ચિત્તા રિટર્ન્સ

18 September, 2022 08:19 AM IST  |  Mumbai | Aashutosh Desai

સાત દાયકા બાદ ભારતની ભૂમિ પર ગઈ કાલે ચિત્તાનાં પગરણ મંડાયાં. નામિબિયાથી આવેલા આ ૮ આફ્રિકન ચિત્તા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે ત્યારે જાણીએ ચિત્તા મધ્ય પ્રદેશના કુનો અભયારણ્ય સુધી પહોંચ્યા કઈ રીતે? એને સાચવવા, એનું સંવર્ધન કરવાનો પ્લાન શું?

તસવીર સૌજન્ય : એ.એન.આઇ

૭૦ વર્ષ બાદ ફરી એક વાર ભારતની ભૂમિ પર ચિત્તાનું આગમન થઈ રહ્યું છે. તમે ‘કૌન બનેગા કરોડપતિ’ જુઓ છો? ગયા મંગળવારે જ બચ્ચનજીએ ૭૫ લાખ રૂપિયાના સ્વર્ણદ્વાર માટે એક સ્પર્ધકને પ્રશ્ન પૂછ્યો હતો! પ્રશ્ન કંઈક એવો હતો કે ‘૧૯૪૭ની સાલમાં કોરિયાના મહારાજા દ્વારા ભારતમાં એવા કયા પ્રાણીનો શિકાર કરવામાં આવ્યો હતો જે જાણકારીની દૃષ્ટિએ ભારતમાંથી લુપ્ત થઈ રહી હતી.’ સ્પર્ધકને પોતાના જવાબ માટે આત્મવિશ્વાસ નહોતો. આથી તેણે રમતમાંથી ક્વિટ કરવાનો નિર્ણય કર્યો એ અલગ વાત છે, પરંતુ આ પ્રશ્નનો જવાબ હતો ‘એશિયાઈ ચિત્તા.’
આ વાત હમણાં એટલા માટે નીકળી, કારણ કે ગઈ કાલે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ હતો અને તેમની વર્ષગાંઠના દિવસે તેમણે નામિબિયાથી સ્થળાંતર કરાયેલા ૮ ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં રીઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. તમને ખબર છે આખાય એશિયામાં એશિયાઈ ચિત્તાની સંખ્યા હવે માત્ર ૫૦ જેટલી જ રહી ગઈ છે. પહેલાં જે એશિયાઈ ચિત્તા હજારોની સંખ્યામાં હતા એ હવે માત્ર ઈરાનમાં જોવા મળે છે અને એ પણ માત્ર ૫૦ રહી ગયા છે. કહેવાય છે કે એક સમય એવો હતો જ્યારે ભારતમાં હજારો ચિત્તા હતા. મોગલ સમ્રાટ અકબર પાસે એ સમયે એક હજાર ચિત્તા હતા એમ કહેવાય છે. તો ધારણા કરો કે આખાય ભારતમાં તો કેટલા હશે! પરંતુ રાજવીઓની શિકારની પ્રવૃત્તિ અને ત્યાર બાદ વિશ્વકક્ષાએ ચર્મના કાનૂની અને ગેરકાનૂની ઉદ્યોગને કારણે આડેધડ શિકાર થતા રહ્યા અને એશિયાઈ ચિત્તા જેવા શિકારી પ્રાણીની પ્રજાતિ આપણા દેશમાંથી લુપ્ત થઈ ગઈ.

ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે માતરમની પણ સ્પર્ધા કરી શકે એટલી ઝડપથી દોડી શકતા ચિત્તાને ફરી ભારત આવતાં છેક ૭૦ વર્ષ જેટલો સમય લાગી ગયો, પણ ‘દેર આયે દુરુસ્ત આયે’. તમે આ લેખ વાંચી રહ્યા છો ત્યાં સુધી મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્ક તેમના ચિત્તાના હુંકારથી ગાજવા પણ માંડ્યો હશે.

કુનો નૅશનલ પાર્ક છે બેસ્ટ

એક સમય એવો હતો જ્યારે વીંધ્યના પહાડો વચ્ચે ૭૫૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ કુનો નૅશનલ પાર્કમાં સિંહ, વાઘ અને દીપડાની સાથે ચિત્તા પણ વસતા હતા. સવાનાહનાં જંગલોની જેમ જ અહીં ઘાસનાં વિશાળ મેદાન છે. ચિત્તાને દોડવા માટે, શિકાર કરવા માટે એક પર્ફેક્ટ ડેસ્ટિનેશન. કહેવાય છે કે કુનોનાં જંગલો લગભગ બધી રીતે આફ્રિકાનાં જંગલોને મળતાં આવે છે. અહીંનું વાતાવરણ, પાણીની કુદરતી વ્યવસ્થા અને ઘાસનાં મેદાનોની સાથે ઘનઘોર જંગલ વન્ય પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને જંગલી શિકારી પ્રાણીઓ માટે ખૂબ અનુકૂળ છે.
શરૂઆતના ત્રણ મહિના જેટલો સમય ચિત્તાને ૫૦૦ હેક્ટરના એક સુરક્ષિત વિસ્તારમાં રાખવામાં આવશે, જેથી ભારતના વાતાવરણ અને હવામાન સાથે એ સુખરૂપ ભળી શકે છે કે નહીં એ વિશે નજર રાખી શકાય. ત્યાર બાદ તેમને ખુલ્લા જંગલમાં છોડી મૂકવામાં આવશે. એટલું જ નહીં, દીપડાઓને કારણે ચિત્તાને કોઈ મુશ્કેલી નહીં નડે એ માટે ૫૦ જેટલા દીપડાઓને કુનો નૅશનલ પાર્કમાંથી હટાવી રીલૉકેટ કરવામાં આવ્યા છે.

ચિત્તા કઈ રીતે ભારત આવ્યા?

ઘટનાક્રમ કંઈક એવો હતો કે નામિબિયાના નાયબ વડા પ્રધાન, આંતરરાષ્ટ્રીય સંબંધ પ્રધાન નેતુંબુ નંદી ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની ભારતના પર્યાવરણ, જળ અને વનપ્રધાન ભૂપેન્દ્ર યાદવ સાથે એક બેઠક આયોજિત કરવામાં આવી હતી. બન્ને દેશો વચ્ચે વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી એવા આફ્રિકી ચિત્તાને ભારત લાવવાની વાત હતી. જોકે આ એક એવી જટિલ બાબત હતી, જે બે દેશના પ્રધાનો માત્ર નક્કી કરી નાખે એથી શક્ય થઈ જવાની નહોતી. જે પ્રાણીઓને એક જંગલમાંથી ઉઠાવી બીજા જંગલમાં સ્થાયી કરવાનો વિચાર થઈ રહ્યો હતો એમને એ દેશ, એની આબોહવા, એના વાતાવરણ જેવી અનેક બાબતો માફક આવવી પણ જરૂરી હતું. એ દેશની જનતા એને અપનાવવા માટે તૈયાર હોય એ પણ એટલું જ જરૂરી હતું. સૌથી મહત્ત્વની વાત, જે પ્રાણીઓનું આ પ્રધાનો સ્થળાંતર કરાવવાનું વિચારી રહ્યા હતા એ પ્રજાતિની સંખ્યા દિવસે-દિવસે ઘટતી જઈ રહી હતી. આથી સ્થળાંતરના નિર્ણયને કારણે એ પ્રાણીઓને પણ કોઈ નુકસાન નહીં થાય એ ખાતરી કરવી પણ એટલું જ જરૂરી હતું.

તો કરવું શું? બે વર્ષ પહેલાં નામિબિયાના ઍનિમલ એક્સપર્ટથી લઈને સાયન્ટિસ્ટ અને ફૉરેસ્ટ ઑફિસર્સથી લઈને લેપર્ડ ડૉક્ટર્સ સુધીની અનેક હસ્તીઓને ભારત અને એમાંય ખાસ તો કુનો નૅશનલ પાર્ક આવીને જરૂરી અભ્યાસ અને તપાસ કરવાનું કહેવામાં આવ્યું. તેમણે મધ્ય પ્રદેશના કુનો વિસ્તારમાં રહીને અહીંની આબોહવા, વાતાવરણ અને વન-વિભાગથી લઈને વન-અધિકારીઓ સુધીની અનેક બાબતોનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ બાદ જ્યારે આ એક્સપર્ટે લીલી ઝંડી દેખાડી અને ભારતે ચિત્તાને નવું ઘર આપવા બાબતે વિશ્વાસ સંપાદન કર્યો ત્યાર બાદ નૅશનલ ટાઇગર કન્ઝર્વેટિવ ઑથોરિટી (NTCA) દ્વારા નામિબિયા સરકાર સાથે મળી એવો નિર્ણય કરવામાં આવ્યો કે નામિબિયાથી આવતાં પાંચ વર્ષમાં કુલ ૫૦ ચિત્તાને ભારત લાવવામાં આવશે.

આ વાટાઘાટોમાં એક મોટી મુશ્કેલી એ હતી કે નામિબિયાના કાયદા અનુસાર ચિત્તાને કેદમાં રાખી એમનું બ્રીડિંગ કરાવવું ગેરકાનૂની છે. આથી ભારત લાવવા માટે ત્યાં ચિત્તાને કેદમાં રાખી એમનું બ્રીડિંગ કરાવવામાં આવે એવું શક્ય નહોતું. તો કરવું શું? આ બાબતનો એક જ સીધો અને સરળ ઉપાય એ હતો કે જંગલી ચિત્તાને સીધેસીધા ભારત લાવવામાં આવે. એમને એમનું કુદરતી જીવન જીવવા માટેની સહુલિયત ઊભી કરી આપવામાં આવે અને કુદરતી રીતે જ એમની વસ્તી વધે એ માટેના પ્રયત્નો થાય. આખરે નામિબિયા સાથે વારંવાર થતા રહેલા સંવાદો અને મીટિંગ્સનું પરિણામ એ આવ્યું કે નામિબિયા સરકાર તેમનાં જંગલોમાંથી હાલમાં ૮ ચિત્તા પકડીને ભારત મોકલવા માટે રાજી થઈ. એટલું જ નહીં, સાઉથ આફ્રિકા સાથે પણ ભારત સરકારની વાટાઘાટો ચાલુ છે અને ચિત્તાને જો એમનું આ નવું નિવાસસ્થાન માફક આવી ગયું તો ત્યાંથી બીજા ૧૨ ચિત્તા દેશમાં લાવવામાં આવશે.

ભારતીય ઇતિહાસ શું છે?

ચિત્તાની મુખ્યત્વે બે પ્રજાતિ છે. એક એશિયાઈ ચિત્તા અને બીજા આફ્રિકી ચિત્તા. ભારતમાં વર્ષો પહેલાં જે ચિત્તા હતા એ સ્વાભાવિક છે એશિયાઈ ચિત્તા જ હતા. આજે તો હવે માત્ર ૫૦ જેટલા જ, કદાચ એથી પણ ઓછા એશિયાઈ ચિત્તા રહી ગયા છે અને એ પણ એશિયામાં માત્ર ઈરાનમાં જ છે. અલબત્ત, ઈરાન સાથે પણ ભારતે ભૂતકાળમાં વાટાઘાટો કરી જ હતી અને એશિયાઈ ચિત્તાને મૂળ નિવાસસ્થાન ભારત પાછું મળે એ માટેના પ્રયત્નો પણ થયા જ હતા, પરંતુ એ વાટાઘાટોનું કોઈ ફળદ્રુપ પરિણામ નહીં આવ્યું અને ઈરાન આ લુપ્ત થઈ રહેલી પ્રજાતિના ચિત્તા ભારત મોકલવા તૈયાર ન થયું.

પણ જે એશિયાઈ ચિત્તાની સંખ્યા વર્ષો પહેલાં ભારતમાં પણ હજારોમાં હતી એ ૧૯૫૨માં લુપ્ત થઈ ગયેલી પ્રજાતિ તરીકે સરકારે જાહેર કરવી પડી, જેની પાછળનાં અનેક કારણો છે. ઈરાન સાથે પણ વાતચીતનું પરિણામ સકારાત્મક નહીં આવવા પાછળનું એક કારણ એ જ છે કે આ ચિત્તાની સંખ્યા હવે નહીંવત્ રહી ગઈ છે. જોકે આફ્રિકન ચિત્તા હાલમાં વિશ્વમાં માત્ર ૮૦૦૦ જેટલા જ બચ્યા છે. ભારતમાં વધતી જતી વસ્તી અને ખાસ કરીને ચિત્તા અને વાઘનો એ સમયે જબરદસ્ત મોટા પ્રમાણમાં થતો રહેલો શિકાર. આ બે બાબત એવી છે જેણે ચિત્તાનું દેશમાંથી નિકંદન કાઢી નાખ્યું. આફ્રિકન ચિત્તાના પ્રમાણમાં કદમાં થોડા નાના એવા એશિયાઈ ચિત્તાનો શિકાર કરવો એ સમયે એક અભિમાન લેવા જેવી બાબત ગણાતી હતી. રાજવી કુટુંબો ચિત્તાનો શિકાર કરી જાણે પોતાનાં પરાક્રમોની યાદીમાં ગૌરવભેર એનો ઉમેરો કરતા હતા. પહેલાંનો સમય કંઈક એવો હતો કે હરણનો શિકાર કરવા માટે રાજવીઓ ચિત્તા પાળતા હતા, પણ ૧૯મી સદી આવતાં-આવતાં ચિત્તાની સંખ્યા દેશમાં ખૂબ ઝડપથી ઘટવા માંડી, જે માટેનું મુખ્ય કારણ એ હતું કે મહેમાન થઈને આવેલા અંગ્રેજોને ઇમ્પ્રેસ કરવા માટે રાજાઓ ચિત્તાના શિકાર પર જવા માંડ્યા. ક્યારેક કોઈક અંગ્રેજને સાથે લઈને તો ક્યારેક કોઈ અંગ્રેજને ચિત્તાનો શિકાર કરી લાવી ઇમ્પ્રેસ કરી દેવાના આશયને લઈને ચિત્તાનું નિકંદન કાઢી નાખવાની પ્રવૃત્તિઓ થતી રહી. દેશના છેલ્લા ચિત્તાનું મૃત્યુ કઈ રીતે થયું એ વિશે બે અલગ-અલગ કહાની પ્રચલિત છે. બૉમ્બે નૅચરલ ડિસ્ટ્રિક્ટ સોસાયટીના દિવ્યભાનુ સિંહના કહેવા મુજબ ૧૯૪૭માં છેલ્લા ચાર ચિત્તાઓને હાલના છત્તીસગઢમાં આવેલા સરગુજાના મહારાજા રામાનુજ પ્રતાપ સિંહે મારી નાખ્યા હતા. આ એ જ રામાનુજ પ્રતાપ સિંહ હતા જેમના નામે ૧૩૬૦ વાઘને પણ શિકાર કરીને મારી નાખવાનો રેકૉર્ડ છે. જ્યારે બીજી એક કહાની કંઈક એવી પણ છે કે એ સમયે કોરિયાના રાજા ભારતના પ્રવાસે આવ્યા હતા અને તેમણે છેલ્લા ત્રણ ચિત્તાનો શિકાર કર્યો હતો.

પરંતુ ત્યાર બાદ પણ ભારતમાં ચિત્તા દેખાયા હતા. કહેવાય છે કે ૧૯૫૭ની સાલમાં હૈદરાબાદમાં એક છેલ્લો ચિત્તો દેખાયો હતો, જેનું કૂવામાં ડૂબી જવાને કારણે મૃત્યુ નીપજ્યું હતું. જોકે ૧૯૪૭માં ચિત્તાનો શિકાર થયા બાદ આખા દેશમાં એક પણ ચિત્તો નહીં મળવાને કારણે ૧૯૫૨ની સાલમાં ભારત સરકાર દ્વારા ચિત્તાની પ્રજાતિ ભારતમાં લુપ્ત થઈ ગઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

ચિત્તાનું રીઇન્ટ્રોડક્શન ફાયદાકારક

એક સમય એવો આવી ગયો હતો જ્યારે ભારતમાં વાઘની સંખ્યા પણ જોખમકારક સ્થિતિએ પહોંચી ગઈ હતી. ભારત સરકાર દ્વારા વાઘને લુપ્ત થતા બચાવવા માટે ઉઠાવાયેલી જહેમતનાં સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યાં. આપણી કુશળતા ફરી એક વાર કામે લગાડી ચિત્તાની લુપ્ત થઈ રહેલી પ્રજાતિને પણ સંભાળી લેવાના આશય સાથે આ કામ થઈ રહ્યું છે. ભારતમાં જ્યારે વાઘને બચાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે નોંધાયું કે એને કારણે વન્ય જીવનની બીજી પ્રજાતિઓને પણ ખૂબ ફાયદો થયો હતો. સાથે જ ટૂરિઝમ અને એમ્પ્લૉયમેન્ટના આંકડાઓમાં પણ ઘણો સારો સુધારો જોવા મળ્યો હતો. સાથે જ વન્ય જીવો માટેની સજાગતા અને સહાનુભૂતિ પણ વધે એ ઉદ્દેશ સાથે દેશમાં ચિત્તાનો વસવાટ કરાવવાની નેમ ભારત દ્વારા ઉઠાવવામાં આવી છે. આ પ્રવૃત્તિને કારણે એક લુપ્ત થઈ રહેલી પ્રજાતિને બચાવી લેવામાં અને એની વૃદ્ધિ કરાવવામાં ભારત પણ પોતાનું યોગદાન નોંધાવી શકે એ મહત્ત્વનું બની રહ્યું છે.
જવાબદારી આપણી છે!

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૨મી વર્ષગાંઠ, ૧૭ સપ્ટેમ્બર (ગઈ કાલ)ના દિવસે ગઈ ત્યારે વડા પ્રધાને તેમની વર્ષગાંઠના દિવસે ચિત્તા દેશમાં રીઇન્ટ્રોડ્યુસ કરીને દેશને ભેટ તો આપી જ છે, સાથે જ એક મોટી જવાબદારી પણ સોંપી છે કે આપણે આ સુંદર જીવની સુરક્ષા કરીએ અને એમની વસ્તી વધારવામાં મદદરૂપ થઈ માનવતાનું ઉદાહરણ તો આપીએ જ, સાથે વિશ્વને એ સંદેશ પણ આપી શકીએ કે આ પૃથ્વી પર દરેક જીવને જીવવાનો હક છે અને એક જીવ બીજા જીવને સુલભ જીવન માટેનું વાતાવરણ ઊભું કરી આપે. બધાં જ ક્ષેત્રે વિકાસની સાથે-સાથે બીજા જીવોના જીવન વિશેની સજાગતા એ પણ માનસિક અને સામાજિક જીવનના વિકાસનો જ એક ભાગ છે. એ આપણે જ સાબિત કરી દેખાડવું પડશે.

1957
આ સાલમાં હૈદરાબાદમાં એક છેલ્લો ચિત્તો દેખાયો હતો જે કૂવામાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. 

ભારતમાં ચિત્તા નહીં જીવી શકે

એવું નથી કે ભારતવાસીઓના આ પ્રયત્નને બધા વધાવી રહ્યા છે. વાલ્મીક થાપર જેવા ઇન્ડિયન કન્ઝર્વેશનિસ્ટનું કહેવું છે કે ‘આ આફ્રિકન ચિત્તા ભારતમાં જીવતા નહીં રહી શકે. ભારત એમને સાચવી શકે એવી કાબેલિયત જ નથી. તેમનું કહેવું છે કે ચિત્તાને સમજવા માટે તમારે એમની સાથે મહિનાઓ વિતાવવા પડે છે. એ કોઈ ટૉમી કૂતરો નથી કે એને ઘરે લાવી બેસાડી દીધો અને એ પાલતુ બની જશે. આ માટે એ દરેક સરકારી અધિકારી, વન-વિભાગના અધિકારી અને દરેક રિટાયર્ડ બ્યુરોક્રેટ્સને ટ્રેઇનિંગ લેવાની જરૂર પડશે, જેમણે દેશમાં ચિત્તા લઈ આવવાની ફૅન્સી પૉલિસીઓ અને ભ્રમણાઓ દેખાડી છે. દેશમાં બીજાં આટલાં પ્રાણીઓ છે જેને માટે કંઈ જ નથી થઈ રહ્યું અને હવે ચિત્તા દેશમાં લઈ આવવાની ફૅશન ઊપડી છે, પરંતુ આ ચિત્તા ભારતમાં ખૂબ ખરાબ રીતે મૃત્યુ પામશે. ભારત એમને નહીં સાચવી શકે.’

આફ્રિકી વાઘનો પ્રયોગ નિષ્ફળ

કુનો નૅશનલ પાર્કના અનુકૂળ વાતાવરણને કારણે જ આ પહેલાં પણ વિદેશી પ્રાણીઓને અહીં લાવી વસાવવાના પ્રયત્ન થયા હતા. ગ્વાલિયરના મહારાજા સિંધિયા દ્વારા આફ્રિકી વાઘને આ જ કુનોનાં જંગલોમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા. જ્યારે ભારત અંગ્રેજોની ગુલામી હેઠળ હતું અને લૉર્ડ કર્ઝન ભારતના વાઇસરૉય હતા ત્યારે તેમની સલાહ અને દેખરેખ હેઠળ ૧૦ આફ્રિકી વાઘ કુનો લાવવામાં આવ્યા હતા, પરંતુ એ સમય હજી આજના જેટલો ઝડપી ન હોવાથી ૧૦માંથી ૪ વાઘ તો સફર દરમ્યાન જ મૃત્યુ પામ્યા હતા. બાકીના ૬ વાઘ પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા આદમખોર બની ગયા હતા, જેને કારણે એમને મારી નાખવાની ફરજ પડી હતી.    

columnists india madhya pradesh