ફિલ્મ ‘લવ ઇન શિમલા’થી જે એસ. મુખરજીના પુત્ર જૉય મુખરજીની પ્રથમ ફિલ્મ હતી. 
ફિલ્મના ડિરેક્ટર હતા આર. કે. નય્યર. શૂટિંગ શરૂ થયું ત્યારથી તેની અને સાધના વચ્ચે એક અજબ આકર્ષણ શરૂ થયું હતું. સાધના જૉય મુખરજી કરતાં ડિરેક્ટરને વધુ ભાવ આપે છે એ કોઈનાથી છૂપું નહોતું. જોકે બન્ને વચ્ચે પ્રોફેશનલ રિલેશનથી આગળ વાત વધી નહોતી. શૂટિંગની શરૂઆતમાં આર. કે. નય્યરને સાધનાની ટિપિકલ હેરસ્ટાઇલ ફિલ્મની ફ્રેમ માટે મોટી લાગતી હતી. તેને સાધનાનું માથું ખૂબ મોટું લાગતું હતું. એ માટે એક હેરસ્ટાઇલિસ્ટ રાખવામાં આવી જેણે વિવિધ સ્ટાઇલ બતાવી પણ વાત બનતી નહોતી. અંતે વિદેશી ફિલ્મોની મશહૂર અભિનેત્રી ઑડ્રી હેપબર્નની હેરસ્ટાઇલથી પ્રેરિત બૉબ્ડ હેરસ્ટાઇલ સાધનાએ પસંદ કરી અને ડિરેક્ટરે મહોર મારી. આ સ્ટાઇલ પાછળથી ‘સાધના કટ’ તરીકે ખૂબ જ પ્રખ્યાત થઈ. 
એક મુલાકાતમાં સાધના કહે છે, ‘હું કૉન્વેન્ટ સ્કૂલમાં ભણી. એક દિવસ નને પૂછ્યું, ‘તું મોટી થઈને શું બનવા માગે છે?’ મેં ફટ દઈને કહ્યું, ‘અભિનેત્રી.’ તે કહે, ‘બેટા, તું ફિલ્મોમાં જઈશ તો તને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. નરકમાં જવું પડશે.’ મેં કહ્યું, ‘મને નરકની કોઈ બીક નથી.’ 
 ‘ફિલ્માલયની ઍક્ટિંગ સ્કૂલમાં મારો પરિચય આર. કે. નય્યર સાથે થયો. ‘લવ ઇન શિમલા’માં હું અને જૉય મુખરજી બન્ને નવાં હતાં એટલે મને ડર નહોતો. હું ફટાફટ શૉટ આપતી. મારો પ્રથમ શૉટ દુર્ગા ખોટે સાથે હતો. તે મારાથી ખૂબ ખુશ હતાં. તેમની પાસેથી  ઘણું શીખવા મળ્યું.
શૂટિંગ દરમ્યાન એક અણગમતો બનાવ બન્યો. એક દૃશ્યમાં હું રિક્ષામાં બેઠી છું જે જૉય મુખરજી હાથેથી ખેંચે છે. અચાનક તેણે બૅલૅન્સ ગુમાવ્યું અને મદદ માગવાને બદલે તેણે કૂદકો મારીને રિક્ષા છોડી દીધી. ઢાળ હતો એટલે રિક્ષા ઝડપથી નીચે સરકતી હતી. હું એકદમ ડરી ગઈ. હવે શું થશે? નસીબજોગે એક લાકડાની વાડ સાથે રિક્ષા અથડાઈ અને ઊભી રહી. નહીંતર હું રિક્ષા સાથે ૩૦૦ ફીટ ઊંડી ખાઈમાં પડત.
હું એટલી હેબતાઈ ગઈ કે કળ વળતાં લાંબો સમય લાગ્યો. પૂરું યુનિટ ચૂપચાપ હતું. મને જૉય પર એટલો ગુસ્સો આવ્યો કે તેને ખરીખોટી સંભળાવી. મારું મગજ ફરી ગયું હતું. મેં કહ્યું, ‘આજે તો તેં મને મારી નાખી હોત.’ તે માફી માગતાં કહે, ‘એ ક્ષણે મને શું કરવું એ સમજ જ ન પડી.’ માંડ-માંડ હું શાંત પડી. બીજા દિવસે પણ તે મારી માફી માગતો હતો.
તેને મારા પર એક વાતની ચીડ હતી. તેને લાગતું કે હું આર. કે. નય્યર સાથે ફ્લર્ટ કરું છું. હિરોઇને તો હીરોને ભાવ આપવો જોઈએ. પણ એવું નહોતું, હું મનોમન નય્યરને આદરભાવથી જોતી જે ક્યારે પ્રેમભાવમાં બદલાઈ ગયો એની ખબર ન રહી.’
ફિલ્મ હિટ ગઈ. જે હિરોઇનના ખૂબસૂરત ચહેરા પર વાંકડિયા વાળની લટો ઝુલ્ફોની જેમ કપાળ પર રમતી હોય તે કોને ન ગમે? સાધના સૌંદર્યવાન નહોતી, સ્વરૂપવાન હતી. તે દેખાવે સુંદર તો હતી પણ સાથે નમણી હતી. તેનો તાજો ચહેરો સંકોચરહિત અને અભિનય  સાહજિક હતો. તેના પર કોઈ સિનિયર અભિનેત્રીના અભિનયની છાપ નહોતી. તેના અવાજમાં મીઠાશ અને નરમાશ હતી. પાંપણ ઝુકાવીને, હોઠ છૂટા પાડ્યા વિના મંદ-મંદ સ્મિત કરતી સાધના પ્રથમ ફિલ્મથી જ લોકપ્રિય થઈ ગઈ. 
રાતોરાત સાધના પ્રથમ શ્રેણીની હિરોઇન બની ગઈ. બિમલ રૉયે તેને ‘પરખ’માં અગત્યનો રોલ આપ્યો. ૧૯૬૧માં સાધનાએ ‘હમ દોનો’ (દેવ આનંદ), ‘પ્રેમપત્ર’, (શશી કપૂર), ‘મનમૌજી’ (કિશોરકુમાર) સાથે કામ કર્યું. ત્યાર બાદ ‘એક મુસાફિર એક હસીના’, ‘અસલી નકલી’, ‘મેરે મેહબૂબ’, ‘વહ કૌન થી’, ‘રાજકુમાર’ અને ‘પિકનિક’માં (જે અધૂરી રહી જેમાં ગુરુ દત્ત હીરો હતા) સાધનાએ હિરોઇન તરીકે નામી અભિનેતાઓ સાથે કામ કર્યું. આ ફિલ્મોની સફળતાને કારણે તેની માર્કેટ પ્રાઇસ ટોચની હિરોઈનો જેટલી થઈ ગઈ. 
સાધનાની રાજ કપૂર સાથે કામ કરવાની ઇચ્છા પૂરી થઈ ૧૯૬૪ની ફિલ્મ ‘દુલ્હા દુલ્હન’માં. કમનસીબે રાજ કપૂર સાથેની આ તેની પહેલી અને અંતિમ ફિલ્મ હતી. ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક એવો  બનાવ બન્યો જેના કારણે રાજ કપૂર ગુસ્સો કરીને સેટ છોડી જતા રહ્યા. એટલું જ નહીં, બે શિવદાસાણી ભાઈઓના સંબંધમાં કડવાશ આવી ગઈ. એ વાત આવતા રવિવારે.

columnists gujarati mid day sunday mid day lifestyle news life and style