માગીશ દુઆથી વધારે

Published: Jun 09, 2019, 12:24 IST | હિતેન આનંદપરા

અશોક જાની ‘આનંદ’નો શેર કાંદિવલી-ચારકોપમાં મ્હાડાની કોઈ સોસાયટીના પ્રવેશદ્વાર પર મૂકીએ તો કદાચ એ સોસાયટીના પ્રત્યેક ઘરને લાગુ પડે...

અર્ઝ કિયા હૈ

આપણને વધારે ને વધારે જોઈતું હોય છે. ભલે ખોળિયું અંદરથી ખાલી-ખાલી લાગતું હોય છતાં કોઈને ખાલી ખિસ્સાં ગમવાનાં નથી. પાંચ ઇંચના ખિસ્સામાં પચાસ ગજની મહેચ્છાઓ સમાયેલી હોવાની. આ મહેચ્છાઓમાં આવશ્યકતા કેટલી, જરૂરિયાત કેટલી, ઉપયોગિતા કેટલી, લાલસા કેટલી વગેરે વિશે નિષ્પક્ષ નિરીક્ષણ કરવામાં આવે તો શક્ય છે આપણે છોભીલા પડવાનું થાય. બાબુલાલ ચાવડા ‘આતુર’ વાસ્તવિકતા દર્શાવે છે...

અહીં છે ઈશ્વરો તેથી અહીં પથ્થરનો મહિમા છે
અહીં વિશ્વાસ કરતાં પણ વધારે ડરનો મહિમા છે
અહીં હર પીઠને પૂછો કે શું ખંજરનો મહિમા છે
અહીં મોકાપરસ્તી છે અને અવસરનો મહિમા છે

મોકાપરસ્તી શબ્દનો ઉત્તમ અર્થ રાજકારણમાં ચરિતાર્થ થતો જોવા મળે છે. લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનાં પાટિયાં બેસી ગયા પછી એના ઘણા નેતાઓ હિજરત કરી બીજેપીમાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે વિચારધારાનો પ્રચાર-પ્રસાર કર્યો એ લોકોને સામેવાળો પક્ષ વધારે આકર્ષક લાગવા માંડ્યો. સત્તાની રાણી પાસે કોઈ શરમ હોતી નથી. આપણા જેવા સામાન્ય માણસો આ રીતે સરેઆમ પાટલીબદલુ થઈ શકતા નથી. જેમનાં પેટ ભરેલાં જ છે તેમને હજી વધારે ઠાંસી-ઠાંસીને ભરવું છે. સામાન્ય માણસ તો બે છેડા ભેગા કરવામાંથી જ ઊંચો નથી આવતો. અશોક જાની ‘આનંદ’નો શેર કાંદિવલી-ચારકોપમાં મ્હાડાની કોઈ સોસાયટીના પ્રવેશદ્વાર પર મૂકીએ તો કદાચ એ સોસાયટીના પ્રત્યેક ઘરને લાગુ પડે...

સુખ દુ:ખ છે, સ્વપ્ન છે તો જિંદગી
એ બધું તો હર ક્ષણે હર વર્ષ છે
રોજ સરવૈયું તમે માંડો અહીં
છે કમાણી કે વધારે ખર્ચ છે

નાનકડા ઘરમાં અછત વચ્ચે સંકોચાતી જિંદગી પાસે ઇચ્છાઓ ઘણી હોય છે, પણ એમાં જીવ મિસિંગ હોય. કરમાયેલા ફૂલની જેમ આડેધડ પડી હોય. નાનકડી કોટડીમાં કંઈક કુતૂહલ ઊભરીને આથમી ગયાં હોય. દીવાલોમાં એક છાની ચીસ ધરબાઈને પડી હોય. જિંદગી આનંદ છે કે આતંક છે એવું પૂછવામાં આવે તો જવાબમાં કદાચ આંસુ જ મળે. જિગર ફરાદીવાલા આ વિવશતાનું વિવરણ કરે છે...

ચલો એમ સમજીને ટેકો કરીશું
દીવાલો છીએ એક દિ ધ્વસ્ત થાશું
હવે એમ લાગે છે તૂટી જવાશે
વધારે જો આથી હજી સખત થાશું

રબ્બરને એની હેસિયતથી વધારે ખેંચવામાં આવે તો તૂટી જાય. પાંખોમાં જોમ ન હોય તો પવર્તોટ પાર નથી થઈ શકતા. પ્રત્યેક જણમાં ખૂબીઓ અને ખામીઓનો ઢગલો રહેવાનો. ખૂબીઓને ઓળખીને એને એન્કૅશ કરવાની હોય અને ખામીઓને વળોટી એને સુધારવાની હોય. સમસ્યાઓ તો ફેણ ચડાવીને બેઠી જ હોય. લાગ જોઈને અચૂક ડંખ મારી દે. ક્યારેક કોઈ ઝેરી સમસ્યા આવી જાય તો એ જીવલેણ નીવડી શકે. રઈશ મનીઆરની બારીક વાત બિલોરી કાચ લઈ વાંચવા જેવી છે...

પીડાઓ કેમ થશે ખુદ અલગ તમારાથી?
પીડાથી જાતે તમારે અલગ થવાનું છે
અજબગજબનું સંબંધનું આ સત્ય રઈશ
નજીક આવી વધારે અલગ થવાનું છે

પીડાનાં પડીકાં વાળીને ખિસ્સામાં મૂકી ન રખાય. નાનું બાળક રમકડું ગળે વળગાડીને સૂઈ જાય એમ રોજ આપણે પીડાઓને વળગીને સૂતા રહીશું તો એ વધારે ને વધારે ખેધીલી બનતી જશે. મૈં આશિક હૂં બહારોં કા ગીતને બદલે મૈં આશિક હૂં પ્રહારોં કા ગાતાં થઈ જવું પડશે. પીડા અને એની તીવ્રતા ઓછી ન થતી હોય ત્યારે બચવા માટે એની અવહેલના કરતાં શીખી જવું પડે. સવારની એક કપ ચામાં પણ આખી દુનિયાની ચાહત શોધતાં શીખવું પડે. ડૉ. કિશોર મોદી પ્રિસ્ક્રિપ્શનમાં અવલોકન આપે છે...

એક ઈશ્વરના વૃત્ત નથી મળતા
કોઈ નામે રુડો છે મારામાં
સાહ્યબી ઇન્દ્રથી વધારે છે
ચાંદનીનો ઝૂલો છે મારામાં

બે ઝાડની ડાળી વચ્ચે ઘોડિયામાં સૂતેલા ગરીબ બાળકને જોઈએ ત્યારે થાય કે જેનું ભવિષ્ય દેખાતું નથી તેની આજ કેટલી નિરાંતવાળી છે. કદાચ એ ઊંઘ પૂરતી જ હશે, છતાં આ નાનકડા જીવને ઈશ્વર ઉપર મોટો વિશ્વાસ હશે. જોકે આ ઈશ્વર માતાનું સ્વરૂપ લઈને એની આસપાસ જ ઊભો હોય છે. જેનું સાંજનું ભાણું પણ નિશ્ચિત નથી એવા લોકોને છ મહિના પછી એ જ રીતે લડતા-આખડતા જોઈએ ત્યારે સલામ કરવાનું મન થાય. શરીરના નિયમ પ્રમાણે જીવ તો એક દિવસ જવાનો જ છે, પણ જિજીવિષા જીવતેજીવત ક્યારેય જવી ન જોઈએ. એ આપણી સંજીવની છે. હરેશ તથાગત આપણી મજલને એક કારણ આપે છે...

સૂર્ય સિક્કો પ્રથમ પડાવે છે
નિર્ણય કરવા પછી ઉછાળે છે
માણસ કાયમ અધૂરી મૂકે છે
વાત આગળ સમય વધારે છે

બે મિનિટમાં બની જતી મૅગીની જેમ સમસ્યા ઇન્સ્ટન્ટ ઉકેલાઈ જાય એવું બનતું નથી. પ્લમ્બર ઘરે આવી બાથરૂમમાં લીક થતા નળને પોતાના હથિયારથી ખોલી પાછો સજ્જડ બંધ કરી લીકેજ અટકાવે એટલી સહજતાથી આપણી પીડા દુરસ્ત થતી નથી. દરેક વાતને એક સમય જોઈએ. બાળકને સુખરૂપ અવતરવા નવ મહિના જોઈએ. બે-ત્રણ ચોમાસાં જાય પછી છોડ વિકસવાની શરૂઆત થાય અને થોડાં વરસો પછી એનું વૃક્ષમાં રૂપાંતર થાય. જન્મ-મૃત્યુની ઘટનાને તાત્વિક રીતે જોઈએ તો લાગે કે આ રહસ્યમય સંસારનો આપણે ચમત્કારિક હિસ્સો છીએ. મુકુલ ચોક્સી આ વાતને મનોચિકિત્સકની નજરે સમજાવે છે...

નિજમાંથી જન્મ પામતા, મરતા ને ઝૂલતા
અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી
વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી

જિંદગી આપણે સમજી શકીએ એનાથી અનેકગણી વધારે સંકુલ છે. ઈશ્વરકૃપાથી જો તમને રોટલા-ઓટલાના વાંધા ન હોય તો એને સુપ્રીમ આશીર્વાદ સમજવા. આપણી વાત સમજી શકે એવું પ્રિયજન જો પાસે હોય તો એને સંવેદનશીલ સધિયારો ગણવો. કેટલીક મૂડીની આપણને કદર નથી હોતી અને કેટલી સંપત્તિ હાથવગી હોવા છતાં ઓળખાતી નથી. સુખ દર વખતે સ્ક્વેર ફીટમાં નથી મપાતું. કેટલીક વાર ટ્યુબલાઇટ થવામાં બે-ચાર દાયકા નીકળી જતા હોય છે. એ અવસ્થા આવે તો કદાચ ભાવિન ગોપાણીની આ વાત પામી શકાય...

મને ગમતી હતી જે ખુશ્બૂ તે ગમતી વધારે થઈ
મેં જ્યારે સાંભળી તારા મુખે લોબાનની વાતો

આપણી જરૂરિયાતો શું? એની યાદી બનાવવા બેસીએ તો બહુ લાંબી થાય. આપણે જીવનનાં શું મેળવવું છે એ ગણવા બેસીએ તો વેઢા ઓછા જ પડે. આપણે શું આપીને જવાનું છે એનું મંથન કરવા બેસીએ તો એ વાત એક આંગળીમાં સમાઈ જાય એટલો જ સાર છે. રાઝ નવસારવી આ સારને ઉજાગર કરે છે...

શું સાંજ, શું સવાર, અમે ચાલતા રહ્યા
કીધા વિના પ્રચાર, અમે ચાલતા રહ્યા
એક આદમીને એથી વધારે શું જોઈએ?
આપીને સૌને પ્યાર, અમે ચાલતા રહ્યા

આ પણ વાંચો : સંજોગો પર હસતા રહીએ

ક્યા બાત હૈ

ગમે તારી આંખો જ શાથી વધારે
મળે છે નશો મયકદાથી વધારે!
ગજાથી વધારે મેં ચાહ્યા છે તમને
જખમ પણ મળ્યા છે ગજાથી વધારે
નહિતર એ લઈ આવશે વાવાઝોડું
હવા પણ ન માગીશ હવાથી વધારે
ફકીરોની ઝોળી ભલે તર બ તર હો
કશું પણ ન માગીશ દુઆથી વધારે
અહીં લગ તો હું છેતરાતો જ આવ્યો
તમે છેતર્યો છે બધાથી વધારે
દયા ખાવા કરતાં તું કર મારી નિંદા
મને નિંદા ગમશે દયાથી વધારે
ખલીલ એનાં ચરણોને સ્પર્શું તો શાયદ
સમજશે એ ખુદને ખુદાથી વધારે - ખલીલ ધનતેજવી (ગઝલસંગ્રહ : સોપાન)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK