એ રીતે હું જાત ઓળંગી ગઈ

હિતેન આનંદપરા | Mar 10, 2019, 12:13 IST

મનમાં અનેક સપનાં લઈ વિસ્તરતું નારીત્વ કેટલા અંશે પોતાનાં સપનાંને પામી શકે એ પ્રત્યેકની પરિસ્થિતિ ઉપર અવલંબે છે. ‘ગલી બૉય’ ફિલ્મમાં ધારાવીની ઝૂંપડપટ્ટીમાં જિવાતી જિંદગી તાદૃશ્ય થઈ છે.

એ રીતે હું જાત ઓળંગી ગઈ

અર્ઝ કિયા હૈ

૮ માર્ચે વિશ્વ નારી દિન ઊજવવામાં આવ્યો. નારીશક્તિનું સન્માન કરતો આ દિવસ એની પીડામાં શરીક થવાની નિસબત પૂરી પાડે છે. આજની મહેફિલ કવયિત્રીની કલમને સમર્પિત કરીએ. રિન્કુ રાઠોડ શર્વરી વાસ્તવિક જિંદગીને આલેખતાં કહે છે...

જીવન વધારે કંઈ નથી, બસ વિઘ્નદોડ છે
ડગલે ને પગલે બસ નવા પડકાર આવશે

સ્ત્રીનું જીવન કેટલાય સ્તર પર વિકસતું હોય છે. અથર્વવેદ કહે છે, જ્યાં સ્ત્રીની પૂજા અને સેવા કરવામાં આવે, સન્માન આપવામાં આવે ત્યાં સ્વયં ઈશ્વર વાસ કરે છે. શ્લોકનો ભાવાર્થ ખરેખર ઉત્તમ છે, પણ આજની વાસ્તવિક પરિસ્થિતિ વિપરીત નિર્દેશ કરે છે. સ્ત્રી પરના અત્યાચારના કિસ્સાઓમાં સીરિયા, લીબિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન વગેરે દેશો સાથે ભારતનો પણ સમાવેશ થાય છે. એકવીસમી સદીમાં પણ સ્ત્રીને એક જણસ અને ગુલામ તરીકે જોવાની માનસિકતા મરી નથી. સંધ્યા ભટ્ટના શબ્દોમાં ગઈ કાલ અને આજ બન્ને પડઘાય છે...

ઝેરનાં પણ પારખાં કરતી રહી છે
એક મીરાં દર્દમાં તરતી રહી છે
શક્યતાઓ ગર્ભથી અવતારવાને
હા, જીવન માટે તો સ્ત્રી મરતી રહી છે

જીવમાંથી જીવ પ્રગટવાની ઘટના સ્વયં ચમત્કાર છે. એ માટે સાયુજ્ય સધાવું જોઈએ. એ માત્ર તનનું જ નહીં, મનનું પણ હોવું જોઈએ. ઉભય પક્ષે બન્ને જણ પરસ્પરનો ખ્યાલ રાખે તો સંસાર દીપી ઊઠે. આ સલાહ મહદ્ અંશે પુરુષ વર્ગને જ આપવાની થાય, કારણ કે મોટા ભાગના કિસ્સામાં સ્ત્રી જ નમતું મૂકતી હોય એવું જોવા મળે છે. દિવ્યા રાજેશ મોદીની આ વાત ગાંઠે બાંધવા જેવી છે...

પરસ્પર સ્નેહ ને યારી જરૂરી
મુહબ્બતમાં વફાદારી જરૂરી
સમજના દાયરામાં હું પ્રવેશી
હવે તારીય તૈયારી જરૂરી

પ્રેમ પરિપક્વ બને પછી એ દેહના દાયરાને પાર કરી નવી ઊંચાઈઓ આંબતો થઈ જાય. દામ્પત્યજીવનમાં સંચરતી પ્રત્યેક કન્યા અનેક સપનાં લઈને પગલાં માંડતી હોય છે. લગ્નજીવનને બે દાયકા થાય પછી ઘણા અણગમા ઓગળી ગયા હોય અને નિસબત નીખરી ચૂકી હોય. નાની-નાની વાતમાં ઝઘડતા બે જણ કોઈ મોટી વાતે પણ સહજતાથી સમાધાન શોધવાનું શીખી ગયા હોય. એ સમયે જો એક જણ શ્વાસનો સથવારો છોડી પેલે પાર ચાલી જાય તો ખાલીપો ઘેરી વળે. ગાયત્રી ભટ્ટ આવા જ કોઈ સંવેદનને નિરૂપે છે...

આંગળી ઝાલી મને ક્યાં લઈ ગયો’તો?
થઈ શરૂ મારી સફર, પણ તું હતો ક્યાં?
દોડવું’તૂં ખૂબ તારો હાથ ઝાલી
ને હતી ખુલ્લી ડગર, પણ તું હતો ક્યાં?

મનમાં અનેક સપનાં લઈ વિસ્તરતું નારીત્વ કેટલા અંશે પોતાનાં સપનાંને પામી શકે એ પ્રત્યેકની પરિસ્થિતિ ઉપર અવલંબે છે. ‘ગલી બૉય’ ફિલ્મમાં ધારાવીની ઝૂંપડપટ્ટીમાં જિવાતી જિંદગી તાદૃશ્ય થઈ છે. નાયક રણવીર સિંહનો પિતા બીજાં લગ્ન કરીને આવે છે ત્યારે મા-દીકરા પાસે આંચકા ખાવા સિવાય કોઈ આરો રહેતો નથી. અછતની આબોહવામાં જીવતી અને ચૂલામાં પોતાની જિંદગી હોમી દેતી સ્ત્રીની વ્યથા કરુણ છે. મૂળભૂત સુવિધાઓ માટે પણ ફાંફાં મારવાં પડે ત્યારે કેટલાંય સપનાં ગળું દબાવ્યા વગર સ્વયં રામશરણ થઈ જાય. પ્રજ્ઞા વશીના શેર બોજથી દબાયેલી સ્ત્રીના અંતરમનનો પડઘો ઝીલે છે...

આમ જુઓ તો સગપણ જેવું
તેમ જુઓ તો કળતર જેવું
હસવામાં પણ લાખ વિચારે
ભરયૌવનમાં ઘડપણ જેવું

સ્ત્રીએ જિંદગીભર વૈવિધ્યસભર ભૂમિકા નિભાવવી પડે છે. દીકરી, બહેન, પત્ની, મા, દાદી-નાની વગેરે ભૂમિકા સુપેરે ભજવવાની અપેક્ષા તેની પાસે સમાજ રાખે છે. જેટલી છૂટ દીકરાને મળે એટલી દીકરીને મળતી નથી. પ્રતિભા હોય છતાં સાંસારિક બંધનો કે જવાબદારીઓને કારણે મનવાંછિત કરવામાં તેણે અનેક પડકારોનો સામનો કરવો પડે. નેહા પુરોહિત સ્ત્રીની વિવિધ ભૂમિકાઓને આવરે છે...

એ રીતે હું જાત ઓળંગી ગઈ
આભ એ જોઈ હવે ગભરાય છે
હું જ મારામાં રહું લો શી રીતે?
વ્હેંચણી લાખો મહીં જ્યાં થાય છે

કેટલીયે વાર મનની વાત મનમાં જ ધરબી રાખવી પડે. ક્યાંક દબાયેલી જાત આગળ આવવા ન દે તો ક્યાંક સલામતી ટકાવી રાખવા સંવેદનાને સાયલન્ટ કરી દેવી પડે. પ્રિયજન સાથે કોઈ મેળ ન હોય છતાં મેળ બેઠો છે એ દેખાડવાનું કષ્ટ મહાકાય શિલા હટાવવાથી જરાય ઓછું નહીં હોય. સ્નેહા પટેલ મનમાં ધરબાયેલી દ્વિધાને વાચા આપે છે...

કહેવી છે એ વાત બાકી રહે
અને એક શરૂઆત બાકી રહે
હું સમજું છું સમજાવી શકતી નથી
ને મારી રજૂઆત બાકી રહે

આ પણ વાંચો : ચોટ ગોઝારી કરી લીધી

ક્યા બાત હૈ

પતંગિયું

વહેલી સવારે હું ઊંઘમાં હતી
ત્યારે જ
એક પતંગિયું મારા કાન પાસે
આવી બેસી ગયું
અને મને કહેવા લાગ્યું:
આજે હું કહું એમ કરવાનું
આરામથી ઊઠજે
ગાડીઓની ધમાલથી દૂર રહેજે
કોઈ પુસ્તક વાંચજે
ઊઠીને ફરી સૂઈ જજે
હું તારી પાંપણો પર બેસી
વાતો કરીશ
મારી પાંખોથી
તારું માથું પસવારીશ
તને ચા-નાસ્તો બનાવી આપીશ
પછી તું ફૂલફૂલવાળી મૅક્સી
પહેરીને બેસજે
હું બધાં ફૂલોને સુગંધથી ભરી દઈશ
ગીતો ગાઈશ
આજનો દિવસ મને કંપની આપજે
આપીશને?
હું કશું જ કહેવા જાઉં
એ પહેલાં ઍલાર્મ રણકી ઊઠ્યો

- મીનાક્ષી પંડિત

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK