બને સંવિધાન : પક્ષ ચેન્જ કરનારા નેતાઓ પર અમુક સમય માટે જાહેર જીવન પર બૅન મુકાય

09 December, 2022 03:00 PM IST  |  Mumbai | Manoj Joshi

પક્ષ બદલવાનું પણ બને છે અને પક્ષ ટિકિટ ન આપે તો બળવો કરીને અપક્ષ બનવાનું પણ વારંવાર બને છે, પણ આ બંધ થવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આ મુદ્દા પર ગુજરાત અને હિમાચલ પ્રદેશનું રિઝલ્ટ આવી જાય એ પછી ચર્ચા કરવી હતી અને રિઝલ્ટ આવી ગયું.

પક્ષ બદલવાનું હવે છાશવારે બનતું રહે છે. પક્ષ બદલવાનું પણ બને છે અને પક્ષ ટિકિટ ન આપે તો બળવો કરીને અપક્ષ બનવાનું પણ વારંવાર બને છે, પણ આ બંધ થવું જોઈએ. સંવિધાનમાં એ પ્રકારની જોગવાઈ કરવાનો સમય આવી ગયો છે કે પક્ષ ચેન્જ કરનારા નેતાઓ પાંચ કે દસ વર્ષ માટે જાહેર જીવન સાથે જોડાયેલું એક પણ ઇલેક્શન ન લડી શકે એ પ્રકારનો પ્રતિબંધ મુકાવો જોઈએ. જે પ્રકારે આજે પક્ષપલટો ચાલ્યો છે એ જોતાં ખરેખર આપણને એવો વિચાર આવી જાય કે નીતિમત્તા અને સિદ્ધાંતનિષ્ઠાને આ લોકો કઈ ખાઈમાં નાખીને આવતા હશે. મહેશ ભટ્ટની ફિલ્મ ‘ઝખમ’નો એક ડાયલૉગ બહુ સરસ છે...

મા ઔર મુલ્ક બદલે નહીં જાતે.

આ જ વાતમાં હું ત્રીજા મુદ્દાને પણ ઉમેરીશ. મા, મુલ્ક અને મૂલ્ય આ ત્રણને બદલી ન શકાય. આજે તમે કૉન્ગ્રેસમાં બેસીને બીજેપીના સિદ્ધાંતોને ભાંડતા હો અને આવતી કાલે તમે બીજેપીમાં આવીને કૉન્ગ્રેસની સેક્યુલર નીતિને ધુતકારતા હો તો માણસે શું સમજવું? શું માનવું કે તમારી કઈ વાત સાચી?

ઍગ્રી કે માણસ એક જ વિચાર પર અકબંધ ન રહી શકે. સમય જતાં ઝાડ પણ જો મોટું બનતું હોય તો માણસની નીતિ પણ મોટી થઈ શકે અને મૂલ્યોમાં બદલાવ પણ આવી શકે, પણ એ બદલાવ જો તકવાદી હોય તો જરા પણ વાજબી નથી. તમને ટિકિટ ન મળી એટલે તમારે મન હિન્દુવાદ ખોટો થઈ જાય તો-તો સાહેબ, ધૂળ પડી તમારાં મૂલ્યોમાં અને તમારી નીતિમત્તામાં. જો તમને પદ ન મળે અને તમે કાલે સવારે કૉન્ગ્રેસની નીતિને ધુતકારતા થઈ જાઓ તો-તો તમારા જેવો તકવાદી કોઈ નથી અને આવા જે તકવાદીઓ છે એ તકવાદીઓની જ અહીં વાત થાય છે.

એવું સંવિધાન બને, એવો કાયદો બને કે પછી કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવે કે માણસ પક્ષ બદલી શકે, એ તેના મનની વાત છે, ઇચ્છાની વાત છે; પણ પક્ષ બદલે એટલે તેને કોઈ પદ આપી શકાય નહીં અને તે અમુક વર્ષો સુધી જાહેર જીવનનું એક પણ ઇલેક્શન લડી શકે નહીં. માણસ જો સાચી જ રીતે પાછો આવ્યો હશે તો ચોક્કસપણે તેને એ બાબતમાં વાંધો નહીં હોય; કારણ કે તે સિદ્ધાંત માટે આવ્યો છે, સત્તા સાથે તેને કંઈ લેવાદેવા નથી; પણ જો તેનો ભાવ જ સત્તા હોય તો પછી તે ચોક્કસ આ પ્રકારના સંવિધાનથી ડરશે અને કોઈ પણ પ્રકારના પક્ષપલટા વિશે વિચારતા પહેલાં સો વખત જાતને પૂછશે.

છેલ્લા થોડા સમયથી આ બહુ ચાલ્યું છે. લોકો એ રીતે પક્ષ બદલે છે જે રીતે હું અને તમે તો કપડાં સુધ્ધાં નથી બદલતા. રાજકોટના એક ભાઈ કૉન્ગ્રેસમાં હતા. પછી ત્યાંથી આમ આદમી પાર્ટીમાં ગયા અને પછી ત્યાંથી પાછા કૉન્ગ્રેસમાં આવ્યા. અરે ભલા માણસ, જેણે તારા પર ભરોસો મૂક્યો તેના ભરોસાનું શું? આ તો એવી વાત થઈ કે ભરોસો ગયો ભાદરના ડૅમમાં.

ના, હવે એ ન ચાલવું જોઈએ. હવે સંવિધાનમાં એવો સુધારો થવો જ જોઈએ, એવો ઉમેરો થવો જ જોઈએ જેથી આ પક્ષપલટુઓને આપણે સહન ન કરવા પડે.

columnists manoj joshi