રેસિન આર્ટથી કઈ રીતે શરૂ થઈ આ વુમન ઑન્ટ્રપ્રનરની યાત્રા?

07 December, 2021 12:26 PM IST  |  Mumbai | Ruchita Shah

પોતાની યુનિક આર્ટ સેન્સ અને આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની ક્ષમતા બદલ ‘વિઝન આર્ટ’ કૅટેગરીમાં શી ધ પીપલ સંસ્થા દ્વારા ડિજિટલ અવૉર્ડથી સન્માનિત થયેલી માધવી અડાલજાએ લૉકડાઉન પછી શરૂ કરેલા સ્ટાર્ટઅપે કયા કારણસર ઝડપ પકડી છે એનાં કારણો જાણવા જેવાં છે

રેસિન આર્ટથી કઈ રીતે શરૂ થઈ આ વુમન ઑન્ટ્રપ્રનરની યાત્રા?

તાજેતરમાં શી ધ પીપલ ઑર્ગેનાઇઝેશન દ્વારા વિઝન આર્ટમાં વુમન ઑન્ટ્રપ્રનર તરીકે અવૉર્ડ મેળવનારી માધવી અડાલજાએ જ્યારે પોતાની યાત્રા શરૂ કરી ત્યારે તેને અંદાજ પણ નહોતો કે ક્યાં પહોંચાશે. માધવીએ હોમ ડેકોરની દુનિયામાં નવો ચીલો ચાતર્યો છે. જે રેસિન આર્ટને અત્યાર સુધી આપણે ત્યાં નાના-નાના વૉલપીસ બનાવવામાં મર્યાદિત રખાઈ હતી એને માધવીએ મોટા અને વિશાળ કૅન્વસ પર અપ્લાય કર્યું. તેણે રેસિન આર્ટ સાથે ટેબલ બનાવ્યાં, દરવાજા બનાવ્યા, દરવાજાનાં હૅન્ડલ બનાવ્યાં. જોકે આવું પણ બની શકે એવો વિચાર જ્યારે તેણે લોકો સમક્ષ મૂક્યો ત્યારે કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. મોટા-મોટા આર્કિટેક્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનરો માટે પણ આ ઇમૅજિન કરવું અઘરું હતું. પોતાની કલ્પનાને તેણે વાસ્તવિક ઓપ કેવી રીતે આપ્યો અને એ દિશામાં તે કેવી રીતે આગળ વધી એ વિશે આજે વાત કરીએ. 
શોખ હતો માત્ર
ડ્રૉઇંગમાં માધવીની પહેલેથી જ માસ્ટરી હતી. તે કહે છે, ‘પેઇન્ટિંગ્સનો શોખ હતો, પણ એ માત્ર હૉબી પૂરતું જ મર્યાદિત હતું. વર્ષો સુધી મેં ફિલ્મોમાં કૉસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું. દોઢસોથી વધુ ફિલ્મો માટે ડ્રેસ ડિઝાઇન કર્યા. જોકે ક્યાંકને ક્યાંક એમાં કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું એટલે એ કામ છોડી દીધું.’
માધવી ગુજરાતી સાહિત્યનાં માનવંતા લેખિકા વર્ષા અડાલજાની દીકરી છે પરંતુ લેખનમાં ક્યારેય કોઈ રસ નથી પડ્યો. તે કહે છે, ‘હું ચિત્રોથી પોતાની જાતને વ્યક્ત કરતી હતી. વચ્ચે થોડોક સમય કામમાંથી બ્રેક લીધો પછી પેઇન્ટિંગમાં જોર પકડ્યું. એ દરમ્યાન લાંબા સમયથી રેસિન આર્ટ તરફ ધ્યાન ખેંચાયું હતું. યુટ્યુબ પર જર્મનીની એક મહિલા દ્વારા રેસિન આર્ટના વિડિયો અપલોડ થતાં એને ફૉલો કરતી. અગેઇન આ પણ માત્ર શોખ ખાતર. ગમતું હતું પણ એને કોઈ રીતે હું શરૂ કરીશ કે એના બેઝ પર મારી ઑન્ટ્રપ્રનર તરીકેની જર્ની શરૂ થશે એવું તો સપનામાંય નહોતું. બન્યું એવું કે એક દિવસ સોશ્યલ મીડિયા પર રેસિનની એક વર્કશૉપની ઍડ જોઈ અને મેં મમ્મીને પૂછ્યું કે હું કરું આ વર્કશૉપ અટેન્ડ? તેની તો ના હોય જ નહીં. તેણે મને વધુ પ્રોત્સાહિત કરી. એ બેઝિક વર્કશૉપ અટેન્ડ કર્યા પછી જ લૉકડાઉન આવ્યું અને બસ, મને કામ મળી ગયું. લગભગ આઠેક મહિના સુધી ઘરે રહીને રેસિન આર્ટના જાતજાતના અખતરાઓ મેં કર્યા છે. સામગ્રી ઓછી હતી, દુકાનો પણ બંધ કે સામગ્રી મેળવી શકાય છતાં મારા અખતરા જુદી-જુદી રીતે ચાલુ રહ્યા. નુકસાન થયું, વસ્તુઓ બગડી પણ ખરી પરંતુ મેં એ સમયમાં ભરપૂર એન્જૉય કર્યું અને એમાં જ મને લાગ્યું કે આ તો લોકોના જીવનમાં પણ સુંદરતા ભરી શકે છે અને મેં શરૂ કર્યું હોમડેકોરમાં રેસિન આર્ટને અપ્લાય કરવાનું.’

પહેલી સમસ્યા
માધવી પોતે સમજી ગઈ હતી કે તેણે શું કરવું છે અને એ તે કઈ રીતે કરશે પરંતુ લોકો માટે તો આ સાવ નવું હતું એટલે તેની શબ્દોની ભાષા લોકોને સમજાતી નહોતી. તેથી તેણે સૅમ્પલ બનાવવાનું શરૂ કર્યું. તે કહે છે, ‘રેસિનથી સ્ટડી ટેબલ બની શકે કે તમારા ઘરના દરવાજામાં રેસિન આર્ટ સરસ લુક આપશે અથવા તમારા ઇન્ટીરિયરના કલર સાથે મૅચ થાય એવા એલિગન્ટ ફર્નિચરને આ આર્ટની મદદથી બનાવી શકાય આ વાત હું લોકોને સમજાવતી, પણ કોઈને સમજાતી નહીં. હોમ ડેકોરના ફીલ્ડમાં રહેલા લોકોને પણ નહીં. એટલે જ મેં ઘરમાં રહેલી વસ્તુઓ સાથે આ આર્ટને જોડીને સૅમ્પલ્સ બનાવવાનું શરૂ કર્યું. હું જે વસ્તુઓ પર એને અપ્લાય કરવા માગતી હતી એ પ્રમાણમાં મોટી વસ્તુઓ હતી જેમાં વધુ મટીરિયલ અને અકલ્પનીય મહેનત લાગે. મારી સાથે કાર્પેન્ટર જેવા કારીગરોની ટીમ પણ હોય એ જરૂરી હતું. મારા ઘરના લિવિંગ રૂમ એટલે કે હૉલને જ મેં મારી વર્કશૉપ બનાવી દીધી. રેસિનમાં વપરાતાં કેમિકલ જો ફેફસામાં પહોંચે તો ટૉક્સિક હોવાને કારણે મોટું નુકસાન કરી શકે છે. એટલે હાથમાં ગ્લવ્ઝ અને માસ્ક પહેરીને જ આ કામ કરવું પડતું હોય છે. નવ ફુટના દરવાજા પર રેસિન આર્ટ ચાલી શકે એ લોકોને સૅમ્પલ જોયા પછી ગળે ઊતર્યું. માર્બલના ટેબલ જેવી ઇફેક્ટ આ આર્ટથી આવી શકે એ મેં કામ થકી સમજાવ્યું. અનુભવે સમજાયું કે રેસિન આર્ટમાં અત્યારે સ્કાય ઇઝ ધ લિમિટ છે.’
ભૂલો પણ કરી
આ કામ શરૂ કરવા માટે મારી લગભગ બધી જ મૂડી મેં લગાવી દીધી હતી એટલે રિસ્ક તો હતું પણ એની જ મજા પણ હતી એમ જણાવીને માધવી કહે છે, ‘જ્યારે રૉ મટીરિયલ મોંઘું હોય ત્યારે ભૂલોને કારણે થતું નુકસાન પણ વધારે હોય. મારા કેસમાં એવી ભૂલો થઈ જેમાં મેં ધાર્યું હોય એના કરતાં વધારે મટીરિયલ યુઝ થયું હોય પણ ઑર્ડર લેતી વખતે મેં ઓછાની ગણતરી રાખી હોય. એની ભરપાઈ પોતાના ખિસ્સામાંથી કરવાની આવી હોય. આવી ભૂલો જ તમારી સાચી ટીચર હોય છે. બે વસ્તુ હું મારી જર્નીમાંથી શીખી જે હું દરેકને કહીશ, કારણ કે દરેક માટે એ કૉમન છે. એક તો એ કે જો તમને લાગે છે કે અમુક બાબતો શક્ય છે અને પછી ભલે આખી દુનિયાને એ અશક્ય લાગે તો પણ એનો કેડો મૂકો નહીં. તમારી માન્યતાને વાસ્તવિક સ્વરૂપ આપવાના બધા જ પ્રયાસો કરો. તમને લાગે છે કે ફલાણી બાબત શક્ય છે તો એ શક્ય છે જ. દુનિયા શું માને છે એ વિચારવાની જરૂર નથી. બસ, તમારા પ્રયાસો નિષ્ઠાવાન હોવા જોઈએ. બીજું, ભૂલોથી ગભરાઓ નહીં. નિષ્ફળતાને શીખની દૃષ્ટિએ જોશો તો ક્યારેય પાછા નહીં પડો. મને લાગે છે કે આ કાર્યમાં મને મારી જાત પરનો વિશ્વાસ અને મારી મમ્મીએ મારા પર મૂકેલો વિશ્વાસ મને ખૂબ કામ લાગ્યો છે. વિશ્વાસ પાકો હોય એ પછી સખત અને સતત પરિશ્રમ સાથે આગળ વધો તો તમે જે ધાર્યું હોય એ થાય, થાય અને થાય જ.’

ઘણું બાકી હજી
માધવી અડાલજા નામે જ કંપની શરૂ કર્યા પછી હવે એના હેઠળ ઘણા પ્રોજેક્ટ પર માધવીએ કામ શરૂ કરી દીધું છે. જોકે આ એક જ કામ તેઓ કરે છે એવું નથી. પોતાના વિસ્તારનાં રખડતાં અને રઝળતાં પશુઓને ખવડાવવાની જવાબદારી પણ તેમણે ઉપાડી લીધી છે. પોતાની આવકનો પણ સારોએવો હિસ્સો માધવી આ મૂંગાં પશુઓ પાછળ વાપરે છે. તે કહે છે, ‘આ મૂંગાં પશુઓના આશીર્વાદ પણ છે જેણે હંમેશાં મને હિંમત પણ આપી છે અને આગળ વધતા રહેવા માટે પ્રેરણા પણ. એક વાત મને સમજાઈ છે કે પહેલાં તમે તમારા મનમાં હારતા હો છો, પછી બહાર. એટલે મનમાં ક્યારેય ડરને કે નિષ્ફળતાને તમારા પર ટેકઓવર નહીં કરવા દો. તમે જે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો એ 
કદાચ દરેક જણ વિઝ્યુઅલાઇઝ ન પણ કરી શકે. મારાથી આ તો નહીં જ થાય એવી વાત જ મગજમાં ન આવવી જોઈએ. દરેક બદલાવ માટે તમારા મનમાં આવકાર અને સ્વીકાર હશે તો જીવવાની મજા પણ આવશે અને અનેક નવી બાબતો તમે કરી શકશો.’

 નવ ફુટના દરવાજા પર રેસિન આર્ટ ચાલી શકે એ લોકોને માધવીબહેનનાં સૅમ્પલ જોયા પછી ગળે 
ઊતર્યું.

columnists ruchita shah