Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ટેક્નૉલૉજી વિકસાવી રહી છે એક આખી નૉલેજેબલ જનરેશન

ટેક્નૉલૉજી વિકસાવી રહી છે એક આખી નૉલેજેબલ જનરેશન

01 March, 2019 06:27 PM IST |
હિમાંશુ કીકાણી

ટેક્નૉલૉજી વિકસાવી રહી છે એક આખી નૉલેજેબલ જનરેશન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમને ટેક્નૉલૉજીનું ભવિષ્ય કેવું લાગે છે? ઊજળું? આશાસ્પદ? આમ તો દેખીતું છે કે પાછલાં ગણતરીનાં વર્ષોમાં ટેક્નૉલૉજીના પ્રતાપે આપણા જીવનમાં જે રીતે ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે એ જોતાં આવનારાં વર્ષો કમસે કમ ટેક્નૉલૉજીની દૃãક્ટએ આપણા માટે જબરદસ્ત આશાભર્યા હશે એ તો નક્કી. છાશવારે વિવિધ પ્રકારની સાઇબર ચોરીઓ અને નવી ટેક્નૉલૉજીની અન્ય આડઅસરોની નકારાત્મકતા વચ્ચે પણ આપણે આશા ટકાવી શકીએ એમ છીએ.

જોકે ટેક્નૉલૉજીનું ભવિષ્ય અને એના પ્રતાપે આપણું ભવિષ્ય ઊજળું કેમ છે? ટેક્નૉલૉજીમાં - અને ટેક્નૉલૉજીથી - એવાં તે કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે?



હવે આપણે ઑફિસમાં બેઠાં-બેઠાં ઘરમાં AC ચાલુ-બંધ કરી શકીએ છીએ. ઘરમાં ટેબલ પર ગોઠવાઈ ગયેલો વર્ચ્ચુઅલ અસિસ્ટન્ટ આપણો પડ્યો બોલ ઝીલીને ગમતું ગીત સંભળાવે છે કે લાઇટ્સ ઑન-ઑફ કે ડીમ કરી આપે છે કે સિલી પ્રશ્નોના ધીરજથી જવાબો આપે છે. રેફ્રિજરેટરમાં મૂકેલી સૉસની બૉટલ ખાલી થવા આવી હોય તો ઑનલાઇન ગ્રોસરી શૉપને આપોઆપ ઑર્ડર પહોંચી જાય એ દિવસો બહુ દૂર નથી. આપણે લાઇનમાં ઊભા રહ્યા વિના, આંગળીના ઇશારે વીજળીનાં બિલ ભરી શકીએ છીએ. દુનિયાના સાત-આઠ ખૂણે બેઠેલા મિત્રો પલકવારમાં ગ્રુપ-કૉન્ફરન્સ કૉલ કરીને બિલની કોઈ ચિંતા વિના દિલ ખોલીને વાતો કરી શકે છે. જોધપુર કે બૅન્ગલોરના રસ્તે કે અમદાવાદની પોળોમાં આપણે કોઈને પૂછ્યા વિના, મૅપ્સના સહારે ધારી જગ્યાએ પહોંચી શકીએ. ગુજરાતી પરિવાર મદુરાઈના પ્રવાસે ગયો હોય તો કાંજીવરમ સાડીના ભાવતાલ માટે વેપારી સાથે, વચ્ચે સ્માર્ટફોનની ટ્રાન્સલેશન ઍપ રાખીને તામિલ-ગુજરાતીમાં સામસામી રકઝક કરી શકે.


આ બધું અત્યારે જ શક્ય બનવા લાગ્યું છે, પણ ટેક્નૉલૉજી પ્રત્યેનો આપણો આશાવાદ ફક્ત આવી જ વાતોમાં છે કે પછી કંઈક બીજું ઊંડાણ પણ આપણે તપાસવા જેવું છે?

ઇન્ટરનેટ અને ઇન્ફર્મેશનની વાત આવે એટલે સૌથી પહેલાં અમેરિકાની સિલિકૉન વૅલી સૅન ફ્રાન્સિસ્કો તરફ આપણી નજર દોડે, પણ આ લખનારના અંગત અભિપ્રાય મુજબ ટેક્નૉલૉજીમાં આશાવાદનાં ખરાં મૂળ તો અમદાવાદના વટવા વિસ્તારના એક ખૂણામાં, એક બહુ સાધારણ આર્થિક સ્થિતિના ઘરમાં પડ્યાં છે.


જોકે એ વાત પછી.

પહેલાં તો નજીકના ભવિષ્યમાં ટેક્નૉલૉજીથી આપણી દુનિયા કેવી બદલાઈ જવાની છે એની વાત કરીએ. દુનિયાની વિકાસરેખા જોઈએ તો એની શરૂઆત ઔદ્યોગિક યુગ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશનથી થઈ. ત્યાર પછી ઇન્ફર્મેશનનો યુગ આવ્યો ને હવે આખી દુનિયા નૉલેજ ઇકૉનૉમી તરફ આગળ વધી રહી છે. એટલે એવી અર્થવ્યવસ્થા જે માત્ર ચીજવસ્તુઓના પ્રોડક્શન પર નહીં, પરંતુ એને સંબંધિત અનેક પ્રકારની ઇન્ફર્મેશનના કલેક્શન, ઍનૅલિસિસ અને ઍપ્લિકેશન પર આધારિત હોય.

એનો પાયો ઇન્ટરનેટથી નખાયો, જેનાથી દુનિયાનાં અનેક કમ્પ્યુટર્સ એકમેક સાથે સંકળાયાં. પછી એમાં વર્લ્ડવાઇડ વેબનું વિરાટ જાળું રચાયું અને ગૂગલ જેવી કંપનીએ આખી દુનિયાની તમામ ઇન્ફર્મેશનને ઑર્ગેનાઇઝ્ડ કરવાનું બીડું ઝડપ્યું. એ પછી મોબાઇલ ડિવાઇસિસ આવ્યાં અને આખી વાતને ખરેખર નવાં ડાઇમેન્શન્સ મળ્યાં. આ બધાને પરિણામે વિરાટ શબ્દ પણ તદ્દન વામણો લાગે એવો ડેટાનો ગંજ ખડકાવા લાગ્યો.

નિષ્ણાતો કહે છે કે પાંચેક વર્ષ પહેલાં જ આપણે કુલ ૪.૪ ઝેટ્ટાબાઇટ ડેટા પેદા કરી લીધો હતો. એક ઝેટ્ટાબાઇટ એટલે અંદાજે એક અબજ ટેરાબાઇટ. એની સામે વિજ્ઞાનીઓ માને છે કે ૨૦૨૫ સુધીમાં આપણે દર વર્ષે, ધ્યાન આપજો દર વર્ષે, ૧૬૦ ઝેટ્ટાબાઇટ ડેટા સર્જવા લાગીશું. બાઇટની ગડમથલમાં પડ્યા વિના સાદી વાત એટલી છે કે ડેટાની સુનામી પર સુનામી આવી રહી છે. આખી દુનિયામાં પથરાયેલી ડેટા સંગ્રહની જે કંઈ સુવિધાઓ છે એ આ સુનામી સામે સાવ પાંગળી સાબિત થાય એમ છે. એટલે હવે માણસ પોતાના DNAમાં ડેટાનો સંગ્રહ કરવાની ગડમથલમાં પડ્યો છે. નિષ્ણાતો કહે છે કે જો જગતમાં અત્યાર સુધી બનેલી તમામ મૂવીઝને DNAમાં સ્ટોર કરવામાં આવે તો એક શુગર ક્યુબ જેટલી જગ્યા રોકે અને પૂરાં ૧૦,૦૦૦ વર્ષ સુધી આ ડેટા ટકે! આ દિશામાં વિજ્ઞાનીઓ બહુ આગળ વધી ગયા છે.

આ આપણા આશાવાદનો પહેલો આધાર છે જેના થકી આપણું ભાવિ ઊજળું થવાની આશા છે. એ ડેટા કેમ સાચવીશું એની ચિંતા કદાચ થોડા સમયમાં જ ઉકેલાઈ જશે.

માણસે બીજી તરફ વધુ ને વધુ ડેટા એકઠો કરીને એના ઉપયોગના જબરદસ્ત રસ્તાઓ પણ શોધી રાખ્યા છે. બિગ ડેટા અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સનો વિચાર આપણા આશાવાદને નવું બળ આપે છે. એમાં વળી મશીન લર્નિંગ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની વાત ઉમેરાઈ.

અમદાવાદની દેવ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી લિમિટેડ કંપનીના ડિરેક્ટર અને ચીફ ટેક્નૉલૉજી ઑફિસર વિશાલ વાસુના મતે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના નવા ટ્રેન્ડ્સ આપણી જિંદગી બદલી રહ્યા છે. માત્ર રોજિંદા કામકાજ કે બિઝનેસની રીત નહીં, આપણી જિંદગી જ બદલાઈ રહી છે. ગણતરીની ક્લિકથી આપણે ઑનલાઇન શૉપિંગ કરીએ છીએ, ઈ-મેઇલ્સ મોકલીએ છીએ, નોકરી શોધી શકીએ છીએ કે રિસર્ચ પ્રોજેક્ટ્સના રિવ્યુ જાણી શકીએ છીએ, ફૂડ કે ફર્નિચર ઑર્ડર કરી શકીએ છીએ. આપણાં ડિવાઇસ આપણી ફિટનેસ મૉનિટર કરે છે તો ટેલિ-મેડિસિન જેવી ટેક્નૉલૉજીથી અંતરિયાળ વિસ્તારોમાં લોકોની સારવાર થઈ શકે છે. આ લિસ્ટ બહુ લાંબું થતું જાય છે. આધુનિક ટેક્નૉલૉજી એની સાથે પરિવર્તન લાવે છે. આધુનિક ટેક્નૉલૉજીનો હેતુ જીવન આસાન બનાવવાનો છે એ વાત પણ સાચી. IOT, વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ્સ, ડીપ લર્નિંગ, કૉગ્નિટિવ કમ્પ્યુટિંગ અને બ્લૉકચેઇન વગેરે એવી કેટલીક ઇમર્જિંગ ટેક્નૉલૉજિસ છે જે આપણા દરવાજે દસ્તક દઈ રહી છે. એની મદદથી ડિજિટલ ઇકૉનૉમીમાં સ્પર્ધાના નવા રસ્તાઓ ખૂલશે. તો શું આપણે ચિંતા કરવા જેવું છે? ના! ફક્ત આપણે ટેક્નૉલૉજી અપનાવી રહ્યા છીએ એવું નથી. ટેક્નૉલૉજી આપણને પણ અનુકૂળ થઈ રહી છે. આજની ટેક્નૉલૉજી એવી નથી કે ફક્ત માણસે જ એને અનુકૂળ થવું પડે, હવે બન્ને વચ્ચે ભાગીદારી ઊભી કરવા પર ભાર છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, રોબોટિક્સ પ્રોસેસ ઑટોમેશન, બ્લૉકચેઇન વગેરે આપણા માટે જોખમ નહીં પણ તક છે. આપણે એનો શક્ય એટલો વધુ લાભ લેવાનો છે.

આ બધાના પ્રતાપે આખી દુનિયાના સાત-આઠ અબજ લોકોમાંના એક તરીકે આપણે સૌ રોજરોજ પોતપોતાની શક્તિ પ્રમાણે બિગ ડેટામાં પોતાનું પ્રદાન આપતા રહીએ છીએ. આપણા સંપર્કો, મિત્રો, તેમની સાથેની આપણી વાતચીત, એમાંથી વ્યક્ત થતા આપણા વિચારો, પસંદ-નાપસંદ, જીવનશૈલી, ખરીદી, આપણી બીમારીઓ... કેટકેટલું જે અગાઉ માત્ર આપણા નાનકડા વર્તુળ પૂરતું સીમિત હતું એ હવે બિગ ડેટાનો ભાગ બની રહ્યું છે. એક માનવમગજ એની ખરેખર અપાર શક્તિ હોવા છતાં આટલા અફાટ અને સતત વિસ્તરતા ડેટામાંથી કોઈ નિષ્કર્ષ તારવતાં થાકી જ જાય. એટલે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના નિષ્ણાતોએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને કામે લગાડી. માનવમગજના ન્યુરૉનની જેમ કામ કરે એવી રીતે હજારો કમ્પ્યુટર્સની શક્તિ એકસાથે કામે લગાડી. સંખ્યાબંધ ઉદાહરણો આપો તો એ એના આધારે પોતાની મેળે ઘણું શીખવા લાગે એવી સિસ્ટમ્સ આપણે ઊભી કરી લીધી છે. ચેસ કરતાં પણ ક્યાંય વધુ જટિલ એવી ચાઇનીઝ ગેમના વર્લ્ડ ચૅમ્પિયનને માણસે જ બનાવેલી કૃત્રિમ બુદ્ધિએ હરાવી દીધો છે.

અત્યારે આપણે પોતે ફોનમાં ગૂગલ ફોટોઝ ઍપનો ઉપયોગ કરતા હોઈએ તો આ AIના અનેક ફાયદા મેળવી શકીએ છીએ. તમે પોતાના ફોટોઝનું કલેક્શન આ ઍપમાં ઠાલવ્યું હોય, પણ કોઈ ફોટોને સંબંધિત માહિતી ઍપને આપી ન હોય તો પણ એની સિસ્ટમ તમારા પરિવારના દરેક સભ્યના ફોટોઝ અલગ તારવી આપે છે. તમે માય ફોટોઝ ઑન બીચ સર્ચ કરો તો એ દરિયાકાંઠાની તસવીરો શોધી આપે છે. તમે કુતુબમિનાર સર્ચ કરો તો તમારા કલેક્શનમાં એનો ફોટો હોય તો એ પણ શોધી આપે. આ કોઈ વિગતો તમે સિસ્ટમને આપી ન હોવા છતાં. એ જ રીતે સાત-આઠ લોકોનો ગ્રુપ-ફોટો લેતી વખતે કોઈ ને કોઈની આંખ મીંચાઈ જાય કે બગાસું આવી જાય એવું બને જ. જો તમે એ ગ્રુપના એકસાથે ચાર-પાંચ ફોટોગ્રાફ લેવાની તકેદારી રાખો તો આ ઍપ એમાંની દરેક વ્યક્તિના ચહેરા પર મજાનું સ્મિત અને હસતી આંખોવાળા ફોટોગ્રાફ્સ એકમેક પર સુપર-ઇમ્પોઝ કરીને એક મજાનો, પર્ફેક્ટ ગ્રુપ-ફોટો બનાવી આપે છે.

આ આપણી રોજિંદી જિંદગીને ટેક્નૉલૉજીથી જરા વધુ ખુશીભરી બનાવવાની વાત થઈ, પણ ખ્ત્ના ઉપયોગ એનાથી ઘણા વધુ વ્યાપક છે. દુનિયાભરના દરદીઓની બીમારીના બિગ ડેટા પરથી કઈ વ્યક્તિને ભવિષ્યમાં ગંભીર બીમારી થવાની શક્યતા છે એની આગાહી હવે ડૉક્ટર કરતાં કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ્સ વધુ સચોટ રીતે કરી શકે છે. ઑપરેશન થિયેટરમાં હવે ડૉક્ટરની સાથોસાથ કમ્પ્યુટર એન્જિનિયર પણ હાજર હોય એવું બનવા લાગ્યું છે, કેમ કે નવા સમયના ડૉક્ટર દરદીના મગજમાં જ ચિપ ફિટ કરીને તેના પૅરૅલાઇઝ્ડ થયેલા હાથના સુકાઈ ગયેલા ચેતાતંત્રને નવેસરથી કૃત્રિમ રીતે જોમવંતું કરી શકે છે.

ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી માટે લેસર ટેક્નૉલૉજી અને રોબોટિક્સની પ્રણેતા તથા મેડ ઇન ઇન્ડિયા સ્ટેન્ટ બનાવતી STPL કંપનીના CEO રાહુલ ગાયવાલા કહે છે, ‘ઇનોવેશન આપણી આસપાસની દુનિયા બદલી નાખે છે, પણ વધુ મહત્વની વાત એ છે કે એ ઇનોવેટરને પોતાને અંદરથી બદલી નાખે છે અને એક જિજ્ઞાસાથી ભર્યું-ભર્યું દિમાગ વિકસાવે છે. લાંબા ગાળે આ વાત આખા સમાજને મદદ કરે છે અને એ ઇનોવેશનને પોતાને પણ આગળ વધારે છે. ટેક્નૉલૉજી પાસેથી આશાનું મૂળ આ જ છે.’

રોબોટિક્સ એક તરફ આપણી નોકરીઓ છીનવી લેશે એવો ભય આપે છે તો બીજી તરફ હોનારતો સમયે રાહતકાર્યમાં કે જ્યાં માનવ માટે કામ કરવું જોખમભર્યું છે એવાં કામ પોતે ઉપાડી લઈને રોબો-હ્યુમન વચ્ચે એક સરસ સંતુલન ઊભું થવાનો આશાવાદ પણ આપે છે. અંગત ઉપયોગ માટે આપણા માથે ઝળૂંબતાં રહીને આપણી ફોટોગ્રાફી કરતા રહે એવાં ડ્રોન્સ વિકસવા લાગ્યાં છે તો બીજી તરફ યુદ્ધમોરચે હવે જીવતાજાગતા સૈનિકોએ જવું જ ન પડે અને ડ્રોનથી જ યુદ્ધો ખેલાશે એવો આશાવાદ જાગ્યો છે.

જોકે વિશ્વ માટે ખરી આશા એ કહેવાય જેમાં યુદ્ધ જ ન હોય. આવું ત્યારે શક્ય બને જ્યારે માણસ પોતાના જ્ઞાન અને સમજ બન્નેની સીમાઓ ધારે એટલી વિસ્તારી શકે.

નવા સમયની ટેક્નૉલૉજી આ જ કરી રહી છે. ઇન્ટરનેટ, સ્માર્ટફોન, વાઇ-ફાઇ, વગેરેને કારણે ગૂગલ જેવી કંપનીએ એણે પોતે સ્વીકારેલા કાર્યમંત્ર મુજબ દુનિયા આખીની માહિતીને એકદમ સુવ્યવસ્થિત સ્વરૂપ આપવામાં બહુ મોટા પાયે સફળતા મેળવી છે.

હવે આ લેખની શરૂઆતમાં લખ્યા મુજબ ટેક્નૉલૉજીમાં આશાવાદનાં મૂળ સિલિકૉન વૅલીમાં નહીં પણ અમદાવાદના વટવાના એક ઘરમાં કેમ દેખાયાં એની વાત કરી લઈએ. એ ઘરમાં રહેતો, ફૂટપાથ પર ગૅરેજ ચલાવતા કારેમેકૅનિકનો એક દીકરો જિમિત જયસ્વાલ માત્ર શીખવાની અનન્ય ધગશ અને ઇન્ટરનેટ-યુટ્યુબ પર ઉપલબ્ધ ફ્રી કોર્સિસ-વિડિયોઝનો લાભ લઈને મશીન લર્નિંગ અને AIમાં ઊંડો ઊતર્યો. ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન પોસાય એમ નહોતું એટલે એ છોકરો અમુક વિસ્તારમાં મળતા ફ્રી વાઇ-ફાઇના હૉટસ્પૉટ્સનો લાભ લઈને ભણ્યો. પછી તો ગૂગલની એક ટીમ આવી અને તેના અભ્યાસસંઘર્ષની ડૉક્યુમેન્ટરી બની. હવે આ વર્ષે મે મહિનામાં સૅન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી ગૂગલ ડેવલપર્સ કૉન્ફરન્સમાં ગૂગલના મહેમાન તરીકે ભાગ લેવા એ છોકરાને ગૂગલનું આમંત્રણ મળ્યું છે. બધો ખર્ચ ગૂગલ ઉઠાવશે!

ટેક્નૉલૉજીની ખરી તાકાત આવનારા સમયની નૉલેજબેઝ્ડ ઇકૉનૉમીને મજબૂત બનાવી શકે એવી એક આખી નૉલેજેબલ જનરેશન ઊભી કરવામાં સમાયેલી છે. ટેક્નૉલૉજીથી એ થઈ રહ્યું છે એટલે જ ટેક્નૉલૉજીમાં આપણી આશા જીવંત છે!

આજની ટેક્નૉલૉજી એવી નથી કે ફક્ત માણસે જ એને અનુકૂળ થવું પડે, હવે બન્ને વચ્ચે ભાગીદારી ઊભી કરવા પર ભાર છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, રોબોટિક્સ પ્રોસેસ ઑટોમેશન, બ્લૉકચેઇન વગેરે આપણા માટે જોખમ નહીં પણ તક છે. આપણે એનો શક્ય એટલો વધુ લાભ લેવાનો છે. - વિશાલ વાસુ, દેવ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી લિમિટેડ કંપનીના ડિરેક્ટર અને ચીફ ટેક્નૉલૉજી ઑફિસર

ઇનોવેશન આપણી આસપાસની દુનિયા બદલી નાખે છે, પણ વધુ મહત્વની વાત એ છે કે એ ઇનોવેટરને પોતાને અંદરથી બદલી નાખે છે અને એક જિજ્ઞાસાથી ભર્યું-ભર્યું દિમાગ વિકસાવે છે. લાંબા ગાળે આ વાત આખા સમાજને મદદ કરે છે અને એ ઇનોવેશનને પોતાને પણ આગળ વધારે છે. ટેક્નૉલૉજી પાસેથી આશાનું મૂળ આ જ છે. - રાહુલ ગાયવાલા, STPL કંપનીના CEO

અમદાવાદના વટવામાં રહેતો, ફૂટપાથ પર ગૅરેજ ચલાવતા કારેમેકૅનિકનો દીકરો જિમિત જયસ્વાલ માત્ર શીખવાની અનન્ય ધગશ અને ઇન્ટરનેટ-યુટ્યુબ પર ઉપલબ્ધ ફ્રી કોર્સિસ-વિડિયોઝનો લાભ લઈને મશીન લર્નિંગ અને AIમાં ઊંડો ઊતર્યો. ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન પોસાય એમ નહોતું એટલે એ છોકરો અમુક વિસ્તારમાં મળતા ફ્રી વાઇ-ફાઇના હૉટસ્પૉટ્સનો લાભ લઈને ભણ્યો. પછી તો ગૂગલની એક ટીમ આવી અને તેના અભ્યાસસંઘર્ષની ડૉક્યુમેન્ટરી બની. હવે આ વર્ષે મે મહિનામાં સૅન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી ગૂગલ ડેવલપર્સ કૉન્ફરન્સમાં ગૂગલના મહેમાન તરીકે ભાગ લેવા જિમિતને ગૂગલનું આમંત્રણ મળ્યું છે. બધો ખર્ચ ગૂગલ ઉઠાવશે!

નૉલેજનો કોઈ ચાર્જ નથી

વિશ્વભરની યુનિવર્સિટીઓએ એક નવી જ ઝુંબેશ ઉપાડી છે - સમગ્ર દુનિયાની ફક્ત માહિતી નહીં, જ્ઞાન સૌને માટે સુલભ કરી આપવાની ઝુંબેશ.

આ પણ વાંચો : xiaomiનો ગેમિંગ સ્માર્ટફોન 'બ્લેક શાર્ક' થશે ભારતમાં લોન્ચ

આપણી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી તેમ જ જગવિખ્યાત મૅસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, બર્કલી, સ્ટેનર્ફોડ, હાર્વર્ડ વગેરે યુનિવર્સિટીના લગભગ તમામ કોર્સનાં તમામ લેક્ચર્સ હવે વિડિયો સ્વરૂપે આખી દુનિયાના દરેક સાચા વિદ્યાર્થીને ઘેરબેઠાં, બિલકુલ મફતમાં ઉપલબ્ધ થવા લાગ્યાં છે. એની સાથોસાથ માસિવ ઓપન ઑનલાઇન કોર્સ નામની એક આખી નવી વ્યવસ્થા ઊભી થઈ છે જેમાં જોડાઈને આપણે આપણી ગતિએ, માત્ર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી નહીં પણ અનેક વિષયોના ઑનલાઇન કોર્સ કરી શકીએ છીએ. આમાંના ઘણા ખરા કોર્સ એવા હોય છે જે પૂરા કર્યાનું સર્ટિફિકેટ તમે મેળવવા માગતા હો (જેના આધારે તમને વાસ્તવિક, સારી યુનિવર્સિટીમાં ઍડ્મિશન કે નોકરીમાં પ્રમોશન મળી શકે) તો તમારી ફી ચૂકવવી પડે, પણ સર્ટિફિકેટ ન જોઈતું હોય તો નૉલેજનો કોઈ ચાર્જ નથી. તમારા માટે એ કોર્સ બિલકુલ ફ્રી હોય!

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2019 06:27 PM IST | | હિમાંશુ કીકાણી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK