26 October, 2025 02:49 PM IST | Ahmedabad | Shailesh Nayak
મીઠાઈનો સ્ટૉલ અને એમાં બેઠેલા મિત્રો અને વડીલો.
અમદાવાદના સાત્ત્વિક સ્વીટ્સ યુવક મંડળે ૮ વર્ષમાં મીઠાઈ વેચીને ૩૧૨૫ સ્ટુડન્ટ્સની દોઢ કરોડ રૂપિયાથી વધુ ફી ભરી છે : જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરાય, લોકોને શુદ્ધ મીઠાઈ મળી રહે અને બે પૈસા રળવા પણ મળે એ હેતુ સાથે દર વર્ષે કલર, એસેન્સ, વરખ અને માવા વગરની બનાવી રહ્યા છે હાઇજીનિક મીઠાઈ : આ વર્ષે ૩૧.૫ ટન મીઠાઈ બનાવી
પ્રકાશના પર્વ દિવાળીના દિવસોમાં સદ્ગૃહસ્થો દ્વારા સેવાની સરવાણી વર્ષોથી થતી આવી છે. કોઈ ઘરમાંથી કપડાં કે કોઈ જૂનાં વાસણો કાઢે તો કોઈ જૂની ચીજવસ્તુઓ કાઢીને જરૂરિયાતમંદ લોકોને આપતા હોય છે. ઘણા સદ્ગૃહસ્થો નવાં કપડાં કે ચીજવસ્તુઓ અને મીઠાઈ વહેંચતા હોય છે. આની પાછળનો આશય સેવા કરવાનો હોય છે કે દિવાળીના પર્વમાં જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ ફેલાવીએ. જોકે અમદાવાદમાં એવા કેટલાક મિત્રોનું ગ્રુપ છે જેઓ જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે દિવાળીમાં મીઠાઈ બનાવીને વેચે છે. આપણને લાગશે કે બાળકોના અભ્યાસ માટે મીઠાઈ બનાવીને વેચવાની? હા, આ સદ્કાર્ય કંઈક અલગ રીતનું છે જેમાં સેવાની સુવાસ સાથે બે પૈસા રળવાની પણ વાત છે. ઘણા સદ્ગુરુઓ કે વડીલો પણ કહેતા આવ્યા છે કે આપણે જે કંઈ આવક મેળવીએ એમાંથી કેટલોક ભાગ સેવાકાર્ય પાછળ વાપરો. અમદાવાદનું આ ગ્રુપ પણ જાણે એને અનુસરી રહ્યું છે.
દિવાળી એટલે પ્રકાશનું પર્વ. આ પર્વમાં દરેકના જીવનમાં ઉજાસ ફેલાય એવી શુભકામના એકબીજાને આપવામાં આવે છે ત્યારે અમદાવાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવા સાત્ત્વિક સ્વીટ્સ યુવક મંડળે આ વર્ષે ૩૧.૫ ટન મીઠાઈ બનાવી હતી અને દિવાળી પહેલાં તો તેમની મીઠાઈનું વેચાણ પણ થઈ ગયું હતું. આ મંડળે માત્ર આ વર્ષે જ મીઠાઈ બનાવી એવું નથી. છેલ્લાં ૮ વર્ષથી આ મંડળ મીઠાઈ બનાવડાવી રહ્યું છે. છેલ્લાં ૮ વર્ષમાં આ મંડળે મીઠાઈ વેચીને ૩૧૨૫ વિદ્યાર્થીઓની દોઢ કરોડ રૂપિયાથી વધુ ભરી ફી છે અને બીજી તરફ લોકોને શુદ્ધ મીઠાઈ મળી રહી છે. સાત્ત્વિક સ્વીટ્સ યુવક મંડળની આ સ્તુત્ય પહેલ સ્ટુડન્ટ્સના જીવનમાં ઉજાસ ફેલાવી રહી છે.
મીઠાઈની મીઠી સફરની શરૂઆત
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ફી ભરવા તેમ જ બે પૈસા કમાવાની સાથે સેવાકીય ઉદ્દેશ સાથે મીઠાઈ બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ એ મુદ્દે વાત કરતાં મંડળના સુરેશ ભડિયાદરા ‘મિડ-ડે’ને કહે છે, ‘૮ વર્ષ પહેલાં અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવા માટે તેમ જ લોકોને શુદ્ધ મીઠાઈ મળી રહે એ હેતુ સાથે માત્ર દિવાળીમાં મીઠાઈ બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. શુદ્ધ મીઠાઈ બને એટલે અમે મીઠાઈમાં કલર, માવો, એસેન્સ કે વરખનો ઉપયોગ કરતા નથી. ૨૦૧૭માં ૫૦૦૦ કિલો મીઠાઈ બનાવી હતી અને જે પ્રૉફિટ થયો એમાંથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પાછળ પાંચ લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો. બીજા વર્ષે મારા ઉપરાંત અશોક ઝડફિયા, અજય કાત્રોડિયા, કનુ મોરડિયા, હસમુખ ઝડફિયા, શૈલેષ ગાબાણી, મનોજ કાથરોટિયા સહિતના મિત્રોને થયું કે આપણી મીઠાઈ જુદા-જુદા વિસ્તારના લોકો ખરીદે છે તો એમાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હશે એટલે તેમના માટે પણ ફી ભરીએ. આમ વિચારીને ૨૦૧૮થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવાનું નક્કી કરીને મીઠાઈ બનાવીને ફી ભરવાની શરૂઆત કરી. આમ કરતાં-કરતાં છેલ્લાં ૮ વર્ષમાં અત્યાર સુધીમાં મીઠાઈ વેચીને ૩૧૨૫ દીકરાઓ-દીકરીઓની દોઢ કરોડ રૂપિયાથી વધુ ફી ભરી છે. દર વર્ષે મીઠાઈ બનાવીએ છીએ એનો ખર્ચ બાદ કરીને જે નફો થાય એની ૫૦ ટકા રકમનો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવામાં ઉપયોગ કરીએ છીએ. બાકીની ૫૦ ટકા રકમ અમે મિત્રો વહેંચી લઈએ છીએ. મીઠાઈ બનાવવા માટે અમે અમારો ધંધોરોજગાર મૂકીને બે મહિના પહેલાંથી તૈયારીઓ કરીએ છીએ. એમાં અમે બધા મિત્રો પૈસાનું રોકાણ કરીએ છીએ એટલે સ્વાભાવિક રીતે બધાને બે પૈસા રળવાની આશા હોય છે. એટલે ૫૦ ટકા પ્રૉફિટ વહેંચી લઈએ છીએ અને બાકીની ૫૦ ટકા રકમનો વિદ્યાર્થીઓની ફી ભરવા માટે ઉપયોગ કરીએ છીએ.’
આ વર્ષે કઈ-કઈ મીઠાઈ બનાવી?
આ વર્ષે કેવી અને કેટલી મીઠાઈ બનાવી એ વિશે વાત કરતાં સુરેશ ભડિયાદરા કહે છે, ‘આ વર્ષે અમે ૩૧.૫ ટન મીઠાઈ બનાવી હતી. છેલ્લા બે મહિનાથી અમે મીઠાઈ બનાવવાની તૈયારી કરી હતી અને પાંચ રસોઇયા સહિત ૭૫ માણસોનો સ્ટાફ કામે લાગ્યો હતો. ૧૧ ઑક્ટોબરથી અમે જુદા-જુદા વિસ્તારોમાં પાંચ સ્ટૉલ શરૂ કરી દીધા હતા અને અમારી બધી જ મીઠાઈ વેચાઈ ગઈ હતી. કલર, એસેન્સ, વરખ વગરની હાઇજીનિક મીઠાઈઓ અમે બનાવીએ છીએ. આ વર્ષે મંડળે પંચરત્ન અંજીર, કાજુકતરી, કાજુ કસાટા, કાજુ અંજીર રોલ, મોહનથાળ, ખજૂરબેઝ હની ડ્રાયફ્રૂટ્સ ચિક્કી સહિતની મીઠાઈઓ તેમ જ મિક્સ ચવાણું બનાવ્યાં હતાં.’
દિવાળી બાદ ફી ભરવાની
દિવાળીના સમયમાં અમે મીઠાઈ વેચીએ છીએ ત્યારે એની સાથે ફૉર્મ પણ આપીએ છીએ અને કસ્ટમર્સનો મોબાઇલ-નંબર લઈને તેમને મેસેજ કરીએ છીએ એટલે જરૂરિયાતમંદ લોકો ફૉર્મ ભરે છે એમ જણાવીને સુરેશ ભડિયાદરા કહે છે, ‘ફૉર્મની સાથે આધારકાર્ડ, છેલ્લા રિઝલ્ટની માર્કશીટ સહિતના જરૂરી પુરાવા લઈએ છીએ. અમારી ટીમ એનું વેરિફિકેશન કરે છે તેમ જ જે વ્યક્તિએ ફૉર્મ ભર્યું હોય તેના ઘરની આસપાસ આડોશ-પાડોશમાં તપાસ કરીએ છીએ જેથી ખબર પડે કે ખરેખર જરૂરિયાતવાળા છે કે નહીં. આ ઉપરાંત લાઇટબિલ કેટલું આવે છે, કાર છે કે નહીં એ સહિતની બાબતોની પણ તપાસ કરીએ છીએ. વાલી સાથે બેસીને તે કેટલી ફી કાઢી શકે છે એ વિશે જાણીને બીજી ખૂટતી ફી અમે ભરીએ છીએ જેથી વધુ વિદ્યાર્થીઓ સુધી મદદ પહોંચી શકે. આ ઉપરાંત સ્કૂલના સંચાલકોને પણ ફી ઓછી કરવા માટે સમજાવીએ છીએ. આમ કરીને બાકીની ફી અમારું મંડળ ભરી દે છે. જે વિદ્યાર્થીનાં માતા-પિતા ન હોય તેમની ફી તરત જ ભરી દઈએ છીએ.’