તમારી પ્રકૃતિ કઈ છે?

10 June, 2019 11:01 AM IST  | 

તમારી પ્રકૃતિ કઈ છે?

પ્રતીકાત્મક તસવીર

આયુર્વેદની દ્રષ્ટિએ શરીરમાં રોગ આવવા પાછળનું મુખ્ય કારણ વાત, પિત્ત અને કફનું અસંતુલન છે. દરેક વ્યક્તિની પ્રકૃતિમાં આ ત્રણમાંથી કોઈ એક દોષની પ્રધાનતા હોય છે. વ્યક્તિ પોતાની પ્રકૃતિમાં આવેલી વિકૃતિની જાણીને તેને અનુરૂપ આહારવિહાર રાખીને કુદરતી રીતે જ રોગોથી રક્ષણ મેળવી શકે છે

આયુર્વેદમાં ત્રણ વૃષભસ્કંધો છે. કફ, પિત્ત અને વાત. સામાન્ય રીતે કફ પ્રકૃતિ શ્રેષ્ઠ ગણાય છે. અધ્યાત્મના સાધકો માટે પિત્ત પ્રકૃતિ શ્રેષ્ઠ ગણાય છે. દરેક પ્રકૃતિના પોતાની રીતે પોતાના ગુણદોષ ધર્મ હોય છે અને પ્રત્યેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ જાણે તો તેને ઘણા લાભ થાય છે. દાખલા તરીકે શરીરમાં ક્યાંય પણ દુખે તો સમજવાનું કે વાત પ્રકૃતિ દૂષિત થઈ છે. શરીરમાં ક્યાંય પણ ખંજવાળ આવે તો ‘યત્ર યત્ર કંડુ, તત્ર તત્ર કફ:’ એ ન્યાયે કફ પ્રકૃતિ દૂષિત થઈ છે અને શરીરમાં ક્યાંય પણ બળતરા થાય, છાતીમાં, પેટ કે હાથ-પગ બળે તો સમજવું કે પિત્ત પ્રકૃતિ દૂષિત થઈ છે. સામાન્ય સંજોગોમાં આ ત્રણેય દોષ માટે એની સાથે કેવો વ્યવહાર કરવો એ વાત પણ આયુર્વેદના મહાપુરુષોએ અદ્ભુત રીતે બતાવી છે. શારંગધર સંહિતા નામના અધિકૃત ગ્રંથમાં ઋષિ શારંગધાચાર્યએ આ લક્ષણોને અદ્ભુત રીતે વર્ણવ્યાં છે જેમાંની કેટલીક વાતોની અહીં આપણે ચર્ચા કરીશું.

વાત પ્રકૃતિવાળા માણસનાં લક્ષણ

અલ્પકેશ: કૃશો રુક્ષો વાચાલશ્ર્ચલમાનસ:।
આકાશચારી સ્વપ્નેષુ વાતપ્રકૃતિકો નર: ।।

વાત પ્રકૃતિવાળો મનુષ્ય થોડા વાળવાળો, દૂબળો, કર્કશ અંગવાળો, વ્યર્થ બકવાસ કરનારો, અસ્થિર મનવાળો, સ્વપ્નમાં આકાશમાં ફરનારો અથવા હવાઈ સપનાં સેવનારો હોય છે. વગર વિચાર્યે બોલનારો, અવ્યવસ્થિત, અનિયમિત અને વારંવાર છેકાછેકી કરે, જેના અક્ષરો પણ સારા ન હોય તો તે વાયુ પ્રકૃતિવાળો છે. અક્ષરો પરથી પ્રકૃતિ અને તેનું ભવિષ્ય જાણનારા સાક્ષરો પણ આ દુનિયામાં છે.

વાયુ સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો

વાતે મિત્રવત્ આચરેત એટલે કે વાયુ સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જેવો કૃષ્ણએ સુદામા સાથે કર્યો. જેમને વાયુની પ્રકૃતિ દૂષિત થઈ હોય તેને સ્નેહ આપવો, આલિંગન કરીને માથે હાથ ફેરવો તો વાયુ ઓછો થાય છે એટલું જ નહીં, તેની મુખ્ય ચિકિત્સા સ્નેહન અને સ્વેદન છે. એટલે કે તલનું તેલ, મહાનારાયણ તેલ આદિ દુખાવાની જગ્યા પર લગાવીને શેક કરવામાં આવે તો ઘણો ફાયદો થતો હોય છે. તેલ લગાવવાથી ત્યાં કડક થયેલો વાયુ નરમ થાય છે અને શેક કરવાથી એ ત્યાંથી વિદાય પામે છે. ની-રિપ્લેસમેન્ટ કરાવવાને બદલે પગના ઢીંચણ પર દળેની સૂંઠનો લોટ જેવો પાઉડર ઘસવાથી પણ ઢીંચણના દુ:ખાવામાં ચમત્કારિક ફાયદો થાય છે. સવારે એકથી બે ચમચા દીવેલ સૂંઠ સાથે લઈને એકાદ કલાક પછી નાસ્તો કરવાથી અને સાંજે સૂતી વખતે ત્રણ હરડે ગરમ પાણી સાથે લેવાથી વાયુનું અનુલોમન થાય છે અને વાયુ અટકે નહીં તેથી દુખાવો મટી જાય છે. જેમને વાયુની તકલીફ છે તેવા લોકોએ શિંગ, શિંગતેલ, બ્રેડ, બટર, આથાવાળા આહારો, ઢોસો, ઈડલી, પીત્ઝા અને હોટેલની અન્ય ખાણીપીણી વગેરેનો ત્યાગ કરવો જોઈએ. સૂંઠ, અજમો, તલનું તેલ, દેશી ગાયનું ઘી વગેરે વાપરવું જોઈએ. મગ સિવાયનાં બધાં કઠોળનો ત્યાગ કરવો જોઈએ. ફ્રૂટ્સમાં દાડમ, પપૈયું, ચીકુ સિવાય કંઈ ન ખાવું જોઈએ. સૂકા મેવામાં પણ કિસમિસ, ચારોળી સુપાચ્ય છે. એ સિવાયનો ત્યાગ કરવો જોઈએ. ખાટું, ખારું અને ગળ્યું ખાવાથી વાયુનો નાશ થાય છે.

પિત્ત પ્રકૃતિવાળા માણસનાં લક્ષણ

અકાલે પલિતૈર્વ્યાપ્તૌ ધીમાન્સ્વેદી ચ રોષણ:।
સ્વપ્નેષુ જ્યોતિષાં દ્રષ્ટા પ્તિપ્રકૃતિકો નર:।।

 

અકાળે ધોળા થયેલા વાળવાળો, બુદ્ધિમાન, જેને પરસેવો અધિક થતો હોય, ક્રોધી અને સ્વપ્નમાં તેજસ્વી પદાર્થ - અગ્નિ, વીજળી વગેરે નક્ષત્રો જોનાર. આવા મનુષ્યને પિત્ત પ્રકૃતિવાળો સમજવો.

પિત્ત પ્રકૃતિવાળાના અક્ષર સારા હોય, એક પણ અક્ષર છેકેલો ન હોય, તેની નિયમિતતા અને ચોકસાઈ અભૂતપૂર્વ હોય છે, બીજાની દખલગીરી ગમે નહીં, સુગંધી દ્રવ્યોનો શોખ હોય, ઉત્તમ પ્રકારનાં કપડાં તેને ગમે, અલંકાર ધારણ કરવાનો શોખ હોય, સંગીત અને કલાપ્રિય હોય, શરીર સ્થૂળ ન હોય, આહારમાં મધુર પદાર્થો ગમે, અધ્યાત્મ માટે મહેનત કરે પણ ચીવટ ન રાખી શકે, ચિંતક હોય અને ખૂબ જ વિચારીને કાર્ય કરે.

પિત્તની સાથે જમાઈ જેવો વ્યવહાર કરવો

પિત્તે જામાતૃવૃત્ત આચરેત એટલે કે પિત્તની સાથે જમાઈ જેવો વ્યવહાર કરવો. જેમ જમાઈ આવે અને આપણે તેને દૂધ-ઘી પીવડાવીએ છીએ તેમ તમારો આ રોગ જમાઈ જેવો છે. એથી એને દેશી ગાયનું દૂધ અને ઘી પીવડાવો તો અમાપસમાપ ફાયદો થાય છે. દેશી ગાયનાં દૂધ-ઘીથી ક્યારેય પણ કૉલેસ્ટરોલ વધતું નથી અને હોય તો દૂર થાય છે. એલચીના દાણા સવારે 10 વાગ્યે અને સાંજે 5 વાગ્યે પિત્તના કાળમાં લેવાથી અૅસિડિટીમાં ફાયદો થાય છે. જમ્યા પછી ગળ્યાં આમળાં ઘણાં ગુણકારી છે, જે આજના વિલાયતી દવાના ઝેરને બહાર ફેંકી દે છે. પિત્તનું ઉત્તમ ઔષધ શતાવળ છે. સવારે દેશી ગાયના દૂધમાં થોડું પાણી નાખીને ખડી સાકર સાથે એક ચમચી શતાવળનો પાઉડર ઉકાળવાથી પાણી બળી જાય પછી જે દૂધ રહે એ સવાર સાંજ પીવાથી ત્રણથી છ મહિનામાં પિત્તનો રોગ શાંત થઈ જાય છે. જમ્યા પહેલાં 15-20 મિનિટ પહેલાં અવિપત્તિકર ચૂર્ણ લેવાથી પિત્તમાં ઘણી રાહત થાય છે. તેમને ખાટું, તીખું વગેરે વર્જ્ય છે.

કફ પ્રકૃતિવાળા માણસનાં લક્ષણ

ગમ્ભીરબુદ્ધિ: સ્થૂલાંગ: સ્નિગ્ધકેશો મહાબલ:।
સ્વપ્ને જલાશયાલોકી શ્લેષ્મપ્રકૃતિકો નર:।।

જે મનુષ્ય ગંભીર બુદ્ધિવાળો, સ્થૂળ (ભારે) શરીરવાળો, લીસા વાળવાળો, મહાબળવાન અને સ્વપ્નમાં જળાશય (તળાવો, નદી વગેરે)ને જોનારો હોય તેને કફ પ્રકૃતિવાળો સમજવો.

કફના ગુણદોષનું વર્ણન

કફ: સ્નિગ્ધો ગુર: શ્વેત: પિચ્છિલ: શીતલસ્તયા।
તમોગુણાધિક: સ્વાદુર્વિદગ્ધો લવણો ભવેત્।।

કફ ચીકણો, ભારે, ધોળો, પિચ્છિલ-ગોળ, લોચા જેવો તથા ઠંડો હોય છે. એમાં તમોગુણ અધિક હોય. એ મધુર હોય છે અને વિદગ્ધ એટલે કે વિકૃત બરાબર પાક્યા વગરનો હોય ત્યારે ખારો હોય છે.

કફ શરીરની અંદર સર્વ અંગોમાં સ્થિરતા અને પુષ્ટિ કરે છે. હોજરીમાં રહેલો કફ હોજરીને ભીની રાખે છે એથી એને ક્લેદન કહે છે. મસ્તકમાં રહેલો કફ સર્વ ઇન્દ્રિયોમાં સ્નેહ-સ્નિગ્ધતા પૂરે છે તેથી તેને સ્નેહન કહે છે, ગળામાં રહેલો કફ જીભની વચ્ચે રહી રસોનું જ્ઞાન કરાવે છે તેથી એને રસન કહે છે. હૃદયમાં રહેલો કફ ચેતનાસ્થાનને લાગતા ધક્કાઓને અટકાવે છે તેથી એને અવલંબન કહે છે. (અર્થાત્ એના પર શરીરનો આધાર હોવાથી એને અવલંબન નામ આપ્યું છે) સાંધાઓમાં રહેલા કફ સાંધાઓને પકડી રાખી દૃઢ બનાવે છે તેથી એનું નામ શ્લેષ્મ કફ કહેવાય છે.

કફની સાથે શત્રુ જેવો વ્યવહાર કરો

કફ પ્રકૃતિની વ્યક્તિને કડવો, સ્વભાવમાં તીખો એવો આહાર કરાવવો. એને શ્રમ આપવો, દોડાદોડી કરાવવી, તેની પાસેથી વધારે કામ લેવું.

કફનો પ્રકોપ અને શમન
મધુરસ્નિગ્ધશીતાદિમોજ્યૈર્દિવસનિદ્રયા
મન્દેઽગ્નૌ ચ પ્રભાતે ચ મુક્તમાત્રે તથાશ્રમાત્
શ્લેષ્મા પ્રકોપં યાત્યેમિ: પ્રત્યનીકેશ્ર્ચશામ્યતિ

મધુર, સ્નિગ્ધ અને ઠંડા તેમ જ ભારે, લીસા તથા ચીકણા પદાર્થો ખાવાથી, દિવસે નિદ્રા લેવાથી, મંદાગ્નિમાં ભોજન કરવાથી, પ્રાત:કાળમાં ભોજન કરવાથી અને બેસી રહેવાથી કફનો પ્રકોપ થાય છે. રુક્ષ, ક્ષાર, કષાય, કડવા અને તીખા પદાર્થોના સેવનથી અને વ્યાયામ, ઊલટી, ચાલવું, યુદ્ધ, જાગરણ, તાપ, શિરોવિરેચન તથા વમનથી કફની શાંતિ થાય છે.

દોષની ચિકિત્સા એટલે એ દોષના કારણથી વિપરીત કરણી. એ પ્રમાણેના આહાર-વિહારથી એદોષ શાંત થાય છે. આથી શારંગધરે આમાં આહારવિહાર ફેરવવા સિવાય બીજા કોઈ વાતની ચર્ચા કરી નથી. આ પ્રમાણે ઋતુ અનુસાર અને દોષથી વિરુદ્ધ પ્રકારના આહારવિહાર એ આરોગ્યનો, ચિકિત્સાનો અને વૈદકશાસ્ત્રનો પાયો છે.

આ પણ વાંચો : અઢળક ગુણોનો ખજાનો છે હરડે

કઈ ઋતુમાં કયું પંચકર્મ કરવું

વાયુનો પ્રકોપ વર્ષાઋતુમાં વિશેષ થાય છે અને પંચકર્મમાં આવતી બસ્તિ એનો શ્રેષ્ઠ ઉપાય છે. પિત્ત શરદઋતુમાં વધારે પ્રકોપે છે અને ત્યારે જો વિરેચન આપવામાં આવે તો પિત્તનું શમન થતું હોય છે અને કફ વસંત ઋતુમાં પ્રકોપે છે તેથી વમન એની શ્રેષ્ઠ ચિકિત્સા છે. અનુભવી વૈદ્યરાજો પાસે પોતાની ચિકિત્સા કરાવીને પોતાના શરીરને અનુકૂળ આહાર, વિહાર, નિહાર જો નક્કી કરવામાં આવી જાય તો પ્રાયઃ કરીને માણસ બીમાર નહીં પડે.

health tips columnists