આનંદ માગું હું અપૂર્ણતાનો

21 July, 2019 12:34 PM IST  |  મુંબઈ ડેસ્ક | હિતેન આનંદપરા - અર્ઝ કિયા હૈ

આનંદ માગું હું અપૂર્ણતાનો

અર્ઝ કિયા હૈ

આજે ઉમાશંકર જોશીનો જન્મદિન છે. ઘડતરકાળમાં આઝાદીના આંદોલનની ઘેરી છાપ તેમના માનસ પર પડી. રાષ્ટ્રપ્રેમ અને સાહિત્યલગની બન્ને લગોલગ ચાલ્યાં. એ દિવસોમાં ઉમાશંકર છ કલાક ખાદીકામમાં ગાળતા. આ ખાદીકામ કરતાં-કરતાં તેમનું પ્રસિદ્ધ કાવ્ય ‘વિશ્વશાંતિ’ રચાયું. માત્ર વીસ વર્ષની ઉંમરે ઉમાશંકર જોશીએ ડાયરીમાં નોંધ્યું હતું : જીવનની પુનર્ઘટનામાં ફાળો આપવો છે. શી રીતે ખબર નથી પડતી.
આ નોંધને આજના સંદર્ભમાં જોવા જેવી છે. એક અઠવાડિયામાં બે વિદ્યાર્થીની આત્મહત્યાના કિસ્સા અખબારમાં ચમક્યા. વિવિધ કારણોસર તેમણે જીવન ટૂંકાવી દીધું. ઉમાશંકર જોશીની આ પંક્તિઓ નાસીપાસ થતા વિદ્યાર્થીઓએ જીવનમાં ઉતારવી જ પડશે...
નિરાશાના ક્ષેત્રે કરવી લણણી આશકણની
અને ગોતી રહેવી જડ ઢગ મહીં ચેતનકણી
શિક્ષણ એટલુંબધું સ્પર્ધાત્મક બનતું જાય છે કે વિદ્યાર્થી કાયમ બોજ તળે દબાયેલો જ રહે. એક તરફ માબાપની અપેક્ષાઓનો ભાર હોય તો બીજી તરફ કારકિર્દી ઘડવાની ચિંતા હોય. પરશુરામ ચૌહાણ હારજીતને અંતિમ નહીં પણ એક પડાવ તરીકે જોવાની હિમાયત કરે છે...
કદી જીતી ગયો છું તો કદી હારી ગયો
સતત હું જાતની સાથે જ સ્પર્ધામાં રહ્યો
સ્પર્ધા આજના યુગનો ટાઇમબૉમ્બ છે. ધડાકો થયા વગર પણ જીવ જઈ શકે. આપણું માનસ એ સ્વીકારવા તૈયાર નથી કે બધા વિદ્યાર્થીઓ એકસરખા ન હોય. કોઈનું મગજ ઍકેડેમિક્સમાં દોડતું હોય તો કોઈ ટેક્નિકલમાં હોશિયાર હોય. શિક્ષણ ક્ષેત્રે સલાહકાર તરીકે સંકળાયેલા મિત્ર આદિત્ય લોહાણાએ એક મનનીય ઉદાહરણ આપ્યું. એક સામાન્ય એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓને ટાસ્ક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. માર્ક્સની દૃષ્ટિએ આ વિદ્યાર્થીઓનો દેખાવ વિશેષ ઉલ્લેખનીય નહોતો. છતાં તેમની સામે લક્ષ્ય મૂકી, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો પડકાર મુકાયો. ગ્રુપમાં જે વિદ્યાર્થીની જેવી આવડત એવી કામગીરી તેને સોંપવામાં આવી. આના કારણે એક સંતુલિત ટીમ સર્જાઈ. ઑર્ડિનરી લાગતા આ વિદ્યાર્થીઓ એકમેકના પૂરક બન્યા. તેમની ટીમે શાનદાર દેખાવ કરી આઇઆઇટીની પ્રતિષ્ઠિત અને પડકારજનક સ્પર્ધા જીતી બતાવી. શિક્ષકનું કામ વિદ્યાર્થીની પ્રતિભા ઓળખી એને યોગ્ય માર્ગે ચૅનલાઇઝ કરવાનું પણ છે. અશોક જાની ‘આનંદ’ની આ પંક્તિઓ નિરાશામાં સપડાયેલા કોઈ વિદ્યાર્થી માટે ટૉનિકની ગરજ સારે છે...
વ્યથાની પોટલી વાળીને બેઠો રહીશ ક્યાં લગ તું
દ્વિધાનો હાથ આ ઝાલીને બેઠો રહીશ ક્યાં લગ તું
જરૂરી હોય છે ઉત્સાહ, જુસ્સો, હામ હૈયામાં
હૃદય તારું લઈ ખાલી ને બેઠો રહીશ ક્યાં લગ તું!
એ નિર્વિવાદ હકીકત છે કે દેશ ઊંચો આવશે શિક્ષણક્ષેત્રથી. આ ક્ષેત્ર એટલું વિરાટ છે કે જેટલું કામ કરો એટલું ઓછું પડે. દેશના અંતરિયાળ વિસ્તારોને કારણે પ્રાથમિક શિક્ષાનું કાર્ય વિકટ છે. આ દેશનો ચહેરો બદલવાની ક્ષમતા સારા નિષ્ઠાવાન શિક્ષકો પાસે છે. નાસીપાસ થનાર વિદ્યાર્થીના ચહેરા પર ચોંટાડેલો ન હોય એવો ‘હૅન્ડલ વિથ કૅર’નો ટૅગ વાંચતાં શિક્ષકની આંખે શીખવું પડે. નીલેશ પટેલ કહે છે એમ પ્રેમથી ટકોર કરવી ઘણી વાર આવશ્યક બને...
પરાજયથી પ્રકાશિત થાય છે જીવન ઘણી વેળા
નિરાશાથીય કંટાળી જવાની ટેવ ખોટી છે
એ વાત સાચી કે શિક્ષકોને પણ પોતાના આગવા પ્રશ્નો હોવાના. ઉપરીઓ અને મૅનેજમેન્ટ સાથે સંતુલન રાખવામાં ખાસ્સી શક્તિ ખર્ચાતી હોય. શિક્ષણનું રાજકારણ તો વળી પીએચડી કરી શકાય એવો એક વિષય છે. વર્ગમાં ભણાવવા માટે તો જહેમત ઉઠાવવાની જ હોય. આ બધું કર્યા પછી જે શક્તિ બચે એમાંથી આઉટ ઑફ બૉક્સ વિચારવાનું હોય. માત્ર વિચારવાનું જ નહીં, એ વિચારને સાર્થક પણ કરવાનો હોય. કાગળ પર ટપકાવેલા વિચારો માત્ર નોંધ, ટિપ્પણી કે સૂચન બનીને રહી જાય. પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ પાઠ-કવિતા ભણાવવા ઉપરાંત સંવેદના સાચવવી પણ એટલી જ અગત્યની છે. દાન વાઘેલા શિક્ષકકર્મ અને શિક્ષકધર્મની વચ્ચેની કોઈ કુંજગલીમાં લઈ જાય છે...
રહે ના જરીકે મનની હતાશા
અગર આપશો કૈંક સાચા દિલાસા
રમત બાળપણની હતી શંખ-છીપલે
હવે કેમ માંડેલ શતરંજ પાસા?
અનેક પ્રકારના ભેદભાવ પણ વિદ્યાર્થીના વિકાસમાં અવરોધ બને છે. શહેરોમાં ભલે ઓસરી ગયા હોય, પણ નાનાં નગરો અને ગામોમાં દલિત-સવર્ણના ભેદ હજીયે ભૂંસાયા નથી. હજી આ માનસિકતામાંથી બહાર આવતાં બે-ચાર પેઢી જશે. મૂળિયાં એટલાં ઊંડાં છે કે ઝટ ઊખડે એમ નથી. બીજી તરફ કૉલેજની પ્રવેશ પ્રક્રિયામાં અનામત પ્રથાને કારણે મતમતાંતર જોવા મળે છે. અનુસૂચિત જાતિ-જનજાતિ વગેરે માટે રાખેલી અનામતનો રેશિયો એટલો વધારે હોય કે ઓપન કૅટેગરીમાં ગણતરીની જ સીટ સિલકમાં બચે. એના કારણે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને સહન કરવું પડે. હાથમાં ઝળહળતી માર્કશીટ ભલે હોય, કૉલેજના એકેય લિસ્ટમાં નામ ન આવે ત્યારે મોઢું વીલું તો થવાનું જ. યેનકેન પ્રકારેણ પ્રવેશનો કોઠો પાર કર્યા પછી જાતને સિદ્ધ કરવાનું ટેન્શન શરૂ થાય. આ લડાઈમાં પરિવારની ભૂમિકા મહત્ત્વની બની જાય. ભરત વિંઝુડા કહે છે એવો સધિયારો અનિવાર્ય છે...
પીઠ પાછળથી મને તારી કૃપા મળતી રહે
ક્યાંય પણ નહીં થાય મારી હાર તારા કારણે!
હારનો સામનો અનેક વાર કરવો જ પડે. રેસ્ટોરાંમાં વેઇટર આપણે ઑર્ડર કરેલો ઉત્તપા લઈ આવે એમ જિંદગીમાં જીત તાસક પર નથી આવતી. પુરુષાર્થ અને પ્રારબ્ધના ખેલામાંથી પસાર થવું પડે. મનવાંછિત પરિણામ ન મળે ત્યારે નાનકડી ઉંમર ગૂંચવાઈ જાય. આવા સમયે શિક્ષક અને માબાપ બન્નેનું કર્તવ્ય છે વિદ્યાર્થીને સાચવવાનું. છોડ વૃક્ષ ન થાય ત્યાં સુધી એની સારસંભાળ લેવી જ રહી. હેમંત મદ્રાસીના મંતવ્ય પ્રમાણે ઉત્સાહનો સંચાર કરીએ તો એનું પુણ્ય દુનિયાદારીના ચોપડે ભલે ન નોંધાય, પણ અંતરનો એક ખૂણો તો ચોક્કસ ઝળહળ થશે...

ના પ્રકાશિત થઈ શકાશે અન્યથા!
બસ હવે તો ખુદ તું તારો સૂર્ય થા!
ના નિરાશા સ્પર્શી પણ શકશે કદી
તું નવું આશાભર્યું ચૈતન્ય થા!

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

ક્યા બાત હૈ! સર્કિટ બ્રેકર

ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે
ખંડેરની ભસ્મકણી ન લાધશે!

મારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા અડી ગઈ મને

બારણાં બંધ હું જ્યારે કરું છું
ચિત્તમાં રહ્યું, કોક ત્યાં
બોલી ઊઠે છેઃ
‘કોણ બ્હાર રહી ગયું?’

પહેલાં સહજભાવે જે સૂઝે
તે મનમાં રચી
પોતાને પૂછી પૂછીને
ઉતારી લઉં છું પછી

પ્રભો! આ પ્રેમની પૂંજી,
ધરું છું આપને પદે!
વહેંચ એ સર્વ જીવોમાં,
વધે તો અહીં લાવજે

પરાર્થે તરે આંખનાં આંસુ જ્યારે
મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે

મોટાઓની અલ્પતા જોઈ થાક્યો
નાનાની મોટાઈ જોઈ જીવું છું

ત્રણ વાનાં મુજને મળ્યાં:
હૈયું, મસ્તક, હાથ
બહુ દઈ દીધું, નાથ!
જા, ચોથું નથી માગવું

સંપૂર્ણતા હુંથી પરી રહો સદા;
આનંદ માગું હું અપૂર્ણતાનો - ઉમાશંકર જોશી (જન્મદિનઃ ૨૧ જુલાઈ)

columnists weekend guide