વાત એ વીસરાય ના એવું બને

16 June, 2019 02:32 PM IST  |  | હિતેન આનંદપરા - અર્ઝ કિયા હૈ

વાત એ વીસરાય ના એવું બને

અર્ઝ કિયા હૈ

કેટલીક વાર એવું બનતું હોય છે કે કંઈ બને જ નહીં. જિંદગી બીબાંઢાળ ચાલ્યા જ કરતી હોય. કેટલાક દિવસો તો જાણે કૉપી-પેસ્ટ કર્યા હોય એવા અદ્દલોઅદ્દલ વીતે. ઘટના વગરની જિંદગી અને પ્રિયજન વગરની સફર નીરસતામાં સરી પડે. જગજિત સિંહ સ્વરાંકિત લતા મંગેશકરે ગાયેલી ગઝલની પંક્તિ છે : દદર્‍ સે મેરા દામન ભર દે યા અલ્લાહ. કંઈક આવી જ વાત સુરેશ પરમાર ‘સૂર’ લઈને આવે છે...

જો તારાથી બને, તો શબ્દનો નિષ્કર્ષ મોકલજે
ફૂલો મુરઝાઈ જાશે, તું મને બસ અર્ક મોકલજે
વ્યથા જો હું અને તુંની જ પલ્લે મૂકવાની હો
સહજ બે ભાગમાં વહેંચાય એવું દર્દ મોકલજે

દર્દ વિશે વિચારવું પણ દર્દનાક હોય તો એને ભોગવવાની સ્થિતિ તો વધારે દુષ્કર હોવાની. સમાજને હચમચાવી જનાર કઠુઆ રેપકેસમાં ચુકાદો આવ્યો અને છમાં પાંચ આરોપીને સજા થઈ. જે ત્રણ મુખ્ય આરોપી હતા તેમને જન્મટીપની સજા જાહેર થઈ. પીડિતાના પરિવારને અને જનતાને પણ આ સજા ઓછી લાગી. આવા નરાધમો તો ફાંસીના માંચડે જ લટકવા અને બટકવા જોઈએ. હર્ષ બ્રહ્મભટ્ટ ગુનેગારની ઓળખ અલગ રીતે આપે છે...

ચહેરો જ નહીં સૌના ઇરાદાય બતાવે
થોડોક અરીસાને અસરદાર કરી દઉં
હું આપની નજરોથી સદા દૂર રહું છું
એવું ન બને તમને ગુનેગાર કરી દઉં

ગુનાઓ રાતદિવસ વધી જ રહ્યા છે. એમાંય નાનાં બાળકો પરના અત્યાચારોએ સમાજની શ્રદ્ધા ડગમગાવી દીધી છે. મહાવીર અને બૌદ્ધની કરુણાનો સંદેશ ભુલાઈ રહ્યો છે. જેમ શ્વેતક્રાન્તિ, હરિતક્રાન્તિ થઈ એમ ખૂનામરકીવાળો સ્વભાવ બદલવાની ક્રાન્તિ થાય તો સારું. જે પરિવારોએ પોતાનાં વહાલસોયાં સંતાનને ગુમાવવાનો વારો આવ્યો એમની પીડા કલ્પી પણ ન શકાય. આંસુ મૌન બનીને રહી જાય ત્યારે વધારે કાતિલ બની જાય. વંચિત કુકમાવાલાની પંક્તિ આવા જ માહોલ તરફ નિર્દેશ કરે છે...

ભીંત, બાકોરું કરી બારી બને
વાત સઘળી ત્યાં જ અખબારી બને
જે ક્ષણે સંવાદ અટકે બે તરફ
ત્યાં પ્રસરતું મૌન ચિનગારી બને

સમાજને થોડાક પથદર્શક દીવડાની જરૂર છે, જે તિમિરને અજવાળી શકે. આમ તો મહાપુરુષોએ જિંદગીને ઉત્તમ અને સંવેદનશીલ બનાવવાનો રાહ દર્શાવ્યો જ છે, પણ એનું પાલન થતું નથી. આવેગ સામે આસ્થા હારી જાય અને સ્વાર્થ સામે સંવેદન ટૂંકું પડે. આપણે એક અવાવરુ છેડા પર આવીને ઊભા રહી ગયા છીએ એવું લાગે. હેમંત ગોહિલ ચેતવણી આપે છે...

માટે જ કહું છું ચાલજો ચેતી જરાક ઘાસમાં
ઘાયલ થયા જો ઝાકળે, એની કશી દવા નથી
મારા જ કારણે બને છે રોજ રોજ આમ તો
પગલાં દબાય પગ તળે એની કશી દવા નથી

દુ:ખનું ઓસડ દહાડા, પણ સ્વભાવનું ઓસડ જલદી મળતું નથી. અનુભવ આપણને શીખવાડે, પણ એ લૉન્ગ ટર્મ ગેઇન છે. એના માટે રાહ જોવી પડે. ત્યાં સુધી તો અડધી જિંદગી પૂરી થઈ ગઈ હોય. એટલે આપણે ધર્મગ્રંથો કે ગુરુ પાસે જઈએ છીએ. સારા ગુરુ મળવા માટે પણ યોગ જોઈએ અને સમર્પણભાવ વગર શ્રદ્ધા લાંબું ટકતી નથી. બે ઘડી રોકાઈને વિચારવાની ફુરસદ સાતતાળી રમતાં-રમતાં ક્યાં ખોવાઈ ગઈ એ જ ખબર નથી રહી. સ્મિતા પાર્કર ખુદથી ખુદ તરફની યાત્રાનું પ્રતિપાદન કરે છે...

છે ભલે ને પંથ આખો એકલો
સાદ તો કોઈ પડે છે ભીતરે
શોધમાં જેની તું મરજીવો બને
એ જ મોતી તો જડે છે ભીતરે

ભીતરનો અવાજ કોલાહલોમાં દબાઈ ગયો છે. ગાડીઓના હૉર્નના અવાજમાં કોયલનો ટહુકો દળાઈને ડૂચો થઈ ગયો છે. તમે છેલ્લે સૂર્યોદય થતો ક્યારે જોયો હતો એવું કોઈ પૂછે તો હેબતાઈ જવાય. સવારે ઊઠીને સૌથી પહેલાં મોબાઇલ પર વૉટ્સઍપ સંદેશા જોતી આંખો ઊગતા સૂર્યને પોતાની મેમરીમાંથી ડિલિટ કરી ચૂકી છે. ન્યુઝ ચૅનલોની ભરમાર અને ધારાવાહિકોની તામજામમાં બિચારો ચંદ્ર શિયાંવિયાં થઈને આકાશમાં પડ્યો હોય. ઓજસ પાલનપુરીની રોમૅન્ટિક પંક્તિઓ સાથે વીતેલા સમયને યાદ કરીએ...

તું આંખ સામે હોય તો એવુંય પણ બને
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની
તારા સ્મરણનું તેજ મને ડંખતું રહે
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની

બે જણની વચ્ચે ઊગતો ચંદ્ર સોળે કળાએ ખીલે તો જિંદગીમાં ઓજસ પથરાઈ જાય. સંબંધમાં કળા વધઘટ તો થતી રહેવાની, પણ એ ઓઝલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. કેટલીક વાર અમાસ એટલી માથાભેર પુરવાર થાય કે પૂનમને પાછી ફરકવા જ ન દે. વધુપડતું અજવાળું કે વધુપડતું અંધારું દુષ્કર નીવડવાની શક્યતા રહે છે. ગુલામ અબ્બાસ નાશાદ બે જણ વચ્ચેના સંબંધમાં વિનંતીનો ભાવ પ્રગટ કરે છે...

વીતી જતો સમય છું વળાવી લે તું મને
હું ક્યાં કહું છું દિલમાં વસાવી લે તું મને
ભૂતકાળ થઈ જવાની લગોલગ તો શું થયું
છું જ્યાં લગી, બને તો નભાવી લે તું મને

પ્રેમ પાસપોર્ટ વગર પણ પરદેશ જઈ શકે. પ્રેમીને બંધનો નડે, પ્રેમ તો સનાતન છે. જે સનાતન છે એનું ગૌરવ સચવાવું જોઈએ. ગણતરીબાજ સંબંધ તો દેહ છૂટવાની સાથે જ સમાપ્ત થઈ જવાનો. એવા સંબંધને કોઈ યાદ પણ નથી કરવાનું. સારપનું આયુષ્ય સ્વાર્થ કરતાં વધારે હોય છે. જયવદન વશી લખે છે...

પ્રેમ કરવાનો સમય નિશ્ચિત નથી
હર ઘડી, હર પળ ને સાતે વાર છે
માણવી મહેમાનગતિ લ્હાવો બને
લાગણી ઋજુ ને ઝંકૃત તાર છે

અન્ય એક સનાતનભાવ સત્યનો છે. આપણે ત્યાં સત્યને ઈશ્વરનું રૂપ ગણાયું છે. ગુંજન ગાંધીની આ કલ્પના નજાકતભરી છે...

સહુ સનાતન સત્યનું આવી બને
એક દીવાથી સૂરજ ઢંકાય તો!
તું સમયસર આવે તો એવું બને
રાહ જોવાનો સમય અકળાય તો!

અત્યારે આખો દેશ રાહ જોઈ રહ્યો છે વરસાદની. મહારાષ્ટ્રમાં તો દુષ્કાળના કારણે મરાઠવાડા, વિદર્ભ જેવા વિસ્તારો સૂકાભઠ્ઠ થઈ ગયા છે. પૈસા કરતાં પણ વિશેષ પાણીની મોકાણ વર્તાઈ રહી છે. ડૅમનાં તળિયાં જોઈને ખેતરોને હાર્ટ-અટૅક આવતો હશે. ઊગવાની શક્તિ હોય, પણ ઊગવાને અનુકૂળ વાતાવરણ ન હોય ત્યારે ધરતી લાચાર બની જાય. હવે પછીનાં પાંચ વર્ષ વિવિધ સમસ્યાઓ સાથે આપણે જળશક્તિને સાધવાની છે. અન્યથા મહેશ દાવડકર કહે છે એવી પરિસ્થિતિ સવારે દૂધવાળાની જેમ ઘરે આવી પહોંચશે...

આંસમાં ઊંડે ઊતરવું પણ પડે
મૂળ એનું ક્યાં છે? જોવું પણ પડે
ભલે દરિયો, નદી, ઝરણું બને
એક બુંદ માટે તરસવું પણ પડે

આ પણ વાંચો : માગીશ દુઆથી વધારે

ક્યા બાત હૈ

દૃશ્ય પૂરું થાય ના એવું બને
વાત એ વીસરાય ના એવું બને
સાવ અંદર તો હરણ પ્હોંચી ગયું
ઝાંઝવું પીવાય ના એવું બને
હું જ ઘાંચી છું, બળદ મારો જ છે
વેદના પીલાય ના એવું બને
ચાર ચાંદા સૂર્યને લાગે છતાં
છાંયડા અંજાય ના એવું બને
રંગમંચો કેટલાં વિશાળ પણ
નાટકો ભજવાય ના એવું બને
તું ઉપાડી લે હું હળવો-ફૂલ છે
આ વજન જળવાય ના એવું બને - રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

columnists weekend guide