અથશ્રી સ્વાસ્થ્ય કથા: કહો જોઈએ, તમે દિવસમાં કેટલો સમય તમારી જાતને આપવા માટે સમર્થ છો?

26 May, 2022 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમારે તમારા માટે સમય કાઢવાનો છે અને એ પણ વધારે નહીં, ૩૦થી ૩૫ મિનિટ

મિડ-ડે લોગો

કોઈ દલીલ કરવાની નથી અને કોઈ જાતનો તર્ક પણ લગાવવાનો નથી. એવી ચર્ચા પણ નથી કરવાની કે સમય જ નથી મળતો અને એવું પણ નથી દેખાડવાનું કે ઢગલાબંધ જવાબદારીઓ તમારી પાસે છે. જગત આખા પાસે જવાબદારી છે અને એટલે જ તમારી પાસે પણ જવાબદારીઓ છે. બસ, આનાથી વિશેષ કશું નથી એટલે એવું માનવાનો કે પછી એવી વાતના ભ્રમમાં રહેવાનો કોઈ અર્થ સરવાનો નથી કે તમે તમારી જાત માટે સમય આપી શકવાના નથી. ના, ના અને ના જ. તમારો સમય છે, એને કેવી રીતે વાપરવો અને કેટલો વાપરવો એ તમારે જ નક્કી કરવાનું છે. માન્યું કે વ્યસ્તતા હવે વધી છે, પણ વધી રહેલી વ્યસ્તતા વચ્ચે એ સમજવાની જરૂર છે કે મોટા ભાગનો સમય તો ફાલતુમાં જ પસાર થતો હોય છે. સમયને બચાવતાં શીખો, સમયનું રૅશનિંગ કરતાં શીખો. આવશ્યક છે આ. 
તમારે તમારા માટે સમય કાઢવાનો છે અને એ પણ વધારે નહીં, ૩૦થી ૩૫ મિનિટ. વધી રહેલી સુવિધા વચ્ચે આળસને પ્રાધાન્ય આપવાને બદલે જો સ્વાસ્થ્ય માટે સમય ખર્ચવામાં આવશે તો એ ચોક્કસ લાભદાયી બનશે. જરૂરી નથી કે મેડિકલ સાયન્સ આગળ વધી ગયું એટલે તમારે બેદરકારી દાખવવાની. ના, જરા પણ જરૂરી નથી. યોગ કરો, એક્સરસાઇઝ કરો, જિમમાં જાઓ, વૉક કરવા જાઓ કે પછી એવું લાગે તો જૉગિંગ કે રનિંગ માટે જાઓ. યોગ્ય વ્યક્તિની સલાહ લઈને જે થઈ શકે અને જે કરવાનું મન થતું હોય એ કરો, પણ સ્વાસ્થ્ય માટે કશુંક કરો.
સુવિધા હંમેશાં સમય બચાવવાનું કામ કરે છે. જરા વિચારો, પહેલાં બળદગાડાં હતાં, પણ પછી બસ અને ટ્રેન આવ્યાં તો સમય બચ્યો. એ પછી પ્લેન આવ્યાં તો વધારે સમય બચ્યો. આજે ઇન્ટરનેટના કારણે સમય બચે છે અને એ પછી પણ આપણી ફરિયાદ એ જ છે કે આપણી પાસે સમય નથી બચતો. હકીકત એ છે કે સુવિધાની સાથે આપણે સમયને બેદરકારીથી ખર્ચતા થયા છીએ અને એને લીધે હવે સમય બચતો નથી. પૂરતી સભાનતા લાવો અને એ સભાનતા સાથે સમય ક્યાં ખર્ચાય છે એ જોઈને એનો વેડફાટ અટકાવો. સ્વાસ્થ્ય માટે જાગ્રત થવું ખૂબ જ આવશ્યક છે. આજે લાવવામાં આવેલી જાગૃતિ આવતી કાલને સુધારવાનું કામ કરે છે. એક સમય હતો કે માણસની તંદુરસ્તીનો આંક ઊંચો હતો અને આજે એવો સમય આવ્યો છે કે આ આંક સાવ તળિયે જઈને બેસી ગયો છે. દસમાંથી સાતનાં પેટ બહાર આવી ગયાં છે અને આ સાતમાંથી ચારના હાર્ટનો પલ્સરેટ ખરાબ છે. આપણે મોતને આવકારી રહ્યા છીએ. હું તો અહીં પણ કહીશ કે જો મોતને જ આવકારતા હો તો વાંધો નથી, પણ જો તમે માંદગીને આવકારતા હો તો એ ખોટું છે. તમારી નાદુરસ્ત તબિયત તમારી બચતને ખતમ કરવાનું કામ કરે છે અને સાથોસાથ તમારા ફૅમિલી-મેમ્બરને હેરાન પણ કરે છે અને દુખી પણ કરે છે. ઘરના પુરુષોએ જ નહીં, ઘરના એકેએક સભ્યએ આ બાબતમાં જાગૃતિ લાવવાની જરૂર છે અને એ માટે ખરેખર સૌકોઈએ સુધરવાની જરૂર છે. કિચનનો કબજો જેના હાથમાં છે તેણે પણ આ બાબતમાં સજાગ થવાની જરૂર છે. હું કહીશ કે સૌથી પહેલાં તેણે જ સજાગ થવાનું છે.

columnists manoj joshi