શું સાકાર કરવાનું બાકી છે કારની દુનિયામાં?

03 March, 2019 02:43 PM IST  |  | હિમાંશુ કીકાણી

શું સાકાર કરવાનું બાકી છે કારની દુનિયામાં?

પ્રતીકાત્મક તસવીર

હાઇ-ફાઇ

આખી દુનિયાની ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી અત્યારે ત્રણ શબ્દો પાછળ ટૉપ ગિઅરમાં ભાગી રહી છે : ઑટોનોમસ, કનેક્ટેડ અને ઇલેક્ટ્રિક. આમાંથી ઑટોનોમસ હજી થોડી દૂરની વાત છે, પણ કનેક્ટેડ અને ઇલેક્ટ્રિક કાર્સ હવે ઘણા અંશે વાસ્તવિકતા બની ગઈ છે.

અલબત્ત, ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી કરતાં પણ આખી દુનિયાને અત્યારે જેની સૌથી વધુ જરૂર છે એ છે ઇનોવેટિવ માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સની. આ ક્ષેત્રે પણ નવા વિચારોની કોઈ ખોટ નથી. ફક્ત એ વાસ્તવિકતા બને એ હજી થોડી દૂરની વાત છે.

આપણે આ ચારેય બાબતે દુનિયા કઈ દિશામાં ગતિ કરી રહી છે એની થોડી વાત કરીએ.

હજી થોડા સમય પહેલાં આપણે કાર લેવાનો વિચાર કરીએ ત્યારે ઓળખીતા-પાળખીતા કે જાણકારો સલાહ આપતા કે ફુલ્લી લોડેડ વર્ઝન જ લેજો. ફુલ્લી લોડેડ એટલે કાર મૅન્યુફૅક્ચરિંગ કંપની તરફથી મળતાં વધુમાં વધુ ફીચર્સ ધરાવતી કાર. પાવર સ્ટિયરિંગ, પાવર વિન્ડો, ફૅક્ટરી ફિટેડ મ્યુઝિક સિસ્ટમ જેવાં કન્વિનિયન્સ ફીચર્સ અને ઍરબૅગ્સ જેવાં સેફ્ટી ફીચર્સવાળી કાર ખરીદી શકીએ તો આપણને ભયો-ભયો લાગતું!

હવે ઑટો ઇન્ડસ્ટ્રીનો બઝવર્ડ છે ફુલ્લી કનેક્ટેડ. ઇન્ફર્મેશન ઇન્ડસ્ટ્રીમાં હરણફાળ પછી ઑટો ઇન્ડસ્ટ્રીમાં પણ ડેટા-ડ્રિવન ક્રાન્તિ આવી ગઈ છે, એટલી હદે કે ટેક્નૉલૉજી કંપનીઝ તેમનું જે ફીલ્ડ જ નહોતું એવી ઑટો ઇન્ડસ્ટ્રીમાં જાયન્ટ્સ સાથે હરીફાઈ કરવા લાગી છે. ઑટોમોબાઇલ્સનું ડિજિટાઇઝેશન થઈ ગયું છે. જેમ આપણે માણસો દિવસ-રાત પોતાના સ્માર્ટફોન કે PCથી બિગ ડેટામાં વધારો કરતા રહીએ છીએ એ જ રીતે જાતભાતનાં સેન્સર્સથી સજ્જ કાર્સ પણ હવે રોજેરોજ વિપુલ પ્રમાણમાં ડેટા જનરેટ કરવા લાગી છે.

રસ્તે દોડતી કાર હવે એકલી-અટૂલી રહી નથી. એ ઑટો ઇન્ડસ્ટ્રીની એક વિશાળ, કનેક્ટેડ ઇકો-સિસ્ટમનો એક ભાગ બની ગઈ છે. આવી દરેક કાર એની મશીનરી અને એના પર્ફોર્મન્સ સંબંધિત અનેક પ્રકારનો ડેટા રિયલ ટાઇમમાં ક્લાઉડમાં મોકલે છે અને કાર મૅન્યુફૅક્ચરર્સ એનું સતત ઍનૅલિસિસ કરી, એમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને કામે લગાડીને ભવિષ્યની કારને વધુ ને વધુ સ્માર્ટ બનાવવા મથી રહ્યા છે. કાર્સ જે ડેટા જનરેટ કરે છે એનો કાર મૅન્યુફૅક્ચરર ઉપરાંત અન્ય સર્વિસ પ્રોવાઇડર્સ, ઇન્ફોટેઇનમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ વગેરે પણ ઉપયોગ કરે છે.

ઍપલ અને ઍન્ડ્રૉઇડે વેહિકલ્સની સિસ્ટમ્સ માટે આગવી ઑપરેટિંગ સિસ્ટમ્સ વિક્સાવી લીધી છે જેની મદદથી કારની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપણા સ્માર્ટફોન કે ટૅબ્લેટનું સ્વરૂપ લઈ લે છે અને મુસાફરોની સલામતીની પૂરતી કાળજી સાથે આવી સિસ્ટમ ડિજિટલ મૅપ્સથી લઈને વૉઇસ કૉલિંગ કે એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટ સાથે આપણને કનેક્ટેડ રાખે છે, જે બધું જ આપણે સ્ટિયરિંગ વ્હીલ પરથી હાથ હટાવ્યા વિના વૉઇસ કમાન્ડથી કરી શકીએ છીએ.

અલબત્ત, ક્લાઉડ સાથે કનેક્ટેડ કાર્સનું ધ્યેય બહેતર કારના નિર્માણ અને આપણી સલામતી-સગવડ વિસ્તારવા ઉપરાંત ઑટોનોમસ કારનું ભવિષ્ય સાકાર કરવાનું પણ છે.

આપણને ખરેખર નવાઈ લાગે કે અત્યારે જે કંપની ગજબની ઝડપથી ઑટો ઇન્ડસ્ટ્રીનું ભાવિ બદલી રહી છે એ ટેસ્લા માંડ દસ વર્ષ જૂની છે (જ્યારે એની પહેલી કાર લૉન્ચ થઈ, કંપનીનો સ્થાપના-સમય ગણો તો પંદર વર્ષ જૂની). ટેસ્લાની ગતિ એટલી જબરી છે કે બીજી વર્ષો જૂની, મહાકાય ઑટો કંપનીઓએ ટેસ્લા સાથેની રેસમાં ટકી રહેવા મથવું પડે છે. જ્યારે દુનિયાની કોઈ ઑટો કંપની ઇલેક્ટ્રિક કાર વિશે વિચારતી નહોતી ત્યારે ટેસ્લાએ એની પહેલી ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરી અને એ પણ લક્ઝરી કાર્સના સેગમેન્ટમાં.

ટેસ્લાએ કારને એક મશીનમાંથી કમ્પ્યુટરમાં ફેરવી નાખી એમ કહીએ તો અતિશયોક્તિ નથી. જેમ ઍપલ કંપની પોતાના ફોન્સમાંની સિસ્ટમ ઓવર-ધ-ઍર અપટેડ કરે છે એમ ટેલ્સા પોતાની કાર્સની સિસ્ટમ્સ OTAથી અપડેટ કરે છે. દુનિયાનું ભાવિ બદલે એવાં ઇનોવેશન્સની વાત આવે ત્યારે જગતભરની ઑટો ઇન્ડસ્ટ્રી માંડ પહેલા ગિઅરમાં હોય એવી સ્થિતિ હતી, પણ ટેસ્લાને પગલે આખી ઇન્ડસ્ટ્રી ઉપરતળે થઈ અને મોટા ભાગની મોટી કંપની ફુલ્લી ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ કાર્સ ઑફર કરવા લાગી.

જોકે ઇલેક્ટ્રિક કાર્સ એ ટેસ્લાનું માત્ર પહેલું ક્રાન્તિકારી કદમ હતું. પછીનું સ્ટેપ હતું સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સ. આજે ટેસ્લાની દરેક કાર હ્યુમન ડ્રાઇવરની તુલનામાં વધુ સલામત રીતે ડ્રાઇવ કરી શકે એવી ફુલ્લ સેલ્ફ-ડ્રાઇવિંગ સિસ્ટમ માટે જરૂરી તમામ પ્રકારનાં હાર્ડવેર ધરાવે છે (અલબત્ત, કાયદાકીય નિયંત્રણોને કારણે આ કાર્સ અત્યારે ખરા અર્થમાં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સ નથી). ટેસ્લાએ ઑટોપાઇલટ નામની સિસ્ટમ વિક્સાવી છે જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને હ્યુમન ડ્રાઇવરની નજીવી મદદ સાથે કારને લગભગ પોતાની રીતે ડ્રાઇવ કરી શકે છે. મુંબઈગરા કરતાં વધુ ભાગમભાગ જિંદગી જીવતા અમેરિકનો એક સમયે ડ્રાઇવ કરતી વખતે એક હાથે સૅન્ડવિચ અને બીજા હાથે સ્ટિયરિંગ વ્હીલ સંભાળતા, પણ હવે તેઓ ટેસ્લાની કારમાં સૅન્ડવિચ સાથે બીજા હાથે કૉફીની સિપ પણ લઈ શકે છે!

બીજી તરફ બીજી ટેક્નૉલૉજી કંપની ગૂગલે પણ ડ્રાઇવરલેસ કાર્સની દિશામાં હરણફાળ ભરી છે. ગૂગલના દાવા મુજબ એ વિશ્વનો સૌથી અનુભવી ડ્રાઇવર તૈયાર કરી રહી છે. ગૂગલની વેમો કંપનીએ ડ્રાઇવરની સીટ પર કોઈ વ્યક્તિની જરૂર જ ન હોય એવી છતાં જીવતાજાગતા માણસ કરતાં વધુ સલામત રીતે ડ્રાઇવિંગ કરી શકે એવી કાર્સ બનાવવાની દિશામાં ખાસ્સી પ્રગતિ કરી લીધી છે. વેમો કંપનીએ કાર્સ ઉપરાંત લૉજિસ્ટિક્સ સર્વિસ આપતી વિશાળ ટ્રક્સને પણ ડ્રાઇવરલેસ બનાવવાની હામ ભીડી છે અને અમેરિકાનાં જુદાં-જુદાં સ્ટેટ્સમાં એનું મોટા પાયે ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે.

આ બધું તો ઠીક, પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે આપણને ક્યારે ઇલેક્ટ્રિક કાર્સ મળશે એવો તમારો સવાલ સ્વાભાવિક છે. એનો જવાબ મેળવવો હોય તો આપણે પહેલાં એ જાણવું પડે કે દુનિયામાં ઇલેક્ટ્રિક કાર્સની સ્થિતિ કેવી છે. એક અંદાજ મુજબ અમેરિકામાં ગયા વર્ષે વેચાયેલાં કુલ વેહિકલ્સમાં ઇલેક્ટિક વેહિકલ્સનું પ્રમાણ ૧.૩ ટકા હતું. ઇલેક્ટ્રિક વેહિકલ્સ સામે અત્યાર સુધી સૌથી મોટો અવરોધ ખુદ ઑટો કંપનીઓ હતી. ઇનોવેટિવ આઇડિયાઝ સ્વીકારવામાં પહેલેથી ધીમી આ કંપનીઓએ પરંપરાગત ઈંધણવાળી કાર્સના મૅન્યુફૅક્ચરિંગ માટે મોટા પાયે રોકાણ કર્યું હોવાથી શરૂઆતમાં તેમને ઇલેક્ટ્રિક વેહિકલ્સ ગતિ પકડે એમાં રસ જ નહોતો. હવે સ્થિતિ બદલાઈ રહી છે. કારના એન્જિનને સામાન્ય ઈંધણમાંથી ઇલેક્ટ્રિક પાવર્ડ બનાવવું હવે મુશ્કેલ રહ્યું નથી. બૅટરીની કિંમત ઘટી રહી છે અને કૅપેસિટી વધી રહી છે.

પરંતુ ભારત જેવા દેશમાં ઇલેક્ટ્રિક કાર્સના મૅન્યુફૅક્ચરિંગ કરતાં પણ મોટો મુદ્દો એના ચાર્જિંગ-સ્ટેશન્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે. પહેલાં મરઘી કે પહેલાં ઇંડું જેવી અત્યારે સ્થિતિ છે! ભારતમાં સરકારે ૨૦૩૦ સુધીમાં તમામ કાર્સને ઇલેક્ટ્રિક-પાવર્ડ બનાવવાનું ધ્યેય રાખ્યું હતું, જે હાલની સ્થિતિ પ્રમાણે અશક્ય લાગે છે. ભારતમાં નિષ્ણાતોના મતે પર્સનલ કાર્સ કરતાં ટૂ-વ્હીલર્સ, રિક્ષા અને બસ વધુ ઝડપથી ઇલેક્ટ્રિક-પાવર્ડ બને એવી શક્યતા છે.

આ પણ વાંચો : ટેક્નૉલૉજી વિકસાવી રહી છે એક આખી નૉલેજેબલ જનરેશન

અલબત્ત, કનેક્ટેડ, ઑટોમેટેડ અને ઇલેક્ટ્રિક વેહિકલ્સની સાથોસાથ એકદમ ઇનોવેટિવ માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ જેમ કે હાઇપરલૂપ્સ પણ ત્યારે ઑટો ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે. આમાં પણ ટેસ્લાના ઍલન મસ્ક અવનવા વિચારો આપીને આખી દુનિયાને તેમની પાછળ દોડતી કરી રહ્યા છે. જેમ ટ્રેન્સ દોડાવવા માટે આખી દુનિયા પાટાનો ઉપયોગ કરે છે એ જ રીતે ઍલન મસ્કે ખાસ પ્રકારના પોડ્સ તરીકે ઓળખાતા કોચ દોડાવવા માટે વૅક્યુમવાળી ટ્યુબ્સનું જાળું બિછાવવાની કલ્પના કરી છે. બીજી તરફ તેમણે ભૂગર્ભમાં આવા પોડ્સ દોડાવવાની પણ મથામણ આદરી છે. અમેરિકાની વર્જિન કંપનીના અબજોપતિ માલિક રિચર્ડ બ્રેસનને મુંબઈ-પુણે વચ્ચે હાઇપરલુપ સિસ્ટમ વિક્સાવવા મહારાષ્ટ્ર સરકાર સાથે કરાર કર્યા છે, જે સાકાર થશે તો કદાચ મુંબઈ-પુણે વચ્ચેનું અંતર પચીસ મિનિટમાં કાપી શકાશે!

columnists