હેલ્લારો : આ ફિલ્મને હું 7 સ્ટાર આપું છું

08 November, 2019 12:58 PM IST  |  Mumbai | Jamnadas Majethia

હેલ્લારો : આ ફિલ્મને હું 7 સ્ટાર આપું છું

હેલ્લારો

અત્યારે બુધવારની રાતના સાડાત્રણ વાગ્યા છે.

રાત કહું કે સવાર?

સામાન્ય રીતે જાગો ત્યારે સવાર પડે. સૂર્યોદય થાય ત્યારે. અને જો એવું હોય તો હું આને બુધવારની રાતને બદલે ગુરુવારની સવારના સાડાત્રણ થયા છે એમ કહીશ, કારણ કે ગુજરાતી ફિલ્મોનો સૂર્યોદય થયો છે. હેલ્લારો. આજકાલ આ ગુજરાતી ફિલ્મ વિશે તમે સાંભળી રહ્યા હશો, વાંચ્યું હશે કે એનું ટ્રેલર જોયું હશે. મારાં સદ્ભાગ્ય કે હું અત્યારે આ ફિલ્મ માણી એના દિગ્દર્શકથી લઈને ઘણાબધા કલાકારોને અભિનંદન આપી આભાર વ્યક્ત કરીને ઘરે પાછો આવ્યો છું. મનમાં પ્રસરી ગયેલી સુખદ લાગણીના અનુભવે મારી ઊંઘ ઉડાડી દીધી છે. મારો આજનો લેખ ઑલરેડી લખાઈ ગયો હતો એ પછી પણ મેં મધરાતે ‘મિડ-ડે’માં ફોન કરીને કહ્યું કે અત્યારે હું ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના પ્રીમિયરમાંથી આવ્યો છું અને મારે મારો લેખ બદલવો છે.

હું બહુ જ સ્પષ્‍ટવક્તા છું. જો કોઈ કૃતિ મને ન ગમી હોય અને મને પૂછવામાં આવે તો હું મોઢે જ તેને મારો સાચો અભિપ્રાય આપી દઉં અને જો ગમી હોય તો હું એનાં ચાર મોઢે વખાણ કરું. મારા ઇમોશન્સને, મારી ભાવનાઓને હું રોકું નહીં; એને વહેવા દઉં. વાત મારો લેખ બદલવાની હતી અને એક મોટા બદલાવની છે. ‘હેલ્લારો’ ગુજરાત ફિલ્મ ક્ષેત્રે જ નહીં પણ તમારા જીવનમાં પણ બદલાવ લાવશે. ફિલ્મે પહેલી ફ્રેમથી લઈને છેલ્લી ફ્રેમ સુધી જકડી રાખ્યો મને. મારી પચીસ વર્ષથી વધારેની કરીઅરમાં ઈશ્વરની કૃપાથી ઘણું સારું કામ કર્યું છે. સફળતા, લોકોનો પ્રેમ અને માન-સન્માન મળ્યાં છે; પણ બહુ જૂજ વાર એવી અનુભૂતિ થઈ છે કે જ્યારે આંખોમાં હર્ષનાં આંસુ આવ્યાં હોય, રૂવાંડાં ઊભાં થયાં હોય, રડી પણ પડ્યા હોઈએ, તાળી પણ પાડી હોય, વધાવી લેવાનું મન થયું હોય. આ તમામ અકલ્પનીય સુખદ લાગણીનો એકસાથે અનુભવ, એ સુંદર અનુભૂતિ ‘હેલ્લારો’ જોતી વખતે અનેક વખત થઈ.

ફિલ્મમાં વન્સમોર કે પોઝ ન થાય. ઘણી વાર પૉઝ કરી એ સંવાદને વાગોળું કે વન્સમોર કરી ફરી પાછું જોવાનું મન થાય એવી પળો હતી, પણ સિનેમાના હૉલમાં આ બધું શક્ય નથી.

તમને સૌને ખબર છે કે મારી આ કૉલમમાં ફિલ્મના રિવ્યુ હું નથી આપતો, નથી લખતો. બે વર્ષમાં માત્ર એક જ ફિલ્મ વિશે લખ્યું હતું, ‘ચલ મન જીતવા જઈએ’ અને જો તમે એ જોઈ હશો તો તમે મારા એ સમયે કહેવાયેલા શબ્દો સાથે સહમત થયા હશો. એ જ રીતે ‘હેલ્લારો’ને જોઈને મેં અનુભવેલી લાગણીઓનો તમને પણ અનુભવ થશે.

ગુજરાતીઓને ગરબા ગળથૂથીમાં જ આવે. તમે ‘હેલ્લારો’માં આવતા ગરબાઓ જે સિચુએશનમાં પહેલેથી છેલ્લે સુધી આવે છે એ એવી રીતે માણશો જે તમારા જીવનની આજ સુધીની સૌથી શ્રેષ્ઠ નવરાત્રિ માણી હશે. સીટ પર બેઠાં-બેઠાં તમારું હૈયું ગરબા કરશે. દિલ ખોલીને આનંદ માણજો, તાળી પાડજો. અમે તો પેટ ભરીને પાડી. ‘આવ્યો રે આવ્યો રે અસવાર...’ નામના ગરબે કે પછી ક્લાઇમૅક્સના ગરબા પર તમે ઝૂમી ઊઠશો. ગૅરન્ટી આપું છું તમને. વર્ષો પછી ગુજરાતી ફિલ્મમાં, વર્ષો સુધી હૈયામાં અકબંધ રહે એવા ગરબાઓ ‘હેલ્લારો’માં આવ્યા છે.

આ ફિલ્મના દરેકેદરેક પાસા અદ્ભુત છે. એમાંય ખાસ કરીને ગીતો, સંગીત, નૃત્યનિર્દેશન એટલે કે કોરિયોગ્રાફી, અભિનય, લખાણ, ચિત્રાંકન, લોકેશન અને કલા‍નિર્દેશન, નિર્માણ અને દિગ્દર્શન. આ ફિલ્મને હું સેવન સ્ટાર આપું છું. ફિલ્મોના જે પાંચ (5 સ્ટાર)માંથી અપાતા હોય એવા પાંચ અને બે (ÄÄ) એમને મળેલા નૅશનલ અવૉર્ડ અને એન્સેમ્બલ કાસ્ટના ભેગા કરીને એટલે સેવન સ્ટાર. આમાં અમુક સંવાદોમાં તમારા મોઢેથી ‘વાહ’ અને હૈયેથી ‘આહ’ નીકળી જશે. ‘હેલ્લારો’ એક ઇતિહાસ છે અને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોના જ્યારે પણ ઉલ્લેખ થશે ત્યારે દરેક વખતે અને આજીવન ‘હેલ્લારો’નું નામ લેવાશે. એનું સૌથી મોટું કારણ તો એ જ કે આ ફિલ્મે મનોરંજનની સાથે-સાથે ગુજરાતીઓને સન્માન અપાવ્યું છે. આ ફિલ્મ માટે તમારે રિવ્યુ વાંચવા સુધી રાહ જોવાની જરૂર નથી, કારણ કે આ વર્ષની આ નૅશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ છે. નૅશનલ એટલે દેશમાં બનેલી ગુજરાતી ફિલ્મોમાંથી બેસ્ટ નહીં પણ દેશની બધી ભાષાઓમાં સર્વશ્રેષ્ઠ. હા હા સાહેબ, બધી ભાષાઓમાં સર્વશ્રેષ્‍ઠ ભારતીય ફિલ્મ એટલે ‘હેલ્લારો’. ગુજરાતી ભાષાનું અને દરેક ગુજરાતીનું ગૌરવ. હું કહીશ કે આ ફિલ્મ તમારાં બાળકોને અચૂક દેખાડજો. તેમનું ભવિષ્ય અને તેમનું જીવન તો સુધરશે જ પણ સાથે-સાથે થોડું ગુજરાતી પણ સુધરશે. ફિલ્મમાં ઇંગ્લિશ સબટાઇટલ્સ છે એટલે તે વધારે સારી રીતે સમજી પણ શકશે.

મારે એક વાત ખાસ કહેવી છે, આ ફિલ્મ થિયેટરમાં જઈને માણવી અને એનો પ્રચાર કરવો એ તમારી માતાઓ પ્રત્યેનું ઋણ અદા કર્યા બરાબર રહેશે. મારી આ વાત તમે ફિલ્મ જોશો ત્યારે તમને સમજાશે કે વર્ષો પહેલાં આપણા પરિવારની સ્ત્રીઓ કેવી પરંપરાનો ભોગ બનીને આજ સુધી જીવી છે. જો ‘હેલ્લારો’ને નહીં વધાવીએ તો નુકસાન એમાં આપણું છે. આજે ગુજરાતી રંગભૂમિની વિષયોની વૈવિધ્યતામાં જે અધોગતિ થઈ છે એવી અધોગતિ ગુજરાતી ફિલ્મોમાં તમને જોવા મળશે. એવું ન બને, એવું ક્યારેય ન બને એવી ભાવના સાથે કહું છું કે આપણા માટે, આપણી આવનારી પેઢીને સારું મનોરંજન મળે અને એ પણ ઉચ્ચ કક્ષાનું મનોરંજન આપે એ માટે પણ ‘હેલ્લારો’ને વધાવવી જ રહી. નહીં તો કાયમ બધા કૉમેડીને જ મનોરંજન માનીને જીવન આખું એવી ફિલ્મો વધાવતા રહેશે.

હું પોતે પણ કૉમેડી બનાવવા માટે જાણકાર છું એમ છતાં પણ આવું લખું છું એની પાછળનું કારણ છે. હમણાંનાં નાટકોની અને ટીવી સિરિયલની પરિસ્થિતિ. મારો થિયેટર અને ટીવીનો અનુભવ એવો રહ્યો છે કે લોકો ઘણી વાર સારી કૃતિઓને વધાવવાનું ચૂકી જાય છે. ‘હેલ્લારો’ સાથે એવું ન થાય એનું ધ્યાન રાખજો.

ફિલ્મ ‘હેલ્લારો’ વિશે હું અઢળક લખી શકું એમ છું, વાતો કરી શકું એમ છું; પણ મારી ભાવનાઓમાં વહી જઈને ફિલ્મ વિશે હું કશું કહી દેવા નથી માગતો. હું નથી ઇચ્છતો કે તમે ફિલ્મ જોતા હો ત્યારે તમને એની વાર્તાનો જરાસરખો પણ ખ્યાલ આવી જાય. જોકે સાથોસાથ મારે એ પણ કહેવું છે કે તમે કંઈ પણ પ્રિડિક્ટ કરવા જશો કે તમારા અનુમાન સાથે આગળ વધશો તો એવું કશું બનશે નહીં. સતત કશું નવું, અવનવું બન્યા કરશે અને તમારા મનોરંજનની અપેક્ષા પૂરી થયા કરશે.

‘હેલ્લારો’ વિશે આટલી વાત કરવાનો હેતુ માત્ર એક જ છે કે તમારા અઢી કલાક સુખદ બને અને તમે શ્રેષ્ઠ મનોરંજન મેળવો. મારું કામ જ પ્રેક્ષકોને સારું મનોરંજન આપવાનું છે પછી એનું સર્જન મારા તરફથી થયું હોય કે બીજા કોઈ ઉત્તમ કલાકારો દ્વારા થયું હોય. તમે મારા પ્રેક્ષકો છો, હું નથી ઇચ્છતો કે તમે એક સુંદર કૃતિથી વંચિત રહો, જો એવું બને તો મને બહુ અફસોસ થશે એટલે તમે ‘હેલ્લારો’ જોવા જાઓ અને તમારા સંપર્કના, તમારી આજુબાજુમાં રહેલા દરેક ગુજરાતીને પણ કહો કે તેમણે પણ ‘હેલ્લારો’ જોવી જ રહી. ઘણાને મારો આ ફિલ્મ વિશેનો અભિપ્રાય બહુ જ ભાવુક લાગી શકે, પણ મને મારા પ્રેક્ષકોએ બહુ ઉદાર દિલે આજ સુધી અમારાં સર્જનો માટે વધાવ્યો છે. ‘ખિચડી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘બા, બહૂ ઔર બેબી’થી લઈને ‘ભાખરવડી’ સુધી. જેવી રીતે ભાવુક થઈને પ્રેમ આપ્યો છે એ પ્રેમને લીધે અમે સતત ઇન્સ્પાયર થઈને સારું કામ કરતા રહ્યા છીએ અને એટલે જ કોઈ પણ સારી કૃતિનાં વખાણ કરવામાં ભાવુક થઈ એ પ્રેમને આગળ વધારવો, બીજા કલાકારોને ઇન્સ્પાયર કરવા એ મારી ફરજ છે. મારા પ્રેક્ષકો પ્રત્યેનું મારું ઋણ છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર સત્તા સંગ્રામઃ બીજેપી અને શિવસેના વચ્ચે સહમતી થાય એ મહારાષ્ટ્રીયન માટે જરૂરી

અહીં ફિલ્મ સાથે સંકળાયેલા કોઈ પણ એકના નામે વખાણ નથી લખતો, કારણ કે જો બીજું એક પણ નામ ચૂકી જઈશ તો આ ફિલ્મના કોઈ એક કલાકારને અન્યાય થશે; કારણ કે ‘હેલ્લારો’ની ટીમનો દરેકેદરેક કલાકાર આ અદ્ભુત ટીમવર્ક માટે અભિનંદનને પાત્ર છે. એટલે હૅટ્સ ઑફ ટુ ધ ટીમ હેલ્લારો. અને એક જ વાક્ય પાછું રિપીટ કરુ છું કે આ ફિલ્મને હું સેવન સ્ટાર આપું છું.

JD Majethia columnists dhollywood news