આંગણે આવીને ચકલી ગાય છે

17 March, 2019 12:44 PM IST  |  | હિતેન આનંદપરા

આંગણે આવીને ચકલી ગાય છે

અર્ઝ કિયા હૈ

વર્ષ ૨૦૧૦થી ૨૦ માર્ચનો દિવસ વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઊજવવામાં આવે છે. શું કામ જરૂરિયાત થઈ આ દિવસ ઊજવવાની? જરાક સરવા કાન કરો તો તમને ખ્યાલ આવશે કે ચકલીનું ચીં ચીં ક્યાંક ખોવાઈ ગયું છે. ઘરની બારીએ આવીને કલબલાટ કરતી બે-ચાર ચકલીઓ હવે હવાફેર કરવા આવતી હોય એમ વરસના વચલે દહાડે દેખાય તો દેખાય. માનવવસાહતમાં જ પોતાનો માળો બાંધવાની જીદ પર અડેલી ચકલી એ ભૂલી જાય છે કે માણસજાત માટે સ્વાર્થ પહેલાં આવે અને સૃષ્ટિ પછી. ભરત વિંઝુડાનો શેર છે...

થઈ ગયું સાવ ચકલીનું ચીંચીંય ચૂપ
કો અજાણી જગ્યાએથી ઘુવડ રડ્યું!

ઘરની બહાર ગોખલામાં, ઘરની દીવાલોના બાકોરામાં, અભરાઈ ઉપર, નળિયા નીચેનાં પોલાણોમાં, ટ્યુબલાઇટની પટ્ટીઓમાં, ફોટોફ્રેમની પાછળ માળો બાંધવાનું કૌશલ ધરાવતી ચકલીની હાલત એવા બિલ્ડર જેવી છે જે ઇમારત બાંધવામાં હોશિયાર છે, પણ તેની પાસે પ્લૉટ જ નથી. શહેરમાં ઇમારતો કોઈ કન્યકા જેવી સુંદર બને છે, જેમાં ક્યાંય ખૂણા-ખાંચા રખાતા નથી. ગ્લાસની દીવાલો ધરાવતાં કમર્શિયલ મકાનોમાં પ્રવેશ મેળવવા પંખીઓએ પણ સિક્યૉરિટી ચેક-ઇન કરાવવું પડે. ગૌરાંગ ઠાકરની આ વાત શહેરને પલ્લે પડતી નથી...

ચકલીનો બંધાય માળો એટલે
આપણે બારી ઉઘાડી રાખીએ

બારી ઉઘાડી હોય, પણ એની બહાર બર્ડ-નેટ હોય એટલે ચકીબહેન પ્રવેશી શકે જ નહીં. ચકી ચોખા ખાંડે છે, ચકીબહેન ચકીબહેન મારી સાથે રમવા આવશો કે નહીં, એક હતો ચકો અને એક હતી ચકી - આવું બધું આપણી નજરની સામે જ વીસરાઈ રહ્યું છે. અત્યારે ચાલીસ-પચાસને આરે પહોંચેલી પેઢી ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો સાંભળી ઊછરી છે, પણ વીસીને આરે આવેલી પેઢી ચકા-ચકી સાથે રિલેટ કરી શકતી નથી. સુધીર પટેલ કહે છે એવી સંવેદના ક્યારની મરી પરવારી છે...

કેમ કોઈ ચકલુંયે ના બેસતું મારી ઉપર?
એ રીતે સામે ઊભેલા વૃક્ષની ઈર્ષા થતી

ચકલીને હાઉસ સ્પેરો, સ્પેનિશ સ્પેરો, સિંડ સ્પેરો, રસેટ સ્પેરો, ડેડ સી સ્પેરો અને ટ્રી સ્પેરો તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. ચકલી હિંદીભાષીઓમાં ગોરૈયા, તામિલનાડુમાં કુરુવી, તેલુગુમાં પિચુકા, કન્નડમાં ગુબ્બાચેહી, મરાઠીમાં ચિમની અને જમ્મુ-કાશ્મીરમાં ચેર તરીકે ઓળખાય છે.

બાળક બોલતું ન હોય તો તેને ચકલીનું પાણી પીવડાવો એટલે ચપરચપર બોલવા લાગશે એવી વાયકા નાનપણમાં સાંભળી હતી. સંજુ વાળા ચકલીની એક વિશેષ શૈલી પ્રત્યે નિર્દેશ કરે છે...

ધૂઆંધારથી ઓછું બીજું કંઈ ખપે નહિ
ધૂળમાં ન્હાતાં પહેલાં ચકલી શર્ત રાખશે

પોતાના સ્વાસ્થ્યની સંભાળ માટે પાણીમાં ને ધૂળમાં નહાતી ચકલીને જોવી એ પહેલા જ શોમાં રજનીકાંત કે અક્ષયકુમારની ફિલ્મ જોવાનો રોમાંચ ધરાવે છે. અંદરઅંદર ઝઘડતી જોઈએ તો લાગે હિન્દી સિરિયલની દેરાણી-જેઠાણી જેવું કેમ ઝઘડે છે? ચકલીનું અસ્તિત્વ તરવરાટથી સભર છે. ઈfવરે ચકલીમાં ઑન ટોઝ નામનું કોઈ તત્વ રાખ્યું છે. એ શાંત બેઠી હોય અને ક્યારે ઠેકડો મારી ચોંકાવી દે એની ખબર ન પડે. એના ઠેકડામાં આખી ઠકરાત સમાઈ જાય. નરેશ સોલંકી એની હયાતીમાં હરિવરની ભાળ જુએ છે...

ડાળ ડાળ પર બાળ બાળ થઈ
ચકલી ટોળું ધુમ્મસ કરતું
ગદ્ગદ થઈને જીવ ભળે છે
હજી વૃક્ષમાં વૃક્ષ જીવે છે

જેમ ભાણામાંથી રોટલો ગયો એમ બારી પરથી ચકલી ગઈ. આંગણું અદૃશ્ય થવાની સાથે ગોખલા પણ ગાયબ થયા. ઘરની અંદર અભરાઈઓ આથમી ચૂકી છે અને બૉક્સ કબાટની બોલબાલા છે. પહેલાં ઘર કે બગીચા ફરતે મેંદી, બોરડી, બાવળની વાડ કરવામાં આવતી. તેના કારણે કીટકો, ઈયળો આવે ને ચકલીને તેનો ખોરાક મળી રહે. હવે વાડને બદલે દીવાલો ચણાય છે. કરિયાણાની દુકાનો હવે બંધબારણે થતી જાય છે. એટલે ચોરીછૂપીથી જે જુવાર બાજરી ખાવા મળતી એ પણ ચકલીના નસીબમાંથી ગઈ. હજી એકાદ દાયકા પહેલાં નજરે ચડતું એક દૃશ્ય ઓઝલ થઈ ગયું છે એનો ખ્યાલ ખલીલ ધનતેજવીના આ શેર પરથી આવશે...

કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ
એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી

ચકલીનો સમાવેશ રેડ લિસ્ટમાં કરાયો છે. આ લિસ્ટમાં વિવિધ પ્રજાતિને વિલુપ્ત, વન-વિલુપ્ત, ઘોર સંકટગ્રસ્ત, સંકટગ્રસ્ત, અસુરક્ષિત, સંકટ-નિકટ વગેરે શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ચકલીની ઝડપભેર ઘટી રહેલી સંખ્યાને જોતા ચીં ચીંનું રામ રામ ક્યારે થઈ જશે એ કહેવાય નહીં. પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત વિવિધ ગ્રુપ્સ સતત પ્રયત્ન કરી રહ્યાં છે. ચકલી માટે પૂંઠામાંથી અને માટીમાંથી બનાવેલા તૈયાર માળા તથા એને પૂરતું ધાન મળી રહે એ રીતની બૉટલ બનાવી ગિફ્ટમાં આપવામાં આવે છે. આપણી સ્થિતિ કદાચ કોઈ અનાથ બાળકને દત્તક લેવાની ન હોય તો એક ચકલી દંપતીને જરૂર દત્તક લઈ શકીએ. અડધો સ્ક્વેર ફીટ જગ્યા અને મુઠ્ઠીભર ધાન તો આપણા બસમાં જરૂર છે. રાકેશ હાંસલિયાના શેર સાથે જોડાયેલું એક અંતરંગ સંવેદન હૃદયસ્પર્શી છે...

આંગણે આવીને ચકલી ગાય છે
દીકરીની યાદ તાજી થાય છે

આ પણ વાંચો : એ રીતે હું જાત ઓળંગી ગઈ

ક્યા બાત હૈ

અમથી અમથી તું ટીચે છે
એના ઉપર ચાંચ
આવ તને સમજાવું ચકલી
આ દર્પણનું સાચ
રોજ રોજ તું ભૂલી પડતી
આ ખોટા સરનામે
બિંબ જોઈને ઝૂર્યા કરતી
તું દર્પણની સામે
કોઈ નથી એ બીજું મ્હોરું
ખાલી છે આ કાચ
ડાળ ઉપરથી ચીંચીં કરતી
ઘૂમરાતી તું ઘેલી
વ્યાકુળ થઈને ખખડાવે છે
બંધ કરેલી ડેલી
કોઈ નથી ખોવાયું તારું
ના કર અમથી જાંચ
ફરફર ફરફર ફરક્યા કરતી
તારી કોમલ પાંખો
કોઈ નર્તકી જેમ નાચતી
તારી બન્ને આંખો
કોઈ નથી જોનારું અંદર
તારો સુંદર નાચ.
ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે
કૈંક અહીં છેવટમાં
લોહી નીગળતી ચાંચ રહે છે
અંતે અહીં ફોગટમાં
પથ્થર છે આ, નહીં આવે કંઈ
એને ઊની આંચ - જિતેન્દ્ર જોશી

columnists weekend guide